મોટાભાગની ફિલ્મોમાં હિરો અને હિરોઈનની આજુબાજુની મેઈન સ્ટોરી હોય છે. જેની સામે વિલન પાત્રો હોય છે. મારધાડ, યુદ્ધ, સ્ટંટના સીન લેવા માટે ઘણી વખત હીરો કે મુખ્યપાત્રો પોતાના ડુપ્લીકેટ્સનો ઉપયોગ કરતા હોય છે. વિશ્વના ઘણાં મોટા મોટા નેતાઓ પણ પોતાના ડુપ્લીકેટ્સ સુરક્ષા કારણોસર રાખતા હોવાની ચર્ચા દાયકાઓથી ચાલતી રહી છે અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન તથા ઉ. કોરિયાના તાનાશાહ કીમ જોંગના ડુપ્લીકેટો હાલમાં મોજુદ હોવાનું કહેવાય છે. ડુપ્લીકેટ અથવા 'નકલી'નો હકારાત્મક પ્રયોગ ઘણો જ ઓછો થયો છે, અને તેના ફાયદાઓ અંગે બહુ ચર્ચા થતી નથી, પરંતુ મોટાભાગે 'નકલી' શબ્દ જ હવે ક્રાઈમ રિલેટેડ થઈ ગયો છે, કારણકે ગેરકાનૂની કૃત્યો માટે 'નકલી' માનવીઓ, સંસ્થાઓ તથા ચીજવસ્તુઓનો ઉપયોગ વધવા લાગ્યો છે.
દાયકાઓ પહેલા જ્યારે તેલમાંથી ઘી બનાવવાનો પ્રયોગ થયો, ત્યારે તેની ખૂબ ચર્ચા થઈ હતી. તે પછી 'ડાલડા' અને 'વનસ્પતિ' ઘી માર્કેટમાં વહેંચાવા લાગ્યું. આ કાનૂનીરીતે માન્ય ઘી ને તે સમયે નકલી ઘી ગણવામાં આવ્યું હતું તેની ભેળસેળ ચોખ્ખા ઘીમાં પણ થતી હતી. આ સિલસિલો હજુ થમ્યો નથી.
ભારત કૃષિપ્રધાન દેશ છે અને ખેડૂતો દેશભરમાં બે થી ત્રણ પાક મેળવવા અથાગ પ્રયત્ન કરતા હોય છે. ખેતર-વાડીમાં વાવેલુ અનાજ પંખીઓ ચણી જાય કે અન્ય રીતે નુક્સાન થાય તો ખેડૂતોનો પાક ધાર્યા પ્રમાણે ઉતરે નહીં, તેથી ખેતર-વાડી ફરતે વાડ બાંધવા ઉપરાંત ખેડૂતો ખેતર-વાડીમાં કોઈ માનવી ગોફણ લઈને ઊભો હોય તેવો ચાડિયો ઊભો કરતા હોય છે, જેને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે.
આ ચાડિયો પણ 'ડુપ્લીકેટ' જ હોય છે, પરંતુ તેનો હેતુ કોઈને નુક્સાન કરવાનો નહીં, પરંતુ પોતાનું રક્ષણ કરવાનો હોય છે. યુદ્ધના સમયે દુશ્મન દેશને છેતરવા કેટલાક નકલી સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવતા હોય છે. મંગલ પ્રસંગો, ઉજવણીઓ અને વિવિધ પ્રકારના ડેકોરેશન માટે નકલી ફૂલ, નકલી વૃક્ષો અને નકલી ફ્રુટ્સ અને ડ્રાય ફ્રુટ્સનો ઉપયોગ પણ થાય છે.
આ બધા 'ડુપ્લીકેટ' અથવા 'નકલી'ના પોઝિટિવ ઉપયોગો છે, જે ગેરકાનૂની કે એન્ટી-સોશ્યલ નથી, પરંતુ હમણાંથી ગેરકાનૂની અથવા અનૈતિક કહી શકાય, તેવા ડુપ્લીકેટ્સની હરકતો તથા ષડ્યંત્રો ક્રાઈમના એવા સ્વરૂપો છે, જેથી આપણા સમાજ, સિસ્ટમ અને દેશ સામે પણ ગંભીર પડકારો ઊભા થયા છે.
જુના જમાનાથી નકલી ચીજવસ્તુઓની ચર્ચા તો થતી જ રહી છે, પરંતુ તે પછી નકલી માનવીઓ, નકલી સંસ્થાઓ, નકલી નેતાઓ, નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ, નકલી દેશો,નકલી ચલણ,નકલી દસ્તાવેજો અને નકલી સ્ટેમ્પ, નકલી સ્ટેમ્પ પેપર્સ, નકલી આદેશો અને નકલી પાસપોર્ટ સહિતના ડુપ્લેકેટોની બોલબાલા વધવા લાગી છે, અને તેના કારણે નવા પડકારો ઊભા થયા છે.
ગુજરાતના સીએમઓના ડુપ્લીકેટ અધિકારી બનીને જમ્મુ-કાશ્મીરમાં જલસો કરતા પકડાયેલ એક ડુપ્લીકેટ ઓફિસર પછી તો ઠેર ઠેરથી આ પ્રકારના નકલી ઓફિસરો પકડાવા લાગ્યા પહેલા પોલીસનો ગણવેશ પહેરીને રોડ પર ઉઘરાણા કરતા ડુપ્લીકેટો પકડાતા, હવે તો પી.આઈ. કે પોલીસ કમિશનર બનીને લોકોની છેતરપિંડી કરવાના કિસ્સાઓ પણ સામે આવવા લાગ્યા છે, અને આ પ્રકારે ઓનલાઈન ધાક-ધમકી આપતા નકલી પોલીસ અધિકારીઓથી સાવધ રહેવા સાઈબર ક્રાઈમના તપાસ અધિકારીઓ તથા પોલીસતંત્ર દ્વારા વારંવાર ચેતવણીઓ પણ અપાતી હોય છે.
ગુજરાતમાં આખેઆખી નકલી કચેરી પ્રથમ વખત પકડાઈ, ત્યારે તેના દેશવ્યાપી પડઘા પડ્યા હતાં, પરંતુ હવે તો ગુજરાત સહિત દેશભરમાંથી પણ નકલી કચેરીઓ, વ્યક્તિઓ, સંસ્થાઓ, નકલી નેતાઓ તથા નકલી ચીજવસ્તુઓનો 'ઉપદ્રવ'વધી રહ્યો હોવાના અહેવાલો ચોંકાવનારા તો હોય જ છે, પરંતુ દેશ અને દેશવાસીઓ માટે ચિંતાજનક પણ ગણાય.
ગુજરાતમાં નકલી ટોલનાકા, આખી નકલી હોસ્પિટલો, નકલી શાળા-કોલેજો, આખેઆખી મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, નકલી દવાખાના તો પકડાતા જ હતાં, હવે તો અમદાવાદમાં એક નકલી કોર્ટ પણ પકડાઈ હોવાના સમાચારો પછી માત્ર ન્યાયતંત્રને સરકારી તંત્રો જ નહીં, પરંતુ દેશભરની જનતામાં પણ આશ્ચર્યા સાથે ચિંતા ફેલાવા પામી છે.
એક વ્યક્તિએ પોતે જ વકીલ, જજ અને આર્બિટ્રેટર બનીને વાંધાવાળી જમીનોના અનેક ઓર્ડર કર્યા હોવાના ંઅહેવાલોએ દેશભરમાં ખળભળાટ મચાવી દીધી છે. આ ઉપરાંત એરટેકના માલિક સુનિલ મિત્તલનો ડુપ્લીકેટ બનીને કોઈએ ડીપફેકના માધ્યમથી ઓનલાઈન છેતરપિંડીનો પ્રયાસ કર્યો તે અહેવાલોએ પણ ચકચાર જગાવી છે.
'નોબત'માં તાજેતરમાં એવું સૂચન કરાયું હતું કે ફેક કોલ કરીને વિમાનો-ટ્રેનો-બસો કે કોઈ સ્થળે બોમ્બ મૂક્યો હોવાની ધમકીઓ આપનારા સામે પગલાં લેવા કડક કાયદો બનવો જોઈએ અને આવી ધમકીઓને હળવાસથી લેવી ન જોઈએ. આ જ રીતે કોઈપણ રીતે 'નકલી' કે 'ડુપ્લીકેટ' બનીને છેતરપિંડી કરનારાઓને પણ આજીવન જેલમાં રહેવું પડે તેવી સજાની જોગવાઈ કરતો દેશવ્યાપી કડક કાયદો સંસદે ઘડવો જોઈએ, અથવા વર્તમાન કાયદામાં સુધારા-વધારા કરવા જોઈએ, અને 'નકલી'નો ક્રાઈમ માટે ઉપયોગ કરનારાઓને હળવાસથી લેવા ન જોઈએ, જો કે વિમાનોમાં બોમ્બ મૂક્યાની ખોટી ધમકીઓ આપવા માટે કાયદો બનાવવાની જાહેરાત કેન્દ્રિય નાગરિક ઊડ્ડયન મંત્રીએ કર્યા પછી કેન્દ્રિય ગૃહમંત્રાલયે પણ આ અંગે રિપોર્ટ મંગાવતા હવે 'નકલી'ના મુદ્દે સર્વગ્રાહી અને દેશવ્યાપી કડક કાયદો ઘડાશે, તેવી આશા જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial