ગઈકાલે જામનગર બાર એસોસિએશનના કેટલાક હોદ્દેદારોની ચૂંટણી સંપન્ન થઈ અને સાંજે તેના પરિણામો પણ આવી ગયા. જામનગરની જેમજ કોડીનાર, રાજકોટ વગેરે અન્ય શહેરોમાં પણ વકીલ મંડળોની ચૂંટણી યોજાઈ ગઈ. જામનગરમાં આ વખતે બાર એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચીપદો પહેલા જ બિનહરિફ જાહેર થઈ ગયા હતા. તેથી ઉપપ્રમુખપદ તેમજ કારોબારી સભ્યો સહિતના વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે મહિલા અનામત પદ માટે પણ ચૂંટણી થઈ હતી.
વિવિધ શહેરોમાં નવા ચૂંટાયેલા તથા બિનહરિફ જાહેર થયેલા હોદ્દદારોએ વકીલોની મુખ્ય સુવિધાઓ વધારવા તથા ન્યાયિક પ્રક્રિયાઓને લઈને સંકલન વધારવાના જુદા જુદા વચનો આપ્યા હતાં અને કેટલીક સમસ્યાઓ તથા તદ્વિષયક વ્યવસ્થાઓ માટે સક્રિય પ્રયાસો કરવાની ખાતરી પણ ઉચ્ચારી હતી.
ગુજરાતમાં તો અદાલતોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા જરૂરી વ્યવસ્થાઓનું નવીનિકરણ થઈ રહ્યું છે, અને જામનગર સહિત કેટલાક સ્થળે નવા અદાલતી સંકુલોનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં દાયકાઓ જુની ઈમારતોમાં કાર્યરત અદાલતી સંકુલોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો વારંવાર ઊઠતી રહેતી હોય છે, અને તે અંગે કેન્દ્રિય કાયદા વિભાગ તથા રાજ્ય સરકારોએ સાથે મળીને કોઈ મેગા યોજના (દેશવ્યાપી) ઘડવી જરૂરી છે, તેવી માંગણી પણ ઊઠતી રહેતી હોય છે.
આપણા દેશમાં ન્યાયિક પ્રક્રિયા ઘણી જ લાંબી ચાલે છે અને વિલંબિત ન્યાયના કારણે ઘણાં નિર્દોષોને પણ કેસ ચાલતા પહેલા જ લાંબા સમય સુધી જેલવાસ ભોગવવો પડતો હોવાની ચર્ચા પણ અવારનવાર ઊઠતી રહે છે, ત્યારે 'તારીખ પે તારીખ'નો ડાયલોગ વારંવાર વ્યંગાત્મક રીતે ઉચ્ચારાતો હોય છે અને તેમાં તથ્ય હોવાથી તેને જનસમર્થન પણ મળતું રહેતું હોય છે. આ કલંક નિવારવા શાસન-પ્રશાસન અને બાર કાઉન્સિલો, બાર એસોસિએશનો વચ્ચે સુદૃઢ સંકલન થાય, અને હકીકતમાં આ દિશામાં વાસ્તવિક પ્રયાસો થાય, તે અત્યંત જરૂરી છે.
રાજ્યસભાના સભ્ય પરિમલભાઈ નથવાણીએ દેશની અદાલતોમાં હાલમાં પેન્ડીંગ કેસો અંગેના પૂછેલા પ્રશ્નનો જવાબ કેન્દ્રિય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે સંસદ ગૃહમાં રજૂ કર્યો હતો. તે મુજબ ગુજરાતની વડી અદાલત (હાઈકોર્ટ) માં અત્યારે ૧.૭૦ લાખથી વધુ કેસો પેન્ડીંગ છે, જ્યારે રાજ્યની નીચલી અદાલતો તથા જિલ્લા અદાલતોમાં તો ૧૭ લાખ જેટલા કેસો પડતર હોવાનું જણાવાયું છે.
કેન્દ્રિય કાયદામંત્રીએ રજૂ કરેલી વિસ્તૃત વિગતો મુજબ દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રિમ કોર્ટ)માં પણ ૮ર હજારથી વધુ કેસો પેન્ડીંગ છે, જ્યારે દેશભરની હાઈકોર્ટોમાં પડતર કેસોની સંખ્યા ૬૧.૮૦ લાખને પણ વટાવી ગઈ છે. આખા દેશની જિલ્લા અદાલતો તથા નીચલી અદાલતોમાં પડતર કેસોની સંખ્યાનો સરવાળો તો ૪ કરોડ ૬ર લાખ ૩૪ હજારને વટાવી ગયો છે, ત્યારે દરરોજ નવા ઉમેરાતા હજારો કેસોની ગણતરી કરીએ તો જ ન્યાયની પ્રક્રિયામાં કેટલી બધી ઝડપ લાવવી પડે તેમ છે, તેનો અંદાજ આવી શકે. જો પડતર કેસો વધતા જ રહેશે તો વિલંબિત ન્યાયની આ સ્થિતિ એક લોકતાંત્રિક દેશ માટે અણકલ્પ્ય પરિણામો લાવનારી બની શકે તેમ હોવાથી 'તારીખ પે તારીખ'ની સિસ્ટમના સ્થાને (કોઈને પણ ઉતાવળમાં અન્યાય ન થઈ જાય તેની તકેદારી સાથે) મિનિમમ ડેઈટ, મેક્સીમમ જજમેન્ટની ઝુંબેશ ઉપાડવી જરૂરી છે, તેમ નથી લાગતું? આ માટે બાર એસોસિએશનો, બાર કાઉન્સિલો તથા તમામ કક્ષાની અદાલતો વચ્ચે કાયમી સંકલિત મિકેનિઝમ પણ ઊભું કરવું જોઈએ, ખરૃં ને?
કેન્દ્રિય કાયદા મંત્રીએ આપેલા જવાબ મુજબ ગુજરાત હાઈકોર્ટમાં જજોની મંજુર કરેલી બાવનમાંથી ૩ર જગ્યાઓ જ ભરેલી છે, જ્યારે ર૦ જગ્યાઓ ખાલી છે. એવી જ રીતે રાજ્યની જિલ્લા અદાલતો તથા નીચલી અદાલતોમાં ૧૭ર૦ માંથી પ૩પ જગ્યાઓ ખાલી છે, આમાં ઝડપી ન્યાયની આશા ક્યાંથી રાખી શકાય?
દેશની વાત કરીએ તો દેશભરની હાઈકોર્ટ માટે ૧૭ર૦ જજોની જગ્યાઓ મંજુર થયેલી છે, જેમાંથી ૩૬૮ જગ્યા ખાલી છે. દેશભરની નીચલી અદાલતો તથા જિલ્લા અદાલતોમાં મંજુર થયેલી રપ,૭૦૦ થી વધુ જજોની જગ્યાઓમાંથી પર૬ર જગ્યાઓ ખાલી છે, જો કે સુપ્રિમ કોર્ટ માટે મંજુર થયેલી ૩૪ જજોની જગ્યાઓ પૈકી ૩૩ જગ્યાઓ ભરેલી છે, પરંતુ દેશભરમાાં જજોની ખાલી જગ્યાઓની સંખ્યા જોતા કેસોના ઝડપી નિકાલની આશા કેમ રાખી શકાય? આ તમામ જગ્યાઓ ઝડપભેર ભરવાને પ્રાથમિક્તા આપવાની સાથે સાથે પ્રવર્તમાન સમયમાં ઝડપભેર વધી રહેલા કેસો, લોકોમાં આવી રહેલી કાયદાકીય જાગૃતિ તથા સાઈબર-આર્થિક-આંતરરાષ્ટ્રીય ક્રાઈમની વધતી જતી સંખ્યાને ધ્યાને રાખીને તમામ કક્ષાએ જજોની ઘણી વધુ નવી જગ્યાઓ પણ મંજુર કરવી જોઈએ, તેમ નથી લાગતું?
આપણા દેશમાં લાખો વકીલો પ્રેક્ટીસ કરી રહ્યા છે અને હજારો અદાલતો છે, તેથી જો 'તારીખ પે તારીખ'ની સંસ્કૃતિ બદલવામાં આવશે, તો ઝડપી ન્યાય મળતો થશે, અને ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ વધશે. કેટલાક નિવૃત્ત ન્યાયાધિશોને ક્ષુલ્લક પેન્શન મળતું હોવાની ફરિયાદો ચર્ચાઈ રહી હોય અને કામના અત્યંત ભારણ છતાં ખાલી જગ્યાઓ ભરવા, ન્યાયતંત્રની વહીવટી પાંખની ખાલી જગ્યાઓ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં વિલંબ થશે, તો તે ન્યાયતંત્રને જ અન્યાય થાય છે, તેવું ગણાશે... જાગો...જાગો..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial