નવરાત્રિઓ પૂરી થઈ. નવરાત્રિમાં નવ દિવસ સુધી ગરબે રમીને હવે પપ્પાની પરીઓ ફ્રી થઈ. ના, ના, ફ્રી થઈ એમ તો ન કહેવાય. કારણ કે દિવાળીના તહેવારો સામે જ આવીને ઊભા છે. હવે દિવાળીની પણ તૈયારી કરવી પડે ને ? પણ નવરાત્રીમાં લાગેલા થાકનું શું ?
નવરાત્રિમાં થાક બે રીતે લાગે છે, એક તો જાણે નવ દિવસ સુધી અલગ અલગ ગ્રાઉન્ડમાં, અલગ અલગ સ્ટાઈલમાં ગરબા રમવાના. અને ગરબાના સ્ટેપ્સ પણ કેવા ? ઓલિમ્પિકમાં જીમ્નાસ્ટિકમા ભાગ લેનાર ખેલાડીને પણ પરસેવો છૂટી જાય એવા. અને છતાં પણ ગુજરાતીઓ એવા સ્ટેપમાં નવ નવ દિવસ સુધી ગરબા રમી કાઢે. પછી ભલેને દશેરાના દિવસે ખબર પડે કે કમરના મણકા ખસી ગયા છે...
અને થાક લાગવાનું બીજું પણ એક કારણ છે, અમદાવાદના રસ્તાઓ -- બલ્કે ગુજરાતના કોઈપણ શહેરના રસ્તાઓ. એક તો આપણા રસ્તાઓ પહેલેથી જ ખરાબ હોય છે અને તેમાં આ વર્ષનું ભારે ચોમાસું. અમદાવાદ મ્યુનિસિપાલિટી ની થોડી ઘણી પણ આબરૂ હતી તે આ વર્ષે ચોમાસાના વરસાદમાં રસ્તાઓની જેમ જ ધોવાઈ ગઈ..!
હવે સારા ગરબાઓ તો શહેર થી ૧૫ -- ૨૦ કિલોમીટર દૂર પાર્ટી પ્લોટમાં જ થાય. આવા ઉબડખાબડ રસ્તાઓ પર નવ નવ દિવસ સુધી ૩૦-૩૫ કિ.મી. નું ડ્રાઇવિંગ કર્યા પછી જો તમારા કમરના મણકા સલામત રહે તો એ પણ એક ચમત્કાર જ કહેવાય. એટલે જ પપ્પાની જે પરીઓ મજબૂત હોય, એટલે કે નવ નવ દિવસ સુધી ગરબા રમતા રમતા પણ એકદમ સાજી નરવી હોય, તેનું પાણી અમદાવાદના આ કહેવાતા રસ્તાઓ ઉતારી નાખે છે. એટલે કે દશેરાના દિવસે તેમને પણ કમરનો દુખાવો ચાલુ થઈ જાય છે.
અને પછી યાદ આવે છે ડોક્ટર. બે ત્રણ મહિના સુધી ગરબાની સખત પ્રેક્ટિસ કરનાર ખેલૈયાઓને, ફક્ત બે ત્રણ દિવસમાં સાજા થઈ જવાની ઉતાવળ હોય છે. અને તેમને એવી ગેરંટી આપતા ડોક્ટરો મળી પણ જાય છે.
અમદાવાદમાં એક ડોક્ટરે તેના પેશન્ટને ચુંબકીય પટ્ટો પહેરવાની સલાહ આપી, કહ્યું *આ પટ્ટાથી ખૂબ જ ફાયદો થશે..*
અને ફાયદો થયો પણ ખરો, તે પેશન્ટને નહીં પરંતુ તે ડોક્ટરને.. કારણ કે પટ્ટો બનાવનારી કંપનીમાં તે ડોક્ટર ભાગીદાર હતો..
*માર્ગદર્શન* કોને કહેવાય એ તો તમારે કોઈ અમદાવાદી પાસેથી જ શીખવું પડે. દિવાળીના તહેવારોમાં આમ પણ આપણે ઘણાં બધા કામ કરવાના હોય. અને તે જ વખતે આખા શહેરમાં બધા જ માર્ગ ઉપર ખૂબ જ ભીડ હોય. આ બધું છતાં પણ ભગવાનના *દર્શન* તો નિયમિત કરવા જ પડે ને ?
હવે અમદાવાદમાં ઘણાં વિસ્તારમાં નાના મોટા મંદિરો એ રીતે આવેલા છે કે તમે રસ્તા પર જતા જતા, અને તમારા વાહન પર બેઠા બેઠા જ, બહારથી ભગવાનના દર્શન કરી શકો. તમારે મંદિરમાં અંદર જવાની જરૂર જ નહીં. ન મંદિરમાં ભીડ થાય કે ન મંદિર બહાર પાર્કિંગનો પ્રોબ્લેમ. જેટલા ભક્તો મંદિરમાં દર્શન કરવા જાય, તેટલા જ મંદિરની બહારથી ભગવાનના દર્શન કરી લે.
જેમ જેમ દિવાળી નજીક આવતી જશે તેમ તેમ મંદિરમાં અંદર જઈને દર્શન કરનાર ભક્તો કરતા પણ મંદિરની બહારથી ભગવાનના દર્શન કરનાર ભક્તોની સંખ્યા વધતી જશે...
મંદિરની બહાર માર્ગ પર ઊભા રહીને કે ચાલુ વાહને ભગવાનના દર્શન કરીએ તેને જ અમદાવાદમાં સાચું માર્ગદર્શન કહેવાય છે..!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial