Sensex

વિગતવાર સમાચાર

શાક માર્કેટમાં ભાવતાલ

*રાહુલ ગાંધીએ શાક માર્કેટમાં જઈને શાકના ભાવ પૂછ્યા તો એ વાત સમાચાર બની ગઈ. બીજે દિવસે દેશના બધા જ છાપામાં તેની નોંધ લેવાઈ. પરંતુ આપણે રોજ રોજ શાક માર્કેટમાં જઈને બધા જ શાકના ભાવ પૂછીએ, પરંતુ આપણો ભાવ કોઈ ન પૂછે...* નટુએ તેના દિલનું દુઃખ મિત્રો સમક્ષ વ્યક્ત કર્યું.

નટુની વાત સાંભળીને લાલાએ પૂછ્યું, *નટુ, તે શાકભાજીના ભાવ પૂછ્યા, બરાબર ?*

*હા..* નટુએ એકાક્ષરી જવાબ આપ્યો.

*અને પછી તે શાકભાજી ખરીદ્યા, બરાબર ?*

*હા, ખરીદ્યા ને ?* નટુએ જવાબ આપ્યો.

*અહીં જ તે મોટી ભૂલ કરી.. રાહુલ ગાંધીએ  ખરીદ્યા નહોતા...!* લાલાએ હસતા હસતા કહ્યું. લાલાની વાત સાંભળીને નટુ મૂંઝાયો..

નટુની મૂંઝવણ દૂર કરવા લાલાએ સ્પષ્ટતા કરતા કહ્યું, *જો નટુ, રાહુલ ગાંધીને શાકભાજી ખરીદવા જ નહોતા. તેને તો ફક્ત પ્રજાનું દુઃખ જાણવું હતું, જો શાકભાજીના ભાવ વધારે હોય તો આમ જનતા દુઃખી, અને જો શાકભાજીના ભાવ ઓછા હોય તો વેપારી દુઃખી...!! એટલે તેને તો ફક્ત ભાવ જ પૂછ્યા, ખરીદ્યું કશું જ નહીં..!*

વાત તો લાલાની બિલકુલ સાચી હતી. આપણા નેતાઓનું મુખ્ય કામ એક જ છે, પ્રજાના સુખ દુઃખ જાણવાનું. આમ જનતાને પરેશાન કરતા પ્રશ્નો જાણવાના અને સમજવાના. હવે આવા પ્રશ્નોની માહિતી ભેગી કરનાર નેતા જો શાસક પક્ષના હશે તો તે પ્રજાને આશ્વાસન આપશે કે બહુ ઝડપથી તેમની મુશ્કેલીઓ દૂર થશે. અને જો આવા પ્રશ્નો ની માહિતી ભેગી કરનાર નેતા વિરોધ પક્ષના હશે તો તે સરકારને આવેદનપત્ર આપશે, થોડાક દેખાવો કરશે.. પરંતુ પછી શું ?

પછી તો એ નેતાજી, શાસક પક્ષના હોય કે વિરોધ પક્ષના, ફરી એક વખત પ્રજાને પીડનારા પ્રશ્નોની શોધમાં લાગી જશે. સાચા નેતા તો એ જ છે કે જે સતત નવા નવા પ્રશ્નો હાથમાં લે, કારણ કે આપણે પ્રગતિના ઉપર આગળ વધવાનું છે. બાકી આપણે સૌ જાણીએ છીએ કે આમ જનતાની યાદદાસ્ત તો ટૂંકી જ હોય છે, તે તો બધું ભૂલવા જ બેઠી છે, અને ભૂલી પણ જવાની...

દર પાંચ વર્ષે ચૂંટણી થાય, ફરીથી નેતાજી પ્રગટ થાય, નવા જુના વચનો આપે, પરંતુ આ બધું ચૂંટણી સુધી જ. ચૂંટણી જાય એટલે આપણે બધું જ ભૂલી જવાનું, અને નવા સપનાઓ જોવા માટે ફરીથી પાંચ વર્ષ સુધી નવી ચૂંટણીની રાહ જોવાની.

જો કે અહીં વાત ફક્ત શાકભાજીના ભાવની નથી, પરંતુ વાત થાય છે વધતી જતી મોંઘવારીની. તમે ગમે ત્યારે બજારમાં ખરીદી કરવા જાવ, અને તમારે ખરીદવાની વસ્તુના ભાવ પૂછશો તો ખબર પડશે કે બધી જ વસ્તુઓના ભાવ વધી ગયા છે..

અને એક અફવા તો એવી પણ છે કે અવારનવાર બજાર ભાવ જાણવા માટે માર્કેટમાં જતા રાહુલ ગાંધી, આ છેલ્લી શાકમાર્કેટની મુલાકાત પછી ફરી એક વખત લગ્ન કરવાની ના પાડે છે.. !!

મને તો એ પણ વિશ્વાસ છે કે જો સદાય પરણોત્સુક   એવા પોપટલાલને પણ જો બે ચાર વખત શાક માર્કેટમાં ખરીદી માટે મોકલવામાં આવશે તો તેઓ કદી પણ  પરણવાની ડિમાન્ડ કરશે નહીં !!

વિદાય વેળાએ : કેવળ બે પ્રકારના પુરુષો જ સ્ત્રીને નથી સમજી શકતા, પરણેલા અને કુવારા....

બાકી જેણે સ્ત્રીને સમજી લીધી છે એ તો જુનાગઢ છે... કોન સુખેથી ઈશ્વરના ભજન કરે છે..!!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial