દેખાદેખીમાં દેવું કરીને દમ દેખાડવાની મનોવૃત્તિ અંતે ઘાતક નિવડે છે...
વિશ્વમાં ઘણી એવી વિભૂતિઓ થઈ ગઈ છે, જેઓને જનસેવા કે જીવ સેવા પાછળ પોતાનું જીવન સમર્પિત કરી દીધુ હોય, બીજી તરફ આ દુનિયામાં દેખાદેખીમાં દેવું કરીને દેખાડો કરતા ઘણાં લોકો જોવા મળે છે. મારા માહિતીખાતાના કાર્યકાળ દરમિયાન મને અનેક એવા લોકોનો પરિચય થયો, જેઓ ઘણાં જ સમૃદ્ધ હોવા છતાં સાદગીભર્યું જીવન જીવતા હતાં અને પોતાનું કામ પોતે જ કરતા હતાં. આ સાદગીભર્યું જીવન જીવતા એ સજ્જનોને મેં કોઈને જરૂર પડ્યે મદદ કરવા માટે છૂટા હાથે ઉછીના નાણા કે પછી દાન આપતા પણ જોયા, ત્યારે મને ખાતરી થઈ ગઈ કે તેઓની સાદગીભરી જિંદગી પાછળ અને ઓછા ખર્ચા કરવાની તેમની વિચારધારાના મૂળમાં તેનો લોભ કે કંજુસાઈ નહોતી, પરંતુ તેમની વાસ્તવિક સાદગી હતી, જેમાં કોઈ આડંબર નહોતો. આ પ્રકારના વ્યક્તિવિશેષો બહું પ્રકાશમાં આવવા માંગતા હોતા નથી અને હું મીડિયા સાથે સંકળાયેલો હોવા છતાં તેઓએ ક્યારેય પોતાની પ્રસિદ્ધિ માટે ઉપયોગ કરી લેવાની મનોવૃત્તિ દાખવી નહોતી. કેટલાક અનુભવો તો એવા થયા કે નિઃસ્વાર્થ દાન, સેવા કે સહયોગ આપતા આ પ્રકારના સેવાભાવી સજ્જનોએ તેઓની પ્રવૃત્તિઓની પ્રશંસાત્મક પ્રસિદ્ધિ કરવાની નમ્રતાપૂર્વક મને ના પાડી હતી. કેટલાકે મારા આગ્રહના કારણે સહમતિ તો આપી, પરંતુ તેની નામજોગ પબ્લિસિટીના સ્થાને સેવાકાર્યની પ્રસંગાત્મક સિદ્ધિઓની (નામ વગર) પ્રસિદ્ધિ થાય, તેવી શરત રાખી હતી. આ પ્રકારના સજ્જન અને સમૃદ્ધ સેવાભાવીઓ ઉપરાંત મેં તદ્ન ગરીબ અને શ્રમજીવી વર્ગના પણ ઘણાં એવા લોકો જોયા હતાં, જેઓ એક પૈસાનું પણ કર્જ કર્યા વગર પોતાનું ગુજરાન પણ ચલાવતા હતાં અને નાણાથી નહીં, પરંતુ સેવા, શ્રમ અને સહયોગ આપીને સેવાકાર્યો કરતા હોય અને સાર્વજનિક રીતે સમાજને મદદરૂપ થતા હતાં. આ પ્રકારના લોકોના કારણે જ કદાચ માનવતા, સજ્જનતા અને નિઃસ્વાર્થ સેવાભાવના દુનિયામાં ટકી રહી હશે, ખરૃં કે નહીં?
સિક્કાની બીજી બાજુની જેમ મેં ઘણાં એવા લોકો પણ જોયા છે જે ઠેર-ઠેરથી ઉછી-પાછીના નાણા લઈને વીઆઈપી જેવું જીવન જીવવાનો દેખાડો કરતા હોય. આ પ્રકારના લોકો ઝડપથી વિશ્વસનિયતા ગુમાવી દેતા હોય છે, અને તેને જ્યારે હકીકતે ઈમરજન્સીમાં જરૂર હોય, ત્યારે પણ કોઈ તેની મદદે આવતું હોતું નથી... દિવાળી, જન્માષ્ટમી, નવરાત્રિ જેવા તમામ તહેવારોમાં આખા પરિવાર માટે નવા કપડા ખરીદવા, દરેક વર્ષે નવી ઈલેક્ટ્રોનિક આઈટેમ ખરીદવી, મોબાઈલ સેલફોનની જે નવી આવૃત્તિ આવે, કે તરત જ તેની ખરીદી કરવી અને નવી હેરસ્ટાઈલ પ્રચલિત થાય કે ફેશન બદલે, તો તેનું તરત જ અનુકરણ કરવું વગેરે ગાંડપણભર્યા શોખ કે ઘેલછા પાછળ પોતાની આવક કરતા અનેકગણુ ખર્ચ કર્યા પછી વ્યાજના વિષચક્રમાં ફસાઈને બરબાદ થતા લોકોની આપવીતિ પણ પથદર્શક હોય છે.
જલસા કર્યા, કરાવ્યા, છતાં મળ્યો ધિક્કાર
એક વ્યક્તિએ કહ્યું કે અત્યારે મારા સંતાનો પણ મારી એ મનોવૃત્તિને ધિક્કારે છે અને છે કે, પપ્પા, તમે જલસા કર્યા, અમને જલસા કરાવ્યા, પરંતુ હવે અમારે તેની કિંમત ચૂકવવી પડી રહી છે. તમારી જીવનશૈલી અપનાવીને પહેલા તો અમે ખુશ થતા હતાં, પરંતુ હવે સમજાયું છે કે આભાસી દેખાડા કરીને દેવાના ડુંગર નીચે દબાઈને અને લેણદારો દ્વારા હડધૂત થઈને જાહોજલાલીભર્યું જીવન જીવવાના બદલે જેટલી આવક હોય, તેટલા પ્રમાણમાં જ ખર્ચ કરીને સન્માનભર્યું જીવન જીવવું સારૂ...
પરિવારની પ્રત્યેક ખ્વાહીશો
પાછળ અંધાધૂંધ ખર્ચ
સિક્યોરિટી ગાર્ડ કક્ષાની નોકરી કરતી અન્ય એક વ્યક્તિએ પણ આવી જ આપવીતિ વ્યક્ત કરી. તેમણે પોતાની જીવનસંગિની તથા સંતાનોની પ્રત્યેક ખ્વાહીશ પૂરી કરવા પાછળ અંધાધૂંધ ખર્ચ કર્યો હતો. પોતે ફાટેલા બૂટ પહેરે પણ તેના બન્ને સંતાનો મોંઘાદાટ શૂઝ ખરીદે. તેઓ કપડા પણ આધુનિક ફેશન મુજબના પહેરે. સ્કુટર અને સ્કુટીની નીચે પગ ન મૂકે, અને ગોગલ્સ, ફેસવોસ, ફેશનેબલ હેરકટીંગ, દર અઠવાડિયે મોંઘા રેસ્ટોરન્ટમાં, રિસોર્ટમાં ડાઈનીંગ હોલમાં લંચ-ડીનર કરવા જવું, વગેરે ગજા બહારના શોખ પાછળ તે વ્યક્તિ દેવાના ડુંગર તળે દબાઈ ગયો હતો. સંતાનો મોટા થયા અને દીકરી સાસરે ગઈ, જ્યાં સુખી-સમૃદ્ધ પરિવાર હોવા છતાં પોતાની ખર્ચાળ મનોવૃત્તિના કારણે મનમેળ નહીં થતા પિયરમાં પાછી આવી. દીકરો ભણવામાં હોંશિયાર હતો અને મોટા શહેરમાં તેને નોકરી પણ મળી ગઈ. પોતાની ઉપર જવાબદારીઓ આવ્યા પછી દીકરાને સમજાયું કે પાણીની જેમ બાપાનો પૈસો ખર્ચી નાખ્યો, તે બચાવ્યો હોત તો આજે ઘરનું મકાન હોત અને દર વર્ષે કે એકાદ-બે વર્ષે ભાડાનું ઘર બદલાવાનો વારો આવ્યો ન હોત. દીકરી પણ વસવસો કરવા લાગી કે જો મારી મમ્મીએ અમને અંકુશમાં રાખ્યા હોત અને સાચા માર્ગે વાળ્યા હોત, અને પોતે પણ આવકના પ્રમાણમાં ખર્ચ કરવાની ટેવ પાડી હોત તો આજે તેને પોતાના જ ઈલાજ માટે પૈસાની વ્યવસ્થા કરવા ઝઝુમવું પડતું ન હોત. પોતાની ગંભીર બીમારીની સારવાર માટે સરકારી યોજનાઓનો સહારો લેવો પડ્યો અને વયોવૃદ્ધ થયા પછી પણ એક ફેક્ટરીમાં નાઈટ વોચમેનની પોતાના પતિને નોકરી કરવી પડી રહી હોવાથી ૫સ્તાવામાં ડૂબેલી પોતાની પત્નીની વાત કરતા કરતા તે વડીલની આંખોમાં આંસુ આવ્યા, અને અવાજ ગળગળો થઈ ગયો, તે સમયે મારી પાસે પણે તેને સાંત્વના આપવી કે પછી પથદર્શક સલાહ આપવા મીઠો ઠપકો આપવો, તેવી દ્વિધામાં અટવાયા પછી, ભાવુક થઈને મૌન રહેવા સિવાય કોઈ વિકલ્પ જ રહ્યો નહોતો.
ટેક્સીમાં જ પ્રવાસ કરવાનો શોખ!
મારા એક મિત્ર પોતાની નાનકડી દુકાન ચલાવતા, પરંતુ નજીકના શહેરમાં જવા ટેક્સી જ ભાડેથી લઈ જતા તે જમાનામાં ટ્રાવેલ્સ નહોતી, તેથી એસ.ટી. બસના વિકલ્પે ટ્રક કે ટેન્કરમાં (ગેરકાયદે) મુસાફરી કરવી પડતી. બીજો વિકલ્પ મોંઘીદાટ ટેક્સીમાં પ્રવાસ કરવાનો રહેતો. આવક કરતા ખર્ચ વધી જતા તે મિત્રે ઘણાં મિત્રો પાસેથી ઉછીના નાણા લીધા હશે અને તે સમયની બેન્કીંગ સિસ્ટમ હેઠળ ધિરાણો મેળવીને બે છેડા ભેગા કરવાનો પ્રયત્ન કર્યો હશે, તે તેઓ જ જાણે, પરંતુ તે પછી તેને ગરીબીની જિંદગી પણ જીવવી પડી હતી.
દેખાદેખીમાં આડેધડ
ખર્ચ પછી બદહાલી
ઘણાં લોકો પોતાની આજુબાજુના લોકો કે પડોશીઓને જોઈને પોતાના જીવનમાં પરિવર્તન કરવા લાગતા હોય છે, અને પછીથી દેખાદેખીમાં દેવું કરીને દમ દેખાડવાની મનોવૃત્તિના કારણે બરબાદ થઈ જતા હોય છે. પડોશીને તયાં રેફ્રીજરેટર કે નવું સ્કુટર આવ્યું હોય કે ઓફિસમાં પોતાના કલીગે નવું બાઈક ખરીદ્યુ હોય, તો પોતે પણ તેનું અનુકરણ કરે, તેના કારણે દેવું થઈ જાય, કારણ કે પોતાના પડોશીની આવક અને રોજીંદા ખર્ચમાં તફાવત હોય છે, તેની ગણતરી કર્યા વિના આડેધડ ખર્ચ કરીને દેખાદેખીમાં દેવું કરીને દેખાડો કરવા જતા ખુદ જ સમસ્યાઓના વિષચક્રમાં ફસાઈ જતા ઘણાં લોકોને આપણે જોતા હોઈએ છીએ. ઘણાં લોકો પછેડી જેવડી સોડ તાણવાની કહેવત મુજબ સતર્ક રહેતા હોવાથી સુખ-શાંતિ, સન્માન અને વિશ્વસનિયતા સાથે ખુશહાલ જિંદગી જીવતા હોય છે, તો કેટલાક લોકો લાંબી સોડ તાણવા માટે લાંબી પછેડી ખરીદવા માટે તનતોડ મહેનત કરીને આવક વધારવાના પ્રયત્નો પણ કરતા હોય છે, પરંતુ ઘણાં લાપરવાહ લોકો પારકા પૈસે તાગડધિન્ના કરીને સીન-સપાટા મારતા જોવા મળે છે, અને અંતે તેની ઈજ્જત અને આબરૂના ધજાગરા પણ ઊડતા હોય છે.
ભાડાના ભપકા પછી દેવાના ડુંગર
ભારતીયો ઉત્સવપ્રિય હોય છે અને તેમાં પણ ગુજરાતીઓ તો ઉત્સવપ્રિય, હરવા-ફરવા અને ખાવા-પીવાના શોખીન અને સાહસિક પણ હોય છે. ઘણાં સમૃદ્ધ લોકો વાર-તહેવાર કે પોતાના આંગણે મંગલ પ્રસંગ હોય, ત્યારે વિશેષ ઉજવણીઓ કરવા પાછળ પાણીની જેમ પૈસા ખર્ચે છે, અને તેની દેખાદેખીમાં ઘણાં મધ્યમ વર્ગિય પરિવારો પણ વ્યાજે નાણા લઈને પણ તે પ્રકારની ઉજવણીઓ કરવા જતા વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈ જતા હોય છે અથવા દેવાના ડુંગર હેઠળ દબાઈ જતા હોય છે. તગડા વ્યાજે નાણા લઈને કે ઉછીના પૈસા મેળવીને મોંઘીદાટ ઉજવણીઓ, મોંઘા શોખ કે વ્યસનો, પાર્ટીઓ (મહેફિલો) કરવાના કારણે ઘણાં લોકો પોતે પણ બરબાદ થાય છે અને પોતાના પરિવારજનોને પણ બરબાદી, બેકારી અને લાચારીની સ્થિતિમાં ધકેલી દેતા હોય છે. ખોટું સાહસ કરીને વ્યર્થ વ્યસનો પાછળ અને આવક કરતા વધુ ખર્ચા કરીને ઘણાં લોકો પોતાનો જીવ પણ ગુમાવી બેસતા હોય છે, અને ગંભીર બીમારીનો ભોગ બનીને, નાસીપાસ થઈને કે આત્મહત્યા જેવું અંતિમવાદી પગલું ભરવા સુધી પહોંચી જતા હોય છે.
સારૂ કમાતા હોવ તો નાણા
છૂટથી વાપરો, પણ વેડફો નહીં!
આવક સારી હોય, ઊંચા ઘર ખર્ચ કે મોજશોખ કરવા માટે પૂરતી વ્યવસ્થા થઈ શકતી હોય અને અઢળક કમાણી થતી હોય તો પણ નાણા બચાવવા અને સેઈફ ભવિષ્યનું પ્લાનિંગ કરવાની કાળજી રાખવી જ જોઈએ. દરેક વ્યક્તિના જીવનમાં ચઢાવ-ઉતાર આવતા હોય છે, અને ન કરે નારાયણ ને ધંધામાં ખોટ ગઈ, કુદરતી આફતો આવી જાય, યુદ્ધની સ્થિતિમાં સ્થળાંતર કરવું પડે કે પછી કોઈ આગ-અકસ્માત જેવી દુર્ઘટનામાં નાણાકીય સ્થિતિ નબળી થઈ ગઈ, તો તેવા સંજોગોમાં 'બચત' જ કામ આવશે, બાકી જરાક નબળી સ્થિતિ થતા જ આજુબાજુ મંડરાતા લોકો દૂર ભાગી જશે, તે લખી રાખજો!!
દેખાવની દુનિયાનું માર્કેટીંગ
હમણાથી દેખાડાની દુનિયાનું ચાલાકીભર્યું માર્કેટીંગ થઈ રહ્યું છે. લોકો ભાડાની લક્ઝરી કાર, ભાડાના બંગલા, ભાડાના આભૂષણો, ભાડાના હીરા-ઝવેરાણ, ભાડાના કપડા અને હવે તો 'ભાડાના વીઆઈપી મહેમાનો' ઊભા કરીને પણ પોતાના પરિવારના પ્રસંગે કે પારિવારિક-સામાજિક કે મંગલ અવસરોની ઉજવણી થતી જોવા મળે છે, તેથી દેખાડાની દુનિયાથી અંજાઈ જવાના બદલે વાસ્તવિક્તાને પિછાણો... સૌને નૂતન વર્ષાભિનંદન... હાઈટેક શુભેચ્છાઓ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial