દિવાળીના તહેવારોનો માહોલ છે, બજારોમાં ઘરાકી વધી રહી છે. આ વખતે દિવાળી સુધી મેઘરાજા રોકાણા હોય, તેમ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ પડી રહ્યો છે. બીજી તરફ સોનું, ચાંદી અને શરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને સોનાનો ઉછાળો એક લાખના આંકડા તરફ આગળ વધી રહ્યો છે, અને ચાંદી પ્રતિકિલો એક લાખ રૂપિયાની સપાટી વટાવી ગયો છે. ગઈકાલે સોનાનો દશ ગ્રામનો ભાવ ૮૦ હજાર રૂપિયાને પાર પહોંચ્યો હતો. શેરબજારમાં ગઈકાલે સેન્સેક્સ ૮૮૦ હજારથી વધુ પોઈન્ટ પર બંધ રહ્યો હતો, જો કે ગઈકાલે શેરબજાર ઈન્ટ્રા-ડે મંદીમાં રહ્યું હતું, અને સોનાના ભાવોમાં પણ નજીવો વધારો થયો હતો, પરંતુ આ ત્રણેય પ્રકારના આંકડાઓ વૈશ્વિક પડકારો અને ઉતાર-ચઢાવ છતાં એકંદરે તેજી તથા આગેકૂચ દર્શાવી રહ્યા છે, અને દિવાળી પછી પણ આ જ વલણો ચાલુ રહેશે તો સંવત ર૦૮૧ માં સોનું અને સેન્સેક્સ પણ એક લાખને ઝડપભેર પાર પહોંચી જશે, તેવા અનુમાનો પણ થવા લાગ્યા છે.
બ્રિક્સ સંમેલનના માધ્યમથી એક તરફ ચીન સાથે ડિપ્લોમેટિક સંબંધો સુધારવાની કવાયત થઈ રહી છે અને રશિયા,ચીન, ભારતની ધરા રચાઈ રહી હોય, અને અમેરિકન ડોલરને પછાડીને બ્રિક્સ દેશો દ્વારા વૈશ્વિક વ્યાપારની દિશા અને દશા બદલવાનો ખાનગી વ્યુહ ઘડાયો હોય તેવા સંકેતો મળી રહ્યા છે, તો બીજી તરફ ચીને પોતાના અર્થતંત્રને ઉગારવા જાહેર કરોલા પ્રોત્સાહનોના કારણે ફોરેન ઈન્વેસ્ટર્સનો ઝુકાવ ચીન તરફ વધી રહ્યો હોય તેમ જણાય છે. ગઈકાલના આંકડાઓ મુજબ ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી ફોરેન ઈન્વેસ્ટર્સ દ્વારા વેચવાલીના કારણે ભારતીય શેરબજારને વિપરીત અસર થઈ રહી હોય તેમ જણાય છે, જો કે આ પ્રકારના પડકારોનો સામનો કરીને પણ શેરમાર્કેટ મજબૂતીથી ટકી રહ્યું હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. શેરબજારના ઉતાર-ચઢાવના કારણે ક્યારેક રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થાય છે, તો ક્યારેક રિકવરી પણ થતી હોય છે, અને ક્યારેક ઘણો જ મોટો ફાયદો પણ થતો હોય છે. આ સીલસીલામાં જ ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટી તૂટતા રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થયું હતું, પરંતુ તહેવારો પછી તમામ પ્રકારના ઈન્ડિયન માર્કેટમાં તેજી હશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
ભારતીય શેરબજારમાં એફપીઆઈની સામૂહિક વેચવાલી વચ્ચે પણ મેટલ અને માઈનીંગ સેક્ટરોમાં વિદેશી રોકાણકારો દ્વારા ઈન્વેસ્ટમેન્ટ વધી રહ્યું હોવાના અહેવાલોને પોઝિટિવ ટ્રેન્ડ ગણવામાં આવી રહ્યો છે. એકંદરે વૈશ્વિક મંદીની અસરોથી ભારતીય શેરબજારને પણ ઝટકા લાગી રહ્યા છે, છતાં આશાવાદી સંકેતો પણ મળી રહ્યા હોવાના તારણો નીકળી રહ્યા છે.
માત્ર ડિપ્લોમેટિક નહીં, પરંતુ આર્થિક અને ભૌગોલિક દૃષ્ટિએ પણ બ્રિક્સના પાંચ દેશોની તાકાત વધે, તો તે પશ્ચિમ દેશો સામે પડકાર ઊભો કરી શકે છે. અમેરિકી ડોલરની પ્રવર્તમાન વૈશ્વિક તાકાત સામે કેટલાક દેશો પરસ્પર રૂપિયાના ચલણમાં લેતીદેતી કરવાનો વ્યૂહ અપનાવી રહ્યા છે, ત્યારે બ્રિક્સના દેશો દ્વારા આ દિશામાં પણ કોઈ કદમ ઊઠાવાશે, તેવી અટકળો પણ બ્રિક્સની બેઠક પહેલા થઈ હતી.
ભારત અને ચીન વચ્ચે સરહદી સમજુતિઓ થયા પછી ચીને ચાલબાજી અને દગાબાજી કરી હોવાથી વિશ્વસનિયતા ઘટી છે, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ અને કોરોનાકાળ પછી ચીનના અર્થતંત્રને ફટકો લાગ્યા પછીની સ્થિતિમાં જો એશિયન દેશોમાં એક્તા સધાય અને બ્રિક્સ જેવા વૈશ્વિક કક્ષાના જુથોના ઉદ્દેશ્યો સિદ્ધ થાય, તો આગામી સમયમાં વૈશ્વિક સમીકરણો બદલી પણ શકે છે.
દિવાળીના તહેવારોમાં કેન્દ્ર-રાજ્ય સરકારો દ્વારા કર્મચારીઓને વિશેષ બોનસ અપાતું હોય છે, તે ઉપરાંત ખાનગી વ્યાપારી પેઢીઓ, કંપનીઓ, કોર્પોરેટ ક્ષેત્રો પણ તેના સ્ટાફને બોનસ આપતી હોય છે. તે ઉપરાંત દિવાળી પહેલા જ ચાલુ મહિનાનો એડવાન્સ પગાર અપાતા લોકો દિવાળીના તહેવારો માટે ખરીદી માટે ઉમટી પડશે, તેવો આશાવાદ હવે ધીમે ધીમે ફળીભૂત થતો જણાય છે, અને લોકો માર્કેટમાં ખરીદી માટે નીકળવા લાગતા બજારોમાં રોનક આવતી હોય તેમ નથી લાગતું?
જો કે રિટેઈલ વ્યાપારીઓના મતે નવરાત્રિ પછી દર વર્ષે નીકળતી ઘરાકી આ વર્ષે મોડી થઈ છે, અને તેનું કારણ સતત કમોસમી વરસાદ, ઈન્ફ્રાસ્ટ્ર્કચરને નુક્સાન અને વૈશ્વિક અસરો પણ જવાબદાર છે, જો કે હવે દિવાળીના તહેવારોમાં બજારો વધુ ધમધમશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
સ્થાનિક બજારોમાં વધતી ઘરાકી તથા વધી રહેલી મોંઘવારી અંગે થઈ રહેલી ચર્ચાઓ જોતા એવું લાગે છે કે ગુજરાતની ઉત્સવપ્રિય જનતા તહેવારોમાં દેવું કરીને પણ ઉજવણી કરતી હોવાથી બજારો આ વર્ષે દિવાળી પછી પણ થોડા દિવસો સુધી ધમધમતી રહેશે, તેવી આશા રાખવી અસ્થાને નથી. એવા અહેવાલો પણ છે કે સોના-ચાંદીમાં હજુ જોઈએ તેવી ઘરાકી નીકળી નથી, અને તહેવારો માટેની ખરીદી માટે પણ લોકો હવે નીકળી રહ્યા છે, મોંઘવારીની અસરો છતાં તહેવારોમાં તેજી જળવાઈ રહેશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
જો કે, આપણાં સમાજમાં ગરીબ, અતિગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમવર્ગ, ધનિકો અને ધનકુબેરોની તમામ શ્રેણીઓ મોજુદ છે. ગુજરાતીઓ ઉત્સવપ્રિય હોઈ, આ તમામ પ્રકારના આર્થિક વર્ગિકરણો ગોણ બની જાય છે, અને લોકો તમામ તહેવારો હળી મળીને ઉજવતા રહ્યા છે.
હવે દિવાળીના તહેવારોની શ્રેણી શરૂ થવાની છે, ત્યારે સામાજિક સમૃદ્ધિ, રાષ્ટ્રીય એક્તા અને વૈશ્વિક શાંતિની દિશામાં આગેકૂચ થાય, તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial