દિવાળીના તહેવારો પૂરા થયા અને હવે લાભપાંચમે આવશે, પરંતુ ગરમીનો પ્રકોપ તથા ઠંડીના પ્રારંભ વચ્ચે ઋતુ જાણે હિંચકા ખાઈ રહી હોય, તેમ સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે, જો કે, હવે એક સાથે ચાર-પાંચ ડિગ્રી સુધી તાપમાન ઘટી જશે અને ઠંડીના વધારા સાથે દિવસો ટૂંકા થતા જશે, તેવી આગાહીઓ પણ થઈ રહી છે, તેથી લોકો તંદુરસ્તીની ઋતુ ગણાતા શિયાળાને માણવા થનગની રહ્યા છે.
આ ઠંડી-ગરમી વચ્ચે થતાં કમોસમી વરસાદના કારણે યુરોપ જેવું ઋતુચક્ર થઈ ગયું હોય તેમ લાગે છે. આ સ્થિતિ કલાઈમેટ ચેઈન્જ અને ગ્લોબલ વોર્મીંગના કારણે ઊભી થઈ હોવાનું પણ કહેવાય છે.
આ વર્ષે ઠંડી-ગરમીની ઋતુ વચ્ચે દિવાળી પસાર થઈ ગઈ. દિવાળીના અવસરે જ 'નોબત'ના એક અડીખમ સ્તંભ સમા કિરણભાઈ માધવાણીનું નિધન અમને હચમચાવી ગયું, અને માત્ર નોબત પરિવાર અને માધવાણી પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર હાલાર અને દેશ-વિદેશમાં પથરાયેલા નોબતના પ્રિય વાચકો, બેન્કીંગ સેકટર અને બહોળા મિત્રમંડળને પણ ઉંડો આઘાત લાગ્યો હતો. દીપોત્સવી પર્વે વૈકુંઠધામની યાત્રાએ નીકળી ગયા. સદ્દગતના આત્માને ઈશ્વર ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થનાઓ.
બીજી તરફ નવું વર્ષ શરૂ થયું છે અને ઋતુચક્રના નવા અનુમાનો તથા આગાહીઓ પણ થવા લાગી છે, તાજી વૈશ્વિક કક્ષાની આગાહી થોડી ચિન્તાજનક છે, પરંતુ કુદરતી આફતોના પડકારોને પહોંચી વળવા વિશ્વના દેશો પણ સજ્જ થઈ રહ્યા છે, તેથી પ્રકૃતિના પ્રકોપ સામે ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત થાય, તેવી પ્રાર્થના પણ નૂતનવર્ષે કરવી ઘટે, ખરું ને ?
નવું વર્ષ શરૂ થતાં જ રાજકીય ઉથલપાથલનો દોર પણ શરૂ થયો છે. કેન્દ્રની મોદી સરકાર જે બે રાજકીય પક્ષોના સહારે સત્તારૂઢ થઈ છે, તે બન્ને પક્ષો વફક બોર્ડના મુદ્દે સરળતાથી ભારતીય જનતાપક્ષ સાથે સહમત નહીં થાય, તેવો અંદાજ તો પહેલેથી જ હતો, પરંતુ હવે ચંદ્રાબાબુ નાયડૂની પાર્ટી ટીડીપીના વરિષ્ઠ નેતાએ ખૂલ્લેઆમ ચેતવણી આપી દીધા પછી મોદી સરકારના વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે અને કેન્દ્ર સરકાર હાલક-ડોલક થઈ રહી હોવાના અહેવાલો, અટકળો તથા ન્યુઝ ચેનલોના ડિબેટીંગ ઉપરાંત સોશ્યલ મીડિયામાં પણ અનુમાનોના ઘોડાપૂર આવ્યા છે, જો કે, તે પછી જે કાંઈ પ્રત્યાઘાતો આવ્યા, અને આ અહેવાલો પર ઠંડુ પાણી રેડવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તે જોતાં મોદી સરકાર ટકી રહેશે, તેવો આશાવાદ પણ વ્યકત થઈ રહ્યો છે. જોઈએ, શું થાય છે તે...
મહારાષ્ટ્ર-ઝારખંડનો ચૂંટણી પ્રચાર પણ પરાકાષ્ટાએ પહોંચ્યો છે, તો બીજી તરફ અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી પર પણ સૌ કોઈની નજરો મંડાયેલી છે, ત્યારે હાલાર સહિત ગુજરાતમાં આગામી એકાદ-બે મહિનામાં થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ પણ રાજકીય પક્ષોએ ગૂપચૂપ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીઓમાં વાવ વિધાનસભાની બેઠકની ચૂંટણીનું પરિણામ, વિવિધ રાજ્યોની તાજેતરની થયેલી અને હવે થનારી ચૂંટણીઓના પરિણામો ઉપરાંત રાજ્ય-કેન્દ્ર સરકારની એન્ટી-ઈન્કમ્બન્સી પણ ભાજપ માટે પડકારરૂપ હશે, તેવી ધારણાઓ વચ્ચે ભાજપનું માઈક્રોપ્લાનીંગ, સંગઠનશક્તિ અને પ્રચંડ પ્રચારના સહારે ડેમેજ કંટ્રોલ થઈ જશે, તેવો આશાવાદ પણ સેવાઈ રહ્યો છે, જોઈએ, શું થાય છે તે....
વિદેશી ન્યુઝ ચેનલોએ ભારત સહિત વિશ્વના કેટલાક દેશોમાં સુપર અલનીનોની અસરો થતાં ભયંકર દુષ્કાળની ભવિષ્યવાણી પ્રસારિત કર્યા પછી તેની વ્યાપક ચર્ચા ભારતીય પ્રેસ-મીડિયામાં પણ શરૂ થઈ ગઈ છે અને આગામી ઉનાળા પછી અલ્પવૃષ્ટિના કારણે ઊભી થનારી સંભવિત અસરો અંગે ભિન્ન-ભિન્ન અભિપ્રાયો પણ વ્યકત થઈ રહ્યા છે, આ સાથે જ ગુજરાત સહિત ભારતમાં ભૂતકાળમાં પડેલા ભયંકર દુષ્કાળોની ચર્ચા પણ થવા લાગી છે.
એવું કહેવાય છે કે, અલનીનોની અસર હેઠળ ચાલુ વર્ષે જ મહારાષ્ટ્રમાં દુષ્કાળની અસરો શરૂ થઈ ગઈ છે. વર્ષ-૧૮૭૧ પછી પડેલા દુષ્કાળો પૈકી દેશમાં વર્ષ-૨૦૦૨ અને વર્ષ ૨૦૦૯ સહિતના દુષ્કાળો તથા અન્ય અર્ધ દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિઓને અલનીનો સાથે સીધો સંબંધ છે. લાનીનોની અસરથી અતિવૃષ્ટિ અને અલનીનોની અસરથી જ લીલો અને સુકો દુષ્કાળ પડતો હોય છે. જોઈએ હવે શું થાય છે તે...
વિતેલા વર્ષે ઘણાં હકારાત્મક ઘટનાક્રમો સાથે નેગેટિવ ઘટનાઓ પણ બની, અને વર્ષાંતે કેટલાક ઝટકા લાગ્યા, નવા વર્ષે શું થાય છે તે જોઈએ હવે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial