અત્યારે માનવીની જિંદગી જ ફરજિયાત ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, કારણ કે હવે અદ્યતન ટેકનોલોજીની હજારો આંખો પ્રત્યેક વ્યક્તિ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મંડરાયેલી જ રહેતી હોય છે. લોકોની પળેપળની ખબર રાખતી અદ્યતન આંખો એટલે કે સીસી ટીવી અને મોબાઈલ સેલફોનના કેમેરાની સાથે સાથે ઓડિયો-વીડિયો રેકોર્ડીંગ તથા આકાશમાં ગોઠવાયેલા સેટેલાઈટ્સની ટેકનોલોજિકલ આંખો આખી દુનિયા પર નજર રાખી રહી છે, ત્યારે એવું કહી શકાય કે ગમે તેટલા પ્રયાસો કરવામાં આવે તો પણ પૃથ્વી પરની પ્રત્યેક હિલચાલ તથા વ્યક્તિગત મૂવમેન્ટ, વાદ-વિવાદ, સંવાદ વગેરે તત્કાળ જાણતા-અજાણતા પણ કેમેરાઓમાં કંડરાઈ જ જતું હોય છે.
અદ્યતન ટેકનોલોજીના ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ છે. આ ટેકનોલોજીનો જેટલો પોઝિટિવ ઉપયોગ થાય છે, તેટલો જ નેગેટિવ ઉપયોગ પણ થઈ રહ્યો છે. આ કારણે જ હવે સાયબર ક્રાઈમને પહોંચી વળવા સાયબર સેલ ઊભા કરવા પડી રહ્યા છે, ખરૃં કે નહીં?
થોડા દાયકાઓ પહેલા પણ નેતાઓ ભાષણોમાં કાંઈક બોલે અને તેમાં ભૂલ થઈ જાય કે બફાઈ જાય તો ફેરવી તોળતા હતાં, અને વર્તમાન ટેકનોલોજીના યુગમાં પણ નેતાઓ ફેરવી તોળે છે, પરંતુ હવે તેવા રેકોર્ડેડ ઓરીજીનલ ભાષણો જ તેમની પોલ ખોલ નાંખતા હોય છે, અને પોતાના જ શબ્દો પુનઃ વાયરલ થતા નેતાઓ ગેંગે...ફેંફે કરવા લાગતા જોવા મળે છે.
અત્યારે તો ધાકધમકી આપતા, બ્લેકમેઈલ કરતા, લાંચ માંગતા કે અંતરંગ વાતચીતના ઓડિયો અને વીડિયો રેકોર્ડીંગ પણ ઘણી વખત નેતાઓની મુશ્કેલીઓ વધારી દેતા હોય છે, અને ગુનાખોરોના ગળાનો ગાળિયો પણ બની જતા હોય છે.
ચૂંટણીઓ સમયે અપાયેલા ભાષણો, કોઈ વિવાદ વકરે ત્યારે કરાયેલા નિવેદનો કે કોઈ સમારોહ, મિટિંગો કે નેશનલ ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ સુધી ગામડાથી ગ્લોબલ સ્તરે કરાયેલા પ્રવચનોના ઓડિયો-વીડિયો રેકોર્ડીંગ પણ સોશ્યલ મીડિયામાં હંમેશાં ઉપલબ્ધ થઈ જતા હોય છે, અને વાયરલ પણ થઈ જતા હોય છે. હવે તો પુરક પુરાવા તરીકે અદ્યતન ટેકનોલોજીના સાધનો પણ ખૂબ જ ઉપયોગી બનવા લાગ્યા છે અને કાનૂની માન્યતા પણ મળી હોવાથી કોઈપણ મૂવમેન્ટ કે શબ્દોના પ્રયોગ કરતી વખતે નેતાઓએ સાવધાની રાખવી પડે તેમ છે, ખરૃં કે નહી?
સાદાઈથી રાજનીતિ કરવાના શપથ લીધા પછી સરકારી ખર્ચે વીવીઆઈપી રહેઠાણો સહિતની સગવડો ભોગવતા નેતાઓ હોય કે વાયદાઓ કરીને ફરી જતા જન-પ્રતિનિધિઓ હોય, વિવિધ ક્ષેત્રે નિવેદનો કરતા મહાનુભાવો હોય કે વારંવાર રંગ બદલતા રહેતા ચિટરો હોય, બધાની અસલિયત હવે અદ્યતન ટેકનોલોજી તથા પ્રેસ-મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી સામે આવી જ જતી હોય છે.
હમણાંથી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનોના કેટલાક નિવદનો પણ ચર્ચામાં છે, જેના સૂર એક જ વર્ષમાં બદલાઈ ગયા છે. ભારતમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણી સંપન્ન થયા પછી ત્યાંના વર્તમાન વિધાનસભામાં બહુમતી મેળવેલા ગઠબંધન તથા વિપક્ષી નેતાઓના કેટલાક નિવેદનો પણ ચર્ચામાં છે.
આજે મહારાષ્ટ્રના બોલકા નેતા અને ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેનાના નેતા સંજય રાઉતનું કટાક્ષભર્યા શબ્દો ધરાવતું નિવેદન ટોક ઓફ ધ નેશન બન્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ર૦ મી નવેમ્બરે થવાનું છે, ત્યારે એનડીએના પ્રાદેશિક સ્વરૂપ જેવી 'મહાયુતિ' સામે મીની ઈન્ડિયા ગઠબંધન જેવું ''મહાવિકાસ અઘાડી'' ગઠબંધનના નેતાઓ ચૂંટણીની રણનીતિ ઘડવા લાગ્યા છે, તેવા સમયે સંજય રાઉતે ભારતીય જનતા પક્ષની ટોચની નેતાગીરી પર કરેલા પ્રહારોએ ખળભળાટ મચાવ્યો છે.
સંજય રાઉતે અમિતભાઈ શાહના એ નિવેદનના પ્રત્યાઘાતો આપ્યા છે, જેમાં અમિતભાઈએ કહ્યું છે કે 'અમે હાર સ્વીકારી લીધી, તમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવ્યા, હવે તમારે જરૂરી પગલાં લેવા જોઈએ.'
ભાજપના ટોચના નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રીનું આ નિવેદન આજે એટલા માટે ચર્ચાસ્પદ બન્યું છે કે, આ નિવેદન તેમણે એકનાથ શિંદેને સંબોધીને આપ્યું છે. અમિત શાહે એમ પણ કહ્યું કે, 'અમારા લોકોએ તમારા માટે બલિદાન આપવું પડ્યું છે.'
મહારાષ્ટ્રમાં ચૂંટણી જાહેર થયા પછી જ્યારે મહાયુતિના ભાજપ એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીની ટિકિટો ફાળવતા પહેલા અપાયેલા આ નિવેદનનો પ્રત્યાઘાત આપતા સંજય રાઉતે કહ્યું છે કે, 'ભાજપે કોઈ બલિદાન આપ્યું નથી, ભાજપનો હેતુ શિવસેનાને તોડવાનો જ હતો. ભાજપના નેતાઓએ બલિદાન આપ્યું એમ કહેવું એ બલિદાન શબ્દનું પણ અપમાન છે. તેઓ માત્ર ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીઓને તોડવા જ મંગતા હતાં.'
આ બન્ને નિવેદનોના કારણે આજે મહારાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રોમાં હલચલ મચી ગઈ છે અને અટકળોનું બજાર ગરમ થયું છે. એવી ચર્ચા પણ થવા લાગી છે કે મહારાષ્ટ્ર વિધાનસભા માટે ભાજપ મુખ્યમંત્રીપદ માટે પોતાના કોઈ દિગ્ગજ નેતાનો ચહેરો મેદાનમાં ઉતારવા માંગે છે, તેથી એકનાથ શિંદેનું જ રાજકીય બલિદાન લેવાઈ શકે છે. એવું કહેવાય છે કે ભાજપ, અજીત પવારની એનસીપી તથા શિંદેની શિવસેના વચ્ચે છે. વિધાનસભાની બેઠકોની વહેંચણીના મુદ્દે મડાગાંઠ સર્જાઈ હશે, અથવા તો મુખ્યમંત્રીપદના ચહેરા માટે ખેંચતાણ હશે તેથી જ આવું બની રહ્યું છે.
બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં પણ શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના કોંગ્રેસના ભોગે વધુમાં વધુ બેઠકો પર ચૂંટણી લડવાની રેસમાં ઉતરી હોય, તેવું લાગતા જમ્મુ-કાશ્મીરના અનુભવે કોંગ્રેસ પણ એક એક કદમ ફૂંકી ફૂંકીને સાવચેતીપૂર્વક ઊઠાવી રહી હોય તેમ જણાય છે.
સંજય રાઉતે કહ્યું છે કે ભાજપે કોઈ બલિદાન આપ્યું નથી, કે ત્યાગ કર્યો નથી, પરંતુ પોતાના સ્વાર્થે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા હતાં, પરંતુ હવે તેને હાંસિયામાં ધકેલવાના કદમ ઊઠાવાઈ રહ્યા છે. કેટલાક વિશ્લેષકો એવું અનુમાન કરી રહ્યા છે કે એકનાથ શિંદે પોતે જ હરિયાણાના અનિલ વીજની જેમ રસ્તામાંથી હટી જાય અને તેના સ્થાને ફડણવીસ કે અન્ય કોઈ ભાજપના ચહેરાને આગળ કરે, તે પ્રકારનું પ્રેસર (દબાણ) પણ કરાઈ રહ્યું હશે. આ કારણે જ અમિતભાઈને આ પ્રકારનું નિવેદન કરવાની ફરજ પડી હશે!
આજે તો એવા અહેવાલો પણ આવ્યા છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી સામે ત્રીજો મોરચો પણ ઊભો થઈ શકે છે. રાજ્યના નાના નાના પક્ષો તથા ત્રણેય મુખ્ય પક્ષોના અસંતુષ્ટો મળીને એક ત્રીજો મોરચો રચી રહ્યા છે. જો આવો ત્રીજો મોરચો ઊભો થાય તો બન્ને મુખ્ય ગઠબંધનોનો ખેલ બગડી જાય તેમ છે, જોઈએ, હવેે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial