હાલારના બન્ને જિલ્લામાં લાંબો દરિયા કિનારો છે, અને ગુજરાતની દરિયાઈ સરહદો રાષ્ટ્રીય સરહદો પણ છે, તે ઉપરાંત હાલાર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દ્વારકા-સોમનાથ જેવા વૈશ્વિક યાત્રાધામો, રિલાયન્સ, નયારા, એસ્સાર, સૌરાષ્ટ્ર કેમિકલ્સ, ટાટા કેમિકલ્સ, સુગર ફેક્ટરીઓ ઉપરાંત પોર્ટસ, વિન્ડફાર્મર્સ તથા ઐતિહાસિક અને હેરીટેઝ મહત્ત્વ ધરાવતા સ્થળો આવેલા છે.
ઘણાં દાયકાઓ પહેલા હાલાર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો સ્મગલીંગ માટે મોટાપાયે ઉપયોગ થતો હતો. તે પછી હથિયારો તથા ગેરકાનૂની ચીજવસ્તુઓની હેરાફેરીની દૃષ્ટિએ પણ આ દરિયાઈ માર્ગ પર સ્મગલરો તથા ગેંગસ્ટરોનો ડોળો રહ્યો હતો. મુંબઈમાં અનેક સ્થળે આતંકી હુમલો કરનાર કસાબ એન્ડ કાું. જેવા આતંકીઓ પણ દરિયાઈ માર્ગનો જ દુરૂપયોગ કરીને મુંબઈ પહોંચ્યા હતાં, તે પછી ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારાની પટ્ટીમાં સુરક્ષા વધારવાની વાતો પણ થઈ હતી, પરંતુ આ દરિયાઈ માર્ગો સંપૂર્ણપણે ફૂલપ્રૂફ સુરક્ષા હેઠળ હોવાની અનુભૂતિ એટલા માટે થઈ રહી નથી કે હવે આ જ દરિયાઈ માર્ગોનો દુરૂપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે બિન્દાસ થઈ રહ્યો છે, અને આ કારણે જ ગુજરાત દેશમાં નશાકારક પદાર્થો અને ડ્રગ્સનું પ્રવેશદ્વાર બન્યું હોવાના અને 'ઊડતા ગુજરાત' જેવી સ્થિતિ ઊભી થઈ રહી હોવાના તારણો કાઢવામાં આવી રહ્યા છે, અને તેના સંદર્ભે જ રાજ્ય અને કેન્દ્ર સરકારના તંત્રો તથા સુરક્ષા એજન્સીઓ પર તડાપીટ બોલી રહી છે, જેનો કોઈ સંતોષકારક જવાબ પણ મળી રહ્યો નથી.
દરિયાઈ સુરક્ષાની જવાબદારી સહિયારી ગણાય, તટરક્ષણ માટે કોસ્ટગાર્ડ, સ્મગલીંગ અટકાવવા માટે કસ્ટમ્સ અને દરિયાકાંઠાના જમીની વિસ્તારો તથા મરીન નેશનલ પાર્કની સુરક્ષા માટે મરીન પોલીસ કાર્યરત છે, જેમાં જરૂર પડ્યે પોર્ટ, ફિશરીઝ, સ્થાનિક તંત્રો, સ્થાનિક પોલીસ, સ્થાનિક અને કેન્દ્રિય એજન્સીઓ તથા ગુપ્તચર તંત્રો પણ સહયોગી બનતા હોય છે. આટલી બધી સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા અને સંકલન છતાં દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ડ્રગ્સ, વિદેશી અને દેશી શરાબ તથા ગેરકાયદે હથિયારો વગેરેની હેરાફેરી થતી હોય તો તે આપણા કાં તો તંત્રો વચ્ચે સંકલનનો અભાવ દર્શાવે છે, અથવા તો કયાંકને ક્યાંક લાપરવાહી અને ભ્રષ્ટાચારની માઠી અસરો થઈ રહી હોવાની આશંકા પણ જન્મે છે.
આ સુરક્ષા નેટવર્કમાં ભારતીય નૌકાદળ એટલે કે નેવીની સીધી ભૂમિકા કે જવાબદારી નહીં હોવા છતાં ઘણી વખત મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરીને નૌસૈનિકો દેશના સુરક્ષા તંત્રોને મદદરૂપ થતા હોય છે. જામનગરના આઈ.એન.એસ. વાલસુરા જેવા નૌકાદળના મથકો ઓખા અને પોરબંદર સુધી વિસ્તરેલા છે, જે હાલાર અને સૌરાષ્ટ્રની સરહદો પર રાષ્ટ્રીય સુરક્ષા માટે તૈનાત છે.
ભારતીય નૌકાદળ હોય કે તટરક્ષક દળ હોય, જ્યારે દરિયામાં કોઈ ડૂબી રહ્યું હોય કે બીમાર હોય અથવા કુદરતી તોફાનો કે કૃત્રિમ બનાવો દુર્ઘટનાઓના કારણે ફસાયેલા હોય, ત્યારે તેની નાત, જાત, દેશ કે નાગરિક્તા વગેરે જોયા વગર પ્રાયોરિટીમાં તેઓનો જીવ અને વહાણો, હોડીઓ વગેરેને બચાવવાના તમામ પ્રયાસો કરે છે, જે ભારતીય સંસ્કૃતિની મનવતાનું દૃષ્ટાંત બને છે. આમ ભારતીય નૌકાદળની ભૂમિકા બહુહેતુક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બની જતી હોય છે. આ કારણે જ દર વર્ષે જ્યારે નૌકાદળ દિવસ ઉજવાય છે, ત્યારે તેમાં દેશની અન્ય દરિયાઈ એજન્સીઓ પણ સહભાગી બની જતી હોય છે.
દરિયાઈ સરહદોની સુરક્ષા વધારવાની આ વ્યવસ્થાઓ તો થઈ છે, પરંતુ દુર્ગમ વિસ્તારો, દરિયાઈ સ્થળો તથા દરિયાની વચ્ચે રહીને કાર્યરત નૌકાદળ-કોસ્ટગાર્ડ-મરીન પોલીસ માટે લોજિસ્ટિક સુવિધાઓ પણ વધારવી જરૂરી છે, તેમ નથી લાગતું? આ ઉપરાંત ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી પર અંકુશો સંપૂર્ણપણે સફળ ક્યારે થશે, તેવો સવાલ પણ ઊઠી રહ્યો છે.
દર વર્ષે ચોથી ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ ઉજવાય છે. વર્ષ ૧૯૭૧ માં ચોથી ડિસેમ્બરે ઓપરેશન ટ્રાઈડેન્ટ હેઠળ ભારતીય નૌસેનાએ પાકિસ્તાની નૌસેનાને હટાવીને પીએનએસ ખૈબર સહિત પાકિસ્તાની જ્હાજોને ડૂબાડી દીધા હતાં. આ દિવસે વર્ષ ૧૯૭૧ ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા લોકોને પણ યાદ કરવામાં આવે છે.
નૌસેના દિવસની ઉજવણીના ભાગરૂપે દરિયામાં તરણ સ્પર્ધાઓ, હોડી સ્પર્ધાઓ, ઉપરાંત વકતૃત્વ-નિંબધ સ્પર્ધાઓ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં યોજાય છે. નૌસેનાના જ્હાજોમાં શાળાના બાળકોને લઈ જવામાં આવે છે, અને નૌસેના કેવી રીતે દેશની દરિયાઈ સુરક્ષા કરે છે, તેનાથી પરિચીત કરાવવામાં આવે છે. હવાઈ કવાયતો, મેરેથોન, પ્રશ્નોત્તરી અને શ્રેષ્ઠ નૌસૈનિકોના સન્માનમાં કાર્યક્રમો યોજાય છે.
આજે નૌસેના દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણું ગુજરાત નૌસેનાને પૂરેપૂરો સહયોગ તો કરે જ છે, અને સમર્થન પણ આપ છે, પરંતુ સૌ સાથે મળીને ગેરકાનૂની, આતંકી, ડ્રગ્સની પ્રવૃત્તિઓને અટકાવીએ અને આપણા ગૌરવવંતા ગુજરાતની ગરિમાને સાચવીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial