Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દેશમાં રાજકીય શતરંજ વચ્ચે ભેળસેળનો ગુજરાતમાં પગપેસારો.. નીતિનભાઈ ઉવાચ..., જનતા જાગે...

નોરતા પૂરા થઈ ગયા, અને રાવણનું દહ્ન થઈ ગયું છતાં આ વર્ષે હજુ વરસાદ વરસી જ રહ્યો છે અને નવી નવી આગાહીઓ થતી રહે છે, તેથી એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે આ વર્ષે વરસાદ દિવાળી સુધી વરસતો જ રહેશે તે શું?

તેવી જ રીતે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીઓ સંપન્ન થઈ ગઈ, પરિણામો આવી ગયા, નવી સરકારો રચાવા જઈ રહી છે, છતાં દેશમાં રાજનીતિના રંગ વધુને વધુ ઘેરા બનતા જાય છે, અને શેરબજારની જેમ રાજકીય પક્ષોની લોકપ્રિયતામાં પણ અનિશ્ચિતતાઓનો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, ત્યારે સવાલ એ ઊઠે છે આપણા દેશમાં કાયમી ધોરણે કોઈને કોઈ ચૂંટણીઓમાં અનિશ્ચિતતાઓનો નાદ્ ગૂંજતો જ રહેવાનો છે કે શું?

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પૂરી થયા પછી હવે રાજકીય પક્ષોની નજર મહારાષ્ટ્ર પર મંડાયેલી છે. આ રાજ્યમાં ઈન્ડિયા ગઠબંધનના પ્રાદેશિક સ્વરૂપ સમાન મહાવિકાસ અઘાડી અને એનડીએના મીની એલાયન્સ સમી મહાયુતિ વચ્ચે મુખ્ય મુકાબલો થવાનો છે. મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) મુખ્ય પક્ષો છે, જ્યારે મહાયુતિમાં ભાજપ, એનસીપી (અજીત પવાર) અને એકનાથ શિંદેની શિવસેના એ ત્રણ મુખ્ય પક્ષો છે.

કમાલની વાત એ છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીને તોડીને તેના બળવાખોર નેતાઓ સાથે ભારતીય જનતા પક્ષે મહાયુતિ બનાવી છે અને તેની જ સરકાર ત્યાં ચાલી રહી છે. એટલું જ નહીં, સંખ્યાબળના આધારે ચૂંટણી પંચે પણ શિવસેના તથા એનસીપીના મૂળ સ્વરૂપે આ જુથોને માન્યતા આપી છે, એટલે કે તે શિવસેના તથા એનસીપીને અસલ પક્ષો ગણાવ્યા છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે તથા શરદ પવારના જુથોને અલગ ચૂંટણી પ્રતીકો અપાયા છે. આ કારણે અહીં થનારો બહુકોણીય મુકાબલો ઘણો જ રસપ્રદ અને દરેક પક્ષો માટે પડકારરૂપ રહેવાનો છે.

પહેલા તો એવું લાગતું હતું કે, મહારાષ્ટ્રમાં ભાજપની લોકપ્રિયતા ઘટી છે અને એનડીએને ફટકાઓ પડ્યા પછી મીની એનડીએ એટલે કે મહાયુતિના જુથો બેકફૂટ પર છે, પરંતુ હરિયાણાના ચોંકાવનારા પરિણામો પછી હવે બન્ને તરફના જુથો વધુ સતર્ક થઈ ગયા છે અને કોઈ જોખમ લેવા માંગતા નથી, તેથી મહારાષ્ટ્રમાં ભાજપના ટોપ ટુ બોટમ નેતાઓ એડીચોટીનું જોર લગાવીને ચૂંટણીની આગામી રણનીતિ ઘડી રહ્યા છે, જ્યારે સાથીદાર પક્ષો સાથે બાખડી પણ રહ્યા છે. બીજી તરફ અઘાડીમાં અત્યારે તો એક્તા જણાઈ રહી છે.

એવું કહેવાય છે કે, અજીત પવારનો મહાયુતિમાં સમાવેશ થયા પછી આરએસએસની રાજકીય શાખામાં નારાજગી પ્રવર્તી રહી છે અને સંઘની ટોચની નેતાગીરી પણ ભાજપની આ ગોઠવણ સાથે સંપૂર્ણપણે સંમત હોય તેમ જણાતું નથી. આ કારણે મહાયુતિને જો સંઘનો સક્રિય ટેકો નહીં મળે તો ઉત્તરપ્રદેશવાળી થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહે છે. આ કારણે જ દબાયેલા સ્વરે અજીત પવાર પણ કાંઈક નવાજુની કરવાના મૂડમાં હોવાની કાનાફૂસી થતી રહે છે. બીજી તરફ પીઢ રાજનેતા બાબા-સિદ્દીકીની હત્યાને લઈને મહાયુતિ સરકારની કોંગ્રેસ તથા અઘાડીએ ઘેરાબંધી કરી છે.

મહારાષ્ટ્રમાં ગુજરાતની રાજનીતિનો પ્રભાવ પહેલેથી જ રહેતો આવ્યો છે. મુંબઈમાં વસવાટ કરતો મોટો ગુજરાતી સમાજ પણ મહારાષ્ટ્રની રાજનીતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરતો રહ્યો છે. ગુજરાતમાં દાયકાઓથી ભારતીય જનતા પક્ષનું શાસન છે, પરંતુ મહારાષ્ટ્રમાં રાજકીય સમિકરણો હંમેશાં બદલાતા રહ્યા છે, તેનું કારણ એ છે કે ગુજરાતમાં વર્ષ ૧૯૭૪ માં જનતા મોરચાની પ્રથમ બિનકોંગ્રેસની સરકાર રચાયા પછી આજે ખૂબ જ મજબૂત થયેલા ભારતીય જનતા પક્ષ અને આઝાદી કાળથી દિગ્ગજ નેતાઓનો વારસો જાળવી રહેલો દાયકાઓ (ઓવરસેન્ચ્યુરી) થી ઊંડા મૂળિયા ધરાવતો કોંગ્રેસ પક્ષ જ મુખ્ય સ્પર્ધકો રહ્યા છે, જ્યારે જ્યારે ત્રીજા પક્ષની રચના કરવાની કોશિશ થઈ ત્યારે ત્યારે તે પક્ષોને કાં તો સફળતા જ મળી નહીં, અથવા અડધી-અધુરી સફળતા મેળવ્યા પછી અન્ય પક્ષમાં વિલિન થઈ જવાનો વારો આવ્યો, અથવા તેને જનસમર્થન ખૂબ જ ઓછું મળતા હાંસિયામાં ધકેલાઈ ગયા. આ કારણે ગુજરાતમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહ્યો છે, જો કે ગત્ વિધાનસભામાં વિધાનસભાની કેટલીક બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચૂંટાયા હતાં, જેમાં હાલારનો પણ સમાવેશ થાય છે.

હમણાંથી ગુજરાત સરકારના વિભાગો દ્વારા વિશેષ ઝુંબેશો, અભિયાનો તથા ડ્રાઈવ્સ ચાલી રહ્યા છે. તેમાં ફૂડ સેફ્ટીના મુદ્દે ચાલતા અભિયાનનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભેળસેળના મુદ્દે કાંઈક એવું કહીં દીધું કે જેથી ભાજપમાં હલચલ મચી ગઈ અને પોલિટિક્સમાં આ મુદ્દે સુનામી આવી ગઈ હોય તેવા પ્રત્યાઘાતો પડવા લાગ્યા.

નીતિન પટેલે એવું કહ્યું હોવાની ચર્ચા છે કે એક હજારમાંથી ૬૦૦ ઓઈલમીલોમાં ખાદ્યતેલોમાં ભેળસેળ થતી હોય, અને ખોળમાં પણ ભેળસેળ થતી હોય ત્યારે કડક કદમ ઊઠાવવા જોઈએ. આ મુદ્દે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશન તથા ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એસોસિએશનના વર્તુળોમાંથી પણ વિવિધ પ્રત્યાઘાતો પડઘાયા છે.

હવે જ્યારે ભાજપના દિગ્ગજ નેતા જ ૬૦ ટકા જેટલી ભેળસેળનો આક્ષેપ કરતા હોય, ત્યારે 'રાજનીતિ કરે છે' તેવા રટણનો છેદ જ ઊડી જાય ને? આમ પણ ભેળસેળ પણ ભ્રષ્ટાચારનો જ એક પ્રકાર છે અને તેનો પગપેસારો હવે 'ઉચ્ચ' કક્ષાઓ સુધી પહોંચ્યો છે, ત્યારે હવે વ્યાપક જનજાગૃતિ જરૂરી છે, તેમ નાથી લાગતું?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial