ઈ-કેવાયસી અંગે લોકોને પડતી હાલાકીની પીડા અત્રેથી વ્યક્ત કરાઈ હતી, અને 'નોબત' સહિતના પ્રેસ-મીડિયા ઉપરાંત સોશ્યલ મીડિયામાં આ અંગે રાજ્ય સરકાર પર તડાપીટ બોલી રહી હતી. આ અંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું એવું છે કે યોજનાકીય લાભો સીધા જ લોકોને મળે, અને ભ્રષ્ટાચારનો અવકાશ જ ન રહે, તે ઉપરાંત વિવિધ યોજનાઓનો લાભ તેના લાભાર્થીઓના બદલે બીજા કોઈ ચાઉ ન કરી જાય, તે માટે સરકાર આ પ્રકારનો આગ્રહ રાખી રહી છે, અને તેમાં જનતા તથા લાભાર્થીઓનું જ હિત છે. તેમણે સર્વર ડાઉન તથા લોકોને પડતી મુશ્કેલી તથા અનેક ધક્કા ખાવા પડતા હોવા અંગે કહ્યું કે આ મુદ્દે સંબંધિત તંત્રો-અધિકારીઓ સાથે પરામર્શ કરીને લોકોને મુશ્કેલી પડે નહીં, અને ખામીઓ તત્કાળ દૂર થાય, તેવા કદમ ઊઠાવાશે. મંત્રી મહોદયે જે કાંઈ કહ્યું છે, તેનું બરાબર પાલન થાય, અને ઈ-કેવાયસી માટે લોકોની પરેશાની ઓછી થાય, તેવું ઈચ્છીએ. આ મુદ્દે કોઈ એવું કહેતું નથી કે ઈ-કેવાયસીનો કોન્સેક્ટ ખોટો કે અયોગ્ય છે, પરંતુ તેન અમલવારી માટે તંત્રો-અધિકારીઓને ઘેર-ઘેર કે મહોલ્લા-સોસાયટીવાર સતત કેમ્પો કરીને આ પ્રક્રિયા ઝડપભેર સંપન્ન કરવી જોઈએ, અને સંલગ્ન કેન્દ્રો તથા સ્ટાફ અને સાધનસામગ્રી, લોજેસ્ટિક સપોર્ટમાં વધારો કરવો જોઈએ. તેના બદલે આ સમગ્ર કામગીરી માટે અલાયદો સ્ટાફ ફાળવવાના બદલે મોજુદ મહેકમ પાસેથી જ વધારાનું કામ કેટલાક સ્થળે લેવામાં આવતું હોય, તે કોઈપણ રીતે યોગ્ય નથી, કારણ કે આ પ્રક્રિયા માટે હજારો નાગરિકો રોજેરોજ ધક્કા ખાઈ-ખાઈને પરેશાન થઈ ગયા છે. આ પ્રકારની પ્રક્રિયા શરૂ થયા પહેલા જ ટેકનિકલ સાધનસામગ્રી તથા નેટવર્ક વગેરે ઈલેક્શનની તર્જ પર અદ્યતન બનાવીને ગ્રામ્ય રૂટ સુધી વિસ્તારવા જોઈએ, તેના બદલે સર્વર ડાઉન અને કોમ્પ્યુટર ચાલુ નથી કે સ્ટાફ ઓછો છે, તેવી બહાનાબાજી ક્યાં સુધી ચાલી શકે? કહો જોઈએ... હવે મંત્રી મહોદયે ખાતરી આપી છે, ત્યારે જોઈએ, તેનો કેટલો ઝડપી અને સચોટ અમલ થાય છે તે...
હજુ ગઈકાલે જ રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે, જેને ખેડૂતલક્ષી ગણાવાઈ રહ્યો છે. આ નિર્ણય મુજબ જે ખેડૂતોની તમામ જમીન વિવિધ પ્રોજેક્ટ્સ માટે સંપાદિત થઈ ગઈ હોય અને તે સમયે ખેડૂત પ્રમાણપત્ર નહીં મળવાના કારણે તેઓ ખેડૂત રહ્યા ન હોય, તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવામાં મુશ્કેલી ન પડે, તે માટેની તક અપાશે. આવી તક મળ્યા પછી પુનઃ ખાતેદાર બનેલા ખેડૂતે ત્રણ વર્ષમાં જમીન ખરીદવી પડશે. આ માટે કલેક્ટરને અરજી કરી શકાશે અને તેની ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઈસ્યૂ થશે, તે પછી આ પ્રકારના ખેડૂતો જમીન ખરીદી શકશે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી છૂટા પડ્યા પછી એટલે કે સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્સ માટે ખેડૂતોની જમીનો સંપાદિત થઈ ગઈ હોય, તેવા તથા બિનખેતી થયા પછી બચેલો એકમાત્ર સર્વેં નંબર બિનખેતી કરાવનાર ખેડૂતોને પણ તક આપવા અંગે પણ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે. એવું કહેવાય છે કે, આ નિર્ણય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં થયેલી રજૂઆત પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક અભિગમ દાખવીને લીધો છે.
રાજ્ય સરકાર તમામ નિર્ણયો જે લોકોના હિત માટે લેતી હોય છે, તેની સાથે બ્યુરોક્રેસીનો તાલમેલ થાય, અને ચૂસ્ત તથા ઝડપી અમલ થાય, તે અત્યંત જરૂરી છે, કારણ કે નવા નવા વાંધા કાઢીને અરજદારોને પરેશાન કરતી પણ એક મજબૂત સિસ્ટમ એક્ટિવ છે, અને આ સિસ્ટમે નવા ટ્રાન્સપર્યન્ટ અને ઓનલાઈન અભિગમોમાં પણ બહાનાબાજી કેમ કરવી, તેમાં માસ્ટરી મેળવી લીધી હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. નવી ટેકનોલોજી સાથે નવી બહાનાબાજીનો તોડ જો સરકાર નહીં કાઢે, તો લોકો એવું જ સમજશે કે આમાં ઉચ્ચ કક્ષા સુધી સરકારની પણ મિલિભગત છે. ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial