સરકારી યોજનાઓમાં કેવું લોલંલોલ ચાલતું હોય છે અને પૈસા માટે લોકોના જીવન સાથે ચેડા કરતા સફેદપોશ લોકોની નિર્દયતા કેટલી હદે પહોંચતી હોય છે, તેનું દૃષ્ટાંત અમદવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનું છે, સેવાના નામે રોટલા કાઢતા (રોજગાર મેળવતા) ઘણાં લોકો હશે, પરંતુ સેવાના ક્ષેત્રને માધ્યમ બનાવીને તગડી કમાણી કરવાના કારસા રચતા લોકો જો ડોકટરો અને સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય, તો એમ કહી શકાય કે હળહળતો કળીયુગ આવી ગયો છે, એ નક્કી...
ગુજરાતમાં પીએમજેએવાય યોજનામાં ભયંકર ભ્રષ્ટાચાર ઉજાગર થતાં રાજકીય વર્તુળોમાં પણ હડકંપ મચ્યો છે.
પહેલા તો એવી ખબરો વહેતી થઈ હતી કે હોસ્પિટલની બેદરકારીથી બે લોકોના મૃત્યુ થયા છે, પરંતુ જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હોસ્પિટલની મૂલાકાત લઈને એ કન્ફર્મ કર્યું કે સાત દર્દીઓને સ્ટેન્ડ મૂકાયા હતા અને એન્જિયોગ્રાફી કરાઈ હતી તે પૈકીના બે દર્દીઓના મૃત્યુ થયા હતા, તે પછી આ મુદ્દો વધુ પ્રકાશમાં આવી ગયો અને નીતિનભાઈએ જ જાહેર કર્યું કે આ મુદ્દે આરોગ્યમંત્રીએ તપાસના આદેશો આપ્યા હતા, તે પછી રાજ્યના આરોગ્યમંત્રીએ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી આ જ પ્રકારની જાહેરાત કરી હતી, હવે હકીકતે આ બેદરકારી હતી, કે સમજી-વિચારીને નિયમિત રીતે આચરાતું ષડયંત્ર હતું, તેનો જવાબ તો સરકાર જ આપી શકે, અને કદાચ આ કારણે જ તત્કાળ તપાસનો આદેશો કરી દેવામાં આવ્યા હશે, તેવું માનનારો પણ એક વર્ગ છે. આવું વિચારવા પાછળ કેટલાક મૂળભૂત કારણો પણ છે, જેમાં 'લોજીક' જણાય છે.
એક તો એ કારણ છે કે આ જ હોસ્પિટલ સામે આ જ પ્રકારની ફરિયાદ ભૂતકાળમાં પણ ઊભી થઈ હતી, તેમ કહેવાય છે. જો આવું ભૂતકાળમાં પણ બન્યું હોય, તો આ હોસ્પિટલને તે જ સમયે સરકારી યોજનામાંથી હટાવી કેમ દેવાઈ નહીં, હોય અને કોઈ અસરકારક કદમ કેમ ઉઠાવાયા નહીં હોય તેવા સવાલો સ્વાભાવિક રીતે જ ઉઠે અને શંકાની સોય 'ઉપર' સુધી પહોંચે... જો કે, સફાઈ આપવામાં અને થાબડભાણાંમાં હોંશિયાર એક આવી 'સિસ્ટમ' એક્ટિવ થઈ જતી હોય છે, તેથી વાસ્તવિકતાઓ ઘણી વખત સામે આવી શકતી હોતી નથી.
ગુજરાતમાં એક કહેવત છે કે, સુકા સાથે લીલુ ય બળી જાય... કાંઈક એવું જ અત્યારે સેવાકીય પ્રવૃત્તિઓને લઈને થઈ રહ્યું છે. ઘણાં દાતાઓ નેત્રયજ્ઞો, નિદાન કેમ્પો, સારવાર કેમ્પો, પરીક્ષણ કેમ્પો, રકતદાન કેમ્પો અને શસ્ત્રક્રિયા-ગંભીર રોગોની સારવાર જેવી પ્રવૃત્તિઓ માટે છુટા હાથે દાન આપતી હોય છે અને ઘણાં સેવાભાવિ લોકો આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે સહયોગ, શ્રમદાન તથા સ્વયંસેવકો તરીકે સેવાઓ નિઃસ્વાર્થે આપતા રહેતા હોય છે, પરંતુ સિક્કાની બીજી બાજુ એવી પણ છે કે વિદેશથી ડોલરમાં આવતા આ પ્રકારના દાનનો દૂરૂપયોગ અથવા પોતાના હિતો માટે ઉપયોગ થતો હોય છે. કેટલાક 'સેવાભાવિઓ' આ પ્રકારના કેમ્પો તો યોજે, પરંતુ તેના વાસ્તવિક ખર્ચ કરતા અનેકગણુ દાન મેળવીને પોતાના વ્યક્તિગત મોજશોખ કે ઘરખર્ચ માટે કરતા હોવાની ચર્ચાઓ પણ સંભળાતી હોય છે, અને આ પ્રકારના મુઠીભર લાલચુઓના કારણે આખો સેવાભાવિ સમુદાય બદનામ થતો હોય છે, ખરું કે નહીં ?
ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને મદદરૂપ થવા નેત્રયજ્ઞો, કેમ્પો કે શસ્ત્રક્રિયાઓ જેવી નિઃશૂલ્ક પ્રવૃત્તિ માટે દાન અને શ્રમ-સહયોગ આપનારા તમામ લોકોને બીરદાવવા જ જોઈએ, અને આ પ્રકારની પ્રવૃત્તિઓ થકી જ આપણું સૌરાષ્ટ્ર અને ગુજરાત દાનવીરોની ભૂમિ ગણાય છે પરંતુ જ્યારે ખ્યાતિ હોસ્પિટલો જેવી ઘટનાઓ અને ત્યારે સવાલ એ ઉઠે કે શું આ પ્રકારના કથિત કૌભાંડ કરનારાઓમાંથી ખરેખર માનવતા મરી પરવારી હશે ? આ પ્રકારના લોકોને શાસકો કે તંત્રો કેમ છાવરતા રહેતા હશે ? શું ઉચ્ચકક્ષા સુધી ભાગબટાઈ થતી હશે ?
ખ્યાતિ હોસ્પિલમાં નીતિનભાઈ પટેલ તરત જ દોડી ગયા, કારણ કે તેમના વિસ્તારના દર્દીઓ હતા, પરંતુ એ જ પ્રકારની સંવેદના કે ગંભીરતા અન્ય નેતાઓ દાખવી રહ્યા છે ખરા ? ખરેખર સરકાર આ મુદ્દે કડક કદમ ઉઠાવશે ખરી ?
મમતા બેનર્જીને એક હોસ્પિટલમાં થયેલા દુષ્કર્મના કેસમાં ઘેરનારા દિગ્ગજ નેતાઓ ખ્યાતિ હોસ્પિટલમાં બે વ્યક્તિનો જીવ હણી લેનાર લાપરવાહો (કે કૌભાંડકારો)ના મુદ્દે પ.બંગાળ જેટલી આક્રમકતા કેમ દેખાડતી નહીં હોય? તે પણ યક્ષપ્રશ્ન જ છે ને?
આ ઘટનાને લઈને ઉગ્ર પ્રત્યાઘાતો આપતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તસિંહ ગોહિલે કહ્યું કે જ્યારે વર્ષ-૨૦૨૨ માં ત્રણ દર્દીને સ્ટેન્ડ મુકતા એકનું મોત થયું હતું, તે સમયે જ જો કડક કાર્યવાહી થઈ હોત અને આ હોસ્પિટલ જ બંધ કરાવી દીધી હોત તો કડીના નિર્દોષ લોકોના આજે જીવ બચી ગયા હોત !
રાજ્યમાં 'મા' યોજનામાંથી ગેરરીતિના સંખ્યાબંધ કિસ્સા સામે આવી રહ્યા છે, અને હજારો દર્દીઓ એક જ સમયે બે જગ્યાએ બતાવાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
કોંગ્રેસ પ્રવકતા મનિષ દોશીએ તો ત્યાં સુધી કહી દીધું કે આરોગ્ય વિભાગને સેવાઓ સુધરે તેમાં રસ જ નથી. અને માત્ર ખરીદીઓ કરવી અને લોલંલોલ ચલાવવું, તેવી જ માનસિકતા છે. તેમણે તકવાદી તબીબો સામે ફોજદારી રાહે ફરિયાદ કરવાની માંગણી પણ કરી દીધી, અને આ જ પ્રકારના પ્રત્યાઘાતો આમઆદમી પાર્ટીએ પણ આપ્યા, પરંતુ સરકારે 'તપાસ.. તપાસ'નું રટણ કર્યે રાખ્યું અને આ હોસ્પિટલને સરકારી યોજનાઓના દાયરામાંથી હટાવી દીધી, પરંતુ ફોજદારી રાહે કદમ ઉઠાવીને આરોપીઓને જેલભેગા કરવાની તત્પરતા ન દાખવી, તે ઘણું બધું કહી જાય છે, તેવા અભિપ્રાયો સાથે વિપક્ષો ટીકાની ઝડી વરસાવી રહ્યા છે, અને બેકફૂટ પર આવેલા તંત્રો ફીફાં ખાંડી રહ્યા છે, જોઈએ હવે શું થાય છે, તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial