Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

કોવિડથી વધુ ઘાતક ક્ષયની નાબૂદી અંગે સિટી ટીબી ઓફિસર સાથે સંવાદ

દેશ હો ક્ષયમુકત યહ સંકલ્પ હૈ, અબ લડાઈ રહ ગઇ બસ અલ્પ હૈ

'ટીબી' તરીકે ઓળખાતો ક્ષય રોગ વર્ષો પહેલા સૌથી ગંભીર રોગ ગણાતો હતો એ પછી સરકારનાં પ્રયાસોને કારણે ક્ષયરોગને કાબૂમાં લેવામાં નોંધપાત્ર સફળતા મળી છે પરંતુ એ પણ હકીકત છે કે વિશ્વભરમાં ક્ષય રોગનાં સૌથી વધુ દર્દી ભારતમાં છે અને દેશમાં દર દોઢ મિનિટે ક્ષય રોગનાં એક દર્દીનું મૃત્યુ થાય છે! આ આંકડા ક્ષય રોગને કોરોના કરતા પણ વધુ ઘાતક સાબિત કરનારા છે. સ્લો પોઇઝન અર્થાત ધીમા ઝેર જેવા ક્ષય રોગનું ઘણી વખત નિદાન જ મોડું થાય છે જેને પગલે સારવાર મોડી શરૂ થતા  દર્દીની રોગમુક્ત અને સ્વસ્થ થવાની સંભાવનાઓ ઘટી જાય છે.ભારત સરકાર દ્વારા ક્ષયમુકત ભારતનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જામનગર સિટી ટીબી ઓફિસર ડો. પલક ગણાત્રા સાથે આ અંગે 'નોબત'ના પત્રકાર આદિત્યએ સંવાદ કરી શહેરમાં ટીબીનાં નિદાન તથા સારવારની સવલતો, દર્દીઓની સંખ્યા, સરકારી સહાય વગેરે અંગે માહિતી મેળવી હતી.

ટીબી નાબૂદ કરવા કેન્દ્ર સરકાર કાર્યરત છે માટે કોઇપણ દર્દીને ટીબીનું નિદાન થાય એટલે સ્થાનિક આરોગ્ય વિભાગને સૂચના આપવી ફરજીયાત છે. ખાનગી પ્રેક્ટીસ કરતા ડોક્ટરો પણ ટીબીનાં દર્દીની વિગત તંત્ર ને આપે છે. એટલે સરકાર પાસે દર્દીઓની સંખ્યાનો સચોટ આંકડો રહે છે.

ટીબી બે પ્રકારનાં છે એક છે પલ્મનરી કે જે ફેફસાનો રોગ છે. જેમાં સતત કફ રહેવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે જ્યારે અન્ય ટીબી પણ થાય છે. ડો. પલક જણાવે છે કે નખ અને વાળ સિવાય શરીરનાં કોઇપણ અંગમાં ટીબી થઇ શકે છે. ફેફ્સાનું ટીબી સૌથી કોમન છે. આ ઉપરાંત સ્પાઈનનાં પણ ટીબી જોવા મળે છે.       

ટીબીનું જેટલું વહેલુ નિદાન થાય એટલું હિતાવહ છે. રોગનાં આરંભિક સમયમાં જ સારવાર ચાલુ કરી દેવાથી રોગમુક્ત થવાની સંભાવનાઓ ઉજળી બને છે.

ધૂમ્રપાન કરનારા શરાબનું સેવન કરનારા તથા લોટની ચક્કીમાં કામ કરતા તેમજ કારખાનાઓમાં ધુમાડાઓમાં કામ કરતા લોકોને ટીબી થવાનુ જોખમ વધુ રહે છે. ૨ અઠવાડીયા એટલે કે ૧૫ દિવસથી વધુ ઉધરસ રહે કફ સતત રહ્યા કરે અને ઝીણો ઝીણો તાવ આવે, રાતનાં પરસેવો વળે વગેરે લક્ષણો જણાય તો તરત ટીબીનાં રોગનું નિદાન કરાવવું જોઈએ.

જામનગરમાં સરકારી જી. જી. હોસ્પિટલમાં તથા રામેશ્વરનગર પાસે આવેલ ટીબી સેન્ટરમાં તો ટીબીનું નિદાન થાય જ છે પરંતુ શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલ ૧૨ આરોગ્ય કેન્દ્રમાં પણ હવે ટીબીનાં નિદાન માટેનાં પરીક્ષણ કરવાની સુવિધા  ઉપલબ્ધ છે.

વાર્તાલાપ દરમ્યાન ડો. પલક જણાવે છે કે ૨૦૨૫ માં ટીબી મુક્ત ભારતનું સરકારનું લક્ષ્ય છે. જોકે કોરોનાકાળમાં કોરોના પણ શ્વાસને લગતી બીમારી હોય ટીબી જેવા જ  લક્ષણોને કારણે ટીબીનાં દર્દીઓનાં નિદાનમાં ઘટાડો જોવા મળ્યો હતો જેને પગલે આ અભિયાન થોડુ પ્રભાવિત થયું છે પરંતુ સરકાર લક્ષ્ય પ્રાપ્તિનાં તમામ પ્રયાસો કરવા તત્પર છે.

જામનગરની વાત કરીએ તો શહેરમાં દર વર્ષે ટીબીનાં  સરેરાશ ૧ હજાર નવા દર્દીઓ જોવા મળે છે. હાલ શહેરમાં ૫૦૦ થી વધુ દર્દીઓની સારવાર ચાલુ છે.

બેડી આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત ટીબી કેન્દ્રમાં સેવારત સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર હાર્દિક પુરોહિત ટીબીનાં નિદાન માટે ઉપયોગમાં લેવાતા મશીન અંગે માહિતી આપી તેનું નિદર્શન કરે છે.

ટીબીનાં દર્દીને

સરકારી માસિક સહાય

ટીબીનાં દર્દીને સરકાર તરફથી માસિક ૫૦૦ રૂ.  સહાય પણ આપવામાં આવે છે જે તેનાં બેંક ખાતામાં જમા થાય છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર ૨૦૨૪ થી જ આ સહાયની રકમ બમણી કરવામાં આવી છે. હવેથી દર્દીઓને રૂ. ૧૦૦૦ માસિક સહાય ચૂકવાશે.

દર્દીનાં સ્વજનો તથા પરિચિતોએ સાવધાની રાખવી

ડો. પલક જણાવે છે કે ટીબી એ ચેપી રોગ છે કોઇ ટીબીગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યા પછી વ્યક્તિને ચેપ લાગી શકે છે પરંતુ જો તેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેનો રોગ લાગુ થઇ શકે છે. ટીબીનાં બેક્ટેરિયા વર્ષો સુધી શરીરમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે એટલે જ્યારે કોઇ ચેપ લાગેલ લાગેલ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે  ત્યારે એ રોગ પ્રભાવી થાય છે એવુ પણ બને છે માટે ટીબીનાં દર્દીનાં નજીકનાં વ્યક્તિઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.તંત્ર દ્વારા પણ આ માટે દર્દીનાં સ્વજનોને ટીબી પ્રતિરોધક દવાઓનાં વિતરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવે છે.

સારવાર અધૂરી ન છોડવી

ડો. પલક જણાવે છે કે ટીબીની સારવાર એ લાંબી સારવાર છે. દર્દીએ નિદાન થયા પછી સરેરાશ ૬-૭ મહિના દવાઓ લેવી પડે છે. ઘણી વખત એવુ થાય છે કે દવા લેવાનું આરંભ કર્યા પછી ૨-૩ મહિનામાં દર્દીને સારૂ થવા લાગતા દર્દી જાતે દવા બંધ કરી દે છે પરીણામે થોડા મહિનાઓ પછી રોગ ફરીથી ઉથલો મારે છે. અને ઉથલો માર્યા પછી તેની સારવાર સરેરાશ બે વર્ષ જેટલી લાંબી ચાલી શકે છે. માટે ડો. પલક ટીબીનાં દર્દીઓને ડોક્ટરનાં જણાવ્યાનુસાર દવાનો કોર્સ પૂર્ણ કરવા ખાસ તાકીદ કરે છે.

નિક્ષય મિત્ર અભિયાન

સરકારનાં ક્ષયમુકત ભારત અભિયાનને સફળ બનાવવા જનભાગીદારી પણ જરૂરી છે એ માટે સરકારે 'નિક્ષય મિત્ર' અભિયાન પણ આરંબ કર્યુ છે. જેમાં ડોનેશનથી લઇ કાઉન્સેલીંગ સહિતની બાબતોમાં આરોગ્ય વિભાગની મદદ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે વાત કરીએ તો જામનગરમાં નયારા એનર્જી તરફથી ટીબીનાં દર્દીઓને જરૂરી પોષણયુક્ત ખાદ્યસામગ્રીની કિટ આપવામાં આવી રહી છે. શહેરમાં લગભગ ૬૦૦ દર્દીઓને આ કિટ ફાળવાઇ રહી છે.

આ ઉપરાંત મલ્ટીનેશનલ કંપનીઓ તેમનાં સી.એસ.આર. ફંડનો ઉપયોગ કરીને ટીબીનાં નિદાન સંબંધિત કિંમતી મશીનો પણ ડોનેટ કરી શકે છે.

વિવિધ એનજીઓ કે સમાજસેવી સંસ્થાનાં સ્વયંસેવકો ટીબીનાં દર્દીઓનાં કાઉન્સેલીંગ કરવામાં ઉપયોગી થઇ કોઇ દર્દી અધવચ્ચેથી દવા બંધ ન કરી દે એ માટેની તકેદારી રાખવામાં મદદરૂપ થઇ શકે છે.

આદિત્ય

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial