સરકારી 'સિસ્ટમ' સામે હંમેશાં સવાલો ઊભા થતા જ રહ્યા છે. કેટલાક મુદ્દે જનતામાં હાહાકાર મચી જતો હોય છે, અને સમાજમાં ફિટકાર વરસતો હોય છે, છતાં નરાધમો સુધરતા જ હોતા નથી. નગરથી નેશનલ સુધી અનેક શાશ્વત સમસ્યાઓને લઈને વિપક્ષો કકળાટ કરતા રહેતા હોય છે. લોકોની મૂળભૂત મુશ્કેલીઓ-જરૂરિયાતો તથા સમસ્યાઓ માટે જાગૃત નાગરિકો જાહેર હિતની અરજીઓ કરે, ત્યારે રાજ્યોની વડી અદાલતો તથા દેશની સર્વોચ્ચ અદાલત ઘણી વખત તંત્રો, સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બોર્ડ-નિગમો, પંચાયતો તથા ખાનગી સંસ્થાઓ કે ઉદ્યોગોને ફટકાર લગાવતી હોય છે અને દુષ્કર્મ, દુરાચાર, કુરિવાજો, બાળલગ્નો અને સામૂહિક હત્યાચાર કે ભેદભાવના મુદ્દે સંબંધિત સમૂહો કે સમાજોને પણ દેશનું ન્યાયતંત્ર ઝાટકી નાખતું હોય છે, પરંતુ તેમ છતાં આ મુદ્દે 'સુધારો' થવાના બદલે 'વધારો' થવા લાગે છે, તેથી એવો કટાક્ષ પણ થતો હોય છે કે 'હમ નહીં સુધરેંગે...'
થોડા દિવસો પહેલા 'નોબત'માં જે મુદ્દે ઉલ્લેખ થયો હતો,તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નજીકના ગામડે માળખાકીય સુવિધાઓના અભાવે એક પ્રસૂતાના મૃત્યુના મામલે રાજ્યની હાઈકોર્ટે રાજ્ય સરકારને જે નિર્દેશો કર્યા છે, તે જોતા એમ કહી શકાય કે આ પ્રકારે ન્યાયતંત્રે સરકારી તંત્રોને નિર્દેશો કરવા પડે, તે પોલિટિકલ ગવર્નમેન્ટ માટે લાંછનરૂપ ગણાય, અને એવો વ્યંગ પણ થાય કે 'હમુ નહીં સુધરેંગે...'
કવાંટ તાલુકાના તુરખેડા ગામની એક ઘટના હતી. બિસ્માર રસ્તે એમ્બ્યુલન્સ નહીં પહોંચી શકતા પ્રસવની પીડા ઉપડ્યા પછી એક પ્રસૂતાને સમયસર હોસ્પિટલે પહોંચાડી શકાઈ નહીં કે તત્કાળ સારવાર પણ આપી શકાઈ નહીં, તેથી પ્રસૂતા મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો સુનાવણી પછી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા અન્ય બેન્ચે સ્વયં આઘાત સાથે સંવેદના વ્યક્ત કરી, તે 'સિસ્ટમ'ના ગાલે તમાચા સમાન હતી.
હાઈકોર્ટે તિક્ષણ અને ગંભીર ટિપ્પણીઓ સાથે ટકોર કરતા રાજ્ય સરકારને નિર્દેશો આપ્યા હતાં કે રાજ્યના દૂર્ગમ, છેવાડાના, અંતરિયાળ, પછાત અને ટ્રાઈબલ (આદિવાસી) વિસ્તારો સુધી મેડિકલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ વધારો, છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ પહોંચતી કરો, માર્ગો, પરિવહન અને તત્કાળ સારવારની સુવિધાઓમાં સુધારા-વધારા કરવા પર પણ અદાલતે ભાર મૂક્યો હતો.
તુરખેડા ગામે ઘટેલી આ દુર્ભાગ્યપૂર્ણ કરૂણ ઘટના ફરીથી ન બને, તેની વ્યવસ્થાઓ કરવા રાજ્ય સરકારને તાકીદ કરતા હાઈકોર્ટે આ સુઓમોટોની સુનાવણી દરમિયાન આ ઘટનાની તપાસ કરનાર જિલ્લા તંત્રની પણ ઝાટકણી કાઢતા અદાલતે વોર્નિંગ આપી હતી કે કલેક્ટર તંત્રના બચાવનારા જેવો રિપોર્ટ નહીં, પણ નક્કર વાસ્તવિક્તાનું એફિડેવિટ રજૂ કરો, અને સંબંધિત ગામની મુલાકાત લઈને તેના આધારે તલસ્પર્શી વિગતો સાથે ગ્રામીણ વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ વર્ણવીને તેના અનુસંધાને કેવા પગલાં લેવાયા, અને લેવાશે, તેનો સુધારાત્મક અને સૂચનાત્મક સંપૂર્ણ અહેવાલ રજૂ કરે.
આ પ્રકારના નિર્દેશો રાજ્યના અન્ય જિલ્લાતંત્રો માટે પણ બોધપાઠરૂપ છે. અદાલતો જેવી રીતે સ્વયં અનુસંધાન (સુઓમોટો) લઈને કદમ ઊઠાવવા તંત્રોને તાકીદ કરતી હોય છે, તેવી જ રીતે આ પ્રકારની અદાલતી ટકોરોનું સ્વયં અનુસંધાન લઈને જામનગર અને દ્વારકા જિલ્લાના તંત્રો સહિત સમગ્ર રાજ્ય સરકારની સિસ્ટમે અને સ્વયં સરકારે પણ જરૂરી સુધારા-વધારાઓ કરીને લોકલક્ષી અને સંવેદનશીલ અભિગમ અપનાવવો જોઈએ, તેમ નથી લાગતું?
એક કહેવત છે કે 'વાવમાં હોય તો અવેડામાં આવે...' ગુજરાતની રાજ્ય સરકારે તાજેતરમાં ઊઠાવેલા એક કદમને અનુલક્ષીને આ કહેવત યાદ આવી જાય તેમ છે. તાજેતરમાં ગુજરાત સરકારે હાઈકોર્ટ તથા અદાલતોમાં પડતી ફટકાર પછી કેટલાક સરકારી રાહે કદમ ઊઠાવ્યા અને કાયદા મંત્રાલય તથા સરકારી પક્ષ રાખતા એડવોકેટો વગેરેમાં તોળાઈ રહેલા ફેરફારોના અહેવાલો વહેતા થયા પછી કાનૂની ક્ષેત્રમાં એવી ચર્ચા છે કે જ્યાં પ્રત્યક્ષ પૂરવાર થાય તેવી નક્કર વાસ્તવિક્તા હોય, તયાં બીચારા સરકારી વકીલો પણ કરે શું?
ગુજરાત સરકારે હાઈકોર્ટની ફટકાર અને નિર્દેશો પછી એક એફિડેવિટ રજૂ કર્યું ત્યારે લોકોને ખબર પડી કે પોલીસ બેડામાં ચાર તબક્કામાં ભરતી થવાની છે. હકીકતે અદાલતે કડક વલણ અપનાવ્યા પછી સરકારે ભરતીનું કેલેન્ડર રજૂ કરવું પડ્યું છે. પ્રથમ તબક્કામાં અંદાજે ચાર હજાર જેટલા હેડકોન્સ્ટેબલ અને એએસઆઈ, બીજા તબક્કામાં ચારસોથી વધુ પીએસઆઈ અને પીઆઈને બઢતી, ત્રીજા તબક્કામાં સપ્ટેમ્બર-ર૦રપ માં બાકીની નિર્ધારિત પ્રક્રિયા મુજબની ભરતી કરાયા પછી ચોથા તબક્કામાં આગળની સીધી ભરતીનું આ સમયપત્રક પણ આજે ટોક ઓફ ધ સ્ટેટ બન્યું છે. ટૂંકમાં એકંદરે કેલેન્ડર વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર-ર૦ર૪ ના અંત સુધીમાં ૩૮૦૦ જેટલા ગ્રાસરૂટના કર્મચારીઓ તથા માર્ચ-ર૦રપ સુધીમાં ૧૪૦૦ થી વધુ પોલીસ અધિકારીઓની જગ્યાઓ પર ભરતી થયા પછી વર્ષ ર૦રપ માં નવી ભરતી માટે પરીક્ષાઓ લઈને મેરીટ મુજબ ભરતી કરાશે, તેવું આ ટાઈમટેબલ આજે પોલીસ બેડા તથા યુવાવર્ગમાં ચર્ચાના કેન્દ્રમાં છે. જોઈએ હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial