Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ફૂડ સેફ્ટી પખવાડિયું... ફલશ્રુતિ? 'સલામત ખોરાક... સ્વસ્થ ગુજરાત' વધુ એક સરકારી નારેબાજી?

આપણું ગુજરાત, આગવું ગુજરાત, ભણે ગુજરાત, વાચે ગુજરાત, ખેલે ગુજરાત જેવા સરકારી નારાઓ બે દાયકાઓ પહેલાથી ગુજરાતમાં ગુંજી રહ્યા છે અને તેમાં દર વર્ષે નવા નવા નારાઓ ઉમેરાઈ રહ્યા છે. આ સરકારી નારેબાજીની અસરો વાસ્તવિક રીતે જનમાનસ પર કેટલી પડે છે, તે સંશોધનનો વિષય છે, પરંતુ તાજેતરમાં વધુ એક સરકારી નારો તેમાં ઉમેરાયો છે, અને રાજ્યમાં ભેળસેળ વિરોધી સરકારી ઝુંબેશની વાહવાહી કરવામાં આવી રહી છે. હકીકતે તાજેતરમાં રાજ્ય સરકારે ફૂડ સેફ્ટી પખવાડિયું ઉજવીને 'સલામત ખોરાક... સ્વસ્થ ગુજરાત' નામનો નારો ગૂંજતો કર્યો છે.

આ નારો રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લોકોને આપ્યો છે. આ એ જ મંત્રી છે, જેઓ અન્ય એક મંત્રી સાથે કોઈ પ્રેસ કોન્ફરન્સ પહેલા ગુસપુસ કરી રહ્યા હતાં, તેને લઈને સોશ્યલ મીડિયામાં ટ્રોલ  થયા હતાં, અને તે પછી સમગ્ર રાજ્યમાં 'કાઢી મેલે તો કાઢી મેલે'નો સંવાદ 'નારેબાજી'ની જેમ વાયરલ થયો હતો.

રાજ્યમાં ઉજવાયેલા ફૂડ સેફ્ટી પખવાડિયાની માહિતી આપતા આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની સિઝનમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, અને દિવાળીના તહેવારોમાં જાહેર જનતાને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ મળે, તે આ પખવાડિયું ઉજવાઈ રહ્યું છે.

આ ઉજવણી હેઠળ રાજ્યભરમાં ફૂડસેફ્ટી અંગે ચેકીંગ હાથ ધરીને રૂ. સાડાચાર કરોડથી વધુ કિંમતનો શંકાસ્પદ ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ (ફૂડ એન્ડ ડ્રગ્સ) નિયમન તંત્ર દ્વારા અઢી હજાર જેટલા ઈન્સ્પેક્શન સાથે સાડાપાંચ હજાર જેટલા ખાદ્ય તથા પેય પદાર્થોના નમૂના લઈને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા હોવાનો દાવો કરાયો છે.

આ પખવાડિયા દરમિયાન 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ'ના નવતર અભિગમ હેઠળ નવરાત્રિ દરમિયાન સાડાછસો જેટલા જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરીને પપ લાખથી વધુ નાગરિકોને ફૂડ સેફ્ટી અંગે જાગૃત કરવામાં આવ્યા હતાં. એવા આંકડાઓ સાથે આરોગ્ય મંત્રીએ માત્ર મહેસાણા તથા પાટણમાં અંદાજે દોઢ કરોડનું ૪પ ટનથી વધુ શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું હોવાનો ઘટસ્ફોટ પણ કર્યો હતો.

એવી માહિતી પણ અપાઈ હતી કે સ્થળ પર તપાસ કરતા ચેટીંગ કરતી ટૂકડીને પામોલીન તેલ, ફોરેન ફેટ અને નકલી શંકસ્પદ ઘી નો જથ્થો મળી આવ્યો હતો. આ આંકડાઓ સ્વયં જ સૂચવે છે કે આ સ્થળો પર લાંબા સમયથી 'નકલી'નો ગોરખધંધો ધમધમી રહ્યો હશે.

એવો દાવો પણ કરાયો હતો કે ખાદ્ય ફૂટ સેફ્ટી પખવાડિયાની ઝુંબેશ ચલાવ્યા પછી રાજ્યભરમાં ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે, અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા પરિબળો સામે રાજ્ય સરકારની આ ઝુંબેશ પછી લોકોમાં પણ આ વિષયે જાગૃતિ આવી છે. લોકો ખાદ્ય અને પેય પદાર્થોની ખરીદી કર્યા પછી તેની શુદ્ધતા અને ગુણવત્તા પારખવા માટેના વિવિધ પરીક્ષણો તથા નુસ્ખાઓ પણ અજમાવતા થયા છે.

આ પ્રકારની ઉજવણીઓ થાય કે ડ્રાઈવ યોજાય ત્યારે ઝડપાતા વિપુલ જથ્થા અને ઝડપાતા ભેળસેળિયા પરિબળોને લઈને પોતાની પીઠ થાબડવા કે વાહવાહી કરાવવાના બદલે શરમ આવવી જોઈએ, તેમ નથી લાગતું?

હકીકતે આંકડાઓ સ્વયં સિદ્ધ કરે છે કે રાજ્યમાં કેટલા વિપુલ પ્રમાણમાં નકલી ખાદ્યચીજો બની રહી હશે. આ તો માત્ર નકલી ઘી ની જ વાત છે, પરંતુ આ જ રીતે નકલી દૂધ તથા નકલી ખાદ્યતેલો વગેરે પણ બનવા લાગ્યા છે. ભેળસેળની તો એટલી બધી સ્થાપક્તા છે કે તદ્ન ૧૦૦ ટકા શુદ્ધ ચીજવસ્તુ તો મળવી જ મુશ્કેલ છે. 'ભેળસેળ' હવે સર્વવ્યાપી બન્યા છે, અને આ 'ભેળસેળિયા' પરિબળોની સરકારી કે પંચાયત-પાલિકા-મહાપાલિકા-નિગમોની 'ભ્રષ્ટાચારી ટોળીઓ' સાથેની સાઠગાંઠ તથા 'ઉપર' સુધીની પહોંચના કારણે ભેળસેળ અને નકલી પદાર્થોની બદી એટલી બધી વધી ગઈ છે કે તેને અંકુશમાં લેવા આ પ્રકારનું એકાદ પખવાડિયું ટૂંકુ પડે તેમ છે.

હકીકતે તગડો પગાર લેતા તંત્રો આખું વર્ષ બેદરકાર રહે છે, અથવા તો હપ્તા પદ્ધતિથી લોલંલોલ ચલાવે છે, તેથી જ સરકારને આ પ્રકારના પખવાડિયા ઉજવવા પડતા હશે, તેમ પણ કહી શકાય, અને એવું પણ માની શકાય કે તમામ પ્રકારની જાણકારી હોવા છતાં અકળ કારણોસર આંખ આડા કાન કરતા પ્રજાની આંખમાં ધૂળ નાંખવામાં આવે છે. વિપક્ષના નેતાઓ પણ (કેટલાક અપવાદોને બાદ કરતા) રહસ્યમય ચૂપકીદી સેવતા હોય છે, તે હકીકત નથી? તેવા જનપ્રત્યાઘાતોમાં પણ દમ છે.

જો તંત્રો બારેમાસ પોતાની ફરજો બજાવતા હોય, અને ભ્રષ્ટાચારીઓ સાથે ભેળસેળિયાઓની સાઠગાંઠ ન હોય તો આ પ્રકારણે જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ યોજવાની કે પખવાડિયા ઉજવવાની જરૂર જ ન પડે ને?

હવે રાજ્યનું પોલીસતંત્ર ર૭ મી ઓક્ટોબર સુધી સ્પેશ્યલ ડ્રાઈવ યોજીને મકાનભાડાના કરાર વગર મકાન ભાડે આપનાર મકાનમાલિકો સામે કાર્યવાહી કરશે, તેની સાથે સાથે મકાનમાલિકોએ પોતાના વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશનમાં ભાડુઆતની નિયત પ્રકારે નોંધણી કરવા માટે કાર્યરત ઓનલાઈન સિસ્ટમ અંગે પણ વ્યાપક પ્રચાર-પ્રસાર કરશે. આ માટે પોલીસ તંત્રે જાહેર જનતાને અપીલ પણ કરી છે.

મકાનમાલિકોએ આ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવું સરળ હોય અને તેમાં કોઈ ગરબડ થતી ન હોય તો આ પ્રક્રિયા કરવામાં આળસ ન રાખવી જઈએ, અને આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે ક્યાંય પણ લાંચ-રૂશ્વતની ફરિયાદ હોય, તો તેના નિવારણ માટે પણ એક એક્ટીવ અને પ્રોટેક્ટિવ સિસ્ટમ ઊભી કરવાના મુદ્દે પણ ગંભીર વિચારણા થઈ રહી હોય તો તે સમયોચિત અને આવકારદાયક ગણાશે, ખરૃં ને?

આ પ્રકારની ડ્રાઈવ ઝુબેશો અને ઉજવણીઓ બંધ કરવી જોઈએ કે ન કરવી જોઈએ, તેવું કહેવાનો આશય નથી, પરંતુ કાયમી ધોરણે પણ આ જ પ્રકારની સક્રિયતા જળવાય તે જરૂરી ગણાય, ખરૃં કે નહીં?