ઘણી વખત કોઈ પાર્ટી, સંગઠન કે ખુદ સરકાર કોઈ મુદ્દે અવઢવમાં હોય કે પછી કોઈ ચોક્કસ સંકેતો આપવાના હોય, ત્યારે નેતાઓના મૂખેથી 'વ્યક્તિગત' નિવેદનો કરાવતી હોય છે. ભારતીય અને વૈશ્વિક રાજનીતિમાં આ પ્રકારના અનેક દૃષ્ટાંતો મળી રહે છે, અને હવે આ પ્રકારની ગૂપ્ત રણનીતિનો ન્યાય વધી રહ્યો છે.
કોઈપણ રાજકીય પક્ષના હોદ્દેદારો, કોઈપણ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન બંધારણીય દિગ્ગજો કે ઉચ્ચ અધિકારીઓ કે પછી રાજ્યો કે કેન્દ્ર સરકારના મંત્રીઓનું કોઈ નિવેદન જ્યારે વિવાદાસ્પદ બને કે પછી અયોગ્ય હોય, અથવા પાર્ટી કે સરકારની છબિને રાજકીય નુકસાન પહોંચાડી શકે તેવું હોય, ત્યારે તે પ્રકારના નિવેદનને લઈને હોબાળો થયા પછી કાં તો તે પ્રકારનું નિવેદન ફેરવી તોડવામાં આવતું હોય છે, અથવા તો તેને જે-તે નેતા, અધિકારી, કાર્યકર કે હોદ્દેદારનું 'વ્યક્તિગત' નિવેદન ગણાવીને 'ડેમેજ કંટ્રોલ' કરવા અથવા 'બચાવ' કરવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે, હવે તો આ પ્રકારના વ્યક્તિગત નિવેદનો જાણીબુઝીને એક ચોક્કસ રણનીતિના ભાગરૂપે ઉભયપક્ષે કરવામાં આવતા હોય, તેવું લાગે છે, ખરૃં કે નહીં?
તાજેતરનું જ દૃષ્ટાંત લઈએ તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે બેન્કરેટ ઘટાવવાના મુદ્દે 'વ્યક્તિગત' નિવેદન કર્યું છે, અને તેના સંદર્ભે રિઝર્વ બેન્કના ગવર્નર શશિકાન્તદાસે જે કાંઈ કહ્યું છે, તે પ્રેસ-મીડિયા કે રાજકીય વર્તુળો જ નહીં, પરંતુ અર્થતંત્રના તજજ્ઞો તથા વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રોમાં પણ ચર્ચાનો વિષય બન્યું છે.
આજે પ્રકાશપર્વ છે. ગુરૂનાનક જયંતીની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશ-દુનિયામાં આ ઉજવણીને લઈને ઘણો જ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નિવેદનિયા નેતાઓની પણ ચોતરફ ચર્ચા થઈ રહી છે, જે આજની રાજનીતિની બદલતી દિશા અને રણનીતિ પણ ઉજાગર થઈ રહી છે. કેનેડાની ટ્રુડો સરકારના બદલેલા સુર અને ખાલિસ્તાનના સમર્થકો અને કેનેડિયનો વચ્ચે તનાવ ઉભો થાય, તેવી સ્થિતિના કારણે હવે કેનેડાના વડાપ્રધાનની સ્થિતિ સાપે છંછુદર ગળ્યા જેવી થઈ ગઈ છે. આ પ્રકારના વૈશ્વિક પ્રવાહોની વચ્ચે ગુરૂનાનકદેવના ઉપદેશો અને સિદ્ધાંતોને યાદ કરીને 'સબ કો સન્મતિ દે ભગવાન' તથા 'વસુદૈવ કુટુમ્બકમ'ની આપણાં દેશની મૂળભૂત સાંસ્કૃતિક વિચારધારાને યાદ કરાવાઈ રહી છે.
આજના પ્રકાશપર્વે દેશની વિવિધ ક્ષેત્રોની પ્રગતિ, સમસ્યાઓ અને આકાંક્ષાઓને નેતાઓ માત્ર રાજનીતિના ત્રાજવે તોલવાના બદલે માનવીય અને વાસ્તવિક દૃષ્ટિએ મુલવીને કેટલાક મુદ્દે સર્વસંમતિ સાધે અને દેશમાં શાંતિ, સદ્દભાવના અને એખલાસની ભાવનાઓ વધુ બળવત્તર બને તેવું ઈચ્છીએ.
દેશવાસીઓ અત્યારે મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા છે, ત્યારે આ મુદ્દાઓને લઈને રાજકીય અને આર્થિક ક્ષેત્રોમાં સર્વસંમતિ સધાય, અને દેશવાસીઓ આ વિકટતામાંથી વહેલી તકે રાહત મેળવે તેવું ઈચ્છીએ.
પિયુષ ગોયલે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને ખાદ્યાન્ન ફુગાવા કે મોંઘવારીને ધ્યાનમાં લીધા વગર જ બેન્કરેટ નક્કી કરવા (ઘટાડવા)ની હિમાયત કરી, અને કહ્યું કે વ્યાજદરો ઘટાડવા માટે ખાદ્યાન્ન ફુગાવાને ધ્યાને જ ન લેવો જોઈએ. તેમણે આ પદ્ધતિને જ ખામીવાળી ગણાવી દીધી, અને આ તેમનો પોતાનો વ્યક્તિગત વિચાર છે, અને સરકારનો આ ઓપિનિયન નથી, તેવી ચોખવટ પણ કરી તેથી એવી કોમેન્ટો થઈ રહી છે કે મોઢામાં લોટ રાખવો અને બોલવું - બન્ને એક સાથે કેવી રીતે થઈ શકે ?
બીજી તરફ રિઝર્વ-બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશિકાન્તદાસે પણ આ 'વ્યક્તિગત' અભિપ્રાયનો જે જવાબ આપ્યો છે, તે પણ ઘણો જ રસપ્રદ છે, અને આઝાદી પછી ફુગાવાનો દર મોદી સરકારના દસ વર્ષીય સમયગાળામાં જ સૌથી ઓછો રહ્યો હોવાના કેન્દ્રીય મંત્રીના દાવાનું પણ વિશ્લેષણ થઈ રહ્યું છે. કોંગ્રેસે તો એટલે સુધી કહીં દીધું કે મોદી સરકાર તો પોતાને અનુકૂળ આવે તે રીતે 'ડેટા' જ બદલી નાખવામાં માહીર છે!
આરબીઆઈના ગવર્નર શશિકાન્તદાસે કહ્યું કે વ્યાજદરનો ઘટાડો કે વધારો કરવો એ ઘણી જ સંવેદનશીલ બાબત છે અને કોઈપણ કદમ 'વહેલું કે મોડું' થઈ જાય તો તેની ઘેરી અસરો પડી શકે છે. દુનિયાભરની રિઝર્વબેન્કો જ્યારે ક્રાઈસીસ (કટોકટી)માં છે, ત્યારે બેન્કરો માટે વ્યાજદરમાં થતો બદલાવ ઘણો જ મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે એમ પણ કહ્યું હતું કે ફુગાવામાં વધારાની આગાહી એ કાંઈ રોકેટ સાયન્સ નથી. રિઝર્વ બેન્કના ગવર્નરે આપેલી સ્પીચના સંદર્ભે પણ વિવિધ પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. ગોયલે તો આંકડાઓની માયાજાળ રજૂ કરીને તહેવારો, મોસમ, સીપીઆઈ ફુગાવો, માંગ અને પ્રોડકશનનો ઉલ્લેખ કરીને કહ્યું કે જાન્યુઆરી સુધીમાં ફુગાવો નીચે આવી જશે પરંતુ આરબીઆઈના ગવર્નર કાંઈક અલગ જ અભિપ્રાય આપતા હોય તો કહી શકાય કે આરબીઆઈ અને સરકાર વચ્ચેનો વિચારભેદ હવે સપાટી પર આવી રહ્યો છે, તો ઘણાં લોકો આને ગૂપ્ત રણનીતિ પણ માને છે. કોંગ્રેસના જયરામ રમેશે કહ્યું કે ડબલ ફિગર સુધી પહોંચેલો ફુગાવો ધ્યાને લેવો જ પડે, પરંતુ કેન્દ્રીય મંત્રી જાહેરમાં કાંઈક અલગ જ વાત કરી રહ્યા છે!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial