યુનેસ્કો દ્વારા વિશ્વ હેરીટેજ સાઈટની યાદીમાં શોર્ટલીસ્ટ કરાયેલું ગ્લોબલ ડેસ્ટિનેશન લાખો ટુરિસ્ટોની પહેલી પસંદ બન્યું છે
નાના કચ્છનું રણ અને ઈઝરાયેલના રણ વચ્ચે ઘણી સામ્યતા જોવા મળે છે. અહિ વર્ષો પહેલા દરિયો હતો તેવું ભુસ્તર શાસ્ત્રીઓનું માનવું છે. સપાટ વિશાળ મેદાન ૪૯૫૩ ચોરસ કિલોમીટરના વિસ્તાર સુધી ફેલાયેલું છે. આવા વિશાળ રણ મેદાનમાં અમુક જગ્યાએ વનસ્પતિઓ, બાવળ વિપુલ માત્રામાં જોવા મળે છે.
વન્ય પ્રણીઓના અભ્યારણ તરીકે નાના કચ્છના રણને ૧૯૭૨ માં જાહેર કરવામાં આવ્યું છે. આખા વિશ્વમાં ઘુડખર હવે માત્ર કચ્છના આ નાના રણમાં જ બચ્યા છે. જંગલખાતાની વસ્તી ગણતરીમાં ૩૦૦૦ કરતા વધુ ઘુડખર હોવાનું નોંધાયું છે. ઘુડખર ઘોડા, ગધેડા, અને ઝીબ્રાનું મિશ્રણ હોય તેવું લાગે છે. તે બે-ત્રણ ફાળ ભરતા જ કલાકના ૭૦ થી ૯૦ કિલોમીટરની ગતિ પકડી લે છે અને હાથમાં ન આવે એવું ચબરાક પ્રાણી છે. તે એટલી તાકાતથી દોડે છે કે તેની પાછળ ધસમસતી જીપમાં બેસેલાઓને પણ મેદાનમાંથી માટીના ઢેફા ઉડાવે છે.
૪૫ ડિગ્રી કે તેથી પણ વધુ ગરમીમાં તે છાંયડા વગર રણમાં કલાકો સુધી રહી શકે છે. ૪ ફુટની ઉંચાઈ અને સાત ફૂટની લંબાઈ ધરાવતા ઘુડખરનું વજન ૨૩૦ કિલો જેટલું છે. સુકુ ઘાસ, બાવળની શિંગ તેનો મુખ્ય ખોરાક છે. કુદરતે કેટલાય દુકાળો સહન કરવાની ક્ષમતા આપી હોય, જે પણ વનસ્પતિ કે પાણી મળે તેમાંથી ચલાવી શકે છે. ઓગસ્ટથી ઓકટોબર મહિનામાં માદા ઘુડખર ૧૧ મહિના ગર્ભ ધારણ કરી એક બચ્ચાને જન્મ આપે છે. ગધેડા કરતાં ઘડખરનો ભુંકવાનો અવાજ વધુ મોટો હોય છે. ઘુડખરનું આયુષ્ય ૨૦ થી ૨૫ વર્ષનું માનવામાં આવે છે.
નાના કચ્છના રણમાં માત્ર ઘુડખર જ નથી પણ વરસાદ સુકાયેલા પાણીથી બનેલ તળાવોમાં અહિં ઘણી વખત નળ સરોવરમાં જોવા ન મળે તેવા વિદેશી પક્ષીઓ આવે છે. જેમાં પેલીકન, કેસ્પીયન ટર્ન, ફલેમીંગો હોઉબાર, બસ્ટર્ડ, લેસર ફલોરિકેન જેવા ૨૦૦ જેટલા પંખીઓનો સમાવેશ થાય છે.
ઓકટોબરથી માર્ચ અહી ફરવા આવવાની સિઝન છે. અભ્યારણનો પ્રચાર, પ્રસાર નહીં થતાં અહિ પ્રવાસીઓની માત્રા જોઈએ તેવી નથી. અમદાવાદ, રાજકોટ, વડોદરાથી પણ પ્રવાસીઓ માહિતીના અભાવે અહીં જોઈએ તેટલા પ્રવાસીઓ આવતા નથી. પ્રવાસન વિભાગની ઉદાસીનતા તો એટલી હદે છે કે અભ્યારણના પ્રવેશની આજુબાજુ કોઈ ગેસ્ટ હાઉસ, દુકાનો કે માર્ગદર્શન કેન્દ્ર પણ નથી. નજીકમાં આવેલા દસાડા ગામમાં રણ રાઈડર્સ નામનો ખૂબ જ ઉત્સાહી અને પશુ, પંખી, ઝાડપાન વિશે અસાધારણ જ્ઞાનને જાગૃતિ ધરાવતા યુવાનોની સંસ્થા છે. તેમના જેવી આ વિસ્તારમાં આવે એકાદ બે સંસ્થા બાદ કરતાં પ્રવાસીઓને ફરવા માટે તો શું પણ પાયાનો પરિચય આપવા માટે પણ અહિ પ્રવાસન ખાતાનું ચકલુંય ફરકતું નથી. પરિણામે એક જ દિવસ જ પ્રવાસ માટે ફાળવવો પડે તેવી આ ઈન્ટરનેશનલ જગ્યાને અવગણીને શહેરીજનો એકના એક વોટર પાર્કો કે નદી કિનારાના સ્થળોએ ફર્યે જ રાખે છે.
માત્ર નાના કચ્છના રણમાં નહીં પણ ગીરમાં પણ વિદેશી કે બીન ગુજરાત પ્રવાસીઓની જોડે સાદી અંગ્રેજી ભાષામાં વાતચીત કરે તેવો સ્ટાફ કે કાઉન્ટર ગોત્યું જડતુ નથી.
નાના કચ્છના રણથી માત્ર ૧૪૦ કિલોમીટર દૂર પાકિસ્તાનની સરહદ આવેલ છે. આઝાદી પહેલા અહીં કરાંચી આટલા કિલોમીટર દૂર છે તેવું બોર્ડ પણ મૂકવામાં આવ્યું હતું. અહીં રણ ફરતા જ એક જુનું ખંડીયેર જેવું મકાન છે. આઝાદી પછીથી અમુક વર્ષો સુધી અહીં સરહદની બંને પાર મોકલાતી ટપાલ-પાર્સલની સત્તાવાર આપલે થતી નથી.
એવું કહેવાય છે કે, જહાંગીર બાદશાહ આ રણમાં શિકાર કરવા આવતો હતો. અહીં ખાસ પ્રકારના પક્ષીના શિકાર કરવા સ્વ. ઈન્દિરા ગાંધીના શાસન વખતે પરવાનગી માંગી ધનાઢય શેખ આરબોએ જેઓ આજ પંખીનો રમતના શોખીન હતા તેઓ આવ્યા હતા ત્યારે પર્યાવરણવાદીઓએ ભારે હોબાળો મચાવી મોટો ઈશ્યુ બનાવ્યો હતો તેથી તેઓ અહીં શિકાર કરી શકયા ન હતાં.
હજારો વર્ષ પહેલા આ રણ કચ્છના અખાત સ્વરૂપે હતો. અહીંના હજારો ચોરસ કિલોમીટરની જમીનમાંથી ખારૂ પાણી મળે છે. આ પાણીને બોર વાટે બહાર ખેંચીને ઠેર-ઠેર ઢુવા બનાવી જમીન પર પાથરી દેવામાં આવે છે. અગરીયાઓ વહેલી સવારે ઉઠી પાણીને પગ વડે કલાકો સુધી હલેલા મારતા રહે છે. અને ધીમે ધીમે પાણી મીઠાના ગાંગડા રૂપે જામી જાય છે. હાડકા ગાળી નાખે, ગાત્રો ઢીલા થઈ જાય તે રીતે મીઠું પકવામાં આવે છે આમ અગરીયાનું શોષણ કરી પાણીના ભાવે આ મીઠું ખરીદાય છે અને ૨૦ થી ૩૦ ગણા ભાવે મીઠાને શહેરમાં વેંચવામાં આવે છે.
ખુલ્લી જીપમાં રણમાં ફેરવવા નીકળેલા અને રણની રજેરજની, ઓળખાય નહીં તેવા દુર્લભ બનતા જતા પશુપંખીઓમાંથી માંડી ઝાડપાનનો પરિચય આપી શકે તેવા રણ રાઈડર્સના મુઝાહીદભાઈ મલીકે પત્રકારોને જણાવ્યું કે, આપણે હવે ઘુડખર તરફ જઈ રહ્યા છીએ. જીપનો અવાજ ઘણે દૂરથી પામી જતાં ત્યાંથી ડરથી દોડવાની શરૂઆત કરી દીધી. ઘુડખર કઈ દિશામાં ભાગશે અને કઈ રીતે શકય તેટલું નજીકથી જોઈ શકાય તે રીતે જીપને તે દિશામાં ગતિ સાથે વળાંક આપી દોડાવી વાહન દ્વારા પીછો કરવાનો પશુ પ્રેમીઓ અહીં ઈન્કાર કરે છે. તેથી જીપને ઘુડખર દોડતા ટોળાથી સલામત અંતરે રાખી. ઘુડખરે જીપને નજીક જોવાની સાથે જ જીપને પણ હંફાવે તેટલી ગતિ પકડી બીજી તરફ ફંટાઈને દૂર-દૂર ચાલ્યું ગયું. ઘુડખરોની લયબદ્ધ, તાલબદ્ધ અને જોમભર મદમસ્તી દોટને જોઈને આનંદ અનુભવાય છે. પ્રકૃતિ પ્રેમી અને ઘુડખર જેમને જાનથી પ્યારા છે. તેવા નાના કચ્છ રણના નજીક આવેલા દસાડા ગામના મુઝાહીદ મલિકે જણાવ્યું કે, જેવી રીતે જોધપુર અભ્યારણ નજીક વસ્તી બિશ્નોઈ પ્રજાને ચિંકારા પ્રત્યે અથાગ શહાદત વહોરી લેતો પ્રેમ છે તેવી જ રીતે નાના કચ્છના રણમાં આજુબાજુના જસાડા, ઝીંઝુવાડા, ખારાઘોડા, જેનાબાદ ગામોની પ્રજા ઘુડખરને વાળ પણ વાંકો થાય નહીં તેવો લગાવ ધરાવે છે.
તેમણે જણાવ્યું કે, કમનસીબી તો એ છે કે, વિદેશીઓ કે ગુજરાત બહારના પર્યટકો ઈન્ડિયન ટુરિસ્ટ ગાઈડના આધારે નાના કચ્છના રણને શોધતા અહી આવે છે. ત્યારે ગુજરાત પ્રવાસન વિભાગે નાના કચ્છના રણને રઝળતું મૂકી દીધું છે. પહેલી નજરે રણ શબ્દ અને તેમાંય કચ્છ ઉમેરાતા, આપણને એમ લાગે કે ઘુડખરના અભ્યારણ જોવા માટે આઠ-દસ કલાકનો પ્રવાસ ખેડવો પડે પણ પ્રવાસન
વિભાગની બેજવાબદારી એટલી હદે છે કે ભારતના નાગરિકની વાત છોડો પણ ગુજરાતના નાગરિકને ખબર નથી કે નાના કચ્છનું અભ્યારણ અમદાવાદથી માત્ર ૯૦ કિલોમીટર, રાજકોટથી ૨૦૦ કિલોમીટર અને વિરમગામથી માત્ર ૨૭ કિલોમીટર જ દૂર છે.
રણ એટલે આપણને બીજી કલ્પના તો ન જાય પણ રેતીની ડમરીઓ અને ઊંટોની અવરજવર જોવા મળશે પણ આવું કશું આ રણમાં નથી. કચ્છના આ નાના રણમાં જવા માટે અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભુજ, માલવણ, રાધનપુર અને મહેસાણાથી સીધી એસટીની બસ આવે છે. દસાડા કે વિરમગામ ઉતરી જઈ દસેક કિલોમીટર ખાનગી વાહન દ્વારા જઈ શકાય છે.
ઘુડખર પ્રવાસનની જાહેરાતમાં
ખુશ્બુુ ગુજરાત કી જાહેરાત કેમ્પેઈનમાં એક નવી ઓળખ મેળવનારૂ ઘુડખર અભિયાન હવે ટીવીમાં ખુશ્બુુુ ફેલાવશે.
૫૪ લાખ જેટલા પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે છેલ્લા એક વર્ષમાં નોંધાયા છે ત્યારે કચ્છના રણ બાદ હવે અદ્વિતીય સૌંદર્યથી ભરપૂર રણના ખાલીપદને ભરવા આગવી ઓળખ ધરાવતા પવનવેગી જાદુગર દોડવીર તરીકેના બિરૂદ પામેલા ઘોડા જેવા દેખાતા ઘુડખર વિશ્વમાં પ્રચલિત છે. તે માટે હવે નવું અભિયાન બીગ બી શરૂ કરશે. આ વખતના શેડયુલમાં બિગ બી અમિતાભ બચ્ચન રણના ઘોડા ઘુડખરનું શૂટિંગ કરશે.
વિશ્વમાં આ એકમાત્ર ઘુડખર અભ્યારણ છે. જંગલી ગધેડા અભ્યારણને યુનેસ્કો દ્વારા વિશ્વ હેરીટેજ સાઈટની યાદીમાં શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું છે. જે કચ્છના નાના રણનું ઘુડખર અભ્યારણ વિશ્વના નકશામાં શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. તેમ પ્રધાન મૂળુ બેરાએ જણાવ્યું હતું.
કોટેચા ગ્રુપનું નવું નઝરાણું
કોટેચા ગ્રુપના યુવાન રાજકોટના છે. એવા નવયુવાન તરવરીયા કિશન કોટેચાએ 'નોબત' સાથે વાત કરતાં જણાવ્યું કે, લોકોને જે સાચી વસ્તુ સાંસ્કૃતિની ખબર નથી તે મારે ઉજાગર કરવી છે. હવા ખાવા માટે પ્રવાસન માટે લોકો દોડે છે. પણ તમારી પાસે જ અણમોલ વસ્તુ છે જે જોયા પછી 'વાહ' શબ્દ નીકળી જશે જ તેથી જ પોર્ટ હોટલ ગ્રુપ સાથે જોડાઈને પાંચમુ સાહસ 'સત્વા રિસોર્ટ' બનાવ્યો છે.
આલેખનઃ
જીતેન્દ્ર ભટ્ટ, ગાંધીનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial