હમણાંથી 'નકલી'ના કિસ્સાઓ વધી રહ્યા છે અને વિવિધ અધિકારીઓના નામે ઓનલાઈન લાંચ-રૂશ્વત માંગવાની ઘટનાઓ પણ વધવા લાગી છે, તો બીજી તરફ સોશ્યલ મીડિયાનો દુરૂપયોગ પણ વધી રહ્યો છે. સરકારો સ્વચ્છતા અભિયાનો ચલાવી રહી છે, છતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આ પ્રકારના મુદ્દે જ અદાલતોની ફટકાર સાંભળવી પડી રહી છે. હવે તો હાઈકોર્ટે ચીફ ઓફિસરો, મ્યુનિસિપલ કમિશનરો તથા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની હોદ્દાજોગ વ્યક્તિગત ઝાટકણી કાઢીને તેની જવાબદારી નક્કી કરવાના સંકેતો આપી રહી હોવાથી નિંભર નેતાઓના ઈશારે નાચતા લાપરવાહ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો જ હશે ને?
ગુજરાત હાઈકોર્ટે ફરી વખત ઓખા નગરપાલિકાની ઝાટકણી કાઢી હોવાના અહેવાલો છે, અને એ દરમિયાન અદાલતે એક મહત્ત્વપૂર્ણ સૂચન પણ કર્યું છે, જેની ચર્ચા પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વર્તુળોમાં થઈ રહી છે.
મીડિયા અહેવલો મુજબ ઓખા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે કોઈ સંસ્થા સાથે કરેલા કરારોના દસ્તાવેજો અદાલત સમક્ષ રજૂ કર્યા વિના જ એફિડેવિટ કરીને કોર્ટને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ બદલ ઓખાના સંબંધિત ચીફ ઓફિસરની ઝાટકણી કાઢી નાંખી અને તેનો ખુલાસો પણ માંગ્યો, જે અન્ય નગરપાલિકાઓના પ્રમુખો તથા ચીફ ઓફિસરો માટે પણ બોધપાઠરૂપ છે.
કોઈપણ પ્રકારના 'સેટિંગ' કર્યા હોય તો તે અદાલતો સમક્ષ ખુલ્લા પડી જતા હોય છે, અને પૂરતા દસ્તાવેજો વિના એમઓયુ કરવાની પ્રક્રિયા સ્વયં કે બોડીના દબાણ હેઠળ કરી હોય તો પણ અંતિમ જવાબદારી તો સંબંધિત અધિકારીની જ થતી જ હોવાથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અધિકારીઓએ સ્વયં ગોબાચારી કરવાથી સાવધ રહેવું જોઈએ અને કોઈની કઠપૂતળી બનીને કે ભાગબટાઈ કરીને કરેલા ગોટાળા કે સ્વયં કરેલી ગંભીર ભૂલોની જવાબદારી પોતા પર આવી જશે,તો શું થશે? તેનો વિચાર પણ કરી લેવો જોઈએ, તેમ નથી લાગતું?
એ જ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જૂનાગઢ મનપાના કમિશનરને પણ મંજુરી વિના કોન્ટ્રાક્ટર આપી દેવા બદલ માફી માંગવાનો કરેલો નિર્દેશ પણ રાજ્યની દોઢ ડઝન જેટલી મહાનગરપાલિકાઓ માટે બોધપાઠરૂપ છે. પ્લાસ્ટિકના નિકાલ માટે જૂનાગઢ મનપાના કમિશનરને જવાબદાર ઠેરવવાના આ સંકેતો ખરેખર તો તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો તથા રાજ્ય-કેન્દ્ર સરકારોના સંબંધિત વિભાગો અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માટે પણ પથદર્શક અને નોંધનિય ગણાય. હાઈકોર્ટની આ ફટકાર માત્ર એકાદ નગરપાલિકા કે એક મનપા જ નહીં, સમગ્ર રાજ્યના તમામ તંત્રો માટે વોર્નિંગ છે, તે સમજી લેવું પડે તેમ છે, ખરૃં ને?
જામનગરની મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના તંત્રોએ તથા નેતાઓએ પણ હાઈકોર્ટના આ નિર્દેશોની નોંધ લેવી જોઈએ, અને વગર મંજુરીએ કે નિયમોને નેવે મૂકીને સ્થાનિક હિતો કે રાજકીય નેતાગીરીના દબાણ હેઠળ અયોગ્ય નિર્ણયો લેવાથી બચવું જોઈએ, તેમ નથી લાગતું?
હાઈકોર્ટે પ્લાસ્ટિક વેસ્ટના મુદ્દે એક મહત્ત્વપૂર્ણ સૂચન પણ કર્યું હતું. જો સરકાર પ્લાસ્ટિક વેસ્ટમાંથી રોડ બનાવવા વિચારતી હોય તો મધ્યપ્રદેશના ઈન્દોરમાં વેસ્ટમાંથી સીએનજી બનાવવાની સુવિધાનો અભ્યાસ કરવા માટે ગુજરાતમાં સૌથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર થતો હોય, તેવી મનપાને સૂચના કરતા હાઈકોર્ટે કહ્યું છે કે જરૂર પડે તો રાજ્યના સંબંધિત અધિકારીઓ તથા મનપાના તંત્રોના અધિકારીઓને ટ્રેનિંગ અને અનુભવ લેવા ઈન્દોર મોકલી શકાય. ટૂંકમાં, પ્લાસ્ટિકના કન્સ્ટ્રકટીવ ઉપયોગના આ વિકલ્પનું હાઈકોર્ટનું સૂચન જામનગર મનપાએ પણ વિચારવા જેવું ખરૃં... (પણ માત્ર તાલીમ લેવા જવા પૂરતું નહીં, અમલવારી કરવા માટે હો...!)
ગુજરાત હાઈકોર્ટે રાજ્યની સૌથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર કરતી મનપાની માહિતી માંગી, તે પણ ઘણી જ સૂચક છે. રાજ્ય સરકારે રાજ્યની ૩૩ જિલ્લા પંચાયતો તથા ૧૮ ગામોની પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની વિગતો રજૂ કરી હોય, તો તેનો સંયુક્ત પ્રોજેક્ટ બનાવીને જિલ્લાવાર, તાલુકાવાર કે ગામવાર 'વેસ્ટમાંથી બેસ્ટ'ના અભિગમ હેઠળ પ્લાસ્ટિકના કચરાનો રચનાત્મક રિયુઝ (પુનઃ ઉપયોગ) કરી શકાય, વિચારવા જેવું ખરૃં કે નહીં?
હવે અસલી... નકલીની વાત કરીએ તો ઘણાં સ્થળેથી પોલીસ અધિકારી બનીને વીડિયો કોલ દ્વારા નકલીઓના ઉઘરાણાની રાવ પછી હવે 'ડીપફેઈક' અધિકારીઓ દ્વારા લાંચ માગવાનો કિસ્સો પણ જામનગરમાં ટોક ઓફ ધટાઉન બન્યો છે, અને ટ્રીપફેક અવાજમાં ફૂડ શાખાના અધિકારીના નામે ઉઘરાણાના પ્રયાસ પછી મનપાએ ચોખવટ પણ કરી છે કે નમૂના લીધા પછી ફોસ કરવાની કોઈ સિસ્ટમ જ નથી!
નોંધનિય એ પણ છે કે, રાજકોટમાં તાગડધિન્ના ચલાવનાર બે પૂર્વ મ્યુનિ. કમિશનરોને હાઈકોર્ટમાં કેમ માફી માંગવી પડી, તેનો અભ્યાસ કરીને તમામ મ્યુનિ. કમિશનરોએ ચેતવા જેવું ખરૃં...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial