અત્યારે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય કક્ષાએ સંસદ પરિસરમાં ધક્કામૂક્કી, અમિત શાહ પર આંબેડકરના અપમાનના આક્ષેપ સાથે વિપક્ષોનું હલ્લાબોલ, કોંગ્રેસનું દિશવ્યાપી વિરોધ પ્રદર્શન, ભાજપે રાહુલ ગાંધી સામે કરેલી એફઆઈઆર તથા ભાજપના બે સાંસદોને ધક્કામૂક્કીમાં થયેલી ઈજાના અહેવાલો વાયરલ થઈ રહ્યા છે. તે ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ કરેલા પ્રતિઆક્ષેપો તથા કથિત પોલીસ ફરિયાદને સાંકળીને પણ સોશ્યલ મીડિયામાં કોમેન્ટોનો પ્રવાહ વહી રહ્યો છે.
બીજી તરફ સ્થાનિક કક્ષાએ જામનગરમાં ટ્રાફિક જામની સમસ્યા યથાવત્ રહી અને ગુજરાતમાં ગઈકાલે જુદી જુદી જગ્યાએ થયેલા જીવલેણ માર્ગ અકસ્માતોની ચર્ચા પણ સોશ્યલ મીડિયામાં થઈ રહી છે, પરંતુ સોશ્યલ મીડિયામાં સૌથી વધુ કોમેન્ટો સમાજસેવી ખજૂરભાઈ પર શુદ્ધ ઘાણીના તેલના મુદ્દે થયેલા આક્ષેપો સામે થઈ રહી છે અને જનભાવનાઓ પણ ઉભરાઈ રહી છે. તે ઉપરાંત જયપુરમાં સીએનજી-પીએનજી વાહનોના અકસ્માત પછી સંખ્યાબંધ વાહનો સળગી ઊઠ્યા, તેથી અરેરાટી પણ વ્યાપી રહી છ ે.
આ પ્રકારના તમામ ઘટનાક્રમોની અસરો પબ્લિક ઓપિનિયન (જનમત) પર થતી જ હોય છે, અને જ્યારે જ્યારે આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો મારો વધવા લાગે, ત્યારે ત્યારે તેમાંથી જ સ્થાપિત હિતો અને રાજકીય લાભાલાભોની ગણતરીઓ મંડાવા લાગતી હોય છે. સંસદનો સાંપ્રત સંગ્રામ હોય કે ખજૂરભાઈને સાંકળતો કથિત વિવાદ હોય, તેની સોશ્યલ મીડિયામાં થતી ચર્ચા જોતા ચોક્કસ એમ જણાય કે 'કહીં પે નિગાહે... કહીં પે નિશાના...'
ગઈકાલે સંસદ પરિસરમાં જે કાંઈ થયું, તે શોભાસ્પદ કે સ્વીકાર્ય તો નહોતું જ, પરંતુ દેશની ૧૪૦ કરોડની જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો પાસેથી અપેક્ષિત પણ નહોતું. ધક્કામૂક્કી કેમ થઈ, સાંસદોને ઈજા કેટલી થઈ અને પોલીસ ફરિયાદો સુધી મામલો કેમ પહોંચ્યો, તેવા મહત્ત્વપૂર્ણ સવાલો ઉપરાંત એ પણ વિચારવા જેવું છે કે આ પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો જ શા માટે? શું ઉભય પક્ષે વોટબેંકની રાજનીતિ રમાઈ રહી છે કે બીજો કોઈ ઉદ્દેશ્ય છે?
હકીકતે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા લોકસભાની ચૂંટણી પહેલા એક વિવાદાસ્પદ નિવેદનના વમળમાં ફસાઈ ગયા હતાં, તેવી જ રીતે અત્યારે અમિતભાઈ શાહ ફસાયા છે. કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરની અવગણના કરી અને નહેરૂકાળમાં તેઓને ચૂંટણીમાં પરાજીત કરવામાં કોની ભૂમિકા હતી, તેની વાત કરતા કરતા ગૃહમંત્રી અમિત શાહ કાંઈક એવું બોલી ગયા, જેને પકડીને કોંગ્રેસે ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન થયું હોવાના આક્ષેપ સાથે કેન્દ્રિય ગૃહમંત્રીનું રાજીનામું માંગી લીધું અને ભાજપ બેકફૂટ પર અને બચાવની સ્થિતિમાં મૂકાઈ ગયો. હકીકતે ગૃહમંત્રી શું બોલ્યા હતા, તેની ચર્ચા જ વધુ થવા લાગી.
જો કે, ભાજપે ધક્કામૂક્કીમાં ભાજપના સાંસદોને ઈજા થઈ, તે માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવીને વળતો પ્રહાર કર્યો અને સામસામે ફરિયાદો માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ સંબંધિત પોલીસ સ્ટેશને પહોંચી ગયા, તેથી સમગ્ર વિવાદે વળાંક લઈ લીધો.
એ પછી બન્ને પક્ષો એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતા રહ્યા, પરંતુ ભાજપ બચાવની સ્થિતિમાં ડિફેન્સીવ અને કોંગ્રેસ આક્રમક મુદ્રામાં એટેક્ટિવ હોય, તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. એ પછી તો સમગ્ર વિપક્ષ એકજુથ થઈ ગયો અને ભાજપ તથા ગૃહમંત્રીની રાજકીય ઘેરાબંધી કરી લીધી હતી, અને મોદી સરકાર બેકફૂટ પર આવી ગઈ.
આ ઘટનાક્રમોને પીઢ નેતાઓ, તટસ્થ વિશ્લેષકો અને વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો પણ વખોડી રહ્યા છે, અને લોકતંત્રના મંદિરસમી સંસદના પરિસરમાં સાંસદો ધક્કામૂક્કી કરે અને કોઈને ઈજા પહોંચે, તેવી ઘટનાને પણ અશોભનિય ગણાવી રહ્યા છે. બીજી તરફ ભાજપના સાંસદો દંડા લઈને આવ્યા હતાં અને ખડગેના ઘૂંટણોમાં ઈજા થઈ હતી તેવા આક્ષેપો પછી આ મુદ્દો હવે સંસદમાંથી શેરીઓમાં પહોંચી ગયો છે.
કોંગ્રેસે આજે આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર વિષે આપેલા નિવેદનના વિરોધમાં જિલ્લે-જિલ્લે વિરોધ-પ્રદર્શનો યોજીને આ મુદ્દેાને દેશવ્યાપી સ્વરૂપ આપી દીધું છે, અને હવે આ મુદ્દો આગામી કેટલાક રાજ્યોની વિધાનસભાઓ તથા સ્થાનિક ચૂંટણીઓ સુધી ગૂંજતો રહેશે, તે નક્કી છે.
જો કે, સ્વયં અમિત શાહે પ્રેસકોન્ફરન્સમાં ચોખવટ કરી કે તેમણે તો આંબેડકરના કોંગ્રેસે ભૂતકાળમાં કરેલા અપમાન તથા અવગણનાનો પર્દાફાશ કર્યો હતો, પરંતુ તોડી-મરોડીને વિપક્ષો તેમની સામે ખોટા આક્ષેપો કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક પછી એક ત્રણ-ચાર ટ્વિટ કરીને અમિત શાહનો બચાવ કર્યો, પરંતુ હવે કોંગ્રેસે આ વિવાદને ઈને જિલ્લે-જિલ્લે દેખાવો યોજવાની રણનીતિ અપનાવતા ભાજપને રૂપાલા ફેઈમ સ્થિતિનું ડેમેજ કંટ્રોલ કરવું પડી રહ્યું હોય તેમ જણાય છે.
એવી કહેવત છે કે છૂટેલું તીર કે શબ્દો પાછા ખેંચી શકાતા નથી, તેથી થૂંકેલું ચાટીને માફામાફી કરવાનો વારો આવતો હોય છે, જો કે રાજકીય ક્ષેત્રોમાં આવું કરવું પડે, તે પણ તેને અયોગ્ય ગણવામાં આવતું નથી, કારણ કે વિવાદ ટાળવા માટે આ સરળ વિકલ્પ છે. ઘણી વખત બદનક્ષીના કેસો પર પૂર્ણવિરામ મૂકવા માટે પણ 'માફી' માંગી લેવાનો સરળ વિકલ્પ હોય છે, અને કેજરીવાલે આ સરળ વિકલ્પનો ભરપૂર ઉપયોગ પણ કર્યો છે, જો કે ગૃહમંત્રી અમિભાઈ શાહની મક્કમતા જોતા તેઓ માફી માંગે કે રાજીનામું આપે, તેવી શક્યતાઓ તો ઓછી જણાય છે, પરંતુ રાજનીતિમાં ઘણી વખત કાંઈ પણ કરવું પડે, તે માટે તૈયાર રહેવું પડતું જ હોય છે અને તેના ઘણાં દૃષ્ટાંતો પણ ઈતિહાસમાં ઉપલબ્ધ છે.
અખિલેશ યાદવે તો નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુને આંબેડકર કે અમિત શાહ વચ્ચે પસંદગી કરી લેવા જણાવ્યું છે, અને એનડીએમાં અન્ય કેટલાક સાથી પક્ષોના નેતાઓ પણ પોતાની વોટબેંક સાચવવા તલપાપડ છે, ત્યારે જો આ પક્ષો ટેકો પાછો ખેંચી લ્યે, તો મોદી સરકારને જ વિદાયા લેવી પડે તેમ હોવાથી એનડીએના નેતાઓ વચ્ચે સંકલન જાળવી રાખવા અને ડેમેજ કંટ્રોલ કરવાના ભરચક્ક બેકડોર પ્રયાસો પણ થઈ રહ્યા છે. જોઈએ, હવે શું થાય છે તે...
હકીકતે દલિત, પછાત, દબાયેલા, કચડાયેલા અને ગરીબોના ઉત્થાન માટે તત્પર હોવાનો દાવો શાસક પક્ષ અને વિપક્ષો કરી રહ્યા છે અને અખિલેશ યાદવે પીડીએ માટે આંબેડકરને ભગવાન હોવાનું નિવેદન કર્યું છે, તે જોતા હવે કદાચ રૂપાલાનો ઈતિહાસ દોહરાવાય અને મોડે મોડેથી પણ શાહ જાહેરમાં ખેદ વ્યક્ત કરે, તો નવાઈ જેવું નહીં હોય...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial