ઈંદિરા ગાંધીએ કરેલા બંધારણીય સુધારાઓ તથા બંધારણના આમુખને લઈને સુપ્રિમકોર્ટે જે ચુકાદો સંભળાવ્યો છે, તેના વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે, અને બંધારણની પ્રસ્તાવના અથવા આમુખને પણ બંધારણનો જ હિસ્સો ગણાવીને તેમાં પણ બંધારણ સુધારાની નિયત પ્રક્રિયાને અનુસરીને સુધારા-વધારા કરી શકાય છે, તે પ્રકારના સુપ્રિમ કોર્ટના ચુકાદાની દુરગામી અસરો પડવાની છે.
કટોકટીકાળના સમયે તત્કાલીન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ ભારતના બંધારણના આમુખમાં 'સેકયુલર' 'સોશ્યાલિસ્ટ' અને 'ઈન્ટેગ્રિટી' એટલે કે બિન સાંપ્રદાયિકતા સમાજવાદ અને એકતા જેવા શબ્દો ઉમેર્યા હતાં, જેને લઈને થયેલી વિવિધ અરજીઓની સુનાવણી પછી સુપ્રિમ કોર્ટે તેનો જે ચુકાદો આપ્યો છે, તેની ચર્ચા કાનૂની ક્ષેત્રો તથા રાજકીય વર્તુળોમાં ગઈકાલથી થઈ રહી છે.
વર્ષ ૧૯૪૯માં બંધારણ ઘડાયું અને વર્ષે ૧૯૫૦માં સ્વીકૃત થયું, તે પછી ર૬ જાન્યુઆરથી લાગુ થયું, તેની પ્રસ્તાવનામાં વર્ષ ૧૯૭૬માં કટોકટી દરમિયાન ઈંદિરા ગાંધીની સરકાર દ્વારા કરાયેલા સુધારા-વધારાને તે સમયની સંસદ તથા મહત્તમ રાજ્યોએ સમર્થન આપ્યું હતું અને બાંધારણીય સુધારાની પ્રક્રિયા અંતર્ગત ભારતીય બંધારણના આમુખમાં બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદ શબ્દો ઉમેરવામાં આવ્યા હતાં. આ બંધારણીય સુધારો ભારતની સંસદે વર્ષ ૧૯૭૬માં કર્યાે હતો અને રાષ્ટ્રપતિ મહોદયની સહી સાથે અમલી બન્યો હતો. તે સમયથી ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં જ બિન સાંપ્રદાયિક અને સમાજવાદ શબ્દો ઉમેરાયા હતાં, જેને પૂર્વ સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામી, વિદ્વાન વકીલ અશ્વિની ઉપાધ્યાય વગેરેએ અદાલતમાં પડકાર્યા હતાં, અને તેની સુનાવણી લાંબા સમય સુધી ચાલી હતી.
જે ત્રણ શબ્દો ઉમેરાયા હતાં તેમાં સમાજવાદ અને બિન સાંપ્રદાયિકતા જેવા શબ્દો બંધારણની મૂળ ભાવનાને અનુરૂપ નહીં હોવાની તથા વાંધાજનક હોવાની દલીલો સાથે અદાલતમાં પીઆઈએલ સહિતની અરજીઓ થઈ હતી, અને આ આખો સુધારો રદ કરવાની માંગણી હતી.
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ ખન્ના, ન્યાયધિશ સંજયકુમારની બેન્ચે ગત રર નવેમ્બરે તમામ સુનવાણી પૂરી થયા પછી ચુકાદો અનામત રાખ્યો હતો, અરજદારોને ચીફ જસ્ટીસે આટલા બધા વર્ષાે વીતી ગયા પછી આ મુદ્દો ઉઠાવવાનું કારણ પણ પુછયું હતું.
તે પછી સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદામાં નોંધ્યું કે બંધારણમાં બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદ જેવા શબ્દો ઉમેરાયા, તેના ૪૦ વર્ષ પછી વર્ષ-ર૦ર૦માં આ અરજીઓ દાખલ કરાઈ હતી. અગાઉના ચુકાદાઓને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે બિન સાંપ્રદાયિકતા ભારતના મૂળ ઢાંચાનો હિસ્સો છે. જે દેશના નાગરિકો સાથે કોઈપણ પ્રકારના ભેદભાવને અટકાવવા માટેની પ્રતિબધ્ધતા દર્શાવે છે. સમાજવાદ શબ્દનું અર્થઘટન કરતા અદાલતે કહ્યું છે કે, સમાજવાદ એટલે સમાજને સમાન તકો અને સુખાકારી વાળુ જીવન આપવાની કટિબદ્ધતા એવો જ અર્થ કરી શકાય. અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ શબ્દ કોઈપણ ચૂંટાયેલી સરકારને નીતિઓ ઘડતા અટકાવતો નથી. ભારતમાં સહિયારૃં અર્થતંત્ર છે, જ્યાં ખાનગી ક્ષેત્રોનો પણ સમય બધ્ધ રીતે વિકાસ થયો છે. ખાનગી ક્ષેત્રોનો વ્યાપ વધવાથી વંચિત સમાજોને પણ ઘણી મદદ મળી છે, તેની સમાજવાદ ખાનગી ક્ષેત્રોના અધિકારોની આડે આવતો નથી.
અદાલતે કહ્યું કે ચારદાયકાઓ પછી આ બન્ને શબ્દોનો બંધારણમાંથી હટાવવા તે સુધારો રદ કરવાની માંગણી સાથે કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવાને યોગ્ય નહીં હોવાથી આ મામલા સાથે સંલગ્ન તમામ વસ્તુઓનો નિકાલ કરવામાં આવે છે.
આ ચુકાદાના કારણે અરજદારોને તો ઝટકો લાગ્યો જ હશે અને આ જ પ્રકારની વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો તથા નેતાઓને પણ ઝટકો લાગ્યો હશે, પરંતુ હકીકતમાં આ ચુકાદાના કારણે વર્તમાન અને ભવિષ્યની સરકારો માટે બંધારણની પ્રસ્તાવના અથવા આમુખમાં સુધારા વધારા કરવાનો માર્ગ પણ મોકળો થઈ ગયો હોવાનું બંધારણીય ક્ષેત્રના નિષ્ણાતો માને છે. સર્વાેચ્ચ અદાલતે બંધારણની પ્રસ્તાવના અથવા આમુખને પણ બંધારણનો જ હિસ્સો ગણીને તેમાં નિયત પ્રક્રિયાને અનુસરીને અન્ય બંધારણીય સુધારાઓની જેમ જ સુધારા-વધારા થઈ શકે છે, તેમ ઠરાવતાં હવે સરકાર, સંસદ અને કેટલીક રાજ્ય સરકારોના સમર્થન સાથે બંધારણના આમુખને પણ બદલી શકાય, સુધારી શકાય કે રદ કરી શકાય, તેવા મુદ્દાઓની નવેસરથી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે અને ભિન્ન-ભિન્ન મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે.
આ મત-મતાંતરો વચ્ચે એવું તારણ નીકળે છે કે બંધારણની પ્રસ્તાવનામાં ફેરફાર સંભવ છે પણ તેને રદ કરી શકાય નહીં, કારણ કે બંધારણની મૂળભાવના વિરૂદ્ધમાં કોઈપણ કદમ ઉઠાવી શકાય નહીં તેવું પણ સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે. હવે બંધારણમાં વર્ષ ૧૯૭૬માં ઉમેરાયેલા સમાજવાદ અને બિન સાંપ્રદાયિકતા જેવા શબ્દોને તો સુપ્રિમ કોર્ટની મહોર લાગી ગઈ છે, તેથી તેને બદલી નહીં, શકાય પરંતુ ભવિષ્યમાં કોઈ વધુ શબ્દો ઉમેરવા કે આમુખનું સ્વરૂપ બદલવાના પ્રસ્તાવો આવી શકે છે, અને તે બંધારણની મૂળભાવનાને અનુરૂપ હોય, તો તે સંસદની મંજુરી ઉપરાંત અન્ય તમામ નિયત પ્રક્રિયાઓ પછી લાગુ પણ પડી શકે છે.
અત્યાર સુધી એવી માન્યતા હતી કે બંધારણના આમુખ અથવા પ્રસ્તાવનામાં ફેરફાર કરી શકાય નહીં, કારણ કે તેમાં બંધારણની મૂળ ભાવનાઓ વ્યક્ત થઈ છે. આ માન્યતાનો છેદ ઉડાડતા સુપ્રિમ કોર્ટની બેન્ચે આમુખમાં પણ સુધારા-વધારા શક્ય છે, પરંતુ તે બંધારણની મૂળ ભાવનાને અનુરૂપ હોવા જોઈએ, તેવા પ્રકારનો જે ચુકાદો આપ્યો છે, તેની દૂરગામી અસરો પડવાની છે. આ જ આમુખમાં જો અન્ય શબ્દો ઉમેરાય તો તે પણ ગ્રાહ્ય રહી શકે છે, તેવું માની શકાય કે નહીં, તેની પણ અલગથી ચર્ચા થઈ રહી છે. જો કે, આ ચુકાદામાં સુપ્રિમ કોર્ટે ચાલીસ વર્ષ વિલંબથી અરજીઓ રજુ થઈ તેને પણ મુદ્દો ગણ્યો હોવાથી ભવિષ્યમાં આમુખમાં સુધારો થાય, અને તેને તરત જ નિયત સમય મર્યાદામાં પડકારવામાં આવે, તો તેની સાપેક્ષતા તથા યોગ્યતા અલગ રીતે મૂલવીને અદાલત નિર્ણય અલગ પણ હોઈ શકે છે. તે ઉપરાંત આ ચુકાદાને લાર્જર બેન્ચમાં પડકારી શકાય, તેવી સંભાવનાઓ પણ ચર્ચાની એરણે છે, ત્યારે એમ કહી શકાય કે, સુપ્રિમ કોર્ટનો આ ચુકાદો દુરગામી અસરો કરશે અને ભૂતકાળની સરકાર દ્વારા આમુખમાં થયેલા સુધારાને મંજુરીની મહોર લાગ્યા પછી વર્તમાન કે ભવિષ્યની સરકારો માટે પણ બંધારણના આમુખમાં સુધારા-વધારાનો માર્ગ મોકળો થયો છે જો કે, આ અંગે હજુ વધુ ઉંડાણપૂર્વકના અભ્યાસ પછી અંતિમ ધારણા બાંધી શકાય તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial