ગ્લોબલ વોર્મીંગ, ક્લાઈમેટ ચેઈન્જ અને લા-નીના, અલનીનાની અસરો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુચક્રમાં આવી રહેલો બદલાવ વૈશ્વિક અને રાષ્ટ્રીય કક્ષાએ તો ચર્ચાનો વિષય બન્યો જ છે, પરંતુ હાલાર સહિત ગુજરાતમાં પણ છેક નવેમ્બરના અંત સુધી મિશ્ર ઋતુ રહી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તો ગયા વર્ષે કાંઈક અલગ જ પ્રકારનું હવામાન રહ્યું હતું અને દિવાળી પછી પણ ઘણાં દિવસો સુધી મિશ્રઋતુ રહી હતી.
આ વખતે શિયાળાના આગમન સમયે જ પ્રદૂષણની સમસ્યાએ સમગ્ર વિશ્વનું ધ્યાન તો ખેંચ્યું જ હતું, પરંતુ આપણા દેશની રાજધાની દિલ્હીમાં તો પ્રદૂષણ એટલી હદે વધ્યું હતું કે દિલ્હી સરકારે કેટલાક તાકીદના પગલાં લેવા પડ્યા હતાં. એટલું જ નહીં, આ મુદ્દે સુપ્રિમ કોર્ટે પણ અવારનવાર સરકારી તંત્રોની ઝાટકણી કાઢી હતી. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જ જેટલી જ ગંભીર સમસ્યા આપણા દેશમાં પ્રદૂષણને લઈને ઊભી થઈ રહી છે અને દિલ્હીમાં તો પંજાબ, હરિયાણામાં ખેડૂતો દ્વારા સળગાવાતી પરાળી (કૃષિ કચરો) ના કારણે દરેક ચોમાસા પછી શિયાળામાં હવાઈ પ્રદૂષણની સમસ્યા વધુ ઘેરી બની જતી હોય છે, અને હવામાં પ્રદૂષણ વધવાના કારણે શાળા-કોલેજોમાં રજા અને વર્ક ફ્રોમ હોમ તથા વહનો માટે ઓડ ઈવનની સિસ્ટમ લાગુ કરવી પડતી હોય છે.
આપણે તાજેતરમાં જ બીજી ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ દિવસ મનાવ્યો હતો. કૃત્રિમ પ્રદૂષણના કારણે સેંકડો લોકોના જીવ ગયા પછી દર વર્ષે આ કરૂણ સ્મૃતિઓને યાદ કરીને દેશના લોકો તથા ખાસ કરીને ઉદ્યોગક્ષેત્ર તથા પ્રાકૃતિક ગેસ સહિતના કુદરતી સંસાધનોના સંચાલન સાથે સંકળાયેલા ક્ષેત્રોને જાગૃત અને સતર્ક કરવામાં આવે છે. કુદરતી રીતે પ્રાપ્ત થતી ભૌતિક સંપદાઓનો ઉપયોગ કરતી વખતે નિયમન અને નિયંંત્રણ યોગ્ય રીતે ન થાય તો તે કેટલું ખતરનાક નિવડી શકે છે, તેનું આ ભૂતકાળનું ભયાનક દૃષ્ટાંત છે.
વર્ષ ૧૯૮૪ ની બીજી ડિસેમ્બરની એ કાળરાત્રિ પેઢીઓ સુધી ભૂલાવાની નથી, જ્યારે ભોપાલની કુખ્યાત ગેસ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતાં અને અસંખ્ય લોકો કાયમી ધોરણે વિક્લાંગ (દિવ્યાંગ) થઈ ગયા હતાં. અનેક પરિવાર બરબાદ થયા હતાં અને આ દુર્ઘટનાના વિશ્વવ્યાપી પડઘા પડ્યા હતાં. એટલું જ નહીં, તત્કાલિન શાસકો તથા તંત્રો પર માછલા ધોવાયા હતાં.
વર્ષ ૧૯૮૪ ની બીજી ડિસેમ્બર અને ત્રીજી ડિસેમ્બર વચ્ચેની રાત્રે બનેલી દુર્ઘટનાની પૂરેપૂરી ખબરો બહાર આપવામાં બે-ત્રણ દિવસ લાગી ગયા હતાં અને છઠ્ઠી ડિસેમ્બર પછી આ દુર્ઘટનાની કરૂણાંતિકાઓને લઈને અધિકૃત સ્વીકૃતિ પછી રાહત-બચાવની તમામ કાર્યવાહીના દાવાઓ સાથે તપાસ અને વળતરની માંગણીઓ પણ થવા લાગી હતી. આ કરૂણાંતિકાથી આખો દેશ હલબલી ઊઠ્યો હતો અને ઘણાં દિવસો સુધી અખબારોના માધ્યમથી આ કરૂણાંતિકાએ વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો હતો ભોપાલના યુનિયન કાર્બાઈડમાંથી મિથાઈલ આઈસોસાઈનેડ નામના ઝેરી રસાયણ સાથેનો ગેસ લીકેજ થતા લાખો લોકોના મૃત્યુ થયા અને લાખો લોકો જિંદગીભર માટે દિવ્યાંગ થઈ ગયા, તેની કડવી સ્મૃતિનો સાથે દર વર્ષે બીજી-ત્રીજી ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ મનાવાતો હોવા છતાં આ મુદ્દે આપણે હજુ પૂરેપૂરા જાગૃત થયા જ નથી, એ પણ હકીકત જ છે ને?
ભોપાલની ગેસ દુર્ઘટના તો વાયુ પ્રદૂર્ષિત થતા થઈ હતી, પરંતુ રાષ્ટ્રીય પ્રદૂષણ દિવસે તો જળ, વાયુ, જમીન અને હવે તો આકાશનું પ્રદૂષણ અટકાવવા માટે દેશભરમાં વ્યાપક જાગૃતિ આવવી જોઈએ, અને આ ઉજવણીનો હેતુ પણ એ જ જાહેર કરાવે છે, પરંતુ વાસ્તવમાં આ પ્રકારની ઉજવણીઓ હવે માત્ર એક દિવસના પ્રચાર, પ્રસાર, વ્યાખ્યાનો, પ્રેઝન્ટેશનો તથા વર્કશોપો યોજીને ફોર્મોલિટી પૂરી કરવા જેવી જ રહી ગઈ હોય, તેમ નથી લાગતું?
એક રિપોર્ટ મુજબ દુનિયામાં દર વર્ષે સાત મિલિયન લોકોના મૃત્યુ માત્ર વિવિધ પ્રદૂષણના કારણે થાય છે. આ આંકડો તો નોંધાયેલી ઘટનાઓનો હશે. વાસ્તવિક આંકડો તો ઘણો મોટો હશે.
પ્રદૂષણ નિવારણ, ગ્લોબલ વોર્મીંગ, લા-નીના, અલ-નીના, કલાઈમેટ ચેઈન્જ વગેરે સમસ્યાઓને લઈને વિશ્વકક્ષાએ વિવિધ દિવસોએ વૈશ્વિક જાગૃતિના કાર્યક્રમો તો યોજાય છે, પરંતુ તેની અસરો પ્રમાણમાં ઘણી જ ઓછી થતી હોય તેમ જણાય છે. આમ છતાં આ ઉજવણીઓ થકી ધીમે ધીમે મતલબી માનવજાત સુધરશે અને ભાવિ પેઢીની ચિંતા કરશે, તેવી આશા રખાય છે.
આ જ પ્રકારની કેટલીક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકજાગૃતિ માટે વિશેષ દિવસો નક્કી થયા છે. દર વર્ષે બીજી-ત્રીજી ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉપરાંત દર વર્ષે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ મનાવાય છે, જેની ઉજવણીની શરૂઆત વર્ષ ૧૯૭ર થી થઈ હતી. દર વર્ષે ર૬ મી સપ્ટેમ્બરે મનાવાતા વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસના ઉદ્દેશ્યો પણ માનવીના સ્વાસ્થ્યની રક્ષા માટે પર્યાવરણનું રક્ષણ કરવા સાથે સંકળાયેલા છે. આ ઉજવણીઓ છતાં ધાર્યા પરિણામો આવતા નથી, કારણ કે હમામ મેં સબ નંગે હૈ.
આવો, આપણે સૌ સાથે મળીને જળ, વાયુ, ભૂમિ અને આકાશના પ્રદૂષણોને નિયંત્રણમાં લાવવા જ નહીં, પરંતુ નાબૂદ કરવા માટે સંકલ્પ કરીએ, અને આ માટે નાટકબાજી બંધ કરાવીને વાસ્તવિક રીતે પર્યાવરણને ફૂલપ્રૂફ સુરક્ષા અપાવવાનો સંકલ્પ લઈએ..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial