વ્યુઈંગ ગેલેરી, ભગવદ્ગીતાના શ્લોક, મોરપંખ સહિતના અનેક આકર્ષણો
'ઓખો તો દુનિયાથી નોખો કહેવાય...' આ છેવાડાનું નગર ઓખા કે જે દેશના પશ્ચિમ ખુણે આવેલું છે, ત્યાં પ્રાથમિક સુવિધાઓ પહોંચે તે પણ ભૂતકાળમાં સિદ્ધિ મનાતી તેવા વિસ્તારમાં સમુદ્ર પર કેબલ બ્રિજ બનાવાશે એવી તો કલ્પના પણ કોને હોય? ૧૩-૧૪ વર્ષ જેટલા સમય પહેલાં દેશનું આર્થિક પાટનગર ગણાતાં અને સંસાધનયુક્ત મુંબઈમાં બાન્દ્રા-વર્લી સી લિંક કેબલ બ્રિજ ચાલુ થયો ત્યારે આવો કેબલ બ્રિજ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બને તેવો કોઈને સપને પણ વિચાર ન હોય. પરંતુ, શ્રીકૃષ્ણના સાંનિધ્યથી પાવન બનેલી આ ભૂમિ સાથે સંકળાયેલી યાત્રાળુઓની શ્રદ્ધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુભવી અને સપનું સેવ્યું સુદર્શન બ્રિજનું, એવો બ્રિજ કે જે શ્રદ્ધાના કેન્દ્ર એવા બેટ દ્વારકા ટાપુને ઓખાની અને ગુજરાતની મુખ્ય ભૂમિ સાથે જોડે.
ચારધામમાંનું એક એવું જગત મંદિર દ્વારકામાં આવેલું છે, તેનાં દર્શને આવતાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓને બેટ દ્વારકા પર આવેલા કેશવરાયજી મંદિર અને હનુમાન દંડી જેવા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા મંદિરોના દર્શન કરવા માટે બોટ/ફેરી પર નિર્ભર રહેવું પડતું હતું અને ઘણો સમય પણ લાગતો હતો. આ નિર્ભરતા દૂર થાય અને બેટ દ્વારકા ટાપુને મુખ્ય ભૂમિ સાથે જોડે તેવો બ્રિજ બને તે વડાપ્રધાનનું વિઝન હતું, આ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન તેઓએ તત્કાલીન યુ.પી.એ.ની કેન્દ્ર સરકાર પાસે પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
વર્ષો પછી સુદર્શન સેતુના આ વિઝનને તેમના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ૨૦૧૬માં સૈદ્ધાંતિક મંજૂરી આપી. ૨૦૧૭માં ઓખાથી બેટ દ્વારકા સુધીના આ બ્રિજનું નિર્માણકાર્ય શરૂ થયું અને ૨૦૨૪માં ઓખા અને બેટ દ્વારકાને જોડતા દેશના સૌથી લાંબા કેબલ બ્રિજનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થયું. આ પુલ એક સુવિધામાત્ર નહિં, પરંતુ એન્જીનિયરીંગનો એક કમાલ છે, એથી વધુ ગુજરાતની ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે. દ્વારકાધીશના દર્શન ને સરળ બનાવતો આ સેતુ દ્વારકા નગરીની દિવ્યતામાં ચારચાંદ લગાવે છે. ઉલ્લેખનીય છે કે બાન્દ્રા-વર્લી સી લિંક કેબલ બ્રિજથી આ બ્રિજ લાંબો છે, વળી આ બ્રિજમાં ફૂટપાથ/સાઈકલ રસ્તો/ ગોલ્ફ કારનો રસ્તો પણ છે.
સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું છે. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થતાં ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બન્યો છે. સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં પણ વધારો થયો છે.
સુદર્શન સેતુની લંબાઇ ૨.૩૨ કિલોમીટર છે, જેમા ૯૦૦ મીટર કેબલ સ્ટેયડ ભાગ છે. બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર ૨૦ બાય ૧૨ મીટરના ૪ મોરપંખ આકારવામાં આવ્યાં છે. ઓખા તરફ ૩૭૦ મીટર લંબાઈનો એપ્રોચ બ્રિજ, બેટ તરફ ૬૫૦ મીટર એપ્રોચ બ્રિજ છે. બ્રિજના મુખ્ય ગાળામાં ૧૩૦ મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે. આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ ૨૭.૨ મીટર છે, જેમાં બન્ને બાજુ ૨.૫૦ મીટરના ફૂટપાથ છે. ફૂટપાથની બાજુ પર કોતરણી કામ કરી ભગવદ્ગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણની છબિઓ દર્શાવવામાં આવી છે. ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલની ૧ મેગાવોટની વિજળી ઉત્પાદનક્ષમતા છે, જેનો ઉપયોગ બ્રીજના લાઇટીંગમાં થય છે. બ્રીજ પર કુલ ૧૨ લોકેશન પ ર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભાર્ગવ કે. ભંડેરી,
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial