જામનગર મહાનગરપાલિકા દ્વારા થતા કેટલાક ખર્ચાઓની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે, અને મેગા પ્રોજેક્ટોથી લઈને માંડવાઓ સુધીના મુદ્દાઓની ગરમાગરમ ચર્ચા થઈ રહી છે. બીજી તરફ વધી રહેલી ઠંડી વચ્ચે પણ આ પ્રકારે ટોપ ટુ બોટમ તથા સડકથી સંસદ સુધી થતી ચર્ચાઓ ગરમી વધારી રહી છે.
જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં ટૂંક સમયમાં એસ.ટી. ડેપો ખસેડીને હાલના બસડેપોના સ્થળે અદ્યતન બસપોર્ટ ઊભું થશે, તેવા અહેવાલો પછી લોકો પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસ.ટી. ડેપો કામચલાઉ ધોરણે શરૂ થાય, તે પહેલા સાત રસ્તા પર ફ્લાય ઓવર બ્રીજનું કામ પૂરૃં થઈ જાય અને આડસો દૂર કરીને રસ્તાઓ ખુલ્લા થઈ જાય, તેવું ઈચ્છી રહ્યા છે, કારણ કે અત્યારે જ અહીં ટ્રાફિક જામની સમસ્યા ઘેરી બની ગઈ છે, ત્યારે જો પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસ.ટી. ડેપો કામચલાઉ ધોરણે શરૂ થાય, અને ફ્લાય ઓવર બ્રીજનું કામ ચાલતું હોય, તો ટ્રાફિક જામ ઉપરાંત વાહનો તથા લોકોની સુરક્ષા તથા સલામતિ જાળવવાનું અઘરૂ થઈ પડે તેમ છે. આ અંગે જિલ્લા તંત્ર સતર્ક હશે ને?
બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા થતા કેટલાક જરૂરી અને કેટલાક બિનજરૂરી ખર્ચાઓ અંગે પણ બે દિવસથી ચર્ચાઓ થઈ રહી છે. તેમાં પણ શ્રાવણી મેળામાં માત્ર એક પખવાડિયા માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઊભા કરાયેલા મંડપનું ભાડુ જ જો ૩૪ લાખ ચૂકવાયું હોય, તો તેના સંદર્ભે સવાલો ઊઠે એ સ્વાભાવિક જ છે ને?
આમ પણ ટાઉનહોલનું ઉદ્ઘાટન એક નાટકનું મંચન કરીને થયા પછી ટાઉનહોલની મરામતની આખી પ્રક્રિયા જ ચર્ચાની એરણે ચડી છે, અને લાંબા સમય સુધી ટાઉનહોલ બંધ રાખીને તેનું રિનોવેશન જે જંગી ખર્ચે થયું, તે પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. ઘણાં લોકો કહે છે કે, શ્રાવણી મેળા માટે જે મંડપ ખર્ચ થયો, તેટલા ખર્ચમાં તો કોઈ જ્ઞાતિ-સમાજના સમૂહલગ્ન થઈ જાય, અને જે જંગી ખર્ચે ટાઉનહોલનું રિનોવેશન કરાયું, તેટલા ખર્ચે તો એક નવો અદ્યતન ટાઉનહોલ જ ઊભો થઈ જાય, જે હોય તે ખરૃં, પણ આ ચર્ચા તદ્ન અસ્થાને તો નથી જ ને? એક કહેવત છે કે જો આગ લાગી હોય તો જ ધૂમાડો થાય ને? આગને ગૂપચૂપ બુઝાવી શકાય, પરંતુ તેના કારણે ઊડતા ધૂમાડો જ ઘણુ બધું કહી જતો હોય છે, ખરૃં કે નહીં?
જો કે, ઘણાં લોકો અત્યારની મહામોંઘવારીને ટાંકીને આ પ્રકારના જંગી ખર્ચાઓને જસ્ટીફાય કરતા હોય છે, પરંતુ આ પ્રકારના જસ્ટીફિકેશનો જ પ્રવર્તમાન શાસનમાં મોંઘવારીનો માર વધ્યો હોવાની હકીકતને પણ ઉજાગર કરે છે, ખરૃં ને?
જામનગર જ નહીં, રાજ્ય અને દેશભરમાં જ્યાં જ્યાં વિકાસના માચડા ઊભા થઈ રહ્યા છે, ત્યાં ત્યાં આ જ પ્રકારના આક્ષેપો પણ થતા જ રહેતા હોય છે. હજુ એટલી જાગૃતિ નથી આવી કે ભ્રષ્ટાચારના આ આક્ષેપોને પૂરવાર કરતા પુરાવા લઈને લોકો લોકાયુક્તો, લોકપાલો કે અદાલતોમાં જાય... એવું થવા લાગશે, ત્યારે જ આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર અટકશે, કારણ કે આક્ષેપો નક્કર હોય, તો તે પૂરવાર થશે અને આક્ષેપોમાં દમ નહીં હોય, તો ખોટા આક્ષેપો કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવાના દરવાજા પણ ખૂલી જશે, જો ક આવું થવું ઘણું જ મુશ્કેલ છે, કારણ કે સામાન્ય લોકોની પોતાના ઘર-પરિવાર અને ગુજરાન ચલાવવા તથા બે છેડા ભેગા કરવામાં જ જિંદગી નીકળી જાય છે, જ્યારે નેતાઓ પોતપોતાની 'કારકિર્દી'માં વ્યસ્ત હોય છે. બીજી દૃષ્ટિએ એમ પણ કહી શકાય કે 'હમામ મેં સબ નંગે હૈ...' 'તેરી બી ચૂપ ઔર મેરી બી ચૂપ...!'
ગુજરાતમાં તો હરણી, ટીઆરપી ગેમઝોન, વિવિધ જમીન કૌભાંડો, ખ્યાતિ કૌભાંડ, આયુષ્માન યોજનાનું કૌભાંડ, પોન્ઝીકાંડ, બોગસ ડીગ્રી, બોગસ ડોક્ટર, નસબંધીકાંડ, અંધાપાકાંડ, દુષ્કર્મકાંડો, 'નકલી' કાંડો તથા આરોગ્ય, શિક્ષણ તથા કૃષિક્ષેત્રે ચાલતા કૌભાંડોએ આખા દેશનું ધ્યાન ખેંચાય, તેવી સનસનાટી મચાવી છે. બીજી તરફ શાસકો 'સબ સલામત હૈ...' અને ગુજરાતને દેશનું 'મોડલ' સ્ટેટ ગણાવીને વિકાસના ગ્રોથ એન્જિનનું ગૌરવ પણ લઈ રહ્યા છે. આમાં સાચું કેટલું, ખોટું કેટલું અને સ્વીકૃત કેટલું, તે જનતાએ જ નક્કી કરવાનું છે ને?
દેશને આઝાદી મળી, તે પછી સરકારો બદલતી રહી, પક્ષો બદલતા રહ્યા, નેતાઓ બદલતા રહ્યા, નીતિઓ બદલતી રહી અને નિર્ણયો પણ બદલતા રહ્યા, પરંતુ ન બદલી શકાયું હોય તો તે છે ભ્રષ્ટ સિસ્ટમ... જે તંત્ર, રાજનીતિ અને હવે તો ઉચ્ચકક્ષા સુધી પહોંચી છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial