Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

કાળી ચૌદશ, નાની દિવાળી, નરક ચતુર્દશી, રૂપ ચૌદશ... સ્વચ્છતાનો સંદેશ...

આજે કાળી ચૌદશ છે, જેને દેશના જુદા જુદા વિસ્તારોમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે, અને તેને સંબંધિત ભિન્ન-ભિન્ન કથાઓ અને માન્યતાઓ પ્રચલીત છે. કાળી ચૌદશને નરક ચતુર્દશી, રૂપ ચૌદશ, નાની દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે. નરક ચતુર્દશીને અનુલક્ષીને યમપૂજન, નાની દિવાળીને અનુલક્ષીને લક્ષ્મીપૂજન, રૂપ ચૌદશને અનુલક્ષીને સૂર્યોદય પહેલા સ્નાન કરીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ અને કાળી ચૌદશને અનુલક્ષીને મહાકાળી અથવા કાલી માતાજીનું વિશેષ પૂજન કરવામાં આવે છે.

રમા એકાદશીથી શરૂ થતાં દિવાળીના તહેવારોમાં વાઘ બારસ પછી આપણે ધનતેરસની ઉજવણી કરી. ગઈકાલેે જામનગર, હાલાર સહિત દેશભરમાં ભગવાન ધન્વન્તરિ તથા માતા મહાલક્ષ્મીજી કૂબેરજી અને લક્ષ્મી નારાયણના વિશેષ પૂજનો તથા સંલગ્ન કાર્યક્રમ તથા સેવાકાર્યો પણ સંપન્ન થયા.

આસો વદ ચૌદશ એટલે વિક્રમ સંવતના એક વર્ષની પૂર્ણાહુતિની પહેલાનો દિવસ... આ દિવસે લોકો ઘરમાંથી આખા વર્ષનો કકળાટ કાઢીને ઘરને સાફસૂફ કરે છે, અને બીજા દિવસે પ્રકાશના પર્વ દિવાળીના દિવસે દીપોત્સવ સાથે ઘરમાં લક્ષ્મીપૂજન અને વેપારીઓ ચોપડાપૂજન કરે છે.

રાણવનો સંહાર કરીને અને યુદ્ધ જીતીને ભગવાન શ્રીરામ લંકાની ગાદી વિભિષણને સુપ્રત કરીને ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યામાં પધારવાના હોય છે, તેના આગલા દિવસે જ અયોધ્યામાં શ્રીરામ, સીતા, લક્ષ્મણને આવકારવાની તૈયારીઓ થવા લાગે છે. તેથી આ દિવસને નાની દિવાળી પણ કહે છે. આ દિવસે નરકાસુરનો વધ કરાયો હોવાથી તેને નરક ચતુર્દશી કહેવાય, તેવી માન્યતા છે, તો શ્રીકૃષ્ણે ૧૬ હજાર જેટલી મહિલાઓને કેદમાંથી છોડાવી, તેથી પણ નાની દિવાળી કહેવાય, તેમ મનાય છે. આ દિવસે યમરાજાની પૂજા કરવામાં આવે છે, તે ઉપરાંત લક્ષ્મીપૂજન કેટલાક વિસ્તારોમાં આજે પણ થતું હોય છે. નરકમાં જતા યમપૂજન અટકાવે છે, તેવી માન્યતા છે.

એવી માન્યતા છે કે નરકાસુરના વધ પછી ભયમૂકત થયેલા અવાજને નવું સ્વરૂપ મળ્યું, અને સ્વતંત્ર થયા પછી શરીરે સરસવનું તેલ, હળદર વગેરે લગાવીને લોકોએ પોતાના શરીરને સુંદર બનાવીને તથા ઘરોને સ્વચ્છ-સુઘડ અને સુશોભિત કરીને ઉજવણી કરી હતી. આજે માતા મહાકાળીનો પ્રાગટ્ય દિવસ પણ મનાવાય છે.

ગુજરાતમાં તો કાળી ચૌદશના દિવસે ફરસાણ, ભાખરી, ખીર વગેરે બનાવીને ઘરનો કકળાટ કાઢવાનો રિવાજ છે, અને કેટલીક પરંપરાઓને લોકો અંધશ્રદ્ધા તરીકે પણ વર્ણવે છે. જો કે ધીમે ધીમે લોકજાગૃતિ પછી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખાને પણ લોકો સમજતા થયા છે.

આજના દિવસે લોકો માતા મહાકાળીનું પૂજન ખૂબ જ ભક્તિભાવ સાથે કરે છે, અને માતા મહાકાળીના પૂજનથી અનિષ્ટો સાથે લડવાની તાકાત મળે છે, તેવી માન્યતા છે. આ દિવસે મહાકાળી માતાજી, યમરાજા, હનુમાનજી, ભગવાન શ્રીકૃષ્ણ વગેરેનું ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવે છે. આજે અંધશ્રદ્ધા નિવારણ માટે પણ વિવિધ કાર્યક્રમો યોજાય છે, જ્યારે ઋતુચક્રને અનુરૂપ પદાર્થોને સાંકળીને વિવિધ વાનગીઓ બનાવીને સહપરિવાર નૈવૈદ્યનો પ્રસાદ લેવાનો રિવાજ પણ છે.

આપણાં તહેવારોની વિવિધ ઉજવણીઓની પદ્ધતિઓ પાછળ ચોક્કસ પ્રકારનું સાયન્સ અથવા સુધારાત્મક કોન્સેપ્ટ પણ છુપાયેલો હોય છે. તેવું પણ ઘણાં લોકો માને છે. કાળી ચૌદશના દિવસે સ્વચ્છતાનો સંદેશ ફેલાવવામાં આવે છે. ઘર-ફળિયું અને ધંધાકીય સ્થળોની સાફસૂફી સંપન્ન કરીને કૂડો-કચરો બહાર ફેેંકવાને કકળાટ કાઢવાની પરંપરા સાથે સાંકળી શકાય, જ્યારે નૈવેદ્ય કે પ્રસાદ-સામગ્રીમાં ઋતુને અનુરૂપ પદાર્થોને સાંકળવા પાછળ પણ સ્વાસ્થ્ય સંરક્ષણને સંબંધિત કોઈ હેતુ સંકળાયેલો હોય, તેવું લાગે. ટૂંકમાં પરંપરાઓ તથા પ્રક્રિયાઓના માધ્યમથી  આપણાં પૂર્વજોએ લોકોને સ્વચ્છતા, પોષણ તથા વાતાવરણ શુદ્ધિ માટે પ્રેર્યા હશે, તેવું પણ માની શકાય ખરુંને?

આપણે કાળી ચૌદશના દિવસે અત્યાચાર, ભ્રષ્ટાચાર, કુરિવાજો, વિકૃતિઓ, વ્યભિચાર અને અનૈતિકતા જેવી આસુરી શક્તિઓ સામે લડવાનો, તેને કકળાટ માનીને જીવનમાંથી હટાવવાનો અને તમામ પ્રકારની દુષ્ટતાની હદો ઓળંગતા નરાધમોને કાનૂની રાહે સબક શિખવવાનો સંકલ્પ લઈને અને તેમાં ઈશ્વર અને ઈશ્વરિય શક્તિ ધરાવતા દેવી-દેવતાઓ સૌને તાકાત આપે તેવી પ્રાર્થના કરીએ.

અત્યારે ભારત અને અમેરિકામાં કેટલીક ચૂંટણીઓનો માહોલ છે, તો કુદરતી આફતો તથા ઋતુચક્રનો બદલાવ પણ પરેશાન કરી રહ્યો છે વિશ્વમાં ચાલી રહેલા બે-ત્રણ યુદ્ધોના કારણે આખી દુનિયાને વિપરીત અસરો પડી રહી છે, ત્યારે આજે વૈશ્વિક અશાંતિના કકળાટને ખાત્મો થાય અને સુખ, શાંતિ, સ્વચ્છતા અને સમૃદ્ધિ સાથે દીપોત્સવીપર્વની ઉજવણી સંપન્ન થાય, તેવું ઈચ્છીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial