શાણા માણસો કહી ગયા છે કે ડોક્ટર અને ભગવાન એ બંને સાથે કદી બગાડવું નહીં. કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે જો આપણે ભગવાન સાથે બગાડશુ તો તરત આપણને ડોક્ટર પાસે મોકલી દેશે...
અને જો આપણે ડોક્ટર સાથે બગાડશુ તો તે આપણને સીધા ભગવાન પાસે મોકલી દેશે અને તે પણ કોઈપણ જાતની દાન દક્ષિણા કે તપશ્ચર્યા વગર....!!
મારે ઘણાં ડોક્ટર મિત્રો છે, અને હું બધાને રેગ્યુલર મળું છું પણ ખરો, ખાસ કરીને મારી તબિયત સારી હોય ત્યારે. મને જો થોડી ઘણી તકલીફ હોય તો હું ડોક્ટરને મળવાનું થોડો સમય મુલતવી રાખું છું. કારણ કે મિત્રભાવે પણ તેઓ મારા અનેક રિપોર્ટ કઢાવશે અને મારી કેપેસિટીનો વિચાર કર્યા વગર અનેક પ્રકારની દવા પણ આપશે..
અત્યાર સુધી તો ડોક્ટરો સામાન્ય બીમારીમાં પોતાના અનુભવને આધારે જ દવા આપી દેતા અને આપણે ઝડપી સાજા પણ થઈ જતા. પરંતુ આજકાલ નાની નાની બીમારીમાં પણ દર્દીના રિપોર્ટ જોઈને જ ડોક્ટર તેની ટ્રીટમેન્ટ કરે છે...
એક ડોક્ટરે તેના દર્દીનો ઇસીજી રિપોર્ટ કઢાવ્યો. ઇસીજી રિપોર્ટ જોઈને ડોક્ટર પૂછ્યું, *તમારી પાસે આયુષ્માન કાર્ડ છે?''
''ના સાહેબ..'' દર્દીએ જવાબ આપ્યો.
*તો મેડીક્લેમ છે..?*
*ના સાહેબ...* ફરી દર્દીએ નનૈયો ભણ્યો..
*... તો પછી તમે જલસા કરો, તમને કશું નહીં થાય..* ડોક્ટર હસ્યા અને પછી કહ્યું, *સામાન્ય મસલ પેઇન છે, ફક્ત દવાથી બે દિવસમાં મટી જશે..!!*
આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્ય બાબત ખૂબ જ સભાન થઈ ગયા છે અને સરકાર પણ. અને સાથે સાથે ડોક્ટરો પણ આ નેક કામમાં પૂરેપૂરો સાથ સહકાર આપે છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો ખોલીને. આપણો એક સામાન્ય અનુભવ એવો છે કે દરેક હોસ્પિટલની આસપાસ એક મેડિકલ સ્ટોર તો હોય જ, એવો મેડિકલ સ્ટોર કે હોસ્પિટલમાંથી લખેલી દવા ફક્ત તે સ્ટોરમાં જ મળે..! કદાચ ડોક્ટરો અને મેડિકલ સ્ટોર્સનો આ એક અનોખો સેવા યજ્ઞ છે. જો કે કેટલાક વાંક દેખા પત્રકારો અને સમાજસેવકો આ સેવા યજ્ઞને પૈસા કમાવાનો યજ્ઞ કહે છે.
જો કે આજની તારીખે પણ હું જામનગરમાં એવા ડોક્ટરોને ઓળખું છું કે જેમની હોસ્પિટલની આસપાસ આવો કોઈ મેડિકલ સ્ટોર ખુલતો નથી. કારણ કે તે ડોક્ટર એટલી સસ્તી અને ઓછી દવા લખે છે કે તે દવાના વેચાણમાંથી મેડિકલ સ્ટોરનો ખર્ચો પણ ન નીકળે, તો પછી નફાની તો વાત જ કેમ કરવી?
હમણાં થોડા દિવસ પહેલાં હું આવા જ એક સેવાભાવી ડોક્ટરને મળવા ગયેલો ત્યારે જ એક દર્દી આવ્યો અને પોતાની બીમારીની ફરિયાદ કરવા લાગ્યો.
*ડોક્ટર સાહેબ, મને વિચિત્ર બીમારી થઈ ગઈ છે. મારી પત્ની બોલતી હોય છે ત્યારે મને કંઈ સંભળાતું નથી..*
ડોક્ટરે હસીને તેને સમજાવ્યો, *ભલા માણસ, આને બીમારી નહીં, ભગવાનની મહેરબાની કહેવાય.. તારે કોઈ દવાની જરૂર નથી, જા અને જલસા કર..!!!
વિદાય વેળાએઃ- મેં દિવાળી પહેલા લખેલા *ઇકો ફ્રેન્ડલી* ફટાકડા વિશેનો લેખ વાંચીને મારા એક વાચક મિત્રએ મને નવા જ પ્રકારના ફટાકડા વિશે જણાવ્યું.
પહેલા રસોડામાં જાવ, પછી પત્નીએ બનાવેલ બધી જ મીઠાઈ ખાઇ જાવ. અને પછી કહો, *મારા મમ્મી તો આનાથી પણ સરસ મીઠાઈ બનાવતા....*
અને પછી તમને સાચા ઈકો ફ્રેન્ડલી ફટાકડાના ધડાકા સાંભળવા મળશે......
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial