દીપોત્સવી પર્વ વીતી ગયું અને નવા વર્ષના પ્રારંભે નવી આશાઓ, નવા ઉમંગ અને અર્થતંત્રમાં તેજીના આશાવાદ સાથે માર્કેટનો માહોલ પુનઃ ધમધમ્યો. દિવાળીના ચોપડા પૂજન પછી સામાન્ય રીતે મોટાભાગના છૂટક અને જથ્થાબંધ વેપારીઓ કારતક સુદ ચતુર્થી સુધી વેપારમાં પણ મીની વેકેશન રાખતા હોય છે, અને લાભપાંચમથી પુનઃ બજાર ધમધમવા લાગે છે. લાભપાંચમનું પણ આધ્યાત્મિક, ધાર્મિક અને પારંપારિક જ નહીં, પરંતુ વ્યાપાર, માર્કેટ અને ઋતુચક્રની દૃષ્ટિએ પણ એક અનોખું મહાત્મય છે. લાભપાંચમના દિવસે ઘણાં મંગલ પ્રસંગો, નવા સાહસો, નવા પ્રોજેક્ટો તથા સરકારની મોટી યોજનાઓનો પ્રારંભ પણ કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા કક્ષા સુધી થતો હોય છે.
દીપોત્સવી પર્વે સોના-ઝવેરાતનું માર્કેટ ખૂબ ધમધમ્યું અને લોકોએ સોનાની ખરીદી પણ મન મૂકીને કરી. એક અંદાજ મુજબ સોનાની ખરીદી કરનાર તથા તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરનાર લોકોને ૩૦ થી ૩ર ટકા સુધીનું વળતર મળ્યું. હવે લગ્નસરાની મોસમ ખીલી ઊઠવાની આવી રહી હોવાથી તેના સંદર્ભે પણ સોના-ચાંદી અને ઝવેરાતની ખરીદી વધશે તેવી આશાઓ સેવાઈ રહી છે.
દીપોત્સવી પર્વે તો લોકોએ સોના-ચાંદી-ઝવેરાતની ખરીદી પ્રાસંગિક અથવા મૂડીરોકાણ, બચત અને સુશોભનના ઉદ્દેશ્યો માટે થઈ હતી. વર્ષના આરંભે વૈશ્વિક સ્તરે સોનું સસ્તુ થયું અને દેશમાં સોના-ચાંદીમાં થયેલા ભાવઘટાડા પછી પણ માર્કેટમાં નવો આશાવાદ ઊભો થયો છે, જ્યારે ઓટોમોબાઈલ્સ સેક્ટર, ટેકસ્ટાઈલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં તેજીના એંધાણ પછી નવું વર્ષ શેર માર્કેટમાં ભારે પણ ફળદાયી નિવડશે, તેવા અંદાજો મૂકાઈ રહ્યા છે. આ વર્ષે આઈ.ટી. સેક્ટર વિકાસની હરણફાળ ભરશે, તેવી અપેક્ષા રખાઈ રહી છે.
વિશ્વ બેંકના તારણો મુજબ ભારત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક વૈશ્વિક ખેલાડીના રૂપમાં ઉભરી રહ્યું છે. વિશ્વની જનસંખ્યામાં બે મોટા દેશ ચીન અને ભારતના અર્થતંત્રોની સમીક્ષા સાથે ભારતની આત્મનિર્ભરતા તથા અર્થતંત્રમાં ભરતી-ઓટની ચર્ચાઓ થતી રહે છે, અને ભિન્ન ભિન્ન અભિપ્રાયો પ્રવર્તે છે, પરંતુ 'ઈન્ડિયા એટ અ ગ્લાન્સ' અથવા 'ભારત એક નજરમાં'ના મથાળા હેઠળ થઈ રહેલા વૈશ્વિક વિશ્લેષણોનાં કારણે ભારતીય અર્થતંત્રને લઈને સકારાત્મક અને પ્રોત્સાહક અભિપ્રાયો પણ વ્યક્ત થવા લાગ્યા છે.
આ રિપોર્ટમાં આઝાદી પછી ભારતમાં જુદા જુદા સમયે થયેલી હરિયાળી ક્રાંતિઓ તથા ભૂતકાળમાં અનાજની આયાત કરતા ભારતની કૃષિક્ષેત્રે આત્મનિર્ભરતા તથા ભારતમાંથી અનાજની થતી નિકાસનો ઉલ્લેખ થયો છે, જેને ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક ગણવામાં આવે છે.
વિશ્વબેંકે આસામ માટે એક નવા મેગા પ્રોજેક્ટને મંજુરી આપી છે. આ મેગા પ્રોજેક્ટ હેઠળ કનેક્ટિવિટીમાં સુધારણા, માળખાકીય સવલતોમાં વધારો, પુલો, માર્ગો અને એરપોર્ટસ, રેલવે, બંદરોને જોડતી સડકો અને શાળા-કોલેજો, હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, જથ્થાબંધ માર્કેટને જોડતા રસ્તાઓ, માળખાકીય સગવડોનો સમાવેશ કરાયો છે.
આ ઉપરાંત બિહાર જળસુરક્ષા અને સિંચાઈ આધુનિકરણ પ્રોજેક્ટ, ગુરુગ્રામ મેટ્રો, સાઈબરસિટી, કર્ણાટક જળ સુરક્ષા અને સરળીકરણ, પ. બંગાળ હેલ્થ સિસ્ટમ સુધારણા કાર્યક્રમ, જલવાયુ પરિવર્તનને અનુરૂપ મહારાષ્ટ્રમાં મેગા પ્રોજેક્ટનો દ્વિતીય તબક્કો, ઉત્તરપ્રદેશ સ્વચ્છ જળવાયુ પ્રબંધન યોજના, સી-સીએપી એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં જળવાયુને અનુરૂપ વિકાસ, બિનપંરાગત ઊર્જા વિકાસ યોજનાઓ, સુરતની સંવર્ધન યોજના, રાજસ્થાન રાજમાર્ગ આધુનિકરણ, તમિલનાડુ મહિલા રોજગાર અને સુરક્ષા યોજના, કેરળ આરોગ્ય સેવાઓ સુધારણા તથા અમરાવતી રાજધાની વિકાસ કાર્યક્રમ સહિતના અબજો રૂપિયાના પ્રોજેક્ટો મંજુર થયા છે.
આ તમામ હકારાત્મક પરિબળો છતાં રાજકીય અસ્થિરતા જેવો માહોલ, કેન્દ્રમાં કાંખઘોડીની સરકારના સ્થાપિત્ય અંગે આશંકા, દેશભરમાં ચૂંટણીઓનો માહોલ, વિવિધ યુદ્ધોના કારણે વિશ્વમાં અશાંતિ તથા અનિશ્ચિતતાનો માહોલ અને બદલાતા સમિકરણો અને મૂડીપતિઓના સિસ્ટમ પર પ્રભાવની અસરોના કારણે દેશના અર્થતંત્રને આભાસી સ્વરૂપમાં રજૂ કરીને વાસ્તવિક્તા છુપાવાઈ રહી હોવાના અભિપ્રાયો પણ વ્યક્ત થતા રહે છે.
આજનો લાભપાંચમનો દિવસ વ્યાપારવૃદ્ધિ, મંગલપર્વો, શુભ કાર્યો, ધાર્મિક, સાંસ્કૃતિક તથા પારંપારિક મહત્ત્વ ઉપરાંત આર્થિક તથા રાજનૈતિક અને કુટનૈતિક દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે.
વર્ષ ર૦૧૮ ની ૧ર મી નવેમ્બરે લાભપાંચમ હતી, પરંતુ અમારા માટે શોકમય બની ગઈ હતી અને સ્વ. રોનકની યુવાવયે વસમી વિદાય આઘાત આપી ગઈ હતી. એવી જ રીતે દીપોત્સવી પર્વે સ્વ. રોનકના પિતા અને અમારા અનુજ કિરણભાઈને ગુમાવ્યા, તેનું દુઃખ છે. ઈશ્વરની ઈચ્છાનો સ્વીકાર કરીને નવા વર્ષમાં તેઓના સંસ્મરણોને વાગોળીએ... ઈશ્વરેચ્છા બળવાન... જય શ્રીકૃષ્ણ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial