'મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી...' જેવા ફિલ્મી ગીતો અને સોઈલ હેલ્થ કાર્ડ જેવી સરકારી યોજનાઓ તથા 'વતનની માટીનું મોલ ન થાય...' જેવા ડાયલોગ્ઝ દ્વારા ધરતી અને માટીનું મહત્ત્વ સમજાવવા જ 'અર્થ ડે' અથવા પૃથ્વી દિવસ અને 'સોઈલ ડે' એટલે માટી દિવસની વૈશ્વિક ઉજવણીઓ થતી રહી છે.
એક તરફ માટીનું મૂલ્ય થઈ શકે નહીં, કારણ કે માટીની બુનિયાદ પર જ સૃષ્ટિ પાંગરી રહી છે, તો બીજી તરફ માટી હાલમાં લગભગ મફતમાં ઉપલબ્ધ હોવાથી જ હિન્દી ફિલ્મના ગીતોમાં 'એક દિન બીક જાયેગા, માટી કે મોલ, જગ મેં રહ જાયેંગે પ્યારે તેરે બોલ' જેવી પંક્તિઓ ગવાઈ હશે, જો કે હવે કોમર્શિયલ હેતુઓ માટે કે ઘરેલુ ઉપયોગ માટે પણ માટી અને રેતી, પાણીની જેમ વેંચાતી લેવી પડે છે, તેમ છતાં તેની સરળ ઉપ્લબ્ધિના કારણે માટી સસ્તી છે, અને આપણે તેનું મહત્ત્વ સમજતા હોવા છતાં તેના પ્રત્યે ભાવનાત્મક દેખાડો કરવા સિવાય તેના સંરક્ષણ માટે બહુ કાંઈ કરતા નથી, ખરૃં કે નહીં?
માટીનું મહત્ત્વ સમજાવવા, તેનું સંરક્ષણ વધારવા અને તેની સકારાત્મક ઉપયોગિતા વધારીને પર્યાવરણની સુરક્ષા અને સૃષ્ટિના જતન કરવા માટે દર વર્ષે પાંચમી ડિસેમ્બરે 'વિશ્વ માટી દિવસ' અથવા 'વર્લ્ડ સોઈલ ડે' ઉજવાય છે. વર્ષ ર૦ર૪ ની વર્લ્ડ સોઈલ ડે ની ઉજવણીનું થીમ પણ 'મેજર, મેનેજ એન્ડ મોનિટર' છે.
આપણે ધરતીમાતાનું આડેધડ દોહન કરી રહ્યા છીએ અને વિકાસના જંગલો ઊભા કરીને કુદરતી પરિબળોનું નિકંદન કાઢી રહ્યા છીએ, ત્યારે ખાદ્યાન્ન, વનસ્પતિ અને જૈવિક તત્ત્વોની જન્મદાતા પૃથ્વી અને તેની લઘુસ્વરૃપ સમી માટીને પણ પ્રદૂષિત અને તબાહ કરી રહ્યા છીએ, તેમ છતાં આ મુદ્દે હજુ સુધી કોઈ વિશ્વવ્યાપી જનઆંદોલન થયું નથી, જે માનવીની સ્વાર્થી મનોવૃત્તિ અને કુદરતી પરિબળો પ્રત્યે ઉપેક્ષિત વૃત્તિને જ ઉજાગર કરે છે ને...?
દર વર્ષે પાંચમી ડિસેમ્બરે માનવીની આ મનોવૃત્તિને ઉજાગર કરીને વ્યાપક જનજાગૃતિ જગાવવાની સાથે સાથે દર વર્ષે નવા નવા કોન્સેપ્ટ અને લક્ષ્યો પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. માટીના સંરક્ષણ માટે ભૂમિસુધાર, જૈવિક વિવિધતાને પ્રોત્સાહન, જમીન અને જંગલોનું નિકંદન કાઢતી પ્રવૃત્તિઓ સામે કડક અભિગમ, પ્રદૂષણમાં ઘટાડો, જલસંચય, જળસંગ્રહ અને જલબચતને પ્રોત્સાહન, પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની જાગૃતિ, ટકાઉ અને સરળ કૃષિપ્રણાલિને પ્રોત્સાહન, કાર્બન પૃથ્થકરણ અને ક્લાઈમેટ ચેઈન્જ, ગ્લોબલ વોર્મીંગને સાંકળી માટી, પાણી અને સૃષ્ટિની સારસંભાળ રાખવાની ખાસ જરૃર છે, અને તે દિશામાં દુનિયાભરમાં વિવિધાસભર પ્રવૃત્તિઓ કરીને દર વર્ષે આજના દિવસે લોકોને જાગૃત કરવાની સાથે સાથે નવા નવા અભિગમો શરૃ થતા હોય છે. આ વર્ષે પણ માટીના સંરક્ષણ માટે 'થ્રી એમ' એટલે કે મેજર, મેનેજ એન્ડ મોનિટરીંગના થીમ હેઠળ નવા લક્ષ્યો નિર્ધારિત કરવામાં આવ્યા છે અને નવા અભિયાનો શરૃ કરવામાં આવી રહ્યા છે, ત્યારે માટીના મહત્ત્વ વિષે થોડી ચર્ચા કરવી જ પડે ને? ખરૃં કે નહીં?
માટી તમામ જીવો માટે મહત્ત્વપૂર્ણ છે. કાર્બનના ઉપાર્જન અને પર્યાવરણીય સુરક્ષામાં હાનિકર્તા પરિબળોની સામે ગુણવત્તાયુક્ત માટી ઢાલનું કામ કરે છે, તો ફળદ્રુપ માટી થકી જ ખેત-ઉત્પાદન વધે છે. માટીનું ક્ષારણ બધી જ રીતે હાનિકર્તા બને છે, તેથી માટીનું માત્ર રક્ષણ જ નહીં, પરંતુ તેનું સમયાંતરે માપન (મેનેજમેન્ટ), મેનેજમેન્ટ એટલે કે પ્રબંધન અને મોનિટરીંગ એટલે કે દેખભાળ પણ ખૂબ જ જરૃર છે.
જુના જમાનામાં છાણ અને માટીનું લિંપણ ઘરની દીવાલો અને ફર્સ પર થતું હતું, જેના કારણે લોકોના સ્વાસ્થ્યનું કુદરતી રક્ષણ પણ થતું હતું અને પ્રાકૃતિક જીવનશૈલીની મજા પણ રહેતી હતી, તેની સામે વરસાદ, પૂર, કુદરતી આફતોના સમયે કાચા મકાનો તથા ઝૂંપડીઓમાં રહેવું જોખમી અને મુશ્કેલ પણ બનતું હતું. હવે ભલે આપણે સિમેન્ટના જંગલો ઊભા કરીએ, પરંતુ માટીની મહેરબાની વિના આપણી જીવનજરૃરિયાતો સંતોષવી પડકારરૃપ છે. એવું પણ કહી શકાય કે જળ, પ્રકાશ, માટી અને પવન સહિતના કુદરતી પરિબળો વિના માત્ર માનવ જીવન જ નહીં, પરંતુ સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જ અસંભવ છે.
દિવાળીના તહેવારો પછી હવે લગ્નસરાની મોસમ ચાલી રહી છે અને હાલાર સહિત રાજ્ય અને દેશમાં તંદુરસ્તીની મોસમ ગણાતા શિયાળા સાથે મંગલપ્રસંગોનું આયોજન થયું છે, તો બીજી તરફ આ વર્ષે પહેલેથી જ ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જની માઠી અસરો પણ વર્તાઈ રહી છે. લા નીનો અને અલ નીનો વચ્ચે હિંચકા ખાતા વિશ્વ જ્યારે કુદરતી આફતો અને વૈશ્વિક અશાંતિની અનુભૂતિ કરી રહ્યું છે, ત્યારે માટીનું મહત્ત્વ સમજીને તેના સંરક્ષણના વાસ્તવિક ઉપાયો કરવા પણ એટલા જ પ્રાસંગિક છે, તેમ લાગે છે ને?
જો કે, વાડ જ ચીભડા ગળી જાય, તેવું અત્યારે માટી (સોઈલ) સાથે થઈ રહ્યું છે. માટીનું મૂલ્ય જ થઈ શકે નહીં, અને માટીને મૂલ્યહીન ગણીને તેની ધરાર અવગણના કરવાની મનોવૃત્તિ નહીં છોડીએ તો આપણે પોતે જ આવનારી પેઢીનું નિકંદન કાઢી નાંખશું. રેઢિયાળ તંત્રો, કરપ્ટ સિસ્ટમ અને નિંભર સરકારો પાસેથી બહુ જાજી અપેક્ષા તો રાખી શકાય તેમ નથી, પરંતુ મૂલ્યવાન 'માટી'ના અસ્તિત્વ અને ગુણવત્તા જાળવી રાખવા માટે આપણે સૌ સાથે મળીને સોઈલ પ્રોટેક્શન તથા પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ આજે લઈએ, તોયે ઘણું છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial