આજે જામનગર, હાલાર સહિત દેશભરમાં તથા વિદેશોમાં જલારામ જયંતી ઉજવાઈ રહી છે, અને યાત્રાધામ વીરપુરમાં તો શ્રેણીબદ્ધ કાર્યક્રમો, ખાંભીપુજન, શોભાયાત્રા તથા સમૂહપ્રસાદ સાથે ભાવિકોનો મહાસાગર ઉભરાયો હોય, તેવો દૃશ્યો સર્જાયા છે. જલારામ બાપાની રરપમી જયંતીના પર્વે જામનગરમાં હાપા અને સાધના કોલોનીના જલારામ મંદિરો તથા ખંભાળીયા, સલાયા, દ્વારકા, આરંભડા, રાવલ, બેરાજા સહિત ઠેર-ઠેર જલારામ જયંતી ઉજવાઈ રહી છે.
જામનગરમાં બ્રહ્મભોજન અને રઘુવંશી સમાજના સમૂહભોજનની સાથે જ્ઞાતિભોજનના સ્થળે થેલેસેમિયા કેમ્પનું આયોજન તથા જ્ઞાતિજનો માટે ઈ-કેવાયસી અપડેટ કરાવવા માટેનું જે આયોજન કરાયું છે, તે અનુકરણીય અને પ્રશંસનિય છે. ધાર્મિક, સામાજિક કે અન્ય જાહેર કાર્યક્રમોની સાથે સાથે આ પ્રકારના સેવાકાર્યોની પરંપરા વિકસી રહી છે, અને આજના સમયની માંગ પણ છે. હેલ્થ સિક્યોરીટિ, વિવિધ સરકારી સેવાઓ તથા બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમિયા પરીક્ષણ, વિવિધ રોગ નિદાન કેમ્પોને સાંકળીને જ્યારે કોઈપણ ધાર્મિક કે સામાજિક પ્રસંગે લોકોને ઘરઆંગણે સેવાઓ મળી રહે છે, ત્યારે જે-તે પ્રસંગની આભા વધુ દીપી ઉઠે છે અને લાભાર્થીઓના અંતરના આશીર્વાદ પણ આયોજકો તથા કેમ્પો માટે સેવાઓ આપતા તમામ લોકોને મળતા જ હોય છે, ખરું કે નહીં ?
આમ તો, રક્ષાબંધનથી જ તહેવારોની શ્રૃંખલા શરૂ થઈ જતી હોય છે, અને જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ અને દિપોત્સવી પર્વ પછી છઠ્ઠપૂજન, જલારામ જયંતી અને દેવ દિવાળી સુધી ઉજવાતા તહેવારો તમામ ભારતીયો દ્વારા દેશ-વિદેશમાં ઉમંગભેર ઉજવાય છે અને તેના કારણે રોજગારી, માર્કેટીંગ, ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ અને પુરક તથા સેવા વ્યવસાયોને પણ વેગ મળતો હોય છે. ભારતનું વિશાળ માર્કેટ તહેવારો ટાણે વધુ ધમધમી ઉઠે છે અને અબજો રૂપિયાનું ટ્રાન્ઝેકશન થતું હોવાથી દેશ-વિદેશના ઈન્વેસ્ટરોને પણ આકર્ષે છે. ભારતીયોની ઉત્સવપ્રિયતા અને તેમાં પણ ગુજરાતીઓની પર્યટન સાથે મનોરંજન માણવાની બિન્દાસ મનોવૃત્તિના કારણે તમામ તહેવારો આનંદમય અને બહુહેતુક બની જતા હોય છે, આપણાં દેશમાં દિવાળી હોય, ઈદ હોય કે નાતાલ હોય કે પછી કોઈ રાજ્યનું વિશેષ પર્વ હોય, જલારામ જયંતી હોય કે ગુરૂનાનક જયંતી હોય, પારસીઓનું નવું વર્ષ હોય કે વિક્રમ સંવતનો પ્રારંભ હોય, ભારતીયો દેશ-વિદેશમાં સાથે મળીને તમામ પર્વોની ઉજવણી ધામધૂમથી કરે છે, અને તેમાં જ આપણાં દેશની વિવિધતામાં એકતા અને વસુદૈવકુટુમ્બકમ્ની વિશેષતાને પ્રજ્જવલિત કરે છે.
હવે તો ગુજરાતીઓ ગુજરાતના જ પ્રચલીત અને આધુનિક હરવા-ફરવાના સ્થળોની મજા માણવા લાગ્યા છે, તેવી જ રીતે દેશભરમાંથી પ્રવાસીઓ ગુજરાતમાં વેકેશનની રજાઓ માણવા આવવા લાગ્યા છે, આ કારણે હાલારના યાત્રાધામો સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતના રિલિજિયસ અને ટુરિઝમ ડેસ્ટિનેશન્સ ધમધમી રહ્યા છે, દ્વારકામાં 'અનુપમા' જેવી ટેલિવિઝન સિરિયલો તથા કેટલાક ચલચિત્રો માટેના શુટીંગ પછી આ તમામ સ્થળે ગુજરાતીઓ સહિત દેશ-વિદેશના યાત્રિકોનો ધસારો વધ્યો છે, જે અમિતાભ બચ્ચનની 'એક દિન તો ગુજારિયે ગુજરાત મેં..' એડની યાદ અપાવે છે.
એક દૃષ્ટિએ તહેવારો અને ટુરિઝમ પરસ્પર પુરક બની ગયા છે. ટુરિઝમના વિવિધ પ્રકારોમાં રિલિજિયસ ટુરિઝમ, ઈકો-ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, સ્ટડી ટુરિઝમ, સ્કુબાડાઈવીંગ, બિઝનેશ ટુરિઝમ, મરીન ટુરિઝમ અને સ્પોર્ટસ ટુરિઝમ સહિત સૌરાષ્ટ્રમાં મોજુદ હોવાથી હવે તો દુનિયાભરના યાત્રિકો અને પર્યટકો આકર્ષાવા લાગ્યા છે.
જામનગરની નજીક જ આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં અઢીસો જેટલા જુદા જુદા પ્રકારના પક્ષીઓ જોવા મળી રહ્યા છે, જે અબાલવૃદ્ધ સૌ કોઈને જોવા ગમે, તો વિદ્યાર્થીઓ, પક્ષીવિદો, પક્ષીપ્રેમીઓ, પ્રકૃતિપ્રેમીઓ અને અભ્યાસુઓ માટે તો આ ડેસ્ટિનેશનનો પ્રવાસ સ્ટડી ટૂર અને જ્ઞાન સાથે આનંદનું માધ્યમ બની જતો હોય છે.
બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રીજ, જે સુદર્શન બ્રીજ તરીકે ઓળખાય છે, તે સ્વયં જ આધુનિક ટેકનોલોજીનું અદ્દભૂત નજરાણું છે, જેથી દ્વારકાદર્શન ઉપરાંત સુદર્શન બ્રીજ, શિવરાજપુર બીચ, પંચકૂઈ બીચ, ઓખામઢી બીચ, હર્ષદનો દરિયાકિનારો પણ લોકોને આકર્ષી રહ્યો છે, જ્યારે કોયલો ડુંગર અને બરડો ડુંગર પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત એડવેન્ચર ટુરિઝમ અને ઈકો-ટુરિઝમના માધ્યમો પણ બન્યા છે. આપણું હેતાળ હાલાર હવે ગ્લોબલ ટુરિઝમના મેપ (નકશા)માં ધ્યાનકર્ષક રીતે ટમટમવા લાગ્યું છે. ભાણવડના બરડા ડુંગરમાં લિમિટેડ લાયન-શો (સિંહદર્શન)ની તાજેતરમાં શરૂ થયેલી સુવિધાના કારણે સોનામાં સુગંધ ભળી ગઈ છે.
આસ્થા, શ્રદ્ધા, ભક્તિ અને કર્મકાંડ સાથે સંકળાયેલા રિલિજિયસ ડેસ્ટિનેશન્સ સાથે સ્કુબા ડાઈવીંગ, એડવેન્ચર, બીચ ટુરિઝમ તથા ઈકો-ટુરિઝમના સંયોજનના કારણે હવે હાલાર સહિત ગુજરાતમાં ટુરિઝમ ડેવલપમેન્ટ ધમધમી રહ્યું છે, અને પર્યાવરણ, એમ્પ્લોયમેન્ટ, બિન પરંપરાગત ઉર્જા તથા બિઝનેશ ટુરિઝમની પૂરક ઉપ્લબ્ધિઓનું પ્ ાોટેન્શિયલ પણ ઉદ્દભવ્યું છે, તેમ કહી શકાય.
હવે આપણું હાલાર, આપણું સૌરાષ્ટ્ર અને આપણું ગુજરાત જ્યારે ગ્લોબલ ટુરિઝમ મેપમાં ટમટમવા લાગ્યુ છે, ત્યારે આપણે પણ અતિથિદેવો ભવની ઉમદા ભાવનાને જાળવી રાખીએ, યાત્રાધામો-પ્રવાસન સ્થળોમાં યાત્રિકો-પ્રવાસીઓનું માન-સન્માન અને સુરક્ષા જળવાઈ રહે, નફાખોર (ઉઘાડી લૂંટ) ન થાય, પ્રવાસીઓ-યાત્રિકો, આનંદ અને સંતોષ લઈને થોડું વધારે રોકાવાનું મન થઈ જાય, તેવો માહોલ ઉભો કરીએ, અને જાળવી રાખીએ... જય જલારામ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial