ભારત-ઓસ્ટ્રલિયા વચ્ચેના ટેસ્ટ મેચમાં ભારતના વિજયની જેમ મહારાષ્ટ્ર મહાયુતિનો વિધાનસભાની ચૂંટણીમાં મળેલા વિજયની ચર્ચા થઈ રહી છે, તેવી જ રીતે ઝારખંડમાં હેમંત સોરેનના વટભર્યા વિજયના વિશ્લેષણો પણ થઈ રહ્યા છે. ક્રિકેટ હોય કે રાજકારણ, કોઈ જીત હાર કાયમી નથી હોતી અને એક ઈનિંગમાં ધબડકો થાય તો ટેસ્ટમેચમાં બીજી ઈનિંગમાં જોરદાર વાપશી થઈ શકે છે, તેવું જ લાંબાગાળાની રાજનીતિમાં પણ થતું જ રહે છે. આ કારણે જ વિજય બનેલા તથા હારેલા રાજકીય પક્ષોના નિવેદનો દર વખતે ચૂંટણી પછી લગભગ સમાન જ જોવા મળતા હોય છે, વિજય બનેલા પક્ષો કે ઉમેદવારો પોતાને મળેલા જનાદેશને વધાવતી વખતે પોતાના પર જનતાએ કરેલા વિશ્વાસને સાર્થક કરવાની વાતો કરે છે, જ્યારે હારેલા પક્ષો કે ઉમેદવારો પોતાની હારનું વિશ્લેષણ કરીને જ્યાં ભૂલ રહી ગઈ હોય ત્યાં સુધારો-વધારો કરવાની વાત કરે છે. ઘણી વખત ચૂંટણીમાં ગરબડ થઈ હોવાની અથવા ઈવીએમમાં એક તરફી સિસ્ટમ ફીટ કરાઈ હોવાના આક્ષેપો થાય છે, જો કે, એક રાજ્યમાં હાર થઈ હોય, અને બીજા રાજ્યમાં એ જ પાર્ટી કે ગઠબંધનની જીત થઈ હોય, ત્યારે જે રાજ્યમાં હાર્યા હોય, ત્યાં ઈવીએમ કે ચૂંટણીઓ ગોટાળો હોવાના આક્ષેપો ઘણી વખત હાસ્યાસ્પદ પણ લાગતા હોય છે, જો કે, તે પછી સરકાર રચવાની મથામણ અને વિપક્ષના ગૃહમાં નેતા કોણ બનશે, તેની શોધખોળમાં રાજકીય પક્ષો લાગી જતાં હોય છે.
અત્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જે રાજકીય ગતીવિધિઓ ચાલી રહી છે તે ઘણી જ રસપ્રદ છે, ઝારખંડમાં તો બધું નક્કી છે, અને મુખ્યમંત્રી પદે હેમંત સોરેન પહેલેથી જ નિશ્ચિત છે, પરંતુ મહારાષ્ટ્રમાં સ્થિતી કાંઈક અલગ જ છે.
એમ કહેવાય છે કે, 'ઘર ફુટે ઘર જાય'તેવું જ કાંઈક મહારાષ્ટ્રમાં શરદ પવાર સાથે થયું છે. મેજીક પોલિટિક વોશીંગ મશીનમાંથી 'શુદ્ધ' થઈને નીકળેલા અજીત પવારે દાયકાઓથી રાજનીતિના ભિષ્મ પિતામહ ગણાતા કાકા શરદ પવારને પછાડયા છે. આઝાદી પહેલાં વર્ષ-૧૯૪૦માં બારામતીમાં જન્મેલા શરદ ગોવિંદરાવ પવાર રાજનીતિના અઠંગ ખેલાડી મનાય છે, પરંતુ પુત્રી સુપ્રિયા સુલેને પોતાની રાજનીતિની વારસદાર બનાવવાની મહેચ્છાના કારણે એનસીપીમાં ફૂટ પડી અને આ પ્રકારની સ્થિતિ આવી હોવાના તારણો વિશ્લેષકો કાઢી રહ્યા છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડ ઉપરાંત ચૂંટણીઓમાં આવેલા પરિણામોની સિીધી અસર સંસદનું શરૂ થનારા શિયાળુ સત્ર પર થશે, તે પહેલેથી નિશ્ચિત હતું, અને આજથી શરૂ થયેલા સંસદીય સત્રમાં આ વખતે પણ હોબાળો સર્જાશે, તેવી 'સુદ્રઢ' આશંકાઓ પહેલેથી જ વ્યક્ત થઈ રહી હતી. !
આ બધા રાજકીય પ્રયાસો વચ્ચે 'એક્સ' મિડીયા સાઈટના માલિકે પોતાની આ સોશ્યલ મિડીયા સાઈટના માધ્યમથી જે લખ્યું છે, તેની ચર્ચા પણ ટોક ઓફ ધ ગ્લોબ બની છે તેમણે લખ્યું છે કે, ભારતે એક જ દિવસમાં ૬૪ કરોડ મતોની ગણતરી સંપન્ન કરી લીધી છે, જ્યારે અમેરિકાના કોલિફોર્નીયામાં જ હુ પણ મત ગણતરી ચાલી રહી છે !
એલોન મસ્કની આ કોમેન્ટ અમેરિકાની મતગણતરીની ધીમી સિસ્ટમની ટીકા કરે છે કે પછી ભારતની ઈવીએમ દ્વારા થતાં મતદાનની ટીકા કરે છે, તે અંગે મત-મતાંતરો પ્રવર્તે છે, અને આવા પોતપોતાની રીતે અર્થઘટનો કરી રહ્યા છે. અમેરિકામાં બેલેટ પેપરથી મતદાન થાય છે, જ્યારે ભારતમાં ઈવીએમ દ્વારા મતદાન થાય છે આ મૂળભૂત તફાવતનો એલન મસ્કના પોષ્ટમાં ઉજાગર થાય છે, પરંતુ તે કઈ સિસ્ટમને દુઃખદ અથવા અનિશ્ચછનિય ગણાવી રહ્યા છે, તે અંગેના વૈશ્વિક અને રાજકીય રાષ્ટ્રીય મંતવ્યો ભિન્ન-ભિન્ન પ્રકારના છે, આવું થવાનું કારણ એ છે કે આ વર્ષે જ જૂલાઈમાં તેમણે જ 'ઈવીએમ'ની સિસ્ટમને ખતમ કરવાની વકીલાત કરતા કહ્યું હતું કે ઈલેકટ્રોનિક વોટીંગ મશીન તથા ઓનલાઈન પોષ્ટલ વોટીંગ ખતરનાક હોઈ શકે છે, અને તેને ડાયરેકટ વોટિંગ અને બેલેટ પેપર વોટિંગ સાથે બદલી નાંખવું જોઈએ, કારણ કે આ પ્રકારના મશીનો હેકરો કે એઆઈ દ્વારા હેક થઈ શકે છે.
અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પનનો વિજય થયા પછી એલોન મસ્કનો અભિપ્રાય બદલી ગયો કે પછી મહારાષ્ટ્રમાં મહાયુતિને મળેલી પ્રચંડ સફળતા પર કટાક્ષ કરાયો છે તે સમજાતું નથી. જો કે, એલોન મસ્કની આ ટિપ્પણી કેલિફોર્નિયાની મતગણતરીને કેન્દ્રમાં રાખીને થઈ હતી તે નક્કી છે.
આ વાતને સમર્થન આપતી તથા વિરોધ કરતી કોમેન્ટો પણ સોશ્યલ મિડીયામાં થઈ રહી છે, કોઈ એલોન મસ્કની ટિપ્પણીને ત્યાંની ધીમિ મતગણતરી સિસ્ટમની ટીકા માને છે, તો ઘણાં લોકો ઈવીએમની ટીકા પણ માને છે, પરંતુ હકીકત શું છે, તે 'ઓપન સિક્રેટ' જ છે ને ?
મત ગણતરીના થોડા દિવસો પહેલાં જ શરદ પવારે એવી જાહેરાત કરી હતી કે , હવે તેઓ કોઈ ચૂંટણી નહીં લડે, જો કે, શરદ પવાર ફરીથી રાજય સભામાં જઈ શકે છે, તેવી અટકળો હતી, હવે મહારાષ્ટ્રમાં તો વિપક્ષના નેતા બનાવવાની ક્ષમતા પણ શરદ પવારની એનસીપી ધરાવે છે કે કેમ તે એક પ્રશ્ન છે, ત્યારે રાજ્યસભા માટે ચૂંટાવવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. શરદ પવારની જેમ જ વર્ષ-ર૦ર૦માં રાજ્ય સભા માટે ચૂંટાયેલ પ્રિયંકા ચતુર્વેદીની મુદ્દત પણ એપ્રિલ-ર૦૨૬માં ખતમ થઈ જશે. આમ, શરદ પવારે પોતે કરેલી પોતાના રાજકીય ભવિષ્યની સાંકેતિક જાહેરાત હવે ચોક્કસ ભવિષ્યવાણી પુરવાર થઈ ગઈ છે, જો કે, ઈન્ડિયા ગઠબંધન એક જૂથ હોય તો બીજા કોઈ વિપક્ષી સત્તા ધરાવતા સ્ટેટમાંથી શરદ પવારને રાજ્યસભામાં મોકલી શકે, પરંતુ હવે તેવું બલિદાન કોઈ રાજકીય પક્ષ આપે, તેમ જણાતું નથી.
ભારતનું ન્યાયતંત્ર તદ્દન સ્વતંત્ર છે, અને તેને રાજનીતિ સાથે કોઈ સંબંધ હોતો નથી, તેવી બંધારણીય વિભાવનાને અનુરૂપ ઉચ્ચ ન્યાયતંત્રએ આજ સુધી ઘણાં ઐતિહાસીક ફેંસલા આપીને બંધારણ તથા જનતાના અધિકારો, રક્ષણ કર્યું છે, પરંતુ ઉધ્ધવ ઠાકરેન શિવસેનાના દિગ્ગજ નેતા અને સાંસદ સંજય રાઉતના અભિપ્રાય દેશના નિવૃત થયેલા ચીફ જસ્ટીસને લઈને કાંઈક અલગ જ આવ્યો છે, અને તેના કારણે એક નવો જ વિવાદ પણ સર્જાયો છે. તેમણે એવું કહ્યું હોય કે નિવૃત ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડને ઈતિહાસ માફ નહીં કરે, કારણ કે મહારાષ્ટ્રની તાજેતરની ચૂંટણીના પરિણામો માટે તેઓ જવાબદાર છે, તો તેના તીવ્ર પ્રત્યાઘાતો પડે, તે સ્વાભાવિક જ છે ને ? બીજી તરફ રિટાયરમેન્ટ પછી જજોની સ્વયંભૂ આચાર સંહિતા અંગે ચંદ્રચૂડે આપેલો અભિપ્રાય પણ ચર્ચામાં છે.
મીડિયા અહેવાલો મુજબ નિવૃત્ત ચીફ જસ્ટીસનો ઉલ્લેખ કરીને જે શબ્દ પ્રયોગો થયા છે, તેના પડઘા પણ સંસદમાં પડી શકે છે. જોઈએ, જસ્ટ વેઈટ એન વોચ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial