ઘણાં લોકો સંબંધો અને સંવેદનાઓના કારણે સર્વસ્વ અર્પણ કરી દેતા હોય છે...
ઘણાં વર્ષો પહેલા ગુજરાતમાં કર્મયોગી તાલીમ યોજના શરૂ થઈ હતી, ત્યારે તેને તે સમયની સરકારને એક નવો તાયફો ગણાવાયો હતો, પરંતુ તે પછી ધીમે ધીમે આ કોન્સેપ્ટ અન્ય રાજ્યોમાં પણ અમલી બન્યો અને તેના હવે તો દેશવ્યાપી બની ગયો છે.
એ તાલીમી બુનિયાદ ગમે તે કારણે સ્થપાઈ હોય, પરંતુ તે સમયે આ તાલીમ પછી ઘણાં કાંડ અને આળસુ સરકારી કર્મચારીઓને સક્રિય થઈને પોતાની સેવાઓ નિયમિત રીતે પ્રામાણિકપણે કરતા મેં સ્વયં જોયા છે.
આ તો થઈ સરકારી કર્મચારીઓની વાત, જેને તે સમયે કર્મયોગી તરીકે વર્ણવાયા હતાં, પરંતુ ખાનગી ક્ષેત્રો તથા પોતિકો વ્યવસાય કરતા લોકોમાં પણ એવા ઘણાં લોકો હોય છે, જેઓ તદ્ન બિન્દાસ્ત, નિષ્ક્રિય અને આળસુ પ્રકૃતિના હોય છે. મોટી મોટી ખાનગી પેઢીઓ તો તેના કર્મચારીઓ માટે આ પ્રકારની તાલીમો અવારનવાર યોજતા રહેતા હોય છે, પરંતુ રિટેઈલ અને બિનસંગઠિત ખાનગી ક્ષેત્રોમાં કાર્યરત લોકોને પણ આ પ્રકારની તાલીમ આપવામાં આવે તો તે પછી ક્રમશઃ વ્યક્તિગત પ્રોડક્ટિવિટી વધે અને ત્યારપછી સામૂહિક ઉત્પાદક્તા તથા કૌશલ્ય વધે, જે એકંદરે દેશને જ ફાયદાકારક સિદ્ધ થઈ શકે તેમ છે. સરકાર અને ખાનગી ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓએ આ દિશામાં પણ વિચારવું જોઈએ અને પહેલ પણ કરવી જોઈએ, ખરૃં કે નહીં?
સંબંધો, સંવેદના અને સ્વાર્થ...
ઘણાં લોકો કામ કઢાવવા પૂરતા સંબંધો વિક્સાવતા હોય છે અને કામ (સ્વાર્થ) પૂરો થતા જ સંબંધો સમાપ્ત કરી દેતા હોય છે. ઘણાં લોકો આ પ્રકારના સંબંધો માત્ર પોતાનો ઉલ્લુ સીધો કરવા માટે જ ચાલુ રાખતા હોય છે, અને જ્યારે સામેની વ્યક્તિને કામ પડે, ત્યારે બહાનાબાજી કરતા હોય છે.
બીજી તરફ ઘણાં લોકો જ્યાં સંબંધો હોય, ત્યાં બીજી બધી જ બાબતોને એકદમ ગૌણ ગણતા હોય છે, અને સંવેદનશીલતાથી પોતાની ફરજો બજાવતા હોય છે. આ પ્રકારના લોકો સંવેદનશીલ હોય છે, અને સંબંધોની સાતત્યતા જાળવવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેતા હોય છે, એટલે કે પોતાની તમામ શક્તિઓ કામે લગાડી દેતા હોય છે.
દામથી નહીં પણ દિલથી કામ
કરતા કર્મયોગીઓને ઓળખો...
મોટાભાગે સરકારી કે ખાનગી ક્ષેત્રોમાં ફરજો બજાવતા લોકો પગાર મુજબ કામ કરવાની મનોવૃત્તિ ધરાવતા હોય છે અને તેમાં કાંઈ ખોટું પણ નથી. કોઈપણ પ્રકારની નોકરી માટે પૂરતું વળતર મેળવવું એ એક રીતે આપણાં દેશના દરેક નાગરિકને મળેલો અધિકાર છે, અને આ કારણે જ આપણાં દેશમાં લઘુતમ વેતન દર પણ નક્કી કરવામાં આવતા હોય છે. આ પ્રકારના નોકરિયાતો પણ નિષ્ઠાવાન, નિયમિત અને સક્રિય હોય છે, પરંતુ તેઓ પોતાને મળતા પગારની સરખામણી કરીને તેની મર્યાદામાં જ કામ કરતા હોય છે, જ્યારે ઘણાં કર્મચારીઓ પોતાને મળતા પગારને લક્ષ્યમાં લીધા વિના જ પોતાની તમામ તાકાત કામે લગાડીને પોતાના કામ ઉપરાંત અન્ય કામો પણ જરૂર પડ્યે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરતા હોય છે. તેમાં પણ કોઈપણ પેઢી કે સંસ્થા અથવા ફર્મના માલિક સાથે વ્યક્તિગત રીતે સ્નેહાળ સંબંધો હોય, ત્યારે તો તેઓ 'પોતાનું' માનીને જ પૂરેપૂરી શક્તિ વાપરીને સફળતાપૂર્વક પોતાને સોંપેલા કામો સંપન્ન કરતા હોય છે.
કોઈપણ પેઢી, કંપની કે સંસ્થા-વ્યવસાયમાં ફરજો બજાવતા કર્મચારીઓમાંથી પગાર મુજબ પણ કામ નહીં કરતા, ડાંડ અને આળસુ કર્મચારીઓ તથા નિષ્ઠાવાન અને કર્મનિષ્ઠ કર્મચારીઓને ઓળખવા પડે. નિષ્ઠાવાન કર્મચારીઓ પૈકી પણ પગાર-વળતર મુજબ કામ કરતા અને દામથી નહીં પણ દિલથી કામ કરતા સંવેદનશીલ કર્મચારીઓને પણ ઓળખવા પડે અને તેઓનું માન-સન્માન અને આદર જાળવવા પડે, કારણ કે આ પ્રકારના કર્મચારીઓ ઘણાં જ સ્વમાની પણ હોય છે અને તેઓની અવગણના કે અપમાન થાય, ત્યારે તેઓ 'રિએક્ટ' કેવી રીતે કરશે, તે નક્કી થઈ શકતું હોતું નથી.
દિલથી કામ કરનારાને દુભાવશો તો...?
મેં ઘણાં એવા અધિકારીઓ અને કર્મચારીઓને જોયા છે, જે સરકારી ક્ષેત્રમાં પણ નિષ્ઠાપૂર્વક કામ કરતા હોય છે, જ્યારે ઘણાં એવા કર્મચારીઓને પણ જોયા છે, જેઓ પોતે તો પોતાની ફરજો યોગ્ય રીતે બજાવતા હોતા નથી, પરંતુ જે કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક કામ કરતા હોય છે, તેઓને પણ દુભવતા હોય છે, અને નિષ્ઠાપૂર્વક કામ કરવા દેતા હોતા નથી. એવી જ રીતે બધાને એક લાકડે હાંકતા મેનેજરો અને માલિકો પણ આ જ પ્રકારની ભૂલ કરી દેતા હોય છે, અને પછીથી પસ્તાવો વ્યક્ત કરતા કે 'સોરી' કહેતા હોય છે.
દિલથી કામ કરતા લોકોને દુભાવનારને પાછળથી પસ્તાવું પડતું હોય છે. કેટલીક હિન્દી ફિલ્મો, પ્રાદેશિક ફિલ્મો તથા ટેલિવિઝન સિરિયલોમાં પણ એવું બતાવાતું હોય છે કે જુના સંનિષ્ઠ કર્મયોગી કે બુઝુર્ગ કર્મચારી સાથે નવી પેઢીના મેનેજરો કે માલિકો જ્યારે અપમાનજનક વર્તન કરે, અને તેઓ નોકરી છોડીને બીજે જતા રહે કે વહેલા નિવૃત્ત થઈ જાય, તે પછી તેવી જ નિષ્ઠાથી કામ કરતા કર્મચારી મળતા હોતા નથી, તે પછી તે પેઢી કે સંસ્થાને જબરો ફટકો પડતો હોય છે, એટલા માટે જ એ વાત સાચી છે કે દિલથી કામ કરનારાને દુભાવવા એ પોતાના પગ પર જ કૂહાડો મારવા જેવું જ ગણાય.
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial