હાલાર અને ગુજરાત સહિત દેશભરમાં માર્કેટો ધમધમી રહી છે. દિવાળીના તહેવારો, વેકેશન અને હવે નાતાલની રજાઓ ઉપરાંત આવી રહેલી લગ્નસરાની સિઝનના કારણે હવે બજારો ધમધમતી જ રહેવાની છે, તેવા સંકેતો વચ્ચે શેરમાર્કેટનો ઉતાર-ચઢાવ જોતાં વૈશ્વિક પરિબળો અને પ્રવર્તમાન ઘટનાક્રમોની અસરો ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન રહેવાની જ છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો નબળો પડ્યા પછી રિકવરીના પ્રયાસો તથા અમેરિકામાં સરકાર બદલ્યા પછીની આગામી કુટનૈતિક અને આર્થિક અસરો તથા હલચલોને સાંકળીને ઉઠાવાઈ રહેલા કદમ પર પણ સૌ કોઈની નજર મંડાયેલી છે. ગઈકાલે જલારામ જયંતીની ઉજવણી જામનગર હાલાર સહિત દેશભરમાં સંપન્ન થઈ, અને વીરપુરથી જલારામબાપાનો જય જયકાર સાત સમંદર પાર વિદેશોમાં પહોંચ્યો, તેની નોંધ રાષ્ટ્રીય અને વૈશ્વિક મીડિયા અને સોશ્યલ મીડિયામાં પણ લેવાઈ રહી છે, જે ગુજરાતનું ગૌરવ પણ ગણાય જ ને ?
ગઈકાલે આઠમી નવેમ્બર હતી. વર્ષ-૨૦૧૬ ની રાત્રે આઠેક વાગ્યે વડાપ્રધાને જ્યારે અચાનક નોટબંધી જાહેર કરી હતી, ત્યારે તેઓએ આ કડક કદમ ઉઠાવવાના કારણે પણ વર્ણવ્યા હતાં.
દેશવાસીઓને ટેલિવિઝનના માધ્યમથી સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ૫૦ દિવસ આપો, અને જો ઈરાદો ખોટો પુરવાર થાય તો જનતા જે સજા આપે તે સજા મંજુર છે, વિગેરે...
વડાપ્રધાને તે સમયે જે ઉદ્દેશ્યો જણાવ્યા હતાં, તે સિદ્ધ થયા નથી. ભ્રષ્ટાચાર, કાળુધન અને નકલી ચલણી નોટોના દૂષણને ડામવાનો ઉદ્દેશ્યો જણાવાયા હતાં. તે કેટલા પ્રમાણમાં સિદ્ધ થયા છે, અને કેટલા પ્રમાણમાં નિષ્ફળતા મળી છે, તેની ચર્ચાઓ થઈ રહી છે. ભલે, આ પગલાંને લઈને વિગતવાર સુનાવણી બાદ સુપ્રિમ કોર્ટે માન્ય રાખ્યું હોય, અને વર્ષ-૨૦૧૯ માં દેશની જનતાએ ભાજપને સ્પષ્ટ બહુમતી આપી હોય, પરંતુ તે પછીના પાંચ વર્ષમાં દેશની જનતાએ છેતરાઈ હોવાની અનુભૂતિ થઈ ગઈ હોવાના તારણો કાઢીને વર્ષ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીના પરિણામોને પણ સાંકળવામાં આવી રહ્યા છે. જેમાં ભાજપની બેઠકો ઘણી ઘટી ગઈ હતી.
આજે નોટબંધીને આઠ વર્ષ પૂરા થયા છે, ત્યારે નોટબંધી જાહેર કરતી વખતે વડાપ્રધાને જે ઉદ્દેશ્યો જાહેર કર્યા હતાં, તે સિદ્ધ થયા છે કેમ ? કેટલા પ્રમાણમાં ઉદ્દેશ્યો સિદ્ધ થયા, અને કેટલા પ્રમાણમાં નિષ્ફળ ગયા ? જો ઉદ્દેશ્યો સફળ થવામાં સદંતર નિષ્ફળતા મળી હોય,, તો તેનું જવાબદાર કોણ ? વગેરે સવાલો પણ ઉઠી રહ્યા છે, અને ગઈકાલથી જ આ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. પ્રેસ-મીડિયામાં વિશ્લેષણો થઈ રહ્યા છે. અને સોશ્યલ મીડિયામાં વિવિધ કોમેન્ટો થઈ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધીના કારણે ઉદ્યોગપતિની ઈજારાશાહી મજબૂત બની છે.
નોટબંધીને લઈને કોઈ સર્વે થયો હતો, જેનો રિપોર્ટ પણ આજે ચર્ચામાં છે. નોટબંધીનો મુખ્ય ઉદ્દેશ્ય બ્લેકમનીની નાબૂદીનો હતો, પરંતુ ચર્ચિત આ તાજા રિપોર્ટ મુજબ દેશના ૯૦ ટકા લોકો માને છે કે હજુ પણ રિઅલ એસ્ટેટના ક્ષેત્રમાં પેરેલલ બ્લેકમની ઈકોનોમી મોજુદ છે, સરળભાષામાં કહી શકાય કે રિઅલ એસ્ટેટ સેકટરમાં આજે પણ કાળાનાણાનું વ્યાપક ઉપાર્જન થઈ રહ્યું છે, જેની સામે જમીન અને મિલકતો માટે સેન્ટ્રલ ડેટાબેઈઝ તૈયાર કરવાના સરકારના પ્રયાસો વામણાં પૂરવાર થઈ રહ્યા છે.
વર્ષ-૨૦૧૬ ની આઠમી નવેમ્બરની મધ્યરાત્રિથી મોદી સરકારે તે સમયે ચલણમાં રહેલી રૂ. ૧૦૦૦/- અને રૂ. ૫૦૦/- ની ચલણી નોટો પાછી ખેંચી લીધી હતી અને એવો દાવો કરાયો હતો કે કાળું નાણુ પસ્તી બની જશે, પરંતુ વાસ્તવમાં શું થયું, તે ઓપન સિક્રેટ જ છે ને?
દેશમાંથી ભ્રષ્ટાચાર અને કાળંુ નાણુ ખતમ કરવાના ઉદ્દેશ્યો જણાવીને જાહેર કરાયેલી નોટબંધી પછી પોતાના જ નાણા મેળવવા માટે દેશભરની જનતાને ઘણાં દિવસો સુધી લાંબી લાઈનો લગાવવી પડી, ઘણાં લોકોના જીવ ગયા, તો ઘણાં લોકોના ધંધા-વ્યવસાયો ખોરવાઈ ગયા, આજે આઠ વર્ષ પછી નોટબંધીના હેતુઓ પૂરેપૂરા સફળ થયા હોય, તેમ લાગતું નથી, ખરું ને ?.
જો કે , દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેકશનનો વ્યાપ વધ્યો છે, આજે શાકભાજી, રેંકડી, ચા-નાસ્તાના લારીવાળાથી લઈને ઈન્ટરનેશનલ વ્યાપાર સુધી ડિજિટલ નાણાકીય લેવડદેવડ થઈ રહી છે અને ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન ટ્રેડીંગ અને ઓનલાઈન પર્સનલ નાણાકીય લેવડ-દેવડનો વ્યાપ પણ વધ્યો છે.
ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન નાણાકીય લેવડ-દેવડ ઉપરાંત બેન્કીંગ સિસ્ટમ પણ સુદૃઢ બની હોવા છતાં નોટબંધી વખતે સર્ક્યુલેશનમાં દેશમાં ૧૭ લાખ કરોડની રોકડ હતી, તે આજે વધીને ૩૪ લાખ કરોડ, એટલે કે ડબલ થઈ ગઈ હોવાના આંકડા પણ ચર્ચાઈ રહ્યા છે.
ચર્ચિત રિપોર્ટ મુજબ સૌથી વધુ રોકડ વ્યવહારો રિઅલ એસ્ટેટ સેકટરમાં થઈ રહ્યા છે, અને સંખ્યાબંધ પ્રોપર્ટીના બેનામી વ્યવહારો થતાં હોવાનું કહેવાય છે. એવો દાવો કરાયો છે કે દેશના પોણાચારસો જેટલા જિલ્લાના હજારો નાગરિકોને સાંકળીને તૈયાર કરાવેલા આ રિપોર્ટ મુજબ હજુ પણ ૬૨ ટકા પ્રોપર્ટી માલિકોએ 'આધાર' સાથે પોતાની પ્રોપટી લીન્ક કરાવી નથી, અને સરકારી તંત્રો જ પ્રોપર્ટીના રેકોર્ડસને સંપૂર્ણપણે ડિજિટાઈઝડ કરવામાં ઉદાસિનતા દાખવી રહ્યા છે, નોટબંધી પછી બહાર પડાયેલી રૂ. ૨૦૦૦ ની ચલણી નોટો પાછી ખેંચાઈ અને રૂ. ૫૦૦ ની નવી ચલણી નોટો અમલી બની છે, છતાં બ્લેકમનીનું દૂષણ ઘટવાના બદલે વધી રહ્યું હોય તો તેનું જવાબદાર કોણ ? સરકાર સ્પષ્ટતા કરશે ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial