Sensex

વિગતવાર સમાચાર

શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર લાખો લોકોની આસ્થાનું કેન્દ્રઃ હનુમાન જયંતીના મધરાતે ધડાકા સાથે સ્વયંભૂ પ્રગટ થઇ મૂર્તિ

ડોલે ધરા નભ, ઉઠા તૂફાન વિસ્ફોટ સે પ્રગટે હનુમાનઃ

ભગવાન શ્રી રામના પરમ ભક્ત અને રૂદ્રાવતાર તથા ચિરંજીવીઓમાં સ્થાન ધરાવતા હનુમાનજી તત્કાલ સહાય કરવાવાળા દેવતા છે. સ્મરણ કરવાથી તેઓ સહાય કરે છે. દેશમાં હનુમાનજીના વિવિધ સ્થળોએ વિવિધ સ્થાનિકો-મંદિરો આવેલા છે અને દરેકના પરચાઓ તે સ્થાનકો-મંદિરોને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર બનાવે છે. અમરેલી જિલ્લાના  લાઠી પંથકનું સુપ્રસિદ્ધ શ્રી ભૂરખિયા હનુમાન મંદિર સાડા ત્રણસોવર્ષથી પણ વધુ પ્રાચીન છે અને આ મંદિરનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે.

ઇ. સ. ૧૬૪૨ માં દામોદરદાસ નામના અયોધ્યાના સંતને સ્વપ્નમાં હનુમાનજીએ આવી ચૈત્રી પૂર્ણિમાની રાત્રે પોતાનું પ્રગટ થવાના સ્થાનનો સંકેત આપ્યો હતો. તે સમયે તે વિસ્તાર સભાળ પ્રદેશ તરીકે ઓળખાતો હતો. સંત દામોદરદાસજી તથા અન્ય સંતો અને આસપાસના ગામ લોકો સંતને મળેલા સંકેત અનુસાર ચૈત્રી પૂનમ હનુમાન જયંતીના દિને એક ટેકરી પર એકત્ર થયા. ત્યાં એક બાવળનું ઝાડ હતું. સંતો અને ભક્તોએ ત્યાં ધૂન-ભજન આરંભ કર્યા. મધ્યરાત્રિ સુધી આ ક્રમ ચાલ્યો. મધરાત્રે અચાનક ધરતી ધ્રુજી અને વિસ્ફોટ થયો.

આ ઘટનાથી એકત્ર થયેલા લોકોમાં નાસભાગ મચી ગઇ. થોડીવાર પછી બધું શાંત થતા સંતોએ જોયુ તો બાવળનું ઝાડ ધ્વસ્ત થઈ ગયું હતું અને તેના સ્થાને હનુમાનજીની સિંદૂરયુક્ત દિવ્ય મૂર્તિ હતી.

આ ઘટનાને કારણે અહીં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ મૂર્તિ કહેવાય છે. ભૂરખીયા હનુમાન નામ પાછળનું કારણ વિચારીએ તો ભૂ એટલે ભૂમિ અને રખિયા એટલે રક્ષક અર્થાત ભૂમિના રક્ષક હનુમાન એટલે શ્રી ભૂરખિયા હનુમાન.

અહીં ભક્તોને હનુમાનજી સાક્ષાત હોવાની અનુભૂતિ થાય છે અને તેમની પ્રાર્થનાઓ ફળે છે. જેને કારણે આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. હાલ અહીં પિયૂષભાઇ નિમાવત પૂજારી તરીકે સેવારત છે. નિમાવત પરિવારના અહીં ૩૫ ખોરડાં છે. ભક્તોના ઉતારા માટે થોડા રૂમની પણ વ્યવસ્થા છે તથા છેલ્લા ૧૫ વર્ષથી નિઃશૂલ્ક ભોજન-મહાપ્રસાદનું સદાવ્રત ચાલે છે.

કળયુગમાં ભગવાન ગુરૂ દત્તાત્રેય, ભૈરવ દાદા તથા હનુમાનજી આ ત્રણેયને તત્કાલ સહાય કરવાવાળા કહેવાય છે ત્યારે અહીં તો હનુમાનજી વિસ્ફોટ સાથે સ્વયંભૂ મૂર્તિ સાથે પ્રગટ થયા છે જે ભક્તોના સંકટ દૂર કરે છે માટે જ અહીં બારે માસ ભક્તોનો પ્રવાહ અવિરત રહે છે. માગશર મહિનાના શનિવાર અને મંગળવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. હનુમાન ભક્તોએ આ મંદિરની એક વખત અચૂક મુલાકાત લેવી જોઇએ. જો તમે અહીં ચરણથી ન પહોંચી શકો તો સ્મરણથી પહોંચી જજો કારણકે હનુમાનજી યાદ કરતાની સાથે જ સહાય કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial