હરિયાણા, જમ્મુ-કાશ્મીર પછી હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે, તથા આ બન્ને રાજ્યો ઉપરાંત તાજેતરમાં થનારી કેટલીક પેટાચૂંટણીઓમાં પણ ઈન્ડિયા ગઠબંધન સાથે એનડીએના બળાબળના પારખા થવાના છે, તો બીજી તરફ જામનગરમાં જામ્યુકોની સ્થાનિક પદાધિકારીની ચૂંટણીએ પણ નગરજનોનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટનાક્રમોની સાથે ગુજરાત સરકારે જાહેર કરેલી નવી ટેક્સટાઈલ પોલિસીની પણ ચર્ચા થઈ રહી છે. ગ્લોબલ લેવલ પર ભારતના વિદેશ મંત્રીની પાક.ની મુલાકાત તથા ભારત-કેનેડાના વણસેલા સંબંધો પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
ગુજરાત સરકારે નવી ટેક્સટાઈલ પોલિસી-ર૦ર૪ જાહેર કરી છે, જેમાં ૮ વર્ષ માટે ૭ ટકા સબસિડી સહિતની જાહેરાતો કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, દેશને વિશ્વમાં ત્રીજા નંબરની ઈકોનોમી બનાવવાના લક્ષ્યમાં ગુજરાતનું યોગદાન વધે તથા ટેક્સટાઈલના ક્ષેત્રે ગુજરાત ગ્લોબલ હબ બને તેમાં આ નવી નીતિ સહયોગી બનશે. આત્મનિર્ભરતા મંત્ર સાથે આગળ વધી રહેલા દેશમાં ગુજરાત અડીખમ ઊભું રહેશે, તેવો દાવો પણ તમણે કર્યો હતો.
ગઈકાલે જાહેર થયેલી ટેક્સટાઈલ પોલિસીમાં પહેલી વખત રપ ટકા કેપિટલ સબસિડી જાહેર કરી હોવાનો દાવો પણ કરાયો છે. સરકાર દ્વારા જાહેર થયેલી નવી પોલિસી મુજબ જુની નીતિમાં ફેરફાર કરીને નવેસરથી સહાય જાહેર કરાઈ છે. આ ઉપરાંત પાવર સબસિડીની ચર્ચા પણ થઈ રહી છે. એવો દાવો કરાયો છે કે ગુજરાતના સાડાપાંચ હજારથી વધુ ઈન્સ્ટ્રીયલ યુનિટ્સ માટે ૧૧૦૦ (અગિયારસો) કરોડથી વધુ રૂપિયાની સહાયનું પેકેજ અપાશે.
ગુજરાત ઘણાં દાયકાઓથી કાપડના ઉત્પાદન તથા માર્કેટીંગનું કેન્દ્ર રહ્યું છે. આ પહેલા વર્ષ ર૦૧ર માં જાહેર કરાયેલી ટેક્સટાઈલ પોલિસીમાં રૂ. ૩પ હજાર કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરાયું હતું, જેના કારણે ગુજરાતના કાપડ ઉદ્યોગે હરણફાળ ભરી હતી. એવો દાવો પણ કરાયો છે કે દેશમાં ટેક્સટાઈલ ક્ષેત્રે ગુજરાતનો ફાળો રપ ટકા જેટલો રહ્યો છે.
વર્ષ ર૦૧૯ ની ટેક્સટાઈલ પોલિસીમાં વાર્ષિક રૂ. ર૦ કરોડની કેપ સાથે નવા રોકાણ પર ર થી ૩ રૂપિયા પાવર-સબસિડી, પ્લાન્ટ મશીનરીનું વિસ્તૃતિકરણ કરવા પર સબસિડી અપાતી હતી. વ્યાજ પર ૬ ટકા ઉપરાંત એનર્જી વોટર ઓડિટમાં પ૦ ટકા લેખે વધુમાં વધુ એક લાખ સુધીની સબસિડી, નાની મશીનરીમાં ખરીદી પર ર૦ ટકા લેખે રૂ. ૩૦ લાખ સુધીની સબસિડી આપી હતી.
જો કે, વર્ષ ર૦૧ર માં કેટલીક સબસિડી નહોતી, તેમાં વધારો તથા કેટલાક સુધારાવધારા કરાયા હતાં,અને કેટલીક જોગવાઈઓ યથાવત્ રખાઈ હતી. આ બન્ને પોલિસીઓ તથા તે પછીના અનુભવો તથા ફીડબેકના આધારે રાજ્ય સરકારે આ નવી પોલિસ બનાવી હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે.
અ પોલિસી ગઈકાલે જ જાહેર થઈ છે, અને પ્રારંભિક મિશ્ર પ્રતિભાવો આવી રહ્યા છે, જ્યારે આ પોલિસીની સંપૂર્ણ વિગતો પબ્લિક ડોમેનમાં આવી ગયા પછી તેના વિગતવાર પ્રત્યાઘાતો પણ આજથી આવવા લાગ્યા છે.
આ પોલિસી જાહેર થઈ ત્યારે ઈન્સેન્ટિવ ટુ ઈન્ડસ્ટ્રીઝ હેઠળ પપ૦૦ (સાડાપાંચ હજાર) જેટલા ઔદ્યોગિક એકમોને રૂ. એક હજાર કરોડથી વધુ કિંમતની સાધનસહાયનું વિતરણ કરાયું હોવાથી સરકાર આ નવી પોલિસી સંદર્ભે ગંભીર હોવાના અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે, તો કેટલાક વિશ્લેષકો આ પોલિસીની જાહેરાતના ટાઈમીંગને મહારાષ્ટ્રની ચૂંટણી સાથે સાંકળીને કટાક્ષ કરી રહ્યા છે કે, 'કહીં પે નિગાહેં... કહીં પે નિશાના'...
મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર થયા પછી આચારસંહિતા લાગુ પડે, તે પહેલા મહારાષ્ટ્રમાં કેટલીક સરકારી જાહેરાતો થઈ અને હવે ત્યાં રાજકીય હિલચાલ સાથે ઉથલપાથલો પણ શરૂ થઈ ગઈ છે. ગુજરાત ઘણી બધી રીતે મહારાષ્ટ્ર સાથે સંકળાયેલું હોવાથી તથા મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ તથા ગુજરાતમાં પણ મરાઠી પરિવારોની નોંધપાત્ર વસતિ હોવાથી બન્ને રાજ્યોની કેટલીક બાબતો બન્ને રાજ્યોની ચૂંટણીમાં અસરકર્તા બનતી હોય છે, તેને કારણે રાજકીય પક્ષો પણ ચૂંટણી સમયે વિવિધ સમુદાયોને રિઝવવાના પ્રયાસોમાં લાગી જતા હોય છે, અને એ જ શ્રેણીમાં ગુજરાતમાં હજુ પણ કેટલીક જાહેરાતો થશે, તેવી અટકળો પણ થવા લાગી છે.
હરિયાણામાં ભલે ભાજપનો ઝંડો ફરક્યો હોય, પરંતુ મહારાષ્ટ્ર તથા ઝારખંડની સ્થાનિક રાજનીતિને અનુરૂપ જ ભાજપે અલગથી જ રણનીતિઓ ઘડવી પડી રહી છે, જ્યારે અન્ય રાજકીય પક્ષો પણ મહારાષ્ટ્રની ગુચવાડાભરી વર્તમાન સ્થિતિમાં અવઢવમાં જણાય છે.
દેશની રાજનીતિની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીરમાં અબ્દુલ્લા સરકારમાં સામેલ નહીં થવા અને ઉમર અબ્દુલ્લાને બહારથી જ ટેકો આપવાનો કોંગ્રેસનો નિર્ણય ચર્ચામાં છે. આજે નેશનલ કોન્ફરન્સના નેતૃત્વમાં જમ્મુ-કશ્મીરમાં અબ્દુલ્લાની સરકાર રચાવા જઈ રહી છે, ત્યારે જ કોંગ્રેસનો આ કથિત નિર્ણય પણ આજે રાજધાની દિલ્હીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
દેશમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકો સહિત કેટલીક પેટાચૂંટણીઓ ર૩ મી નવેમ્બરે યોજાવાની હોઈ, તે રાજ્યોમાં પણ રાજકીય ગતિવિધિ તેજ બની છે, જ્યારે રજવાડી નગર જામનગરના રાજવી પરિવારના ઉત્તરાધિકારી જાહેર થયા પછી હવે તેના સંદર્ભે પણ કેટલીક રસપ્રદ ચર્ચાઓ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે, તો બીજી તરફ જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના નવા સૂત્રધારોની ચૂંટણી (વરણી) પણ ચર્ચાના કેન્દ્રમાં રહી હતી.
શરદ પૂર્ણિમાની ઉજવણીની ધામધૂમથી થયેલી તૈયારીઓ તથાબોર્ડની પરીક્ષાઓનું જાહેર થયેલું ટાઈમ ટેબલ પણ ચર્ચામાં છે, કારણ કે આ વખતે ધો. ૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાઓ વહેલી યોજાવાની હોવાથી વિદ્યાર્થીવર્ગમા હવે તેની તૈયારીઓમાં લાગી જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial