Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

સ્ટ્રીટ વેન્ડર-રિક્ષા ડ્રાઈવરો માટેની નવતર વીમા યોજના... રેવડી કે રાહત?

સ્ટ્રીટ વેન્ડર્સ એટલે કે શેરીએ શેરીએ વિવિધ ચીજવસ્તુઓ માટે ફેરી કરતા ફેરિયાઓ, પાથરણાવાળા અને બૂટપોલીસ વગેરે પરચૂરણ વ્યવસાયો કરીને ગુજરાન ચલાવતા લોકો માટે કેટલીક રાજ્ય સરકારોએ વિવિધ યોજનાઓ શરૂ કરી છે, તો કેન્દ્ર સરકારે પણ ધિરાણ સહાય માટેની કેટલીક બેન્કેબલ યોજનાઓ અમલમાં મૂકી છે. સ્ટ્રીટ વેન્ડરો ઉપરાંત લારી-ગલ્લા-નાની દુકાનો તથા રિટેઈલરોને મદદરૂપ થવા માટે પણ કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા કેટલીક યોજનાઓ જાહેર થઈ છે, પરંતુ તેમાં સમાનતા કે એકરૂપતા નથી અને તેનો લાભ કેટલા પ્રમાણમાં પહોંચે છે, તેનું કોઈ ચોક્કસ પ્રમાણ કે આંકડાઓ સર્વગ્રાહી રીતે નિયમિતપણે પ્રસિદ્ધ થતા નથી. આ કારણે જ સરકારો દ્વારા એકતરફ યોજનાકીય સિદ્ધિઓના બણગા ફૂંકાતા હોય અને બીજી તરફ એ જ યોજનાના ટાર્ગેટ પૂરા નહીં થવા બદલ સંબંધિત તંત્રોને નોટીસો ફટકારાતી હોય છે, તેથી એવું કહી શકાય કે શાસકો-તંત્રોના ખાવાના અથવા ચાવવાના દાંત જુદા છે અને દેખાવાના દાંત જુદા છે!

ગુજરાતમાં જાહેર માર્ગો કે ફૂટપાથો પર ટ્રાફિકને અડચણરૂપ થતા હોય તેવા લારી-પથારાવાળાઓને હટાવવા ઝુંબેશો અવારનવાર ચલાવાય છે, પરંતુ તેઓનો વ્યવસાય ધમધમતો રહે, તેવા વૈકલ્પિક સ્થળે તેઓને જગ્યા ફાળવાતી નથી, અને જ્યાં ફાળવાય છે, ત્યાં એટલી દૂર કે અટપટા સ્થળે ફાળવાય છે, કે જ્યાં ધંધો-રોજગાર ચાલતો નહી હોવાથી એ ધંધાર્થીઓ ફરીથી પોતાનું પેટિયું રળવા (ગુજરાન ચલાવવા) માટે રોડ પર આવી જતા ટ્રાફિક અવરોધાવાની સમસ્યા એવી ને એવી જ રહે છે.

આ ગરીબ લોકોની ટૂંકી મૂડી અને આવકની અનિશ્ચિતતાના કારણે ઘણી વખત તેઓ મુશ્કેલીમાં મૂકાતા હોય છે, અને કોઈ કોઈ વખત તો અનાથ બાળકો ભિક્ષાવૃત્તિ કે ચાઈલ્ડ ટ્રાફિકીંગનો ભોગ બનીને દયનિય જિંદગી જીવવા મજબૂર થતા હોય છે.

બીજી તરફ સુપ્રિમ કોર્ટે તાજેતરમાં એક સુનાવણી દરમિયાન મોદી સરકારને ટકોર કરી છે કે દેશના ૮૧ કરોડ લોેકોને મફત રાશન ક્યાં સુધી અપાશે? આ લાભાર્થીઓને રોજગારીની તકો કેમ અપાતી નથી?

સુપ્રિમ કોર્ટની આ ટકરો માત્ર કેન્દ્ર સરકારને જ લાગું  પડે છે, તેવું નથી, પરંતુ પ્રામાણિક ટેક્સ પેયર્સના નાણા લાંબા સમય સુધી કરોડો લોકોને બેઠા બેઠા અનાજ આપવા માટે ખર્ચી ન નંખાય, પરંતુ તેઓને રોજગારીની તકો પૂરી પાડીને પગભર કરવા જોઈએ, તેવો સંકેત સુપ્રિમ કોર્ટે આપ્યો હશે, તેમ માની શકાય.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે તાજેતરમાં દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરેલી જાહેરાત પણ ચર્ચાના ચાકડે ચડી છે. તેમણે સ્ટ્રીટ વેન્ડર્સ (ફેરિયાઓ) ને સાંકળ્યા છે કે નહીં, તે ક્લીયર થયું નથી, પરંતુ દિલ્હીના ઓટો રિક્ષાવાળાઓનો રૂ. દસ લાખનો વીમો ઉતારવાની યોજના લાગુ કરવાની વાત કરી છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતાં, ત્યારે તેઓએ ઓટોરિક્ષાવાળાને ત્યાં ભોજન કર્યું હતું, તેથી આ યોજના જાહેર કરી હોય, તો તે વ્યક્તિગત વળતર ગણાય કે કેમ? તે અંગેની અલગથી ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ આ પ્રકારની યોજનાઓ 'રેવડી કલ્ચર' ગણાય કે નહીં, તે અંગેની પણ ચર્ચા-પરામર્શ હવે વિવાદમાં બદલાઈ રહ્યા છે.

આ પ્રકારના અહેવાલો પછી એવા પ્રત્યાઘાતો પણ આવી રહ્યા છે કે, ગુજરાત સરકારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીની આ જાહેરાત તથા અન્ય રાજ્યોમાં ચાલતી આ પ્રકારની યોજનાઓનો અભ્યાસ કરાવીને રાજ્યના સ્ટ્રીટ વેન્ડર્સ, ઓટોરિક્ષાના ડ્રાઈવરો તથા ટ્રક ડ્રાઈવરો માટે કોઈ વિશેષ યોજના ઈન્સ્યોરન્સ સ્કીમ શરૂ કરવી જોઈએ, અને જે લોકો રેશનકાર્ડ યોજના હેઠળ મફત અનાજનો લાભ લઈ રહ્યા છે, તેઓને પગભર કરવા માટે ચોક્કસ રોજગારીલક્ષી યોજનાઓ બનાવવી જોઈએ. ગુજરાત સરકાર આ દિશામાં કાંઈ કરશે ખરી?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial