આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જેની સાથે સાથે યુ.પી., પંજાબ, કેરલ અને ઉત્તરાખંડ સહિત કુલ ૧પ વિધાનસભા બેઠકો ઉપરાંત એક લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ આજે મતદારો પોતાનો જનાદેશ આપી રહ્યા છે. બપોર સુધીનો ટ્રન્ડ જોતા કેટલાક સ્થળે સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે, તો કેટલાક સ્થળે બપોર પછી મતદાનની ટકાવારી વધી શકે છે. એકંદરે આ ચૂંટણીઓને શાસક ગઠબંધન તથા વિપક્ષી ગઠબંધન બન્ને માટે લિટમસ ટેસ્ટ ગણાવાઈ રહ્યો છે. ગુજરાતની વાવ વિધાનસભા બેઠક માટે ૧૩ મી નવેમ્બરે મતદાન સંપન્ન થયું હતું, જેનું પરિણામ પણ મહારાષ્ટ્ર-ઝારખંડની સાથે જ ર૩ મી નવેમ્બરે આવવાનું છે.
મહારાષ્ટ્રમાં અભૂતપૂર્વ પોલિટિકલ કન્ફ્યુઝન ઊભું થયું છે. મુખ્ય રાષ્ટ્રીય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ જુદા જુદા બે ગઠબંધનોમાંથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ બન્ને ગઠબંધનોમાં ડ્રાઈવીંગ સીટ પર પ્રાદેશિક કક્ષાના ગણી શકાય તેવા પક્ષો છે, અને તે પણ વિભાજીત થયેલા છે. આથી એમ કહી શકાય કે મહારાષ્ટ્રમાં બહુપાંખિયો જંગ છે, જેમાં ભાજપ-કોંગ્રેસ સિવાયના મુખ્ય પ્રાદેશિક પક્ષોના વિભાજીત ઘટકો પણ સામસામે ચૂંટણી લડી રહ્યા છે.
બાલા સાહેબ ઠાકરેના નિધન પછી શિવસેનાનું પહેલું વિભાજન થયું હતું, અને તેમાંથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) નો જન્મ થયો, જેના પ્રમુખ રાજ ઠાકરે છે. મૂળ શિવસેના ઉદ્ધવ ઠાકરેના અધ્યક્ષસ્થાને કાર્યરત હતી અને તેનું ભારતીય જનતા પક્ષ સાથે ગઠબંધન તૂટ્યા પછી તેઓ મુખ્યમંત્રી બન્યા.
તે પછી શિવસેનાનું બીજું વિભાજન ત્યારે થયું, જ્યારે એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના મહત્તમ સભ્યોએ બળવો કર્યો અને ભાજપના ટેકાથી સરકાર રચી. તે દરમિયાન શરદ પવારના નેતૃત્વમાં કાર્યરત નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પણ બે ભાગલા થયા અને અજીત પવારનું જુથે ભાજપ-શિંદેજુથ સાથે જોડાણ કર્યું. અત્યારે ભાજપ તથા આ શિંદે-અજીત પવારના પક્ષોનું ગઠબંધન મહારાષ્ટ્રમાં સત્તામાં છે, અને તેની સામે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન છે, તેથી એમ કહી શકાય કે મહારાષ્ટ્રમાં શિવસેના સામે શિવસેના અને એનસીપી સામે એનસીપી લડી રહી છે, જ્યારે ભાજપ તથા કોંગ્રેસ તેના બેકીંગમાં છે.
ઝારખંડમાં પણ આજે અંતિમ તબક્કાનું મતદાન છે. હેમંત સોરેન માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે, જ્યારે ભાજપ માટે ઝારખંડ તથા મહારાષ્ટ્રમાં જીતવું અત્યંત જરૂરી છે. આ કારણે ઝારખંડમાં પણ તીવ્ર રસાકસી જોવા મળી રહી છે. કેટલાક વિશ્લેષકોના મંતવ્યો મુજબ હેમંત સોરેનનું પલડું ભારે હતું, પરંતુ આજે મતદારો શું ફેંસલો આપશે, તે હવે રાજકીય પંડિતોના અભિપ્રાયો પણ વહેચાયેલા છે, જેથી ર૩ મી નવેમ્બરે જ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે, તેમ જણાય છે, જો કે મતદાન પૂરૃં થયા પછી એક્ઝિટ પોલ્સ પણ રજૂ થશે, પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીઓ પછી એક્ઝિટ પોલ્સમાં જનવિશ્વાસ ઘટી રહ્યો હોય, તેમ જણાય છે.
આજે સૌથી વધુ ચર્ચા તો મહારાષ્ટ્રમાં કથિત 'નોટ ફોર વોટ'ની થઈ રહી છે. મતદાનના નિર્ધારિત સમય પહેલા પ્રચાર પડઘમ શાંત થઈ જાય છે, અને ઉમેદવારો પોતપોતાના મતવિસ્તારોમાં ઘેર-ઘેર જઈને કે બેઠકો યોજીને અંતિમ પ્રયાસો કરતા હોય છે. આ દરમિયાન ઘણી જ સોદાબાજી તથા નાણાકીય લેવડ-દેવડ પણ થતી હોવાનું 'ઓપન સિક્રેટ છે, જે ક્યારેક વિધિવત્' રીતે જાહેર પણ થઈ જતું હોય છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણીપંચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે સહિતના નેતાઓ સામે પ્રચાર ખતમ થયા પછીની આચારસંહિતાના કોઈ મુદ્દે ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ ભાજપના દિગ્ગજ રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ પર નાલસોપારામાં મતો મેળવવાના હેતુથી પૈસા વહેંચવાનો આરોપ વિપક્ષ દ્વારા લાગ્યો છે, અને તેથી રાજકીય ગરમાવો આવ્યો છે.
એક વિપક્ષી ધારાસભ્યે તો એક લાલ ડાયરીમાં ૧પ કરોડ રૂપિયાની લેવડદેવડની નોંધ હોવાનો દાવો કરીને તેની સાથે પાંચ કરોડ લઈને વિનોદ તાવડે જથ્થાબંધ મતો ખરીદવા આવ્યા હોવાનો સણસણતો આક્ષેપ પણ કર્યો છે, એ પહેલા શિંદે જુથના એક નેતા પર પણ આ જ પ્રકારના આક્ષેપો થયા હતાં. બીજી તરફ ભાજપે સુપ્રિયા સુલે પર બિટકોઈનથી ચૂંટણી ફંડ મેળવવાનો આક્ષેપ કર્યો છે.
જે રાજ્યોમાં ભાજપની સરકારો નથી, ત્યાં સ્થાનિક પાર્ટીઓને તોડવા અને ધારાસભ્યો, કોર્પોરેટરો, નેતાઓને સામ, દામ, દંડ ભેદની રણનીતિ અપનાવીને, તંત્ર કે તપાસ એજન્સીઓનો ડર દેખાડીને કે મોટા હોદ્દાઓ કે આગામી ચૂંટણીઓની ટિકિટ જેવા પ્રલોભનો આપીને પોતાના પક્ષમાં કે ગઠબંધનમાં ખેંચી લેવાના આક્ષેપો પણ ભાજપ પર સતત થતા રહ્યા છે, અને હવે મતદારોને ખરીદવા કરોડો રૂપિયા વાપરવાના નવા આક્ષેપો થયા છે, ત્યારે આ અંગે તટસ્થ તપાસ થાય તો જ સત્ય બહાર આવી શકે છે, કારણે ભાજપની ટોચ નેતાગીરી તથા ખુદ વિનોદ તાવડેએ આ આક્ષેપોને બેબુનિયાદ ગણાવ્યા છે.
વિપક્ષના નેતાઓ ભાજપ પર એવા આક્ષેપો પણ લગાવતા હોય છે કે, ભાજપમાં એક વોશીંગ મશીન છે, જે એવું ચામત્કારિક છે કે વિપક્ષના કોઈપણ નેતા પર કરોડોના કૌભાંડની ફરિયાદો હોય, તપાસ કે કેસો ચાલતા હોય, તો પણ ભાજપમાં પક્ષપલટો કરતા જ તેના તમામ આક્ષેપો (પાપો) ધોવાય જાય છે!
દિલ્હીમાં કેજરીવાલના વરિષ્ઠ સાથીદાર અને મંત્રી ગેહલોતના ભાજપમાં પક્ષાંતર પછી ફરીથી એ જ વોશીંગ મશીન ચર્ચામાં આવ્યું છે, જે અજીત પવાર માટે ચર્ચામાં આવ્યું હતું.
જો કે વર્ષ ર૦૧૪ પછીથી પક્ષપલટા વિરોધ કાનૂને કેવી રીતે 'કાયદેસર' મહાત આપીને 'માન્ય' પક્ષપલટા કરાવવા, તેની નવી નવી રીત-રસમો રાજકીય પક્ષોએ શોધી જ કાઢી છે, અને તેનો સર્વપક્ષીય પ્રયોગ થઈ રહ્યો છે, પરંતુ આજીવન અને અનંતકાળ ગેરંટી આપતું અનોખું પોલિટિકલ વોશીંગ મશીન હમણાથી સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યું છે, ખરૂ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial