Sensex

વિગતવાર સમાચાર

ગુણવત્તામાં ગરબડ... દંડો ભલે ચલાવો, પણ પ્રિવેન્ટિવ અભિગમ અપનાવો...

એવા અહેવાલો છે કે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં બનતા પ્રસાદને 'વેરી ગુડ' રેટીંગ અપાયું છે. આ રૂટીંગ દ્વારકાના જગતમંદિરમાં બનતા પ્રસાદને અપાયું છે, જે મંદિરમાં ભેટ ધરાવનાર ભાવિકોને વિતરણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, જામનગરની ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની ટીમે જગતમંદિરના પ્રસાદમાં વપરાતી સામગ્રીની પણ ચકાસણી કરી હતી, અને લોટ, મેંદો તથા અન્ય ચીજવસ્તુઓનું પણ પૃષ્ટિકરણ કરાયું હતું. હોદ્દાની રૂએ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અને કલેક્ટરને ટાંકીને આ જ પ્રકારની ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીમાંથી તૈયાર થતો પ્રસાદ જ ભાવિકોને અપાશે,તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.

થોડા મહિનાઓ પહેલા તિરૂપતિબાલાજીના મંદિરના પ્રસાદની ગુણવત્તાનો વિવાદ થયા પછી વિવિધ મંદિરોમાંથી વિતરીત થતા પ્રસાદ તથા તેની ગુણવત્તાની ચકાસણી થવા લાગી છે, અને મંદિરોના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો કે સમિતિઓ સ્વયં ચકાસણી કરાવવા લાગ્યા હોય, તો તે જનહિતમાં છે, અને જાહેર આરોગ્ય તથા ભાવનાત્મક દૃષ્ટિએ સુસંગત પણ છે.

આ તો થઈ મંદિરોમાં વિતરીત થતા પ્રસાદની ગુણવત્તાની વાત... પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અન્ય ક્ષેત્રોમાં પણ પબ્લિકને અપાતી કે વેચાણ કરાતી સામગ્રીની ચકાસણી થતી હોય છે અને તેનું કાર્યક્ષેત્ર સીધુ જાહેર આરોગ્ય સાથે સંકળાયેલું હોવાથી ઘણું જ વિશાળ તથા મહત્ત્વપૂર્ણ પણ છે.

સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જેમ જ પાલિકા-મહાપાલિકાઓમાં પણ ફૂડશાખા હોય છે, જેનું કામ ખાદ્યપદાર્થો તથા પેય પદાર્થો (પાણી, પીણા, પ્રવાહી વિગેરે) ની સતત ચકાસણી કરીને જાહેર આરોગ્યને નુક્સાન થતું હોય તેવા પોદાર્થોનું વેંચાણ કે વિતરણ અટકાવવાનું તથા જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાનૂની રાહે પગલાં લેવાનું પણ છે.

અહેવાલો મુજબ જામનગર મહાપાલિકાની ફૂડ શાખાએ તાજા ફળ અને શાકભાજીના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબમાં મોકલ્યા છે. આ જ રીતે ફૂડ શાખા દ્વારા સતત ચેકીંગ કરીને ખાવા-પીવાની ચીજો તથા તેમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા નબળી જણાય ત્યારે તેનો નાશ કરવા ઉપરાંત તેના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.

આ પ્રકારની પ્રેસનોટો રોજ-બ-રોજ પ્રેસ-મીડિયાના માધ્યમથી પ્રકાશિત અને પ્રસારિત થતી રહે છે, પરંતુ જે નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા હોય, તેમાંથી કેટલાની ગુણવત્તા ખરાબ હતી અને તેના સંદર્ભે કેટલા જવાબદારો સામે કાનૂની કાર્યવાહી થઈ અને કેટલાને સજા થઈ, તે અંગે બહુ કાંઈ પ્રકાશમાં આવતું હોતું નથી. એટલું જ નહીં, પાલિકા-મહાનગરપાલિકાઓની ફૂડ શાખાઓ તથા સરકારના સંબંધિત વિભાગો માત્ર વાર-તહેવારે જ આ પ્રકારનું ચેકીંગ (રેન્ડમલી) કરતા હોય  છે, અને કેટલાક નોટીસો આપીને તથા નમૂના મેળવીને પ્રેસનોટ પ્રસિદ્ધ કરવામાં આવે છે, પરંતુ ભેળસેળિયા તત્ત્વો, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને હલકી ગુણવત્તાની સામગ્રી વેંચતા લોક સામે થતી કાનૂની કાર્યવાહી તથા થતી સજાની બહુ પ્રસિદ્ધિ થતી નહીં હોવાથી આખી પ્રક્રિયા જ શંકા-કુશંકાના ઘેરામાં આવી જતી હોય છે અને આને ડ્રામેબાજી કે નાટક ગણાવાતું હોય. એટલું જ નહીં, હપ્તાપદ્ધતિની અસર હેઠળ તંત્રો આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો પણ થતા હોય છે, તેથી આ પ્રકારની કામગીરી કર્યા પછી તેની ફલશ્રૂતિ અંગે પણ પ્રેસનોટો બહાર પાડવી જોઈએ, ખરૃં કે નહીં?

જામનગરની ફૂડ શાખાએ તાજેતરમાં સુભાષ માર્કેટ, મટન માર્કેટ, મચ્છી માર્કેટમાં કરેલી ચકાસણી પણ રાજ્ય સરકારના ફૂડ વિભાગે સૂચના આપ્યા પછી થઈ હોય, અને મહાનગરપાલિકાની ફૂડ શાખા વધુ સક્રિય થઈ હોય, તો એવું પણ કહી શકાય કે પાલિકા-મહાપાલિકાની ફૂડશાખાઓ સ્વયંભૂ રીતે જે રોજીંદી ચકાસણી કરતી રહે છે, તેની કોઈ અસર જ નહીં થતી હોય, કે પછી 'હોતી હૈ... ચલતી હૈ...'ની માનસિક્તા કામ કરતી હશે.

જો કે, રાજ્ય સરકારના ફૂડ વિભાગે સૂચવ્યા પછી જામનગરના ફૂડ સેફ્ટીના સ્ટાફે નગરના રેસ્ટોરન્ટો, હોટેલો, ફાસ્ટફૂડના સ્ટોલો, લારી-ગલ્લાના ચેકીંગ દરમિયાન ધંધાર્થીઓને કીચન, ફ્રીઝ, વાસણો તથા પીરસવાના સ્થળોમાં સ્વચ્છતા રાખવા, ખોરાક, પીણાઓ તથા પાણીની ગુણવત્તા જાળવવા અને ફૂડ સેફ્ટીના તમામ નિયમોનું પાલન કરવા તથા ચીમની કે ધૂમાડા દ્વારા પ્રદૂષણ ન ફેલાય તેવી  તકેદારી રાખવા સૂચનાઓ સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું, તે પણ અત્યંત જરૂરી અને ઉપયોગી જણાયુ હોવાના પ્રતિભાવો છે.

ટૂંકમાં ગંદકી, ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનું વેંચાણ કરનાર સામે કડકમાં કડક કાનૂની કદમ ઊઠાવવાની સાથે સાથે આવુુ થતું જ અટકે તે માટેની જાગૃતિ ફેલાવવા તથા ધંધાર્થીઓને પ્રેમપૂર્વક પ્રશિક્ષિત કરવાનો અભિગમ પણ આજના સમયની માંગ છે, દંડ કરો, કાનૂનનો દંડો ઉગામો પપણ સાથે સાથે જાગૃતિ પણ ફેલાવો...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial