ગઈકાલે મતદાન પૂરૂ થતાં જ ટેલિવિઝનની ન્યૂઝ ચેનલો પર એક્ઝિટ પોલ્સની ભરમાર શરૂ થઈ ગઈ હતી, અને એકાદ-બે અપવાદ સિવાયના તમામ એક્ઝિટ પોલ્સ ભાજપ સાથે જોડાયેલા ગઠબંધનોના વિજયનો વર્તારો વ્યક્ત કરતા જણાયા હતાં.
સૌથી પહેલા મેટ્રિઝના એક્ઝિટ પોલ્સ આવ્યા, તે પછી એકાદ-બે કલાકમાં જ ચાણક્ય, ટાઈમ્સ નાઉ-જેવીસી, પીપલ્સ પલ્સ, પી. માર્ક, લોકશાહી, રૂદા સહિતના મરાઠી એક્ઝિટ પોલ્સના તારણો પણ આવ્યા. મહાચાણક્યની પ્રાદેશિક ચેનલો પૈકી ઘણી ચેનલો નેક-ટુ-નેક તારણો બતાવી રહી હતી, જ્યારે જાણીતી નેશનલ ચેનલો પરથી મહાવિકાસ અઘાડીને પછડાટ પડી રહી હોવાના તારણો આવી રહ્યા હતાં. મહારાષ્ટ્રમાં સવારથી બપોર સુધી ધીમુ મતદાન રહ્યું હતું, પરંતુ બપોર પછી મતદાનની ગતિ વધી હતી. તેમ છતાં વિધાનસભાની ચૂંટણી હોવા છતાં મતદાન ૬૦ ટકાની આજુબાજુ જ રહ્યું હતું, અને મુંબઈમાં મતદારોએ લોકસભાની ચૂંટણીની સરખામણીમાં થોડું વધુ મતદાન કર્યું, પરંતુ વિધાનસભાની ચૂંટણીઓની રસાકસીની દૃષ્ટિએ ઓછું મતદાન થયું હતું, જે બન્ને ગઠબંધનોમાંથી કોને નુક્સાન કરશે, તે અંગે થઈ રહેલા અંદાજોમાં મત-મતાંતરો છે.
પોલ ઓફ ધ પોલ્સ એટલે કે તમામ એક્ઝિટ પોલ્સની સરેરાશ કાઢતા મહારાષ્ટ્રમાં એનડીએ (મહાયુતિ) ને ર૮૮ માંથી દોઢસોથી વધુ બેઠકો મળી રહી છે, અને વર્તમાન શાસક જુથને જ પુનઃ સરકાર રચવાની તક મળશે, તેવા તારણો રજૂ થયા છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન (મહાવિકાસ અઘાડી) ને સવાસોની આજુબાજુ બેઠકો મળશે, જ્યારે નાના રાજકીય પક્ષો તથા અન્ય પક્ષો, અપક્ષોને સરેરાશ માત્ર નવ-દસ બેઠકો જ મળશે, તેવું અનુમાન થતા ત્રિશંકુ વિધાનસભાના અનુમાનોનો છેદ ઊડી જાય છે, અને એક્ઝિટ પોલ્સ મુજબ મહારાષ્ટ્રમાં મહાયુતિ એટલે કે એનડીએની પુનઃ સરકાર રચાશે, તેવો પૂનરાવર્તનનો જનાદેશ મળશે.
ઝારખંડમાં પરિવર્તનનો જનાદેશ મળવાની સંભાવના કેટલાક એક્ઝિટ પોલ્સ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ પોલ ઓફ ધ પોલ્સના તારણો કાઢીએ તો નેક-ટુ-નેક પરિણામો આવે, તેમ જણાય છે. ઝારખંડમાં કુલ ૮૧ બેઠકોમાંથી એનડીએને ૩૯ થી ૪૦ અને ઈન્ડિયા ગઠબંધનને ૩૮ થી ૩૯ બેઠકો મળવાના તારણો જોતા અન્યોને જે ૪ થી પ બેઠકો મળશે, તેના પર ઝારખંડમાં નવી સરકાર રચવાનો મદાર (આધાર) રહેવાનો છે. સાતેક જેટલા એક્ઝિટ પોલ્સ પૈકી બે એક્ઝિટ પોલ્સ ઝારખંડમાં પૂનરાવર્તન એટલે કે સ્પષ્ટ બહુમતી સાથે ઈન્ડિયા ગઠબંધનની હેમત સોરેનની સરકારની વાપસી થશે, તેમ બતાવે છે, જ્યારે પાંચ પોલીસ પૈકી બે પોલ્સ તીવ્ર રસાકસીના સંકેતો આપી રહ્યા છે, જ્યારે અન્ય પોલીસ પરિવર્તનની શક્યતા દર્શાવે છે.
આ વખતે એક્ઝિટ પોલ્ીસની વિશ્વવસનિયતા પણ દાવ પર છે. થોડા મહિનાઓ પહેલા જ્યારે હરિયાણાની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા, ત્યારે મહત્તમ એક્ઝિટ પોલીસ સદંતર ખોટા પડ્યા હતાં અને એકાદ-બે અપવાદ રૂપ એક્ઝિટ પોલ્સના પરિણામોની નજીક જણાયા હતાં, તેથી આ વખતે પણ જે એક્ઝિટ પોલ્સથી તદ્ન વિપરીત પરિણામો આવતીકાલે મતગણતરી પછી આવશે, તો પછી એક્ઝિટ પોલીસની વિશ્વસનિયતા તળિયે પહોંચી જશે. એટલું જ નહીં, એક્ઝિટ પોલ્સ મોટાભાગે પ્રાયોજીત અને ઈરાદાપૂર્વક ખોટા અનુમાનો સાથે રજૂ થતા હોવાની માન્યતાને પણ બળ મળશે. એવું થશે તો ભવિષ્યમાં એક્ઝિટ પોલ્સ માત્ર વચગાળાના મનોરંજનનું માધ્યમ બની જશે, તેમ નથી લાગતું?
ઉત્તરપ્રદેશમાં મતદાન દરમિયાન ઘણી જગ્યાએ હંગામો થયો અને છૂટક હિંસક ઘટનાઓ પણ બની. સત્તાનો દુરૂપયોગ કરતા કેટલાક પોલીસ કર્મીઓને ચૂંટણી પંચે સસ્પેન્ડ કર્યા, જ્યારે ધગધગતા આક્ષેપો પ્રતિઆક્ષેપો પણ થયા. ઉત્તરપ્રદેશમાં નવ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી થઈ, જેમાં એનડીએ ગઠબંધન અને ઈન્ડિયા ગઠબંધનની પ્રતિષ્ઠા તો દાવ પર લાગેલી જ છે, પરંતુ અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથ માટે તો આ પેટાચૂંટણીઓ વર્ષ ર૦ર૭ ની ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓની સેમિફાયનલ જેવી હોવાથી બન્ને નેતાઓએ આ પેટાચૂંટણીઓ જીતવા એડી-ચોટીનું જોર લગાવ્યું હતું.
વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવની પીડીએ ફોર્મ્યુલાએ મોદી મેજિકનો ભ્રમ તોડીને ઉત્તરપ્રદેશમાં જે ઝહળતી ફતેહ હાંસલ કરી હતી, તે જોતા યુપી વિધાનસભાની નવ બેઠકોની પેટાચૂંટણીમાં લોકસભાની ચૂંટણીના પરિણામોનું પૂનરાવર્તન કરવા ઈન્ડિયા ગઠબંધન આશાવાદી છે, જ્યારે પીડીએની ફોર્મ્યુલાને પછાડીને આ પેટાચૂંટણીઓમાં જોરદાર કમબેક કરવા યોગી સરકાર અને એનડીએ ગઠબંધને પણ આકાશ-પાતળ એક કર્યા હતાં. હવે તેના પરિણામો તો આવતીકાલે આવશે, પરંતુ એક્ઝિટ પોલીસના તારણો થોડા ચોંકાવનારા છે.
ઉત્તરપ્રદેશમાં નવ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી થઈ, તેમાંથી ૬ બેઠકો એનડીએને મળશે અને બાકીની ત્રણ બેઠકો ઈન્ડિયા ગઠબંધન, અન્ય પક્ષો તથા અપક્ષો વચ્ચે વહેંચાઈ જશે, તેવા અનુમાનો એક્ઝિટ પોલ્સમાં થયા છે. હવે આવતીકાલે પરિણામો આવે ત્યારે વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થશે, પરંતુ જો એક્ઝિટ પોલ્સ ખોટા ઠરશે અને પરિણામો તેનાથી વિપરીત આવશે, તો એક્ઝિટ પોલ્સની વિશ્વનિયતા તો તળિયે જશે જ, પરંતુ યોગી-મોદી-ભાજપ-એનડીએને પણ ઝટકા સ્વરૂપ ગણાશે, તેમ લાગે છે ને?
પરિણામો જે આવે તે ખરા, પરંતુ ચૂંટણીઓ પછી જીતેલા ઉમેદવારો, રાજકીય પક્ષો અને ગઠબંધનો ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલા વાયદાઓ ભૂલી ન જાય તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial