Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

લોકલ ટુ ગ્લોબલ અભિગમ હેઠળ જામનગરનું આઈ.ટી.આર.એ. બન્યું આયુર્વેદનું આરાધનાલય

ડબલ્યુ.એચ.ઓ. દ્વારા વિશ્વનું સૌપ્રથમ અને એકમાત્ર આઉટ પોસ્ટ સ્ટેશન ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસિન સેન્ટર પણ જામનગરમાં

આસો વદ તેરસની ધનતેરસ તરીકે પણ સર્વત્ર ઉજવણી કરવામાં આવે છે સાથે સાથે આ દિવસે આયુર્વેદના આરાધ્ય દેવ શ્રી ભગવાન ધન્વન્તરિ દેવનો પ્રાગટ્ય દિવસ પણ છે અને આ દિવસને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લાં નવ વર્ષથી આયુર્વેદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યો છે. અને આ વર્ષે આયુર્વેદ દિવસની ઉજવણી દેશના સિમાડાઓ વટાવી ૧૦૦ થી વધુ દેશોમાં થઇ રહી છે. ત્યારે આવો જાણીએ આ સંસ્થાનને લોકલ ટુ ગ્લોબલ બનાવવામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને ભૂમિકા કેટલી મહત્ત્વની રહી છે.અને કઈ રીતે આ સંસ્થા વૈશ્વિક સ્તરે મહત્ત્વપૂર્ણ બની છે.

રજવાડાના સમયે શરૂ

થયેલી પદ્ધતિ બની ગ્લોબલ

જામનગર એ આયુર્વેદનું કાશી અને માન્ચેસ્ટર તેમજ ઉદગમ સ્થાન તરીકે વિશ્વ વિખ્યાત બન્યું છે કારણ કે અહીં રજવાડાંના સમયથી થયેલી શરૂઆત આજે વિશ્વભરની પરંપરાગત ચિક્ત્સાનું મહત્ત્વનું કેન્દ્ર બનવા જઇ રહી છે.વર્ષ ૨૦૨૦માં ૧૫ ઓક્ટોબરના રોજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ઈટ્રા) ની સ્થાપના કરવામાં આવી હતી જે સમગ્ર દેશનું સૌપ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન બનવા પામ્યું છે.ચિકિત્સા અને સારવાર માટે અહી ઇટ્રામાં જાણે મહા યજ્ઞ યોજાઇ રહ્યો હોય તેમ ત્રણસો પથારીની સુવિધા સાથેની અદ્યતન એન.એ.બી.એચ.પ્રમાણિત  રાજ્યની એક માત્ર અને સૌપ્રથમ આયુર્વેદ ક્ષેત્રની હોસ્પિટલ કાર્યરત છે જેમાં દૈનિક સરેરાસ ૧,૫૦૦ દર્દીની ઓ.પી.ડી. ચાલે છે. વધુમાં જામનગર શહેર અને જિલ્લામાં સુરક્ષાદળો, જેલ, ગ્રામ્ય વિસ્તાર વગેરે જેવા કુલ આઠ સ્થળોએ પણ ઓ.પી.ડી. સુવિધા કાર્યરત કરવામાં આવી છે.

આઈટીઆરએ (ઈટ્રા) ની સિદ્ધિ

આયુર્વેદ અને શસ્ત્રક્રિયા એ સામાન્ય રીતે લોકો માટે થોડો આશ્ચર્ય પમાડે તેવી વાત છે ત્યારે ઇટ્રામાં ૧૦૦ દિવસના ટૂંકાગાળામાં જ શલ્ય વિભાગ દ્વારા કુલ ૫૨૨ થી વધુ શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી છે. સામાન્ય સમસ્યાથી લઇ વૈશ્વિક મહામારી અને ગંભીર પ્રકારના રોગોની સારવાર માટે અહીં સક્ષમ પ્રયાસો થકી સારા પરિણામો મેળવાઇ રહ્યાં છે. આધુનિક વિજ્ઞાનની કુલ ૬ પ્રકારની એન.એ.બી.એલ.પ્રમાણિત લેબોરેટરી અને અદ્યતન સાધનો અહીં ઉપલબ્ધ છે. યોગ અને નિસર્ગોપચાર માટે અલાયદું કેન્દ્ર અહીં શરૂ કરી લોકોની સ્વાસ્થ્ય સુખાકારી માટે કાર્યરત કરાયું છે જેનો નાગરિકો ભરપૂર લાભ લઈ રહ્યા છે. તાજેતરમાં જ યોગ નેચરોપેથી માટે ૬ ડિ પ્લોમા-પ્રમાણપત્ર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યાં છે. ઇટ્રામાં યોજવામાં આવતા આયુર્વેદ સ્વાસ્થ્ય મેળામાં લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળતો હોય છે જેમાં વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરિક્ષણ અને સારવાર તો આપવામાં આવે જ છે ઉપરાંત નાડિ-શ્રમ  પરિક્ષણની સાથે રોજિંદા જીવનમાં આયુર્વેદ શૈલી અપનાવવાથી શું ફાયદો થાય અને સ્વાસ્થ્ય કેમ સમૃદ્ધ બનાવી શકાય તે માટે વિશાળ ડોમમાં પ્રદર્શન યોજવામાં આવે છે.ગત વર્ષે પણ અહી મિલેટ્સને અનુમોદન આપવા માટે 'સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું.

આયુર્વેદિક અભ્યાસક્રમો

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇ.ટી.આર.એ.) દ્વારા સાત રાષ્ટ્રીય અને આઠ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરી વિશેષ શૈક્ષણિક અને બીન શૈક્ષણિક કાર્યો હાથ ધરાયા છે. આઇ.ટી.આર.એ. ખાતે સમૃદ્ધ અને અતિ અદ્યતન લાયબ્રેરી છે જેમાં ત્રીસ હજારથી વધુ પુસ્તકો અને પાચ હજારથી વધુ હસ્તપ્રતો (મેન્યુસ્ક્રિપ્ટ) ઉપલબ્ધ છે. આ ગ્રંથાલયમાં છેલ્લા છ દાયકામાં થયેલાં તમામ શૈક્ષણિક સંશોધનોને ડિજિટલાઇઝ કરીને વિજાણું સ્વરૂપે ઉપયોગ અર્થે સાચવવામાં આવ્યાં છે.અહીં એનીમલ હાઉસ પણ છે જ્યાં નિયત માપદંડોથી તબીબી અને ઔષધિય સંશોધનો કરવામાં આવે છે.

સંસ્થામાં કુલ ૧૪ શૈક્ષણિક વિભાગોમાં સર્ટિફિકેટથી લઇ પીએચ.ડી. સુધીના કુલ દસ અભ્યાસક્રમો ચાલે છે.અહીં વિવિધ આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમમાં અત્યાર સુધીમાં પચાસથી વધુ દેશોના કુલ ચારસોથી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યો છે.વિશ્વ કક્ષાએ જેનું મહત્વ છે તેવું પીઅર રીવ્યુડ જર્નલ 'આયુ'અહીંથી પ્રકાશિત થાય છે અને આયુર્વેદ તબીબો-સંશોધકો અત્યાર સુધીમાં સાડા પાચ હજારથી વધુ શોધપત્રો મહત્ત્વના અને પ્રમાણિત જર્નલોમાં પ્રકાશિત કરી ચૂક્યાં છે.

આઇ.ટી.આર.એ.માં વન નેશન-વન હેલ્થના મંત્રને ચરિતાર્થ કરવાં આયુર્વેદને આધુનિક અને અન્ય ચિકિત્સા પદ્ધતિ સાથે જોડી નવા આયામો આકાર આપવાની પ્રક્રિયા કાર્યરત છે.

આગામી ભવિષ્યમાં આયુર્વેદ ક્ષેત્રના સિમાડાંઓ વિસ્તરણ કરવાની નેમ સાથે આયુર્વેદ પદ્ધતિની સુપર સ્પેસ્યાલિટી હોસ્પિટલ, આયુર્વેદ અને આયુર્વેદ ફાર્માસિ અભ્યાસક્રમોમાં અત્યાધુનિક પદ્ધતિ અને આધુનિક વિજ્ઞાન સાથે સમન્વય કરી સંશોધન અને સારવારની પદ્ધતિ વિકસાવવા માટે કમર કસવામાં આવી રહી છે.

આયુર્વેદ ક્ષેત્ર માટે પ્રથમેશઃ જામનગર

વર્ષ ૧૯૪૪ માં રાજવી જામ પરિવાર દ્વારા આયુર્વેદ ચિકિત્સા માટે કેન્દ્ર સ્થપાયું ત્યાર બાદ વર્ષ ૧૯૪૬માં સૌપ્રથમ ગુલાબકુંવરબા આયુર્વેદ સંસ્થાની સ્થાપના થઇ અને/આઝાદી બાદ વર્ષ ૧૯૪૭માં આયુર્વેદ માટે આધુનિક સંશોધન કેન્દ્ર સ્થપાયું, વર્ષ ૧૯૫૪માં સી.આઇ.આર. આઇ.એસ.એમ. સૌપ્રથમ કેન્દ્રિય સંશોધન કેન્દ્ર પણ અહીં સ્થપાયું, વર્ષ ૧૯૫૬માં સૌપ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણ સંસ્થાન પણ જામનગરમાં સ્થપાયું, વર્ષ ૧૯૬૭માં અહીં વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ વિશ્વવિદ્યાલય શરૂ કરવામાં આવી, આયુર્વેદ ક્ષેત્રનું સૌપ્રથમ ડબલ્યુ.એચ.ઓ.નું કોલોબ્રેટિવ સેન્ટર પણ અહીં જ સ્થપાયું, વર્ષ ૨૦૨૦માં દેશની સૌપ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય મહત્ત્વનો  દરજ્જો ધરાવતી સંસ્થા આઇ.ટી.આર.એ. પણ અહીં સ્થપાઇ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ડબલ્યુ.એચ.ઓ. દ્વારા વિશ્વનું સૌપ્રથમ અને એક માત્ર આઉટ પોસ્ટ સ્ટેશન 'ગ્લોબલ ટ્રેડિશલ મેડિસિન સેન્ટર' (જી.ટી.એમ.સી.) પણ જામનગરને ફાળે આવ્યું છે.

ફ્લાઈંગ વૈદ્યને આયુર્વેદના વિકાસનું સોંપાયું સુકાન

છેલ્લાં બે દાયકામાં આયુર્વેદને વિશ્વ કક્ષાએ અભૂતપૂર્વ મહત્ત્વ મળી રહ્યું છે અને કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં તેને મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ત્યારે તેના વિકાસ માટે સરકાર સખત અને સતત પ્રયત્નો કરી રહી છે તેમાં ભારત સરકારના આયુષ વિભાગના સચિવ તરીકે પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચાને સુકાન સોપવામાં આવ્યું છે જેઓને વડાપ્રધાન મોદીજી 'ફ્લાઇંગ વૈદ્ય' તરીકે નવાજે છે. કારણ કે તેઓએ વિશ્વના ત્રણ ડઝનથી વધુ દેશોમાં આયુર્વેદનો પ્રચાર-પ્રસાર કરી તેનું ફલક વિસ્તાર્યું છે. તેઓ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ કાર્ય કરી ચૂક્યાં છે. હાલ આઇ.ટી.આર.એ.ના પ્રભારી નિયામક પ્રૉ. બી.જે. પાટગીરી દ્વારા આયુર્વેદ જામનગરના આયુર્વેદ ક્ષેત્રને શિક્ષણ અને સંશોધનની બાબતમાં ઉત્તમોતમ બનાવવા માટે પ્રયત્નશીલ છે.

વિરેન્દ્રસિંહ પરમાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial