આજે ભગવાન ઈશુ ખ્રિસ્તીનો જન્મ દિવસ છે, જેને આપણે નાતાલ તરીકે ઓળખીયે છીએ. ખ્રિસ્તીધર્મનો આ તહેવાર પણ હવે દિવાળીની જેમ જ સાર્વજનિક અને રોજગાર વૃદ્ધિનું માધ્યમ બની રહ્યો છે. નાતાલના મીની વેકેશનમાં પણ દિવાળી વેકેશનની જેમ જ યાત્રાધામ દ્વારકામાં યાત્રિકો અને પર્યટકો ઉભરાઈ રહ્યા છે, તેવી જ રીતે છોટીકાશી સહિત સૌરાષ્ટ્રના અન્ય યાત્રા-પર્યટન સ્થળોમાં પણ નાતાલના તહેવારોની ચહલ-પહલની સાથે સાથે પ્રવાસીઓની ભીડ પણ વધી રહેલી જોવા મળે છે. જામનગરના સ્થાનિક દર્શનીય અને હરવા-ફરવાના સ્થળો ઉપરાંત બરડા ડુંગર સહિતના નજીકના પૌરાણિક-ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થળોમાં પણ લોકો મોજ-મસ્તી સાથે યાત્રા-પર્યટનનો આનંદ ઊઠાવતા જોવા મળી રહ્યા છે.
સૌરાષ્ટ્રના યાત્રાધામો તથા નગરો-મહાનગરોમાં ઘણાં સ્થળે હવે ઈલેક્ટ્રીક-રિક્ષા ફરતી જોવા મળી રહી છે. તે ઉપરાંત એસ.ટી. તથા કેટલાક શહેરોની સિટીબસો પણ હવે ઈલેક્ટ્રીક સિસ્ટમથી ચાલે છે. પર્યાવરણની સુરક્ષા તથા વૈકલ્પિક ઈંધણને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારતે દુનિયામાં જે પહેલ કરી છે, તેની ચર્ચા હવે ગ્લોબલ પ્લેટફોર્મ્સ પર પણ થવા લાગી છે.
આપણા દેશમાં અત્યારે રાજકીય ક્ષેત્રે પણ 'વૈકલ્પિક' ઊર્જાની જેમ જ મોદી પછીની 'વૈકલ્પિક' સંભવિત નેતાગીરીની ચર્ચા થતી રહે છે, અને તેમાં અમિત શાહ ઉપરાંત નીતિન ગડકરીનું નામ પણ અગ્રતાક્રમે ચર્ચાતું રહે છે. નીતિન ગડકરીના કારણે જ દેશમાં માર્ગો-ધોરીમાર્ગો તથા ફ્લાય ઓવર બ્રીજોનું અદ્યતન નેટવર્ક વિસ્તરીરહ્યું છે, અને ઈલેક્ટ્રીક વાહનોના ક્ષેત્રે ઈનોવેટિવ આઈડિયાઝ ધરાવતા ગડકરીએ ઈવી માર્કેટને પણ ટૂંકા સમયમાં ધમધમતું કર્યું છે, તે એક હકીકત છે. ગડકરી ચોખ્ખુંચણાક બોલનારા તથા પ્રયોગાત્મક દીર્ઘદૃષ્ટિ ધરાવતા હોવાથી કદાચ કોઈને ખાર (ઈર્ષ્યા) થાય, કે તેના વધી રહેલા કદના કારણે 'અણગમો' થાય, તો પણ સંઘનું પીઠબળ હોવાથી ગડકરીને કદ પ્રમાણે વેતરી શકાય નહીં, તેમ ઘણાં વિશ્લેષકો માને છે.
અત્યારે તો સંઘ સામે કેટલાક સંતોએ પણ આક્રોષ દાખવ્યો હોવાના અહેવાલો પછી એક અલગ જ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે, પરંતુ ગડકરીના ઈનોવેટિવ આઈડિયાઝ તથા યોગીની યુપી ફેઈમ રાજનીતિના અહેવાલો પણ અત્યારે પ્રથમ હરોળમાં ચમકી રહ્યા છે. ખાસ તરીકે ગડકરીની 'ઈલેક્ટ્રીકલ વ્હીકલ' અંગેની ફોર્મ્યુલા પર્યાવરણપ્રેમીઓને જ નહીં, માર્કેટના માધાંતાઓને પણ ગમવા લાગી હોય તેમ જણાય છે.
તેમણે એક કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું કે ભારતમાં ઈ.વી. માર્કેટમાં દશગણો વધારો થવાનું પોટેન્શીયલ (શક્યતા) છે. ભારત ઈલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન ઝડપભેર વધારીને આગામી પાંચ વર્ષમાં વિશ્વમાં ઓટોમોબાઈલના ક્ષેત્રે નંબર વન ઉત્પાદક બની શકે છે. ગડકરીએ એવો સંકેત પણ આપ્યો કે કેન્દ્ર સરકારના આગામી બજેટમાં પણ ઈવી માર્કેટને પ્રોત્સાહન આપવાની વિશેષ જોગવાઈઓ થઈ શકે છે.
અત્યારે પણ આપણો દેશ ઓટો ઈન્ડસ્ટ્રીઝમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે અને જો ઈ.વી. માર્કેટને પ્રોત્સાહન મળે તો આ ક્ષેત્રે ટોપ પર ઝડપથી આવી શકે છે. વર્ષ ર૦૩૦ સુધીમાં ઈવી માર્કેટ અબજો રૂપિયાને આંબી જશે અને તેના થકી કરોડો નોકરીઓ ઊભી થશે, તેવો આશાવાદ પણ ગડકરીએ વ્યક્ત કર્યો છે.
આ ક્ષેત્રના નિષ્ણાતોના મંતવ્યો મુજબ મધ્યમ વર્ગનો રોજીંદો પેટ્રોલ-ડીઝલનો ખર્ચ બચાવતા ઈલેક્ટ્રીક વાહનો ઝડપભેર વ્યાપ વધારવાની આડે તેની ચાર્જીંગ વ્યવસ્થાની ઉણપ આવી રહી છે. ઈવીની વ્યાપક્તાની સાથે સાથે ચાર્જીંગ સ્ટેશનો પણ ઝડપભેર ઊભા થવા જોઈએ. એટલું જ નહીં, ઈવીમાં ઊભી થતી ઋતુગત તથા સિસ્ટોમેટિક ખરાબીઓની તત્કાળ મરામત વાજબી ખર્ચે થઈ શકે, તેવા સ્થળો (ગેરેજ) પણ ઠેર-ઠેર ઊભા થાય તે જરૂરી છે.
જ્યારે ગેસ આધારિત વ્હીકલો શરૂ થયા, ત્યારે પણ ફીલીંગ સ્ટેશનો ઓછા હતાં, પરંતુ વાહનોની સંખ્યા વધી તેમ તેમ આ પ્રકારના ફીલીંગ સ્ટેશનો પણ ડીઝલ-પેટ્રોલ પંપની જેમ જ ઠેર-ઠેર ઊભા થવા લાગ્યા, તેવી જ રીતે ઈલેકટ્રીક વ્હીકલ્સ માટે પણ ઠેર-ઠેર ચાર્જીંગ સ્ટેશનો ઊભા થાય, તો જ ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધે અને તેનું પ્રોડક્શન વધે, તે અત્યંત જરૂરી છે. એમ પણ કહી શકાય કે ઈલેક્ટ્રીક વાહનોની ઉપયોગિતા તથા માંગ વધારવા માટે ઠેર-ઠેર ચાર્જીંગ સ્ટેશનો તથા તેની નજીકમાં જ મરામતની સુવિધા ધરાવતા સરકારી કે પ્રાઈવેટ ગેરેજ જેવા સ્થળોની વ્યવસ્થા થવી અનિવાર્ય છે. અત્યારે ઈવી ઉદ્યોગની સૌથી મોટી અડચણ ચાર્જીંગ સ્ટેશનો તથા જરૂર પડ્યે તત્કાળ મરામતની વ્યવસ્થાઓનો અભાવ છે. જો આ અડચણો ઝડપભેર દૂર થઈ જશે, તો ઈલેક્ટ્રીક વાહનોની પાંખે જ ભારતનો ઈવી ઉદ્યોગ સિદ્ધિઓની ઊંચાઈઓ પ્રાપ્ત કરશે, પરંતુ જો આ અડચણો સમયસર દૂર નહીં થાય, તો ઈવી માર્કેટનું બાળમરણ થઈ જશે અને ગડકરીનું સ્વપ્ન રોળાઈ જશે, તેવી આશંકાઓ વ્યક્ત થાય, તો તેમાં પણ વજુદ છે. આ અંગે મોદી સરકાર તથા ઈવી ક્ષેત્રે કાર્યરત સરકારી મશીનરી (બ્યુરોક્રેસી) પણ સતર્ક હશે જ ને?
જો ભારતમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વાહનોનું ઉત્પાદન વધે, તેમાં સરકાર ગ્રાહકોને માતબર સીધી સબસીડી આપે અને લોકોમાં ઈવીના ઉદ્યોગથી થતા સાર્વજનિક અને વ્યક્તિગત ફાયદાઓની સમજ વધે, તો હવાઈ પ્રદૂષણ ઓછામાં ઓછું પ૦ ટકા ઘટી જાય (ઓછું થઈ જાય). તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા વધે, તો દેશની પેટ્રોલિયમ પેદાશોની જરૂરિયાતો ઘટે, અને તેના કારણે દેશવાસીઓને તો ફાયદો થાય જ, પરંતુ દેશની આર્થિક મજબૂતી પણ વધી શકે છે. એક અંદાજ મુજબ આગામી પાંચ વર્ષમાં ભારતના ઈવી માર્કેટ ૧૧પ અબજ ડોલરની આસપાસ હશે, જે એક અનોખી સિદ્ધિ જ ગણાશે.
આપણા દેશમાં દ્વિચક્રીય તથા ત્રિચક્રીય ઈવી વાહનો (સ્કુટર, રિક્ષા વગેરે) ની સંખ્યા વધી રહી છે અને હવે ઈલેક્ટ્રીક કાર તથા ઈલેક્ટ્રીક બસોનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શાળા-કોલેજો તથા સરકારી, અર્ધસરકારી તંત્રો અને પબ્લિક પરિવહનમાં ઈવીનો ઉપયોગ વધારાઈ રહ્યો છે, તે આશાનું કિરણ છે.
'નોબત'ના પ્રિય વાચકો તથા 'નોબત' સાથે સંકળાયેલા સૌ કોઈને તથા ક્રિશ્ચિયન જનસમુદાયને 'નોબત' પરિવાર તથા માધવાણી પરિવાર નાતાલની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial