તાજેતરમાં જ્યારે અમારા ભાઈ કિરણભાઈનો સ્વર્ગવાસ થયો, ત્યારે અમારો પરિવાર સખત આઘાતમાં હતો, કારણ કે થોડા વર્ષો પહેલા લાભપાંચમના દિવસે અમારો લાડલો રોનક યુવાવયે અનંતયાત્રાએ નીકળી ગયો હતો, તેમના પિતા અને અમારા બંધુ કિરણભાઈ આ દિવાળી પર્વે જ સ્વર્ગે સીધાવી ગયા હતાં, તેથી અમારો આઘાત બેવડાયો હતો.
આજથી ૬ વર્ષ પહેલા જ્યારે અમારો કુળદીપક બુઝાઈ ગયો, ત્યારે અમારા બધા પર કઠુરાઘાત થયો હતો. પીન્ટુ તરીકે પરિવાર, મિત્ર મંડળ અને સ્નેહીજનોમાં પ્રચલિત થયેલા સ્વ. રોનકનો હસમુખો ચહેરો, આજે પણ અમારા બધાની નજરે તરતો રહે છે.
રોનકની વિદાય થઈ ત્યારે તેમના પિતા કિરણભાઈ, માતા જયોતિબેન, પત્ની અવનીબેન અને બે પુત્રો મન અને મીત તથા સમગ્ર માધવાણી પરિવાર ઉપરાંત નોબત પરિવારના તમામ સહયોગીઓ ચોધાર આંસુએ રડ્યા હતા, તે પછી હવે બીજો વજ્રઘાત થયો અને રોનકના પંથે કિરણભાઈ પણ વૈકુંઠધામ પહોંચી ગયા, પરંતુ પિતા-પુત્રની સ્મૃતિઓ નોબત ભવનના ખૂણે-ખૂણે સચવાયેલી છે, જે અમારા બધા માટે પ્રેરણાદાયી છે.
'નોબત'ના બહુરંગી મેઘધનુષ્યમાંથી બે રંગ જાણે બુઝાઈ ગયા, અને મેઘધનુ જેવા કાર્યક્રમોના સંસ્મરણોના માધ્યમથી તેઓ આપણાં બધાના દિલો-દિમાગમાં વસેલા જ રહેવાના છે.
સ્વ. રોનકનો બહોળો મિત્રવર્ગ પણ આજે તેઓની સ્મૃતિઓને વાગોળી રહ્યો છે. નોબતના આધુનિકરણ અને નવીનતમ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને 'નોબત'ને ઈન્ટરનેટના માધ્યમથી ડિજિટલ મીડિયા, ઈ-પેપર તથા બ્રેકીંગ ન્યુઝના સ્વરૂપમાં ઘરે-ઘરે અને સાત સમંદર પહોંચાડવાની આજની સફળતાના પ્રારંભિક કોન્સેપ્ટ તથા લોન્ચીંગમાં રોનકનો સિંહફાળો રહ્યો હતો. અત્યારે અમે એવી અનુભૂતિ કરી રહ્યા છીએ કે જાણે એક ઝળહળતુ કિરણ તાજેતરમાં લુપ્ત થઈ ગયું અને સ્વ. રોનકના પંથે નીકળી ગયું હોય.
ખેર, ઈશ્વરની ઘટમાળ પાસે આપણું કંઈ જ ચાલતુ નથી, તેથી ઈશ્વરેચ્છાને બળવાન ગણીને સ્વ.રોનક (પીન્ટુ)ને ભાવભરી શ્રદ્ધાંજલિ-સહ પુષ્પાંજલિ અર્પીએ.
તા. ૧૨-૧૧-૨૦૨૪ જામનગર
નોબત તથા માધવાણી પરિવાર