Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દેવભૂમિ દ્વારકા બન્યુ ગ્લોબલ ટુરિસ્ટ ડેસ્ટિનેશનઃ હાલારના યાત્રાધામોમાં વધ્યો પ્રવાસીઓનો પ્રવાહ

જિલ્લામાં પ્રવાસન સુવિધાઓ વધતા યાત્રિકોને થઈ રહી છે સુખદ અનુભૂતિઃ આકર્ષક સ્થળોની હારમાળા

અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા...!

પુરી દ્વારાવતી ચૈવ સત્પૈતા મોક્ષદાયિકાઃ...!!

પ્રાચીન કાળમાં દ્વારાવતી તરીકે ઓળખાતું દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ. આપણા શાસ્ત્રોમાં દ્વારકાને સાત મોક્ષદાયી નગરોમાં સમાવેશ કરાયો છે. બેટ દ્વારકા, ઘુમલી, અને હરસિદ્ધિ મંદિર જેવા પ્રાચીન સ્થળો ધરાવતો દ્વારકા જિલ્લો ધાર્મિક અને રાષ્ટ્રીય સુરક્ષાની દષ્ટિએ અનેરું મહત્વ ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલા તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શાસન ધૂરા સંભાળી હતી. મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ રહ્યું છે. વર્ષ ૨૦૧૩માં દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ તાલુકાને સમાવીને અલગ દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચનાં કરવામાં આવી. છેલ્લા એક દાયકામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાએ કરેલો વિકાસ સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો દેશ વિદેશના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો ચાલો આપણે જાણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસન સ્થળો વિશે.

હેરીટેજ સિટી દેવભૂમિ દ્વારકા

સાંસ્કૃતિક અને પુરાતત્વીય વારસો ધરાવતી આ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિને કેન્દ્ર સરકાર દ્વારા હેરીટેજ સિટી તરીકે જાહેર કરી વૈશ્વિક ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી છે. જ્યાં ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં લાખો ભાવિકો શીશ ઝુકાવે છે.

બેટ દ્વારકા  સુદર્શન સેતુ

ઓખાથી બેટ દ્વારકાને જોડતા આ સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું છે. રૂ.૯૭૮.૯૩ કરોડના ખર્ચે આ વિશીષ્ટ કેબલ સ્ટેયડ બ્રીજનું ફેબ્રુઆરી, ૨૦૨૪માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે.  પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થયું છે. તેમજ બેટ દ્વારકા ખાતે દર્શનાર્થે આવતા ભકતજનો સરળતાથી દર્શન કરી શકશે.

સુદર્શન સેતુની લંબાઇ ૨.૩૨ કિલોમીટર છે, જેમા ૯૦૦ મીટર કેબલ સ્ટેયડ ભાગ છે. બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર ૨૦ ટ ૧૨ મીટરના  ૪  મોરપંખ આકારવામાં આવ્યાં છે. ઓખા તરફ ૩૭૦ મીટર લંબાઈનો એપ્રોચ બ્રિજ, બેટ તરફ ૬૫૦ મીટર એપ્રોચ બ્રિજ છે. બ્રીજના મુખ્ય ગાળામાં ૧૩૦ મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે. આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ ૨૭.૨ મીટર છે, જેમાં બન્ને બાજુ ૨.૫૦ મીટરના ફૂટપાથ છે. ફુટપાથની બાજુ પર કોતરણી કામ કરી ભગવદગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણની છબિઓ  દર્શાવવામાં આવી છે. ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલની ૧ મેગાવોટની વિજળી ઉત્પાદનક્ષમતા છે, જેનો ઉપયોગ બ્રીજના લાઇટીંગમાં થય છે. બ્રીજ પર કુલ ૧૨ લોકેશન પર  પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

શિવરાજપુર બીચ

દ્વારકા અને ઓખા વચ્ચે બ્લુ ફ્લેગ ધરાવતો સ્વચ્છ, સુંદર, સલામત અને મનોહર એવો શિવરાજપુર બીચ આવેલો છે. જે દેશ  વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.  આ બીચ ઉપર હાલ પ્રવાસીઓને લગતી સુવિધાઓને વિકસાવવા માટે પ્રવાસન નિગમ દ્વારા ત્રણ ફેઝમાં કામગીરી કરવામાં આવી રહી છે.  આ કામગીરી પૂર્ણ થતા પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ

દારુકાવનમાં બિરાજતા ભગવાન શિવના જ્યોતિર્લિંગ સમા અને બારે માસ પ્રવાસીઓથી ધમધમતા નાગેશ્વરમાં મહાશિવરાત્રિના દિવસે તો અહીં ભક્તિ મેળાનું દ્રશ્ય ખડું થતું   હોય છે.

નાગેશવન

સામાજિક વનીકરણ યોજના હેઠળ સને.૨૦૧૩-૧૪ માં નાગેશ્વર ખાતે રાજ્યકક્ષાના ૬૪માં વન મહોત્સવની ઉજણવી માટે ૧૦માં સાંસ્કૃતિક વન નાગેશવનનું નિમાર્ણ કરવામાં આવ્યુ છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પૌરાણિક તથા ધાર્મિક મહત્ત્વ ધરાવતાં શ્રી નાગેશ્વર જયોતિર્લિંગ ખાતે નાગેશ વનનું લોકાર્પણ કરેલ હતું.

આ નાગેશ વનમાં જુદા જુદા વનો જેવા કે, રાશિવન, નક્ષત્ર વન, પંચવટી વન,  તુલશી વન, સપ્તરૂષિ વાવેતર, તેમજ વિવિઘ જાતના વૃક્ષોનું વનોમાં વાવેતર કરેલ છે. તેમજ આ નાગેશવનમાં કોતરણીવાળો કલાત્મક ગેઇટ, કૈલાશ પર્વતનું મોડેલ અને તેના ઉ૫ર બિરાજમાન ભગવાન શિવની સહ પરિવાર મુર્તિ, ભગવાન શ્રી કૃષ્ણજીની મૂર્તિ, દારૂકાવધ પ્રસંગની મૂર્તિ, વન કુટીર, મરીન ઇન્ટરપ્રીટીશન સેન્ટર, કેકટસ હાઉસ, ઉજાણી ગૃહ તથા બાળકોના મનોરંજન માટે જુદી જુદી રાઇડસ વગેરે આકર્ષણનું કેન્દ્ર છે. અને નાગેશ્વર ખાતે દર્શનાર્થે આવતા પ્રવાસીઓ માટે એક રમણીય સ્થળનું નિર્માણ કરવામા આવેલું છે.

કોયલા ડુંગરમાં બિરાજમાન હરસિદ્ધિ માતા

હરસિદ્ધિ માતાનું મંદિર તીર્થધામ કોયલા ડુંગરમાં આવેલું છે. કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામની હદમાં મેઢા ખાડીના કિનારે આ મંદિર આવેલુ છે. અહીં નવરાત્રી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

હરસિદ્ધિ વન

કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) માં આવેલ પૌરાણિક તથા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં હરસિદ્ધિ માતાના મંદીર નજીક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

હરસિદ્ધિ વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત ૪૧૬૧૯ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. જેમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો; વડ, પીપળો, પ્રાગ વડ, વગેરેનું વાવેતર કરવામાં આવેલ છે તથા દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ; પીલુ, નાળિયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલ છે. ગુગળ વન તથા કેક્ટસ વાટીકા વગેરેમાં તેના નામને અનુરૂપ પ્રજાતિઓ ઉછેરવામાં આવેલ છે.

ઉપરાંત ઉજાણી સ્થળ તરીકે પર્યટકો આકર્ષાય તે સંદર્ભમાં આ સાંસ્કૃતિક વનમાં બાળ વાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન,ગઝેબો, સનસેટ પોઇન્ટ વગેરે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અન્ય પ્રવાસન સ્થળો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૂક્મણી મંદિર, ગોમતી ઘાટ, ભડકેશ્વર મહાદેવ, ગોપી તળાવ, હનુમાન દાંડી, કિલેશ્વર મહાદેવ, શનિ મંદિર  હાથલા, ઘુમલી, સોનકંસારી, આભાપરા હિલ સ્ટેશન, મરીન નેશનલ પાર્ક  નરારા ટાપુ સહિત અનેક પ્રવાસન સ્થળો આવેલા છે કે જે દેશ  વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

સંકલનઃ વૈશાલી રાવલીયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial