આઝાદી પછી દેશની જનતાની જે અપેક્ષાઓ હતી, તે તો સિદ્ધ ન થઈ, પરંતુ બે ટંકનું ભોજન, માથા પર છત અને અંગ ઢાંકવા માટે કપડાનો અભાવ હંમેશાં ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે. આ સ્થિતિને આબેહૂબ વર્ણવતી ફિલ્મ રોટી, કપડા ઔર મકાન દાયકાઓ પહેલા ખૂબ જ પ્રચલીત થઈ હતી અને આજે પણ એટલી જ પ્રસ્તૂત છે, કારણ કે આ ફિલ્મમાં દેશની ગરીબ અને મધ્યમવર્ગીય જનતાની સમસ્યાને લઈને ગીત ગવાયું હતું, તે આજે પણ એટલું જ લોકપ્રિય છે. આ ગીત જનતાની વેદના અને વાસ્તવિકતા બન્ને રજૂ કરે છે.
જો કે, પ્રણયગીત અને દિલનું દર્દ સંયોજીત કરીને આ ફિલ્મ ગીતમાં મોંઘવારીનું જે વર્ણન કરાયુ છે, તે આજે પણ એટલું જ લાગુ પડે છે, તેમાંની કેટલીક પંક્તિઓમાં મોંઘવારીની પરાકાષ્ટા પણ વર્ણવાઈ છે.
'પહલે મુઠ્ઠીભર પૈસે લેકર થેલાભર શક્કર લાતે થે, અબ થૈલેભર પૈસે લે જાતે હૈ, મુઠ્ઠીભર શક્કર આતી હૈ.. હાય... મહંગાઈ... હાય... દુહાઈ હૈ દુહાઈ.. મહંગાઈ...મહંગાઈ... તૂ કહાં સે આઈ, તુઝે મૌત કયું ન આઈ, આય મહંગાઈ...શક્કર મેં યે આટે કી મિલાઈ માર ગઈ. પાઉડર વાલે દૂધ કી મલાઈ માર ગઈ, રાશન વાલી લૈન કી લંબાઈ માર ગઈ, જનતા જો ચીખી, ચિલ્લાઈ માર ગઈ, બાકી કુછ બચા તો મહંગાઈ માર ગઈ'
આ ગીતની ઉકત પંક્તિઓમાં મોંઘવારી ભેળસેળ અને રાશનની દુકાનો પર લાગતી લાંબી લાઈનોનું વર્ણન છે, અને દાયકાઓ પછી આજે પણ એવું ને એવું જ દૃશ્ય પ્રત્યક્ષ ખડુ થાય છે, તેથી સવાલો તો ઉઠે જ ને ?
આ જ પ્રકારની આ ગીતની અન્ય પંક્તિઓમાં પણ દાયકાઓ પહેલાની સ્થિતિ વર્ણવાઈ છે, અને સરકારો બદલી, નવા નવા વાયદાઓ થયા છતાં હજુ પણ લોકોની વાસ્તવિક સ્થિતિમાં કોઈ મોટો બદલાવ આવ્યો નથી, તે સ્પષ્ટ થાય છે.
'ગરીબ કો તો બચ્ચો કી પઢાઈ માર ગઈ, બેટી કી શાદી ઔર સગાઈ માર ગઈ, કિસી કો તો રોટી કી કમાઈ માર ગઈ, કપડે કી કિસીકો સિલાઈ માર ગઈ, કિસી કો મકાનકી બનવાઈ માર ગઈ, બાકી કુછ બચા તો મહંગાઈ માર ગઈ'
જીવન દે બસ તીન નિશાન,
રોટી કપડા ઔર મકાન, હર ઈન્સાન
ખો બેઠા હૈ અપની જાન, જો
સચ બોલા તો સચ્ચાઈ માર ગઈ,
બાકી કુછ બચા તો મહંગાઈ માર ગઈ.
આ પ્રકારની આ ગીતની પંક્તિઓ અને તેના પ્રત્યેક શબ્દોમાંથી ટપકતી વેદના આજે પણ કયાં ઓછી થઈ છે?
છેક વર્ષ ૧૯૭૪ માં રિલિઝ થયેલી આ ફિલ્મ આજે પણ એટલી જ પ્રસ્તૂત છે. બેરોજગારી અને ગરીબીની સાંપ્રત સમસ્યા દાયકાઓ પહેલા પણ હતી અને આજે પણ મોજુદ છે. વિકાસની હરણફાળ ભરીને ચંદ્ર, મંગળ કે અંતરિક્ષમાં પહોંચવાના તથા મેગા પ્રોજેકટોની ઝાક ઝમાળના દાવાઓ ભલે થતા રહ્યા હોય, પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે ગરીબી અને બેરોજગારીની સમસ્યા આઝાદીના ૭૫ વર્ષે પણ આપણે નાબૂદ તો ઠીક, ઘટાડી પણ શકયા નથી. આપણે ભલે આઝાદીનો અમૃતકાળ ગૌરવભેર ઉજવીએ અને દુનિયામાં દેશની પ્રગતિની ગૌરવગાથા ગાતા રહીએ, તદૃુપરાંત વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સપના જોતા રહીએ, પરંતુ જ્યાં સુધી બેરોજગારી અને ગરીબી દૂર નહીં થાય, ત્યાં સુધી આઝાદીના સાચા ફળો લોકો સુધી પહોંચવાના નથી અને તમામ દાવાઓ પોકળ ઠરવાના છે, તેમ નથી લાગતું?
તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ઓકટોબર-૨૦૨૪ માં રિટેલ ફુગાવાનો દર ભારતમાં ૬ ટકાને વટાવી ગયો હતો, તો ખાદ્યચીજોમાં ૧૦ થી ૧૧ ટકા જેવો ફુગાવો રહ્યો હતો. આ આંકડા શું સૂચવે છે?
એક તરફ અતિવૃષ્ટિ, પૂર, માવઠાનો માર, બીજી તરફ તહેવારો અને હવે લગ્નસરાની મોસમ આવી રહી છે, ત્યારે મોંઘવારી લોકોને દઝાડી રહી છે. જનતા મોંઘવારીના ખપ્પરમા હોમાઈને તરફડી રહી છે, ત્યારે વિશ્વનેતા બનવાની દુનિયાભરમાં હોડ લાગી છે. ભારત સહિત વિશ્વના ઘણાં દેશોમાં મોંઘવારી અને બેરોજગારીની સમસ્યા દિવસે દિવસે વધુને વધુ વિકટ બની રહી છે, ત્યારે કેટલાક દેશો યુદ્ધે ચડીને આ સમસ્યાને વધુ ઘેરી બનાવી રહ્યા છે, તે નક્કર હકીકત નથી?
એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે, તો બીજી તરફ બેરોજગારીની સમસ્યા પણ વિકરાળ બની છે, તેમ છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કોઈ નક્કર કદમ ઉઠાવાઈ રહ્યા નથી. વિપક્ષી ગઠબંધન કેન્દ્રની સરકાર પર આક્ષેપો કરે છે, તો શાસક ગઠબંધન પ્રતિઆક્ષેપો કરે છે. હકીકતે અત્યારે સત્તામાં છે અને વિપક્ષમાં છે, તે તમામ મુખ્ય રાજકીય પક્ષો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક કક્ષાએ વારાફરતી સત્તા ભોગવી ચૂક્યા છે, છતાં પણ પાંચ દાયકા પૂર્વેની હિન્દી ફિલ્મ 'રોટી, કપડા ઔર મકાન'ના ફિલ્મી ગીતમાં દર્શાવેલી વેદના આજ પર્યંત દેશની જનતા ભોગવી જ રહી છે, તે શું સૂચવે છે? 'હમામ મેં સબ નંગે હૈ... તેરી બી ચૂપ મેરી બી ચૂપ.. હમ નહીં સુધરેંગે, હમ નહીં બદલેંગે... હમ સબ પરદે કે પીછે એક હૈ... નેક નહીં... તેમ રાજકીય ક્ષેત્રની પલટનો માટે કહી શકાય કે નહીં?
મહારાષ્ટ્ર-ઝારખંડની વિધાનસભાઓની ચૂંટણીઓના પરિણામ જે આવે તે ખરા, પરંતુ આ ચૂંટણીઓમાં પણ બેરોજગારી અને ગરીબીનો મુદ્દો અગ્રસ્થાને રહ્યો છે. યુપીપીએસસીની પરીક્ષાઓને લઈને ઉમેદવારો સડક પર ઉતરતા હોય, કે પેપરલીકના વિવાદો થતા રહ્યા હોય, નોકરીની ભરતી માટે લાખો ઉમેદવારો ઠેર-ઠેર ઉમટી રહ્યા હોય કે પછી સ્વરોજગારી માટે બેન્કો-કચેરીઓના ધક્કા ખાતો યુવાવર્ગ હોય, આ તમામ દૃશ્યો દેશની ગરીબી અને બેરોજગારીની દાયકાઓ જૂની કાયમી સમસ્યાઓ જ દર્શાવે છે, અને આ મુદ્દાઓ ઉછાળીને ચૂંટણી પ્રચાર કરતા રાજકીય પક્ષો અને ઉમેદવારો વિજેતા બન્યા પછી કે સત્તામાં આવ્યા પછી આ બધું જ ભૂલી જાય છે, તે દાયકાઓ જૂની વાસ્તવિકતા જ છે ને?
આપણાં દેશની કમનસીબી એ છે કે આપણા દેશમાં પનપતી ગરીબી અને બેરોજગારી છતાં આર્થિક ક્ષેત્રે અમીરો વધુ અમીર બનતા હોવાથી એકંદરે જે પ્રગતિ દેખાય છે, તેને જ દેશની સમગ્ર જનતાની સ્થિતિ ગણાવાતી રહી છે, હકીકતમાં દેશમાં અમીરો વધુને વધુ અમીર બનતા જાય, અને અને ગરીબો વધુને વધુ ગરીબ બને, વર્ષ-૧૯૭૪ ના હિન્દી ફિલ્મ ગીતમાં વર્ણવાયેલી મોંઘવારી અને બેરોજગારીની સ્થિતિ એવી ને એવી જ રહી હોય તો આઝાદીનો અમૃતકાળ ઉજવવાની સાથે સાથે દેશની પ્રગતિનું આભાસી ચિત્ર રજૂ કરીને વાહવાહી કરવી કે મેળવવી તે દેશની જનતા સાથે રાજકીય છેતરપિંડી ન ગણાય?.. જરા વિચારો.. અને નક્કી કરો કે કૌન સચ્ચા? કોન જુઠ્ઠા? સબ મિલે હુએ હૈ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial