Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

મન ચંગા તો કથરોટ મેં ગંગા... મન હોય તો માળવે જવાય... બોલે તેના બોર વેંચાય... પણ...?!

દેશમાં રાજકીય ઉથપાથલના માહોલ વચ્ચે શિયાળો જામ્યો છે અને ખેતી આધારિત માર્કેટોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. સંસદમાં ભર શિયાળે ગરમીની અનુભૂતિ થાય, તેવો રાજકીય માહોલ છે, તો આ વખતે બોર્ડની પરીક્ષાના વહેલા ટાઈમટેબલના કારણે વિદ્યાર્થીઓ અત્યારથી જ પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે. તહેવારો અને તંદુરસ્તીની મોસમ સાથે લગ્નગાળો પણ ધમધમી રહ્યો હોવાથી ત્રિવિધ પ્રસન્નતાનો ત્રિવેણી સંગમ રચાયો હોય તેમ જણાય છે. કહેવાય છે ને કે ખુશી આપણી અંદર જ હોય છે, જે વાર-તહેવાર, મંગલ પ્રસંગે તથા સફળતાઓના સથવારે પ્રગટતી રહેતી હોય છે.

એવી કહેવત છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા... મતલબ કે મનોબળ મજબૂત હોય, મન પવિત્ર હોય અને વીલપાવર (ઈચ્છાશક્તિ) દૃઢ હોય તો કથરોટમાં ગંગા એટલે કે સિદ્ધિઓ ઘરબેઠા પણ પ્રાપ્ત થઈ શકતી હોય છે. મન હોય તો માળવે જવાય, એ કહેવતનું હાર્દ પણ કાંઈક એવું જ ગણાય. તેનાથી વિપરિત 'નાચવું નહીં ને આંગણું વાંકુ' એટલે કે કોઈ કામ કરવું જ ન હોય તો તેના માટે હજાર બહાના મળી જતા હોય છે. જેને કાંઈક બનવું છે, જેને કામ કરવું જ છે અને આગળ વધવું છે, તેને કોઈપણ અવરોધ, પડકાર કે વિટંબણાઓ અટકાવી શકતી નથી. મન મજબૂત હોય અને દૃઢ ઈચ્છાશક્તિ હોય તો માનવી અણધારી સફળતાઓ મેળવી શકતો હોય છે, જેના હજારો દૃષ્ટાંતો પણ મળી આવે છે.

કેટલાક લોકોને જન્મથી કોઈ ખોડખાંપણ હોય છે, તો કેટલાક લોકોને કોઈ ગંભીર બીમારી, અકસ્માત કે અન્ય કારણોસર પણ ખોડ-ખાંપણ થતી હોય છે. સરહદે લડતા લડતા, સુરક્ષા બંદોબસ્ત જાળવતી વખતે અને આતંકીઓ, બદમાશો સાથેની અથડામણો દરમિયાન ઘણાં જવાનો, ઓફિસરો તથા ઘણી વખત નિર્દોષ નાગરિકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. આ કારણોસર જિંદગીભરની ખોડખાંપણો ઊભી થઈ જતી હોય છે. આ પ્રકારની ખોડખાંપણો છતાં ઉચ્ચ સિદ્ધિઓ મેળવનાર હસ્તીઓના પણ હજારો દૃષ્ટાંતો મળી આવતા હોય છે, અને તે સમાજ અને ખાસ કરીને નવી પેઢી તથા યુવાવર્ગ માટે પ્રેરણાદાયી હોય છે.

પહેલા ખોડખાંપણ ધરાવતા લોકોને 'અપંગ' કહેવાતા હતાં અને તે પછી સરકારી ચોપડે 'વિક્લાંગ' શબ્દ આવ્યો અને તેની સાથે જ વિક્લાંગો માટેની ઘણી સરકારી યોજનાઓ આવી. તે ઉપરાંત વિક્લાંગ લોકોને મદદરૂપ થવા સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી. વિક્લાંગોના સમૂહોએ પણ વિવિધ સંગઠનો રચ્યા અને વિક્લાંગોને મદદરૂપ થવા ઉપરાંત તેઓને સન્માનભર્યું જીવન મળી રહે અને રોજગારીની સમાન તકો પણ મળી શકે, તેવા પ્રયાસો પણ સરકાર અને સંસ્થાકીય કક્ષાએ થવા લાગ્યા, જે અત્યારે ગ્લોબલ બન્યા છે અને યુનોથી ગ્રામ પંચાયત સુધી કેટલીક યોજનાઓ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે વિક્લાંગોને સહાયભૂત થવા લાગી.

વિક્લાંગોને તે પછી સરકાર દ્વારા જ 'દિવ્યાંગ' નામ અપાયું અને વિક્લાંગોને હિતકારી યોજનાઓ ચાલુ રખાઈ. દિવ્યંગોનું માન-સન્માન જળવાય અને હાંસી ન ઊડે, તે માટેના પ્રબંધો પણ થયા અને જનજાગૃતિ પણ ફેલાવાઈ.

દિવ્યાંગોના માન-સન્માન ઉપરાંત રોજગારી અને પુનઃસ્થાપન માટે દર વર્ષ દુનિયાભરના દેશોમાં ત્રીજી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ ઉજવાય છે અને દિવ્યાંગોને સમાજની મુખ્યધારામાં સમાવિષ્ટ કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની શરૂઆત વર્ષ ૧૯૯ર માં થઈ હતી અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્દેશો તથા ગાઈડલાઈન્સ મુજબ દર વર્ષે જુદી જુદી થીમ હેઠળ વિવિધ કાર્યક્રમો, સેમિનારો, સ્પર્ધાઓ, મેડિકલ કેમ્પો, દિવ્યાંગના સર્ટિફિકેટનું વિતરણ તથા દિવ્યાંગોને રોજગારલક્ષી તાલીમ-માર્ગદર્શન સહિતના ઓડિયો-વિઝ્યુલ તથા ટ્રેડિશ્નલ મીડિયા જેવા માધ્યમો દ્વારા વિવિધલક્ષી કાર્યક્રમો યોજાય છે.

વર્ષ ૧૯૮૧ ને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિક્લાંગજનો માટે આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું હતું. તે પછી વર્ષ ૧૯૮૩ થી ૧૯૯૩ ના દશકને વિક્લાંગજનોનું આંતરરાષ્ટ્રીય દશક જાહેર કરાયું હતું. તે સમયે જ દરવર્ષ આંતરરાષ્ટ્રીય વિક્લાંગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી, અને વર્ષ ૧૯૯ર થી વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી આ દિવસ દર વર્ષે ઉજવાય છે.

વર્ષ ર૦ર૪ માં વિશ્વ વિક્લાંગ દિવસનું થીમ છે, 'ટકાઉ અને સમાવેશી ભવિષ્ય માટે વિક્લાંગોના નેતૃત્વને પ્રોત્સાહન' આપવામાં આવ્યો છે. આ સાથે જ પોલિટિકલ સેક્ટરમાં પણ દિવ્યાંગોને અગ્રતાક્રમ આપીને તેઓનું સન્માન વધારવાના વિષય પર આજે મનોમંથન થઈ રહ્યું છે. આવો, આપણે પણ દિવ્યાંગોને આદરપૂર્વક મદદરૂપ થઈને આપણી ફરજ બજાવીએ...

એક અંદાજ મુજબ ભારતમાં દિવ્યાંગોની સંખ્યા પોણાત્રણ કરોડની આસપાસ છે, જે કુલ વસતિના સવાબે ટકા જેટલી થાય છે. દિવ્યાંગોની કુલ સંખ્યા પૈકી મોટાભાગના દિવ્યાંગો ગ્રામ્ય વિસ્તારોમાં છે. એકાદ કરોડ દિવ્યાંગો એવા છે જેને જોવા અને સાંભળવાની તકલીફ છે. કેન્દ્ર સરકાર અને દીનદયાળ વિક્લાંગ પુનર્વસન યોજના, દિવ્યાંગ વ્યક્તિઓને સહાયક ઉપકરણ ખરીદવામાં મદદની યોજના, દિવ્યાંગોને સ્વરોજગાર સ્થાપિત કરવાની યોજના સહિતની વિવિધ યોજનાઓ ઉપરાંત કેટલીક રાજ્ય સરકારો તથા એનજીઓ પણ દિવ્યાંગોને મદદરૂપ થવાના કાર્યક્રમો ચલાવે છે. શારીરિક, માનસિક અને પ્રકીર્ણ વિક્લાંગોને પારખીને તેમાં મદદરૂપ થવાની યોજનાઓનો લાભ વાસ્તવમાં વિક્લાંગોને પહોંચે અને દિવ્યાંગોના નામકરણની સાથે સાથે તેઓને હકીકતમાં માન-સન્માન અને આદર સાથે સહયોગ મળી રહે એ જવાબદારી સૌ કોઈની છે, ખરૃં ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial