દિવાળી આવે એટલે સાફ-સફાઈ તો કરવી જ પડે -- અમે પણ કરી. દિવાળી પહેલા જ કરી. વરસ આખું જીવની જેમ સાચવી રાખેલી અનેક નકામી વસ્તુઓને દિવાળી પહેલા જ વિદાય કરી કે જેથી આ વર્ષે ફરીથી નવી અનેક નકામી વસ્તુઓ ભેગી કરી શકાય..!!
જો કે નવા વર્ષ નિમિત્તે જાણ્યા અજાણ્યા અનેક શુભેચ્છકોના જે સુંદર મોટીવેશનલ સંદેશાઓ આવ્યા, તેનાથી મને તો ફક્ત એટલું સમજાયુ કે, જેટલી આપણી આસપાસની સફાઈ કરવી જરૂરી છે તેટલી જ, બલકે તેનાથી પણ વિશેષ, આપણા મનની સફાઈ કરવી જરૂરી છે. ને એટલા માટે જ મેં મારા મોબાઈલમાંથી સૌ પ્રથમ તો બધા જ મોટીવેશનલ મેસેજો ડીલીટ કરી નાખ્યા..
હંમેશા થાય છે એવું કે આખું વર્ષ રોજ સવારે આપણે છાપુ ખોલીએ એટલે પ્રથમ પાને જ આપણને ચોરીચપાટીથી શરૂ કરીને ખૂનખરાબા અને ભ્રષ્ટાચારના જ સમાચારો વાંચવા મળે છે.
હવે આવા નેગેટિવ સમાચારથી બચવા માટે આપણે છાપાનું પાનું ફેરવીએ તો આગળના પાને આપણને એટલા જ સમાચાર વાંચવા મળશે કે કઈ રીતે આપણી કામ કરતી સરકાર, પોતે કરવાના કામને કોઈને કોઈ બહાને ટાળી રહી છે.
હવે આવો કચરો મનમાંથી સાફ કરવાનું મેં શરૂ કર્યું તો સૌથી પહેલા જ સપ્ટેમ્બર મહિનાના એ સમાચાર મારા ધ્યાનમાં આવ્યા કે સુરતમાં તબીબી પ્રેક્ટિસ કરતા પંદર નકલી ડોક્ટરો ઝડપાયા. પોલીસે તેમની ધરપકડ કરી તો ફક્ત ૧૫ કલાકમાં જ તેમને જામીન મળી ગયા અને ફરીથી તેમણે બોગસ ક્લિનિક શરૂ પણ કરી દીધા..!! અહીં કામ કરતી સરકારનું સાચું કામ શું હોઈ શકે ? બોગસ તબીબો સામે ફક્ત કેસ કરવાનું ? કે પછી જેલમાં પૂરીને સખત સજા કરવાનું ? ભગવાન જાણે.
મેં વધુ સાફસુફી કરવાનો પ્રયત્ન કર્યો તો મારા હાથમાં ઓગસ્ટ માસનું છાપુ આવ્યું. અદભુત સમાચાર હતા તેમાં. ચોમાસામાં કુદરતી આફતોમાં પ્રજાને તાત્કાલિક મદદ મળી રહે તે માટે હેલ્પલાઇનના નંબરો જાહેર કર્યા હતા. મને થયું વાહ, સરકારે પહેલું સુંદર કામ કર્યું.
પરંતુ જેવા નંબરો ચેક કર્યા કે મારો બધો જ ભ્રમ ભાંગી ગયો. હેલ્પ લાઈનમાં દર્શાવેલા મોટાભાગના નંબરો તો ખોટા હતા. એક નંબર પર ફોન કર્યો તો ખબર પડી કે આ સાહેબ તો બે વર્ષ પહેલા જ રિટાયર થઈ ગયા છે..! જ્યારે બીજા નંબર ઉપરથી તો તપાસ કરતા જવાબ મળ્યો કે તેઓની તો ઘણા સમય પહેલા જ બદલી થઈ ગયેલ છે.. !! એ તો પછીથી ખબર પડી કે આ બધી કોપી પેસ્ટની કમાલ છે.. પાછલા વર્ષની બુકલેટમાંથી કોપી તો સરસ કરી પરંતુ ચોકસાઈ ઝીરો..!
તો પછી હવે શું કરીશું ? આ વર્ષે તો હવે સુધારો નહીં થાય પરંતુ આવતી વખતે કોપી પેસ્ટ કરશું ત્યારે થોડી ચોક્સાઈ પણ રાખશું, ઓકે ?
મારી દિવાળી પછીની સાફ સફાઈ વધુ આગળ વધી, તો મે મહિનાના એવા જ એક અદભુત સમાચાર વાંચવા મળ્યા -- આપણી એક યુનિવર્સિટીમાં પરીક્ષા શરૂ થઈ ગયા પછી ખબર પડી કે જે તે વિષયની પરીક્ષાનું પેપર તો કાઢવાનું જ ભુલાઈ ગયું છે..!! યુવાનો તો આપણા દેશનું ભવિષ્ય છે. અને કોઈપણ યુનિવર્સિટીનું કામ તો યુવાનોનું અને સરવાળે દેશનું ભવિષ્ય ઉજવળ બનાવવાનું છે. પરંતુ અહીં મને તો આપણી યુનિવર્સિટીનું ભવિષ્ય જ અંધકારમય લાગ્યું.
વિદાય વેળાએ : નવા વર્ષનો મારો પોઝીટીવ આશાવાદ
વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ,
સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial