કરમ કિયે જા ફલ કી ઈચ્છા મત કરના ઈન્સાન
ભગવાન શ્રીકૃષ્ણે ગીતાજીમાં કર્મનું મહત્ત્વ સમજાવ્યું છે, તેના પર ઘણું લખાયું છે. ઘણી ફિલ્મો બની છે, અઢળક સાહિત્ય લખાયું છે અને આ વિષય પર ચર્ચાઓ તો માનવ સભ્યતા જિવંત રહે ત્યાં સુધી થતી રહેવાની છે. કર્મનો આ સિદ્ધાંત એવું કહે છે કે માનવી જેવું કર્મ કરે છે, તેવું તેને ફળ મળે છે. માનવીનું જીવન 'કાંઈક કરવું છે' અને 'કાંઈ નથી કરવું' એ બે પ્રકારની માનસિક્તાઓ વચ્ચે ફંગોળાતું રહે છે. માનવી દરરોજ સવારે ઊઠીને રાત્રે ઊંઘી જાય, તે દરમિયાન પોતાની દિનચર્યા ઉપરાંત કાંઈક ને કાંઈક નવું કામ પણ કરતો હોય છે. 'કાંઈક કરવું' એ હકારાત્મક માનસિક્તા છે અને 'કાંઈ નથી કરવું' એ નકારાત્મક માનસિક્તા છે. 'કાંઈક કરવું છે' એવી વિચારધારા ધરાવતા લોકો ઝડપભેર પોતાના લક્ષ્યો સિદ્ધ કરતા હોય છે, અને 'કાંઈ નથી કરવું' એવી વિચારધારા ધરાવતા લોકોના તો કોઈ ગોલ્સ (લક્ષ્યો) જ હોતા નથી, તેથી પોતાની જરૂરિયાતો સંતોષવા શોર્ટકટ્સ કે આડાઅવળા માર્ગે ફાંફા મારતા રહે છે.
કર્મણ્યે વાધિકારતે...
'કર્મણ્યે વાધિકારસ્તે, મા ફલેષુ કદાચન'થી શરૂ થતો ગીતાજીનો શ્લોક એવું સૂચવે છે કે માત્ર કર્મ પર જ તમારો અધિકાર છે, પરંતુ કર્મફળ પર તમારો અધિકાર નથી. કર્મના ફળને તમારો ઉદ્દેશ્ય ન બનાવો, અને 'અકર્મ' (નિષ્કર્મ) માં પણ તમારી આસક્તિ ન હોવી જોઈએ.
આ શ્લોમાંથી જ 'કાંઈક કરવું છે' અને 'કાંઈ જ નથી કરવું'ની વિરોધાભાસી વિચારધારાઓને લઈને ઉપદેશ મળે છે અને આ શ્લોકના ભાવાર્થને અનુરૂપ જ એ હિન્દી ગીતની પંક્તિ પ્રચલિત બની હશે, જેમાં આ જ પ્રકારનો ઉપદેશ પ્રગટે છે.
કરમ કિયે જા ફલ કી ઈચ્છા
મત કરના ઈન્શાન...
જૈસે કરમ કરેગા વૈસે,
ફલ દેગા ભગવાન...
યહ હેં ગીતા કા જ્ઞાન...
યહ હૈ ગીતા કા જ્ઞાન...
આ પંક્તિઓ ઘણી જ પ્રચલિત છે, જે લતા મંગેશ્કર અને મુકેશના કંઠે ગવાઈ છે. વર્ષ ૧૯૭પ માં રિલિઝ થયેલી 'સંન્યાસી' હિન્દી ફિલ્મ માટે ગવાયેલા આ ગીત વિશ્વેશ્વર શર્માની રચના હતી અને તેને સુમધૂર સંગીત શંકર જયકિશને આપ્યું હતું.
આ ગીતમાં જ કર્મફળના ઘણાં દૃષ્ટાંતો આપ્યા છે. આ ગીતની બીજી પંક્તિમાં ગવાયું છે કે,
ઈસ પ્રાણી કા કસ્ટ, દૂર કરો મહારાજ
યહ કૌન હૈ દેવી, ક્યા કસ્ટ હે ઈસે...
રૂપચંદ હૈ રેશમ વાલા, કપડે કા વ્યાપારી,
બીસ બરસ તક સાથ મેં રહકર,
ભાગ ગઈ ઈસકી નારી...
ઔર અગર વો સાથ મેં રહતી,
મર જાતી બેચારી...
પતિદેવ કે મન ભાઈથી, બાલા એક કુંવારી,
પતિ બના પત્ની કા દુશ્મન, સંકટમેં થી જાન...
જૈસા કરમ કરેગા વૈસા ફલ દેગા ભગવાન,
યે હૈ ગીતા કા જ્ઞાન... યે હૈ ગીતા કા જ્ઞાન.
આ પંક્તિઓમાં એક કપડાના વેપારીની પત્ની વીસ વર્ષ સાથે રહ્યા પછી ભાગી ગઈ, અને તેનું કારણ તેના પતિને એક કન્યા સાથે પ્રેમ થઈ જતા ઊભી થયેલી સ્થિતિ હતી. જો તે ભાગી ન ગઈ હોય, તો તેના પર જીવનું જોખમ હતું. તે પ્રકારની કાવ્યપંક્તિ પછીની તમામ પંક્તિઓમાં આ ટ્રાયંગલ લવ સ્ટોરીનું વિવરણ અને તેનો અંજામ વર્ણવાયો છે.
આ લાંબી કવિતાને અદ્ભુત રીતે હિન્દી પદ્યમાં કંડારીને હિન્દી ફિલ્મ ગીતના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવી છે, અને તેના માધ્યમથી 'કર્મનો સિદ્ધાંત' અથવા 'કરો તેવું પામો', 'વાવો તેવું લણો' કે 'અન્ન તેવો ઓડકાર'નો મર્મ સમજાવાયો છે.
આ કન્યાના માસુમ-ભોળા ચહેરાની પાછળ દુઃખ, અને ઉદાસિનતા છવાયેલા છે. એક સમયે કોઈની રાજદુલારી હતી, તે હવે કોઈની દાસી બની ગઈ છે. આંખમાંથી આંસુઓની ધારા વહી રહી છે, છતાં મનોમન તે પ્યાસી છે, અને અરમાનોથી ભરેલી છે. તે વારંવાર ગંગાજળથી પોતાના કાન પર અરમાનોની અંજલિ ચડાવે છે, તેવા મતલબની પંક્તિમાં મજબૂર પત્નીની વેદના વર્ણાવાઈ છે.
ગુરુદેવને ઉદ્દેશીને ગવાયેલી આ પંક્તિઓમાં કંસ જેવા મામા અને દુર્યોધન જેવા ભાઈની ચાલબાજીઓનું વર્ણન છે અને ફિલ્મના કથાવસ્તુને અનુરૂપ કહેવાયું છે કે કળિયુગમાં પણ કોઈને કોઈ કૃષ્ણ આવીને કંસનું અભિમાન તોડશે. તે પછીની પંક્તિમાં ભોળી જનતાને સાધુના વેશમાં આવેલા ઢોંગીબાબાનું વર્ણન છે અને આ પ્રકારના ઢોંગીબાબાઓ જ સાધુ-સંતો તથા ઋષિમુનિઓને બદનામ કરતા હોવાનો ઉલ્લેખ છે. આ પંક્તિમાં તો એ મહાપાપી દિવસના સમયે ચોરી-લૂંટ કરાવે અને રાતના સમયે હત્યા કરાવે, તેનું ક્યારેય કલ્યાણ ન થઈ શકે, તેવો સંદેશ છે.
ટૂંકમાં આ ફિલ્મ ગીતના માધ્યમથી મહિલાઓ પર અત્યાચાર કરતા પતિદેવો, મહિલાઓ સાથે ચાલબાજી રમતા આપ્તજનો કે આપ્તજનના સ્વરૂપમાં ઢોંગીઓ તથા લોકોને છેતરતા ઢોંગીબાબાઓ, દિવસ-રાત ગુન્હાઓ તથા પાપો કરતા ધૂતારાઓનું વર્ણન કરીને એમ કહેવામાં આવ્યું છે કે આ બધાને તેના કર્મનું માઠુ ફળ ઈશ્વર આપશે, જે જેવું કર્મ કરે છે, તેને તેવું ફળ મળે છે. સત્કાર્યો કરનારને સારૂ ફળ મળે છે, અને દુષ્ટોને દંડ પણ મળે છે, તે પ્રકારનો સંદેશ આ પંક્તિઓમાંથી નીકળે છે.
આ ફિલ્મ ગીતની પ્રારંભિક પંક્તિઓમાં જ કહેવાયું છેકે કર્મ કરવાનું તારા હાથમાં છે, ફળ આપવાનું કામ ઈશ્વર, કુદરત કે સર્જનહારનું છે. તું કર્મ એટલા માટે ન કર, કે તેથી તને ચોક્કસ ફળ મળશે. તું બસ કર્મ કર, ફળની ચિંતા કે ખેવના ન કર...
સંન્યાસી ફિલ્મ-૧૯૭પ
નિર્માતા સોહનલાલ કંવર દ્વારા નિર્દેશિત 'સંન્યાસી' આ ફિલ્મમાં મનોજકુમાર અને હેમામાલીનીએ મુખ્ય પાત્રો તરીકે અભિયન આપ્યો છે. આ ફિલ્મની પટકથા રામ કેલકરે લખી છે. પ્રેમ ચોપડા અને પ્રેમનાથે પણ કહાનીને અનુરૂપ અભિનય કર્યો છે. ફિલ્મમાં મનોજકુમારનું નામ રામ છે, જેની માતા રેણુકાદેવી તરીકે સુલાચના દેવીએ અભિનય કર્યો છે. હેમામલિનીનું આ ફિલ્મમાં નામ આરતી છે.
આ ફિલ્મની કથાવાર્તા સંક્ષિપ્તમાં જોઈએ તો ખૂબ જ ગંદા અને અનૈતિક, અયોગ્ય કામો કરનાર સદ્ગત પતિની વિધવા રેણુકા દેવીનો પુત્ર રામ (મનોજકુમાર) છે. રામ પણ તેના પિતાની જેમ દુરાચારી ન બની જાય, તે માટે તેના દાદા તેને નાનપણથી જ શ્રીમદ્ ભગવદ્ ગીતા સહિતના સકારાત્મક સંસ્કારો આપે છે. તે કારણે પહેલેથી જ વૈરાગ્યની ભાવના આવી જતા રામ લગ્ન કરવાનો ઈન્કાર કરે છે, અને આજીવન બ્રહ્મચારી રહેવાનું નક્કી કરે છે.
એ દરમિયાન કહાનીમાં ટ્વિસ્ટ (વળાંક) આવે છે. રામના દાદાનું નિધન થઈ જાય છે અને તેની અંતિમ ઈચ્છા પૂરી કરવા માતા રેણુકા પુત્ર રામને સમજાવે છે. જેથી તે રામનો પરિચય આપતી (હેમામાલિની) સાથે કરાવે છે. તે દરમિયાન વિદેશથી રામનો ભાઈ રાકેશ અને માતા ગોપીનાથ પરત આવે છે. અહીંથી સ્ટોરીમાં બીજો વળાંક આવે છે. આ બન્ને પાત્રો આરતીના સ્થાને ચંપાને ગોઠવીને રેણુકા પાસે તમામ સંપત્તિ લખાવી લેવાનો કારસો રચે છે.
તે પછીની આખી કહાની ઘણી જ કરૂણ અને રોચક છે. દુરાચારી ઢોંગીઓ કેવી રીતે પોતાની જાળમાં ફસાવીને લોકોની સંપત્તિ પડાવી લેવાના ષડ્યંત્રો કરતા રહ્યા છે. તેની આ કહાની વર્ણવતી આ ફિલ્મ ઘણી જ પ્રેરક અને બૌધક છે. આ ફિલ્મને પ૦ વર્ષ થવા આવ્યા, છતાં આજે પણ એટલી જ પ્રસ્તુત છે. દાયકાઓ વિત્યા પછી પણ સ્થિતિ બદલી નથી અને કપટીઓ, કાવતરાખોરો તથા ઢોંગીઓ ભલાભોળા લોકોને પોતાની માયાજાળમાં ફસાઈને કેવા કેવા ખેલ રચે છે, અને રેણુકા જેવી માતાને પુત્રવધૂના રૂપમાં આવેલી ચંપાઓ કેટલી હદે અપમાનિત કરે છે, તેની વાસ્તવિક્તા સમી આ કહાની આજે પણ બદલી નથી. આજે ભલે ઈન્ટરનેટ યુગ કે અંતરીક્ષ સુધી આપણે પહોંચ્યા હોઈએ, પરંતુ અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા કે અતિશય ભોળપણનો ફાયદો ઊઠાવનારાઓ આજે પણ પોતાના ષડ્યંત્રોમાં સફળ થતા રહે છે, તે હકીકત જ છે ને?
અર્જુન સંન્યાસી-ર૦રર-ર૩
તે પછી વર્ષ ર૦રર-ર૩ માં પણ એક અર્જુન સંન્યાસી નામની ફિલ્મ પ્રચલિત થઈ હતી, જેમાં એક નિમ્ન મધ્યમ વર્ગિય રિક્ષાવાળાની સ્ટોરી છે, જે નવવિવાહિત છે અને પરિવાર સાથે નાના સરખા ઘરમાં રહેતો હોવાથી પોતાનું લગ્ન જીવન માણી શકતો નથી. આ ફિલ્મ પ્રવર્તમાન સ્થિતિનું દર્પણ ગણાય છે.
ફિલ્મો એટલે સમાજનું દર્પણ?
જુના જમાનામાં ફિલ્મોને સમાજનું દર્પણ માનવામાં આવતી હતી અને ફિલ્મની કથા-વાર્તાઓ સાંપ્રત સમસ્યાઓ, સાંપ્રત સ્થિતિ તથા પ્રવર્તમાન સમાજજીવનમાંથી પ્રગટતી હતી. આજે પણ ઘણી ફિલ્મોમાં આજના યુગનું સમાજજીવન, સમસ્યાઓ તથા સ્થિતિ પ્રતિબિંબિત થાય છે, જો કે હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આધુનિક યુગમાં અત્યારની ઉગતી પેઢી તો ફિલ્મો, સિરિયલો અને મીડિયા-સોશ્યલ મીડિયા દ્વારા પીરસાતી ઝાકઝમાળને અનુસરવા લાગી છે, જેની આડમાં મોટુ 'માર્કેટીંગ' છૂપાયેલું છે.
'ભગવદ્ ગીતા' ફિલ્મ
શ્રીમદ્ ભગવદ્ ગીતા પર સંસ્કૃત ભાષામાં એક ડ્રામા ફિલ્મ ૧૯૯૩ માં બની હતી. ટી. સુબ્બારામી રેડ્ડી અને જી.વી. અય્યરે પ્રસ્તુત કરેલી આ ફિલ્મના કેટલાક સંવાદો તામિલ અને તેલુગુ ભાષામાં પણ કંડારાયા છે.
શ્રીમદ્ ભાગવત પર લોક-સાહિત્ય
શ્રીમદ્ ભાગવત અંગે ઢગલાંબધ સાહિત્ય લખાયું છે, અને લોક-સાહિત્ય પણ કર્ણોપકર્ણ અને પરંપરાગત રીતે ગવાતું રહ્યું છે. શ્રીમદ્ ભાગવતની જેમ શ્રીમદ્ ભગવદ્ ગીતા પર પણ અનેક ભાસ્યો, વિવરણો, ગ્રન્થો, પુસ્તકો, ગદ્ય-પદ્ય ત+થા લોક-સાહિત્યના માધ્યમથી પ્રચલિત થયા છે.
કાંઈક તો કરો!...
કાંઈ નહીં કરવાની નેગેટિવિટી છોડીને કાંઈક કરવાની પોઝિટિવિટી અપનાવવી જોઈએ, જો કે કેટલીક બાબતોમાં 'કાંઈ ન કરવા'ની ફિલોસોફી જ લાગુ પડે છે, અને તેમાં કાંઈપણ ન કરવામાં ભલાઈ હોય છે, તેની ચર્ચા ફરી ક્યારેક કરીશું, પરંતુ સારૂ જીવન જીવીને સુખી-સમૃદ્ધ થવા માટે કાંઈક તો કરો... ડુ સમથીંગ...
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial