ઈ-કેવાયસી માટે ઠેર-ઠેર લાંબી લાઈનો લાગી છે અને તંત્રો ઉંધા માથે છે, તેનું કારણ કેટલાક યોજનાકીય લાભો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિન્કીંગ કરાયા પછી રેશનકાર્ડ સહિતના કાર્ડસના લિન્કીંગની પ્રક્રિયા ચાલતી જ હતી, અને હવે ઈ-કેવાયસી માટે પણ અલાયદી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. રેશનકાર્ડના માધ્યમથી મળતા લાભો અને રેશનીંગ સપ્લાઈ (વાજબીદરે પુરવઠો) મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરી દેવાયા પછી સસ્તા અનાજની દુકાનો અથવા વાજબી ભાવની દુકાનો અથવા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારમાંથી મળતું અનાજ તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળવાની બંધ થતી જતી હોવાના કારણે આ લાંબી લાંબી લાઈનો લાગી રહી છે, જેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
આ લાંબી લાઈનો નોટબંધી થયા પછીના કપરા કાળની યાદ અપાવી રહી હોવાના આક્રોશભર્યા કટાક્ષો થઈ રહ્યા છે, તો વિપક્ષી વર્તુળો આ પ્રકારની ઝંઝટ ઊભી કરવાનો ભાજપ સરકારનો વધુ એક તઘલખી અભિગમ ગણાવી રહ્યા છે. કામધંધો બંધ કરીને આખો દિવસ લાઈનમાં ઊભા રહ્યા પછી પણ 'લિન્કીંગ'ની પ્રક્રિયા સંપન્ન થઈ રહી નહી હોવાની બૂમરાણ મચી રહી છે, અને લોકો જ્યાં જુઓ ત્યાં ઈ-કેવાયસી માટે હડિયાપટ્ટી કરી રહેલા જોવા મળે છે.
બીજી તરફ ઈ-કેવાયસીની સિસ્ટમના ફાયદા પણ જણાવાઈ રહ્ય છે. અત્યારે ઈન્ટરનેટ તથા આર્ટિફિશ્યન ઈન્ટેલિજન્સ યુગમાં ખોટી ઓળખ ઊભી કરીને કૌભાંડો કે ક્રાઈમ કરનારાઓના કારણે ઘણાં નિર્દોષ નાગરિકો મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે, તેથી નાણાકીય કૌભાંડો તથા ક્રાઈમને અંકુશમાં લેવા માટે આ સિસ્ટમ અમલમાં મૂકાઈ છે. ઈ-કેવાયસી કર્યા પછી તમામ પ્રકારના સરકારી કામો સરળ થઈ જાય, યોજનાકીય લાભો, લોન, સહાય કે પાસપોર્ટ-ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે પરવાનાઓ મેળવવા સરળ બની જાય અને વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રે પણ ઈઝી બિઝનેસ તથા ઝડપી વ્યવહારોમાં સુગમતા વધી શકે છે, અને વિવિધ પ્રકારના અન્ય લાભો મેળવવામાં સરળતા વધે છે, તેવો તર્ક પણ અપાઈ રહ્યો છે.
એવી ચોખવટ કરવામાં આવી રહી છે કે આ સિસ્ટમ લોકોની સરળતા અને નાણાકીય, આર્થિક, યોજનાકીય વગેરે વ્યવસ્થાઓની સુરક્ષા વધારવા તથા નાગરિકોની ઓળખ સુનિશ્ચિત કરીને છેતરપિંડીના વધી રહેલા કિસ્સાઓ પર અંકુશ, રાષ્ટ્રીય અને નાગરિકોની સુરક્ષા તથા ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રે સરળતા વધારવાનો હેતુ છે. ઈ-કેવાયસીના કારણે દેશ ડિજિટલ ભારતની દિશામાં આગળ વધશે. એટલું જ નહીં, ઓનલાઈન અને ડિજિટલ યોજનાકીય લાભો ઉપરાંત ડિજિટલ વ્યવહારો કરવા માટે પણ લોકોને સુગમતા રહેશે. યોજનાકીય લાભો સીધેસીધા લાભાર્થીઓ સુધી પહોંચે અને ગેરરીતિ, ગરબડો તથા તદ્વિષયક ભ્રષ્ટાચાર નેસ્તનાબૂદ થાય, તે દિશામાં આ ઉપયોગી કદમ ગણાવાઈ રહ્યું છે, અને હાલની થોડી પરેશાની પછી જિંદગીભરની ઝંઝટોમાંથી મુક્તિ મળી શકે છે, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
ઈ-કેવાયસી થયા પછી દરેક વખતે જુદા જુદા દરસ્તાવેજો, ઓળખકાર્ડ તથા અન્ય કાર્ડઝની થતી નકલો, પ્રમાણિત નકલો સાથે ઓરીઝનલ કાર્ડ બતાવીને વિવિધ યોજનાઓ કે પ્રક્રિયાઓ, ડોક્યુમેન્ટ્સ કે સરકારી કામો માટે ફોર્મ્સ ભરવા પડે છે, તેમાંથી ઈ-કેવાયસી થયા પછી છૂટકારો થશે, તેવા દાવાઓને ઘણાં લોકો સપના ગણાવીને કટાક્ષો પણ કરી રહ્યા છે. આ પ્રકારના કટાક્ષ થવા પાછળનું કારણ પણ પ્રવર્તમાન સરકારી સિસ્ટમો જ છે ને?
અવારનવાર સર્વર ડાઉન થવું, વીજ પુરવઠો ખોરવાઈ જવો, ઈન્ટરનેટ નેટવર્ક કે મોબાઈલ સેલ ફોનનું નેટવર્ક ખોરવાઈ જવું, રજિસ્ટર્ડ મોબાઈલ સેલફોનમાં સમયસર ઓટીપી નહીં આવવા તથા લોજિસ્ટિક સપોર્ટ નહીં મળવા અને પૂરતો સ્ટાફ નહીં હોવા જેવા અવરોધોના કારણે આ પ્રક્રિયાઓ ખૂબ જ મંદ ગતિએ ચાલી રહી છે, અને પ્રજા પરેશાન થઈ રહી છે.
બીજી તરફ દેશમાં સાયબર ક્રાઈમ અટકાવવા સરકારે લાખો સીમકાર્ડ બ્લોક કરી દીધા હોવાના અહેવાલો પણ છે. સરકાર અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ કમિટીએ તૈયારી કરેલી એક સિસ્ટમ મુજબ આંતરરાષ્ટ્રીય નકલી કોલને ઝડપીને આ કાર્યવાહી કરવામાં આવી છે. સાડાછ લાખથી વધુ સીમકાર્ડ એવા હતા જે ભારતીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને વિદેશમાંથી ગોરખધંધા કરતા કરતા ઝડપાયા પછી ભારતીય નંબરમાંથી ફોન આવે, તો પણ સાવધાની રાખવી પડે તેમ છે. આ તરફ, જુદી જુદી યોજનાઓ માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાયા પછી શાળાના નાના-નાના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ માટે પણ ઈ-કેવાયસીની પ્રક્રિયા સુનિશ્ચિત થઈ છે. આ કાર્યવાહી માટે શાળાના આચાર્યોને સોંપાયેલી કામગીરીમાં જામનગર જિલ્લો છેલ્લાથી બીજા ક્રમે આવ્યો હોવાના અહેવાલો પછી શિક્ષણ ક્ષેત્રના વર્તુળોમાં ચર્ચા જાગી છે. એવું કહેવાય છે કે કેટલાક મહિનાઓ પહેલા ૭૦ હજાર જેટલા વિદ્યાર્થીઓનું ઈ-કેવાયસી કરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમાંથી હજુ પણ ૪૯ હજાર વિદ્યાર્થીઓનું ઈ-કેવાયસી બાકી હોવાનું જણાવાઈ રહ્યું છે. મીડિયા અહેવાલો મુજબ આ ધીમી ગતિએ ચાલતી કાર્યવાહી માટે ટેકનિકલ કારણો દર્શાવાઈ રહ્યા છે તેથી સમયમર્યાદામાં ઈ-કેવાયસી નહીં થાય તો યોજનાકીય લાભોથી વિદ્યાર્થીઓ વંચિત રહેશે. તો તેનું જવાબદાર કોણ? તેઓ સવાલ પણ ઊઠી રહ્યો છે.
આ ઈ-કેવાયસી પ્રક્રિયાના હેતુઓ ગમે તેટલા ઉમદા હોય અને નાગરિકોને વાસ્તવમાં ભવિષ્યમાં સરળતા થવાની હોય અને બોગસ રેશનકાર્ડ કે અન્ય સરકારી લાભો ખોટી રીતે લેભાગુ તત્ત્વો હડપ કરી લેતા હતાં. તે અટકાવાનો ઉદ્દેશ્ય હોય, પરંતુ હાલમાં જે અંધાધૂંધી ફેલાઈ છે, તેને પહોંચી વળવા જ્યાં સુધી ઈ-કેવાયસી માટે પર્યાપ્ત અને વ્યાપક વ્યવસ્થાઓ ન થાય ત્યાં સુધી કોઈપણ લાભો અટકાવવા ન જોઈએ, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial