એક તરફ સલમાન ખાનને ઊડાવી દેવાની ધમકીઓ તથા બિશ્નોઈ ગેંગના અહેવાલો દેશભરમાં ચર્ચાસ્પદ બની રહ્યા છે,તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં થયેલા સામૂહિક મૃત્યુ તથા ઘાયલોના અહેવાલોએ જમ્મુ-કાશ્મીરમાં બધું બરાબર નથી તેવી આશંકાઓ વચ્ચે જમ્મુ-કાશ્મીરની રાજનીતિને સાંકળીને ત્યાં આવેલી નવી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર પર પણ માછલા ધોવાઈ રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અને એલ.જી. દ્વારા વ્યક્ત કરાયેલા દુઃખ પછી અન્ય રાજનેતાઓના પ્રતિભાવો સામે આવી રહ્યા છે, અને ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તો જમ્મુ-કાશ્મીરમાં ફરીથી ભયનો માહોલ અને હિંસા ફેલાવવાના પ્રયાસોને સખત હાથે ડામી દેવાની માંગ પણ ઊઠી રહી છે.
આ ઘટનાક્રમો તો ચોક્કસ વ્યક્તિ કે સ્ટેટને ડરાવવાના થઈ રહેલા પ્રયાસોના છે, પરંતુ દેશમાં તાજેતરમાં જે રીતે ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેના સંદર્ભે કેટલીક અટકળો થા શંકા-કુશંકાઓ પણ ઊભી થઈ રહી છે. વ્યક્તિગત ધાક-ધમકીઓના કિસ્સામાં પ્રોપાગન્ડા કે પબ્લિસિટી સ્ટંટ હોવાની શંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે, જ્યારે જુદી જુદી પ્રકારે ધમકીઓ આપીને હવાઈ પરિવહન ખોરવવાનો તથા રેલવે અકસ્માતો સર્જાય, તે પ્રકારની હરકતો કરવાના પ્રયાસ પાછળ કોઈ આતંકી સંગઠનો કે દેશ વિરોધી તત્ત્વોનું કારસ્તાન છે કે પછી તેમાં કોઈ ઊંડી રાજનીતિ કે રાજકીય ખેલ જવાબદાર છે, તે અંગેની ચર્ચાઓ પણ થઈ રહી છે.
જ્યારે એવા અહેવાલો આવ્યા કે જામનગર-હૈદ્રાબાદની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા ફ્લાઈટનું અચાનક ચેકીંગ કરાયું, ત્યારે સ્વાભાવિક રીતે જ મુસાફરો તથા તેના સગા-સંબંધીઓમાં પેનિક (ગભરાટ) ફેલાયો હતો, જ્યારે એવા અહેવાલો આવ્યા કે બોમ્બ સ્ક્વોડ, ડોગ અને ફોરેન્સિક એક્સપર્ટસ સહિતની ટીમે પૂરેપૂરી તપાસ કરી અને કોઈ જ વાંધાજનક ચીજવસ્તુ નહીં મળી આવતા ફ્લાઈટને રવાના કરવામાં આવી હતી.
શનિવારે બનેલી આ ઘટનાના કારણે તંત્રો તો દોડતા થયા જ હતાં, પરંતુ સોશ્યલ મીડિયામાં પણ આ સમાચાર વાયરલ થઈ જતા લોકોમાં પણ ભય ફેલાયો હતો. ધમકી પણ ઈન્ટરનેટના માધ્યમથી ઈ-મેઈલથી અપાઈ હોય, અને તેની વિગતો સોશ્યલ મીડિયાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અને તેની અસરો અંગે પણ અલગથી ચર્ચા થઈ શકે તેમ છે, જો કે તંત્રે આ ઘટનાને સમયસર હેન્ડલ કરી લીધી, પરંતુ તે દરમિયાન જે પેનિક ફેલાયો, તે ચિંતાજનક ગણાય, અને આ પ્રકારની બોગસ ધમકીઓને હળવાશથી લેવાના બદલે તેની સામે કડક કાયદો ઘડીને આ પ્રકારની હરકતો કરનારને કકડમાં કડક સજા થવી જોઈએ, તેવી માંગ પણ બળવત્તર બની રહી છે.
જામનગરની જેમ જ અન્ય શહેરોમાં પણ આ પ્રકારની ધમકીઓના કારણે હવાઈ યાત્રાઓને અસર થઈ હોવાની ઘટનાઓ હમણાંથી વધી ગઈ છે. જામનગરના એરપોર્ટ અને આ ઈન્ડીગો ફ્લાઈટને ઊડાવી દેવાની ધમકી શનિવારે બપોરે મળ્યા પછી ફ્લાઈટને રોકીને મુસાફરોને સુરક્ષિત બહાર લાવવા અને ચેકીંગ પછી કાંઈ મળ્યું નહીં હોવાના અહેવાલો પછી મુસાફરો તથા તેના સ્નેહી મિત્રો, સગા-સંબંધીઓએ હાશકારો અનુભવ્યો હશે, પરંતુ ત્યાં સુધી ફેલાયેલા ગભરાટનું શું? લોકોને પડેલી મુશ્કેલીઓનું શું? કરોડો રૂપિયાના આર્થિક નુક્સાનનું શું? કોણ જવાબદાર?
હવાઈયાત્રાઓ અવરોધીને, રેલવે વ્યવહાર ખોરવીને અને સડક માર્ગે આતંકી હુમલાઓ કરીને દેશને અસ્થિર કરવા અને નબળો પાડવાના વૈશ્વિક કાવતરાની આશંકાઓથી લઈને આંધ્રપ્રદેશના કોઈ મંત્રીના પરિવારને ડરાવવાનો પ્રયાસ અથવા એરલાઈન્સ માફિયાઓનું કરતૂત કે પછી એરલાઈન્સ રાઈવલ્સનું એંગલ પણ હોઈ શકે તેવી લોકચર્ચાઓ પણ થવા લાગી છે.
છેલ્લા એકાદ અઠવાડિયામાં જ ૭૦ થી વધુ ધમકીઓ મળતા હવાઈયાત્રાઓ ખોરવાઈ હોવાના અહેવાલોને હળવાશથી લેવા જેવા તો હરગીઝ નથી જ, પરંતુ કેન્દ્ર સરકારે આ પ્રકારની હરકતો કરીને દેશનું સડક, રેલવે કે હવાઈ પરિવહન ખોરવવાનો પ્રયાસ કરનાર, તેને મદદ કરનાર અને આ પ્રકારની હરકતો પછી તેનો ઉપયોગ દેશમાં ગભરાટ ફેલાઈ જાય, તે રીતે પ્લાનિંગ કરીને સામૂહિક સંદેશાઓ સોશ્યલ મીડિયા દ્વારા થતા હોય તો તેની ઊંડી તપાસ કરીને અપરાધીઓને ખૂબ જ કડક સજા થાય, તેવો કડકમાં કડક કાયદો સત્વરે સંસદમાં પસાર કરીને લાગુ કરવો જોઈએ, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.
છેલ્લા અઠવાડિયાથી જ નહીં, છેલ્લા ૪-૬ મહિનામાં આ પ્રકારે મળેલી ધમકીઓ, બોગસ ફોનકોલ્સ, ઈ-મેઈલથી મોકલાતી ધમકીઓ, રેલવે વ્યવહાર ખોરવાઈ જાય, તે પ્રકારે રેલવે લાઈનો સાથે કરાઈ રહેલા ચેડાં તથા શંકાસ્પદ સડક દુર્ઘટનાઓને સાંકળીને કોઈ સંકલિત અને તલસ્પર્શી તપાસ કરીને સખત કદમ ઊઠાવવા જોઈએ, તેમ નથી લાગતું?
આ પ્રકારની હરકતો સરકાર તથા સંલગ્ન તંત્રોની સરેઆમ નિષ્ફળતા અને ઢીલાશ પણ ગણાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial