આ વર્ષે દિવાળી ઉપર બધા મિત્રોને મળી શકાયું નહીં એટલે હવે બધા જીગરી મિત્રો સાથે ગેટ ટુ ગેધર કરવાનું વિચાર્યું અને બધા મિત્રોને તે માટે ફોન કર્યો.
મેં ફોન કર્યો એટલે ૧૦ માંથી ૧૨ મિત્રોએ મારી ધારણાથી વિપરીત જવાબ આપ્યો, *ટાઈમ નથી..*
મેં પૂછ્યું, *કેમ ?*
*લગ્નની મોસમ ચાલે છે ને એટલે..* બધાએ લગભગ એક સરખો જ જવાબ આપ્યો.
મને ખબર છે કે ભારતમાં ત્રણ મોસમ હોય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસાની મોસમ. તેમાં હવે આ નવી મોસમ ઉમેરાઈ -- લગ્નની મોસમ, જે લગભગ બારેમાસ ચાલુ હોય છે.
પછી તો મેં મિત્રોને એક બીજું સૂચન કર્યું, લગ્નની મોસમ જાય પછી એટલે કે ૧૫ ડિસેમ્બર પછી કમુરતામાં મળવાનું. બધાએ હા પાડી તો તેમાં મારો એક ફોટોગ્રાફર મિત્ર આડો ફાટ્યો. તેણે કહ્યું, *કમુર્તામાં તો બિલકુલ ટાઈમ ન મળે. *
*કેમ ?*
*કમુરતામાં વેડિંગ ભલે ન હોય પરંતુ પ્રી-વેડિંગ તો હોય ને ? અને અમારે વેડિંગ કરતા પણ પ્રી-વેડિંગમાં જ વધારે આવક થાય છે..!!*
તેની વાત તો બિલકુલ સાચી છે. લગ્નમાં કેટકેટલા નવા (અને મોટેભાગે તો ફાલતુ) ખર્ચા વધી ગયા છે! પ્રી વેડિંગ, ઇન્ટિરિયર ડેકોરેશન, કેટરિંગ, કોરીયોગ્રાફી, વગેરે વગેરે. ભોજનના ટેબલ પર તો એટલી બધી વાનગીઓનો રસથાળ પીરસવામાં આવે છે કે આપણે તે બધી વાનગીઓનો ટેસ્ટ પણ નથી કરી શકતા..
તમે જ મને કહો કે આજથી બે ચાર કે છ દિવસ પહેલા જ્યારે તમે છેલ્લે લગ્નમાં જમવા ગયા ત્યારે શું જમ્યા'તા તે યાદ છે ? હવે આજકાલ જે જમ્યા તેનું મેનુ પણ આપણને યાદ ન હોય તો જૂનું તો કશું પૂછવાનું જ નહીં ને !
યુરોપ અમેરિકાના વિકસિત દેશોમાં એક કલ્ચર છે, ફાઈવ ડે વિકનું. એટલે કે અઠવાડિયામાં પાંચ દિવસ સોમવારથી શુક્રવાર કામ કરવાનું અને તેમાં કમાયેલા પૈસા શનિ-રવિની રજામાં વાપરી નાખવાના. અને ફરીથી સોમવારે કમાવામાં લાગી જવાનું.
આપણે ભારતવાસીઓ તો તેનાથી પણ એક ડગલું આગળ વધી ગયા છીએ. જિંદગી આખી અઠવાડિયાના સાતેય દિવસ કામ કરવાનું, અને સખત કરકસર કરીને બચત કરવાની.
અને પછી ઘરે લગ્નનો પ્રસંગ આવે ત્યારે આ જિંદગી આખીની બચત વાપરી નાખવાની. અને આટલાથી પણ સંતોષ ન થાય તો માથે દેવું કરવાનું અને પછી જિંદગી આખી તેના હપ્તા ભરે રાખવાના..!!
હું લગ્નની મોસમ વિશે વિચારતો જ હતો ત્યાં મને નંદલાલ મળ્યા. નંદલાલના નસીબ પણ પેલા પોપટલાલ જેવા જ છે -- લગ્ન માટે હંમેશા તૈયાર જ હોય પરંતુ ક્યાંય ગોઠવાય જ નહીં ને..!
મેં નંદલાલને કહ્યું, *કેમ છો ? મજામાં ને ?*
તેણે ઉત્સાહથી જવાબ આપ્યો, *એકદમ મજામાં.*
*તો આ વર્ષે લગ્નનું પાકુ ને ?*
*કોશિશ તો ચાલુ જ છે..*
*કોઈ છોકરી જોઈ કે નહીં ?*
*હા, ગઈકાલે જ એક છોકરી જોઈ..* *પછી ?*
*હું તો હા પાડવાની તૈયારીમાં જ હતો ત્યાં તેણે પર્સમાંથી બિસ્કિટ કાઢ્યું ને તેનું ક્રીમ ચાટવા લાગી..! મેં તો તેને ના પાડી દીધી..!!*
આટલું કહીને નંદલાલ સીટી વગાડતા વગાડતા વિદાય થયા.
વિદાય વેળાએ : દરેક કાળા ગુલાબજાંબુ એવું ઈચ્છે છે કે એનાં લગ્ન તો રસગુલ્લા જ સાથે થાય...!!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial