ધીમે-ધીમે ઠંડી વધી રહી છે, શિયાળાના દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે, અને શિયાળાને તંદુરસ્તીની ઋતુ પણ માનવામાં આવે છે. શિયાળાની ઠંડી વચ્ચે પણ રાજકીય ક્ષેત્રે ગરમાવો વધી રહ્યો છે. સંસદમાં સટાસટી બોલી રહી છે, જ્યારે મહારાષ્ટ્રની મહાયુતિમાં મુંઝવણ વધી રહી હોય તેમ ખાતાની વહેંચણીના મુદ્દે ખેંચતાણના અહેવાલો પછી હવે શું થાય છે, તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. એવુ કહેવાય છે કે એકનાથ શિંદેની અકળામણ વધી રહી છે. (અજીત) પવારનો પ્રભાવ વધી રહ્યો છે અને ભાજપનું પોતાના જ ગઠબંધનનું કોકડું ગુંચવાયા પછી અનિશ્ચિતતા અને અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું હોય તેમ જણાય છે.
રાષ્ટ્રીય કક્ષાએ પણ ગઠબંધનોમાં ગરબડ જોવા મળી રહી હોય તેમ રામવિલાસનો 'ચિરાગ' ચતૂરાઈપૂર્વક રાજરમત રમી રહ્યો હોય તેમ જણાય છે, જ્યારે તેજસ્વીના તીખારા પણ વધી રહ્યા છે. આ બધા વચ્ચે પડોશી રાજ્ય પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નવું 'રાષ્ટ્રવાદી' વલણ પણ સામે આવ્યું છે, અને બાંગ્લાદેશમાં થતી હિંસા અને હિન્દુઓ પર થતા અત્યાચારોને લઈને તેમણે કરેલું નિવેદન કેન્દ્ર સરકારની વિદેશનીતિને અનુકૂળ અને અનુરૂપ હોય તેવું જણાય છે.
મમતાદીદીએ બાંગ્લાદેશની રખેવાળ સરકારને ઝાટકી નાંખી છે અને કહ્યું છે કે કોઈની હિંમત નથી કે તેઓ બંગાળ, બિહાર અને ઓડિશા પર કબજો જમાવે. કોઈ આવી હરકત કરે અને આપણે (ભારત) લોલીપોપ ખાતા ખાતા એવું થતા જોતા રહીશું, તેવું માનવાની જરૂર નથી. અમે ધીરજ રાખી છે, તેને નબળાઈ માનવાની ભૂલ કરતા નહીં.
તેણીએ રાષ્ટ્રીય રણનીતિને અનુરૂપ જ બાંગ્લાદેશને ચેતવતા કહ્યું છે કે અમે (ભારત) ખૂબ જ સક્ષમ છીએ અને એ પણ જાણીએ છીએ કે ધીરજ કેવી રીતે રાખવી. અમારે (ભારત) બાંગ્લાદેશની રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી અને અમને ઉશ્કેરણી કરવામાં પણ કોઈ રસ નથી. અમે બાંગ્લદેશમાં વસવાટ કરતા ભારતીયોની સુરક્ષા જ ઈચ્છીએ છીએ.
બાંગ્લાદેશમાં થતી હિંસાના સંદર્ભે તેણીએ કહ્યું કે સરહદોની રક્ષા બીએસએફ કરે છે. સરહદોનો વિકાસ કેન્દ્રનો છે. મમતા બેનર્જીનું આ વલણ તેણીની મક્કમતા દર્શાવે છે.
બીજી તરફ બાંગ્લાદેશ પહોંચેલા ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી પર પણ સૌ કોઈની નજર મંડાયેલી છે, અને તંગદિલી ઘટાડવાના પ્રયાસો વધી રહ્યા છે, ત્યારે બાંગ્લાદેશ સાથે કોઈ મહત્ત્વપૂર્ણ સમજુતિની દિશામાં આ એક સમજદારીપૂર્વક લીધેલું કદમ ગણાય છે.
રાષ્ટ્રીય રાજનીતિમાં પણ મમતા દીદીનો સિતારો ચમકી શકે છે. ઈન્ડિયા ગઠંબધનનું નેતૃત્વ તૃણમુલ કોંગ્રેસ કરે અને તેના વડા મમતા બેનર્જી બને, તે પ્રકારની સોશ્યલ મીડિયામાં જબરદસ્ત ઝુંબેશ વચ્ચે ઈન્ડિયા ગઠબંધનમાં ગરબડ સર્જાઈ હોવાના અહેવાલો છે. આ પ્રકારના ઘટનાક્રમો એવું સૂચવે છે કે રાજનીતિમાં કોઈ કાયમી દુશ્મન કે દોસ્ત હોતા જ નથી, અને બધા પક્ષો પોતાનું હિત જ વિચારતા હોય છે.
રાહુલ ગાંધીના બદલે મમતા બેનર્જીને ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ સોંપવામાં આવે, અને એનડીએ ગઠબંધનમાં (સંભવિત) ગરબડના કારણે વર્તમાન કેન્દ્ર સરકાર તૂટી પડે, તો મમતા બેનર્જીને વડાપ્રધાન બનાવવામાં આવે, તેવા અભિપ્રાયો પણ વ્યક્ત થવા લાગ્યા છે, ત્યારે હવે રાહુલ-પ્રિયંકા અને ખડગે તૃણમુલ કોંગ્રેસને લઈને કેવું વલણ અપનાવે છે, તે જોવાનું રહેશે.
જો કે, તૃણમુલ કોંગ્રેસમાં પણ મમતા બેનર્જીના ઉત્તરાધિકારીના મુદ્દે વિવાદ વકર્યો હોવાના અહેવાલો આવી રહ્યા છે, અને અંતરંગ વર્તુળોને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીએમસીના સિનિયર નેતાઓ મમતા બેનર્જીના ભત્રીજાને પાર્ટીનું નેતૃત્વ સીધેસીધુ જ સોંપી દેવાના મૂડમાં નથી, અને તેથી જ બેનર્જીએ એવું નિવેદન આપવું પડ્યું હશે કે વિવાદ વકરે નહીં અને ઘીના ઠામમાં ઘી પડી રહે... આને મમતા દીદીની મક્કમતા ગણવી કે મમત્વનું પરિણામ?
આ કારણે જ મમતા બેનર્જીએ પોતાના ઉત્તરાધિકારીનો નિર્ણય વ્યક્તિગત રીતે નહી લેતા આ મુદ્દે સિનિયર નેતાઓ સાથે સલાહ-પરામર્શ કર્યા પછી જ લેવાશે, તેવું જાહેર કર્યું હશે ને?
આ તરફ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ફટાફટ કેટલાક કદમ ઊઠાવીને સરકારની છબિ સુધારવા તથા સરકારી માળાખામાં લોકલક્ષી સુધારા-વધારા કરવાના થઈ રહેલા પ્રયાસો તથા કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીના તાજા નિવેદનો પણ ચર્ચામાં છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial