સારા અશ્વની કિંમત ઓડી કે મર્સિડીઝ કારથી પણ વધુ હોય છે
ઘોડેસવારી એ રાજવી શોખ છે એમ કહેવાય છે પરંતુ પહેલાનાં સમયમાં ઘોડેસવારી પરીવહનનું પણ અગત્યનું માધ્યમ હતું. આધુનિક સમય પહેલાં જંગમાં ઘોડાઓની અગત્યની ભૂમિકાઓ હતી. હાર-જીત કે જીવન-મરણ ઘોડાઓ પર આધારીત હતાં. મહારાણા પ્રતાપનાં ઘોડા ચેતકની વીરતા અને બલિદાન ઇતિહાસમાં અમર છે ત્યારે વર્તમાનમાં ઘોડાઓનો ઉપયોગ મહદ્અંશે ફક્ત ઘોડાગાડી પૂરતો સિમિત રહી ગયો છે એ ખરેખર તો વિધિની વક્રતા જ કહી શકાય.
આવા વિપરીત સંજોગોમાં જામનગરથી ૩૦-૩૫ કિ.મી. દૂર રાજકોટ હાઇ-વે પર સોયલ ટોલનાકા નજીક ખીજડીયા રવાણી ગામે આવેલ 'રાજલ સ્ટડ ફાર્મ' અશ્વ પાલનની પ્રવૃત્તિના પ્રેરક ઉદાહરણરૂપ કહી શકાય એમ છે. મિલનભાઇ કારીયા તથા ભાવનાબેન કારીયા (કારીયા દંપતી) તેમજ છત્રપાલસિંહ જાડેજાના સંયુક્ત સોપાન સમાન રાજલ સ્ટડ ફાર્મની 'નોબત'ની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. 'નોબત' પરિવારનાં દર્પણભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્ય દ્વારા ફાર્મનાં સંચાલકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
મિલનભાઇ કારીયા અગ્રવાલ ગ્રુપ ઓફ કંપનીઝમાં ડાયરેક્ટર છે તથા ભાવનાબેન ડિજીટલ ક્રિએટર છે. ભાવનાબેન બી.કોમ., એલ.એલ.બી., જર્નાલીઝમ તથા બી.એડ. સહિતની ડિગ્રીઓ તથા શૈક્ષણિક ક્ષેત્રનો પણ બહોળો અનુભવ ધરાવે છે. અશ્વ પાલનને તેઓ પોતાનાં પેશન તરીકે ઓળખાવે છે. જ્યારે છત્રપાલસિંહ જાડેજા એક સારા ફોટોગ્રાફર પણ છે. આ અલગ અલગ ખૂબીઓ ધરાવતા લોકોનાં અશ્વ પાલનનાં કોમન પેશને તેમને પાર્ટનર બનાવ્યા અને સાકાર થયું 'રાજલ સ્ટડ ફાર્મ'...
સંવાદ દરમ્યાન ભાવનાબેન જણાવે છે કે આરંભમાં ફાર્મની શરૂઆત ૩ અશ્વથી થઇ હતી. આજે ફાર્મમાં કુલ ૧૧ અશ્વ છે. જેમાં ઘોડા-ઘોડી તથા વછેરાઓનો પણ સમાવેશ થાય છે. મારવાડી પ્રજાતિના વખણાતા અશ્વ પણ અહીં છે.
પરમરાજ નામનો અશ્વ ગત વખતે પુષ્કર મેળામાં દાંત વગરનાં ઘોડાઓની સ્પર્ધામાં ટોપ-૧૦ માં આવ્યો હતો જ્યારે આ વખતે તે ફરી પુષ્કર મેળામાં મેદાન ફતેહ કરવા સજ્જ છે.
પરમરાજની પ્રજાતિ કે કુળ વિશે છત્રપાલસિંહ વિગતે વાત કરે છે તથા સારી પ્રજાતિનાં અને આંબો અર્થાત કોનું સંતાન છે વિગેરે માહિતીવાળા અશ્વની કિંમત ખૂબ ઉંચી હોવાનું જણાવ્યું હતું. વર્તમાનમાં પરમ રાજ જેવા સારી પ્રજાતિનાં અશ્વની કિંમત ઓડી કે મર્સિડીઝ જેવી પ્રિમીયમ કાર કરતા પણ વધુ હોય છે. ઘણાં લોકો કરોડપતિ બનવા માટે જ 'અશ્વ પાલન' કરે છે તો અમૂક લોકો પેશનને કારણે આ પ્રવૃત્તિ કરે છે.
આર્થિક પરીબળોથી આકર્ષાય અશ્વપાલન કરતા કે ઘોડાઓનો કોમર્શીયલ ઉપયોગ કરતા લોકો ઘોડા સાથે ક્રૂરતા કરતા પણ જોવા મળતા હોય છે એ અટકાવવા ભાવનાબેન ખાસ જાગૃતિ કાર્યક્રમ ચલાવે છે. કાંટાવાળી બીટનો ઉપયોગ નહીં કરવાનાં અનુરોધ સાથે ઘણી વખત ફ્રી માં બીટનું વિતરણ પણ કરે છે. ઉપરાંત 'ઇન્ડીજીનસ હોર્સ મિડીયા' નામથી યૂટ્યુબ ચેનલ પણ ચલાવે છે. જેમાં અશ્વ પાલનને લગતી તમામ માહિતી મળી રહે છે.
રાજલ સ્ટડ ફાર્મ દ્વારા બ્રીડીંગની સુવિધા પણ આપવામાં આવે છે. 'નોબત' ની ટીમ દ્વારા ફાર્મ પર વિવિધ પ્રજાતિનાં ઘોડાઓને નિહાળી તેમની વિશેષતાઓ જાણી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial